(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) તેઓશ્રીની મહાસમાધિ બાદ ૨૨ ઓગસ્ટ, ૧૯૯૮ના રોજ આયોજિત સ્મૃતિ-સભામાં આત્મસ્થાનંદજી મહારાજે આપેલ અધ્યક્ષીય ભાષણનો ડૉ. મુન્નીબહેન માંડવિયાએ કરેલ ગુજરાતી સારાંશ અત્રે પ્રસ્તુત છે. અનુવાદિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. – સં)
શ્રીઠાકુરની કૃપાથી મેં પૂજ્યપાદ ભૂતેશાનંદજી મહારાજના ઘનિષ્ઠ સાંનિધ્યનો લાભ મેળવેલ છે. તેમજ આ સાંનિધ્યની જે બે-ચાર વાતોની મારા મન ઉપર ગંભીર રૂપથી જે રેખાઓ ખેંચાઈ ગઈ છે તે હું આપ સૌને કહીશ.
સૌ પ્રથમ તો અહંકારનું કોઈ ચિહ્ન મેં તેમના આચાર-વ્યવહારમાં જોયેલ નથી. હું એક મહાન માણસ છું તેવું તેમનામાં જરા પણ અભિમાન નહોતું. તેઓ જ્યારે શિલોંગ આશ્રમના અધ્યક્ષ હતા ત્યારે હું સ્વામી વિરજાનંદજી મહારાજના સેવક તરીકે ત્યાં ગયો હતો. ત્યારે આશ્રમમાં રહેવા માટે કક્ષની સગવડતા ઓછી હતી. જે સારો ઓરડો હતો તેમાં વિરજાનંદજી મહારાજ રોકાયા હતા. અને ત્યાંના અધ્યક્ષ ભૂતેશાનંદજી મહારાજ અમારી સાથે એક જ ઓરડામાં રહેતા હતા. બધી બાબતોમાં બહુ જ વિનય જોવા મળતો.
ત્યારે હું પરમાધ્યક્ષની સાથે ગયો હતો અને તેમની સેવા વગેરેમાં રોકાયેલ હતો. ત્યાર પછી સ્વામી ભૂતેશાનંદજી સાથે મારો સંપર્ક રાજકોટમાં થયો. તેમણે મને રાજકોટ આશ્રમનો ભાર સોંપ્યો હતો. તેઓ જુદા જુદા લોકો સાથે મારો પરિચય કરાવવા માટે જુદી જુદી જગ્યાઓએ લઈ જતા હતા. શું આશ્ચર્ય! તેઓ એક ટ્રસ્ટી હતા અને સહસચિવ તરીકે બેલુર મઠ આવવાના હતા, પરંતુ હું તેમની સાથે જ્યાં જતો ત્યાં લગભગ રેલગાડીમાં તૃતીય શ્રેણીના ડબ્બામાં જતો.
અમે જ્યાં જતા હતા ત્યાં આશ્રમ તો હોય નહીં તેથી કોઈ ભક્તના ઘરમાં રહેવું પડતું હતું. એક જ ઓરડામાં એક પલંગમાં હું અને બીજામાં તેઓ સૂતા. ખાવું-પીવું, શૌચાદિ વગેરે સાથે જ કરતા. કોઈ રીતે સમજી ન શકાતું કે તેઓ એક ટ્રસ્ટી તેમજ પંડિત છે. બધી જ બાબતોમાં એક સામાન્ય વ્યક્તિ જેવો જ વ્યવહાર. તેઓ જ્યારે પરમાધ્યક્ષ થઈને બેલુર મઠ આવ્યા ત્યારે હું તેમના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યો. કારણ કે ત્યારે હું સહસચિવ થઈને બેલુર મઠ આવી ગયો હતો. ત્યાં પણ તેમનો અહંકાર વિહીન સ્વભાવ જોયો.
