ઈ.સ. ૧૮૯૩ના જુલાઈના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મ પરિષદ માટે શિકાગો ગયા હતા. પરિષદ શરૂ થવા માટે ઘણો સમય બાકી હતો. શિકાગોમાં મોંઘવારી બહુ હતી. એના પ્રમાણમાં બોસ્ટન સસ્તુ હતું. ખર્ચ ઓછો કરવા માટે સ્વામીજી બોસ્ટન ચાલ્યા ગયા અને ૯મી સપ્ટેમ્બરના રોજ બોસ્ટનથી શિકાગો આવી ગયા. સર્વધર્મસમન્વય પરિષદનું સરનામું ક્યાંક એમનાથી ખોવાઈ ગયું. બોસ્ટનથી શિકાગો આવતાં ટ્રેનમાં તેમની ભારતીય વેપારી સાથે મુલાકાત થઈ અને ઘણી વાતો થઈ. તે વેપારીએ તેમને પરિષદની જગ્યા સુધી પહોંચાડવાની ખાતરી આપી. પરંતુ ટ્રેનથી ઉતર્યા બાદ તે ક્યાંક ચાલ્યા ગયા. સ્વામીજીએ રેલવે સ્ટેશન પર પરિષદના સ્થળ વિશે ઘણી પૂછપરછ કરી પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહિ. અજાણ્યો દેશ હોવાથી તેઓ ખૂબ હતાશ થઈ ગયા. ચામડીનો ઘઉંવર્ણ જોઈ અમેરિકન લોકો મોઢું ફેરવી લેતા હતા. 

તેઓ આખી રાત ઠંડીમાં માલગાડીના ડબ્બામાં બેસી રહ્યા. તે સમયે ત્યાં ખૂબ ઠંડી હતી. સવાર પડતાં સ્વામીજી ઊઠ્યા અને ચાલતા એક ફેશનેબલ લત્તામાં જઈ પહોંચ્યા. ખૂબ ભૂખ્યા હોવાથી, એમણે એક સાચા સંન્યાસીને છાજે એવી રીતે ભારતની પેઠે બારણે બારણે ભિક્ષા માગવાનું અને ધર્મસભાની કમિટીની ઓફિસ શોધી કાઢવાનું શરૂ કર્યું; પરંતુ ધૂળથી મેલાં થયેલાં કપડાં અને મુસાફરીને અંતે થાકી ગયેલા ચહેરાને લીધે એમને ખૂબ કડવા અનુભવો થયા. કોઈએ તોછડાઈ દાખવી, તો કોઈએ અપમાન કર્યું. એથી એમના હૃદયને ખૂબ આઘાત લાગ્યો. એ આગળ ને આગળ ચાલતા રહ્યા. છેવટે થાકીને એટલા લોથપોથ થઈ ગયા કે રસ્તાની એક બાજુએ શાંતિથી બેસી ગયા; ઈશ્વર સુઝાડે તે કરવું એવો નિર્ણય કર્યો. જીવનમાં અમુક વસ્તુઓ નાટકીય ઢબે બનતી હોય છે. સ્વામીજીના આશ્ચર્ય વચ્ચે સામેના મોટા મકાનનું બારણું ઊઘડ્યું. તેમાંથી શાંત, સૌમ્ય ચહેરાવાળા પ્રૌઢ મહિલા સ્વામીજીની પાસે આવ્યાં. તેમણે અત્યંત મૃદુ અને સ્નેહાળ શબ્દોમાં કહ્યું: ‘આપ શું સર્વધર્મ પરિષદ માટે આવ્યા છો?’ એ જાજરમાન સ્ત્રી હતાં શ્રીમતી બેલી જ્યોર્જ ડબલ્યુ. હેઈલ.

સ્વામીજીએ પ્રત્યુત્તર આપ્યો, ‘જી હા.’ શ્રીમતી હેઈલે કહ્યું: ‘આપ મારા ઘરે પધારો.’ તેઓ સ્વામીજીને અત્યંત આદર સાથે ઘરે લઈ ગયાં. તેમણે સ્વામીજી માટે એક ઓરડાની અને જમવાની વ્યવસ્થા કરી. એ સ્ત્રી એક મોટા ઉદ્યોગપતિનાં પત્ની હતાં. તેમનાં પતિ શ્રી જ્યોર્જ ડબલ્યુ. હેઈલ એક લોખંડની ફેક્ટરીમાં ઉચ્ચપદ પર હતા. તેઓ અતિ ધનાઢ્ય હતા. બંને પતિપત્ની ખૂબ જ સ્નેહાળ, ઉદાર તેમજ સુસંસ્કારી હતાં. ગરીબોને ખૂબ મદદ કરતાં હતાં. બંને ખૂબ ભણેલ તેમજ દૂરદર્શી હતાં. વિનમ્રતા તેમજ લાગણીશીલતા તેમના વિશેષ ગુણો હતા. હંમેશાં કાર્યમાં વ્યસ્ત હોવા છતાં સામાજિક તેમજ ધાર્મિક કાર્યોમાં વિશેષ રુચિ રાખતાં હતાં.