બીજું, મેં તેમને ક્યારેય કઠોર વ્યવહાર કરતા જોયા ન હતા. હંમેશાં પ્રેમથી વાતચીત કરતા. જરૂર પડે તો દૃઢતાથી બોલતા પણ રુક્ષભાષાનો પ્રયોગ ન કરતા. કઠોર થવું તે તેમના સ્વભાવમાંથી નીકળી જ ગયું હતું. વ્યર્થ દ્વન્દ્વ કરવામાં તેઓ પડતા નહીં. કોઈ વિશેષ પરિસ્થિતિમાં તેઓ સમજી જતા કે આમાં ચર્ચા કરવી વ્યર્થ છે, ત્યારે ચૂપ થઈ જતા. પરંતુ સંઘગુરુના રૂપમાં જે કંઈ વિચારવાનું હોય કે કરવાનું હોય તેમાં કોઈ ત્રુટિ તેમણે કરી હોય તેવું મેં જોયું નથી.
ખૂબ વિચક્ષણતા સાથે પોતાના કર્તવ્યનું પાલન કરતા. પરંતુ તેમનો વ્યવહાર મધુર હતો. તેમને મળવા રોજ લોકો દૂર દૂરથી આવતા હતા. શા માટે આવતા હતા? તેઓ કોઈ ચમત્કાર કે જાદુ કરતા નહીં, કોઈ તાવીજ આપતા નહીં. તેમના પાંડિત્યના કારણે આવતા, તેવું પણ હતું નહીં. તો કયા આકર્ષણથી આવતા? તે આકર્ષણ હતું તેમનો પ્રેમ.
પ્રેમ જ તેમના ચરિત્રનું સૌથી મોટું માધુર્ય હતું. મેં જેમની સાથે વાતચીત કરેલ છે, તેમણે એક જ વાત કરી છે—તેમનો પ્રેમ. તેમનો સ્વભાવ હતો પૂર્ણ પ્રેમસ્વરૂપ. ભક્તિ એટલે એકાંતિક ભગવત્પ્રેમ અને તેમનું હૃદય ભક્તિથી, ભગવત્પ્રેમથી પરિપૂર્ણ હતું. તેના કારણે તેમના આચાર-વ્યવહારમાં તે પ્રેમ પ્રકાશિત થતો. તેમજ લોકો જાણ્યે-અજાણ્યે તે દૈવીપ્રેમ, દૈવીકરુણા, દૈવીસ્નેહનો સ્પર્શ પામવા માટે તેમની પાસે આવતા.
મારે વિદેશયાત્રામાં જવાનું નક્કી થયું ત્યારે મારા મનમાં દ્વન્દ્વ હતો. તેમની ઉંમર વધી ગયેલ અને સ્વાસ્થ્ય પણ બરાબર નહોતું. તેથી ગમે ત્યારે કંઈક થઈ શકે. મેં જઈને તેમને કહ્યું, “તમારા માટે મારા મનમાં એક અશાંતિ છે. આપ ગમે ત્યારે ચાલ્યા જાઓ અને હું ઘણે દૂર પડ્યો રહું.”
આ સાંભળીને તેઓ બોલ્યા, “ના, ના. તમે કોઈ ચિંતા ન કરો. હું હમણાં મરવાનો નથી. તમે વિદેશ જઈ આવો.” પછી હું વિદેશયાત્રા પર ગયો અને દર ત્રીજા દિવસે ફોન કરતો. પાછા આવવાના ૧૫ દિવસ પહેલાં જ્યારે ફોન કર્યો ત્યારે તેમણે પૂછેલું કે ક્યારે પાછો આવું છું? મેં કહ્યું કે ૪ ઑગસ્ટે પાછો આવું છું. તેમણે કહ્યું, “અરે બાબા, ૪ ઑગસ્ટ, હજુ પણ આટલા દિવસો!”
આ સાંભળીને મારું હૃદય કંપી ઊઠ્યું. સાથે સાથે મેં તેમને કહ્યું, “જે કાર્ય માટે અહીં આવ્યો હતો તે થઈ ગયું છે, તો ટિકિટની તારીખ બદલીને બે-ત્રણ દિવસમાં ત્યાં આવી જાઉં?” તો તેમણે કહ્યું, “ના ભાઈ, કોઈ કંઈ કરો નહીં. તમે યાત્રા પૂરી કરીને આવશો ત્યાં સુધી હું રહીશ.” પછી હું નિશ્ચિંત થઈ ગયો અને નિયત તારીખે ૪ ઑગસ્ટે બેલુર મઠ પહોંચ્યો. ૫મી તારીખે સવારે તેમને હું મળ્યો. મારા ઉપર ખૂબ સ્નેહવર્ષા કરી.
મેં તેમના મુખમાં ચોકલેટ મૂકી તથા તેમણે પણ મને ચોકલેટ આપી. હું થાકેલો હતો તેથી મેં વિચાર્યું કે આરામ કરીને પછી તેમની સાથે વિસ્તૃત રીતે વાતચીત કરીશ. તેથી મારા કક્ષમાં આવી ગયો. બસ! હજુ હું આરામ કરતો હતો ત્યાં તેઓ અચાનક સાંજે ૫ વાગ્યે પિયરલેસ હૉસ્પિટલમાં જતા રહ્યા. બધાએ વિચાર્યું કે હું સૂઈ ગયો છું. તેથી જગાડવાનું બરાબર નહીં લાગ્યું હોય.
બધું સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું. મનમાં વિચારવા લાગ્યો કે આ શું થઈ ગયું? પછી યાદ આવ્યું કે સવારે તેમને મળ્યો ત્યારે મારી સામે કરુણાભાવથી જોઈ રહ્યા હતા. હું સમજી શક્યો નહોતો કે આવું કેમ કરે છે? મેં તેમને પૂછ્યું પણ ખરું કે કંઈ કહેવાનું છે? પરંતુ તેમણે ના કહી. ૬ તારીખે જ્યારે હૉસ્પિટલે તેમને મળવા માટે ગયો તો ત્યાં પણ કોઈ વાતચીત નહીં. માત્ર જોયા જ કરતા હતા. મેં હાથથી હલાવી જોયા. તેઓ થોડું હસ્યા, બસ થઈ ગયું.
આવા અસામાન્ય વ્યવહારથી મારું મન ઉદાસ થઈ ગયું. જ્યારે ઑપરેશન કરવાનું નક્કી થઈ ગયું ત્યારે ડૉ. વિમલેન્દુ મુખર્જી તેમના આશીર્વાદ લેવા માટે ગયા પણ તેમણે આશીર્વાદ આપ્યા નહીં. જ્યારે ભારપૂર્વક પૂછ્યું ત્યારે અંતે તેમણે કહ્યું, “હવે ઘણું મોડું થઈ ગયું છે.” (અર્થાત્ આશીર્વાદ આપવાનો સમય ચાલ્યો ગયો છે). આ સાંભળીને બધા લોકો ચોંકી ઊઠ્યા. તેમને ચોક્કસ બધી જ ખબર હતી. તમે વિદેશથી આવો ત્યાં સુધી હું રહીશ, વગેરે તેમણે મને કહેલું. ત્યાર પછી આવું થશે તે મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.
મેં પહેલાં જ કહ્યું છે કે તેઓ પ્રેમની પ્રતિમૂર્તિ હતા. ભગવાન તો પ્રેમસ્વરૂપ છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ગાદી ઉપર જે બેસે છે (અર્થાત્ જે પણ સંઘાધ્યક્ષ બને છે) તેઓ કરુણાના અવતાર થઈ જાય છે.
શ્રીરામકૃષ્ણદેવ કરુણાવશ અવતીર્ણ થયા હતા—મનુષ્યની રક્ષા કરવા માટે, તેમને માર્ગ બતાવવા માટે, તેમનો ઉદ્ધાર કરવા માટે. તેથી શ્રીરામકૃષ્ણની ગાદી ઉપર જે લોકો બેસે છે તેઓ તેમનું ધ્યાન ધરીને તેમની જ સત્તા પ્રાપ્ત કરે છે, તેમની અંદર તેમનો જ પ્રકાશ દેખાય છે.
સ્વામી ભૂતેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણની આવી મૂર્તિ બનીને બેઠા હતા, તેઓ છે અને રહેશે. આપણે તેમની ભક્તિ કરીએ. આપણે તેમના બતાવેલા માર્ગ પર આગળ વધીએ. તેમના બતાવેલા માર્ગ પર ચાલવાથી આપણી ઉપર તેમના આશીર્વાદની વર્ષા થશે.
Your Content Goes Here