જે વિશ્વધર્મ પરિષદ માટે હિંદુ સંન્યાસી આવેલ હતા તેમની અમેરિકન લોકોએ અવગણના, તિરસ્કાર કર્યો હતો, તેમને કોઈએ આશ્રય આપ્યો ન હતો; પરંતુ ‘જેવી પરમેશ્વરની ઇચ્છા’, એમ માનીને રસ્તાના કિનારે બેઠેલ એ જ હિંદુ સંન્યાસી વિશ્વ વિખ્યાત થવાના હતા તે અમેરિકન લોકોને ક્યાં ખબર હતી! પરંતુ માયાળુ શ્રીમતી હેઈલે તેમના તરફ જોઈ તેમને આદરપૂર્વક પોતાના ઘરે રાખ્યા. તેમણે જ સ્વામીજીને વિશ્વ ધર્મપરિષદમાં ભાગ લેવા માટે ખૂબ જ મદદ કરી. દુનિયાભરના દરવાજા તેમને કારણે જ આ હિંદુ સંન્યાસી માટે ખૂલી ગયા. સ્વામીજી સાથેની વાતચીત દરમિયાન બંનેને સ્વામીજીનાં જ્ઞાન, પાંડિત્ય, વિદ્વત્તા, બીજા વિદ્વાનો કરતાં અનેકગણું વધારે છે તે તેમને સમજાઈ ગયું. સ્વામીજીની તેજસ્વી આંખ, તેમનો પ્રગાઢ આત્મવિશ્વાસ તેમજ અંતરની આધ્યાત્મિકતા જોઈ શ્રીમતી હેઈલે કહ્યું: ‘આ કોઈ અતિ ઉચ્ચ કોટિના મહાપુરુષ છે.’

શ્રીમતી હેઈલ સ્વામીજી સાથે અતિ આદર તેમજ પ્રેમથી વાતચીત કરતાં હતાં, તેમને મદદ કરવા હંમેશાં તૈયાર રહેતાં. તેઓ તેમને વિશ્વ ધર્મ પરિષદના કાર્યાલય સુધી લઈ ગયા. ત્યાંની પ્રતિષ્ઠિત, વિદ્વાન વ્યક્તિઓ સાથે પરિચય કરાવ્યો. ત્યાર પછી સ્વામીજીનો વિશ્વ ધર્મ પરિષદના પ્રતિનિધિ તરીકે સ્વીકાર થયો. અમેરિકામાં સ્વામીજી સાથે આ હેઈલ પરિવારનો સંબંધ ખૂબ પ્રગાઢ હતો. આ પરિવાર સ્વામીજીની ખૂબ નિકટ આવી ગયો અને સ્વામીજીના અંતિમ શ્વાસ સુધી આ સંબંધ યથાવત્ રહ્યો.

શ્રીમતી હેઈલ વાત્સલ્યની મૂર્તિ હતાં, સ્વામીજી તેમને ‘મધર ચર્ચ’ અને મિ. જ્યોર્જ હેઈલને ‘ફાધર પોપ’ કહીને બોલાવતા. તેઓ પણ સ્વામીજીને પોતાના પુત્ર સમાન જ માનતાં હતાં. હેઈલ પરિવારને બે પુત્રીઓ જેમનાં નામ મેરી તથા હેરિયેટ હતાં તથા સેમ નામનો પુત્ર હતો. સ્વામીજી તેઓને પોતાનાં જ ભાઈ-બહેન જેટલો પ્રેમ કરતાં. તેઓ એકબીજા સાથે એક કુટુંબીજનની જેમ જ રહેતાં. મિ. હેઈલ સ્વામીજીને પોતાના મિત્ર સમજતા. સ્વામીજીના સંપર્કથી તેમના ઘરમાં ચૈતન્યનું વાતાવરણ સર્જાયું. તેમનું ઘર સ્વામીજી માટે અમેરિકાનું મુખ્યાલય બન્યું. તેમના ઘરને સ્વામીજી ઓયેસીસ (રણદ્વીપ) કહેતા. પ્રવાસ તેમજ પ્રવચનોનો થાક સ્વામીજી તેમને ઘરે આવે એટલે દૂર થઈ જતો. સ્વામીજી પ્રવાસ અને પ્રવચન માટે બહાર જતા તો બધો ખર્ચ તેમજ તેમની આવશ્યક ચીજવસ્તુઓની સગવડતા શ્રીમતી હેઈલ પૂરી કરતાં.

તેમના ઘરે સ્વામીજી હંમેશાં ઈશ્વરીય તથા આધ્યાત્મિક ચર્ચા કરતાં. સ્વામીજીનાં સંપર્કથી શ્રીમતી હેઈલનું બૌદ્ધિક તેમજ વૈચારિક સ્તર ઘણું જ ઊંચું થઈ ગયું. સ્વામીજીની વાણીથી તેમને સત્યની પ્રતીતિ થતી તેમજ નવી દૃષ્ટિ મળતી. તેઓ હંમેશાં ઇચ્છતા કે સ્વામીજી હંમેશાં બોલતા રહે ક્યારેય અટકે નહિ. તેમની પુત્રીઓને સ્વામીજી હંમેશાં સારી સારી વાર્તાઓ સંભળાવતા. સ્વામીજીના ઉચ્ચ વિચારો સાંભળી હેઈલ પરિવારની દૃષ્ટિ બદલી ગઈ.

શ્રીમતી હેઈલના ઘરે સ્વામીજીએ ઘણું જ લેખન કાર્ય કર્યું. તેમના ઘરે સ્વામીજીએ ક્યારેય કંટાળો અનુભવ્યો ન હતો. તેમને ઘેર સ્વામીજી સ્કેટિંગ પણ શીખ્યા હતા. સ્વામીજીના એક પત્રમાં છે: ‘હેઈલ કુટુંબ ખૂબ જ શુદ્ધ, સાત્ત્વિક તેમજ પ્રેમાળ છે. તેઓની દયાભાવના તેમજ ઉદારવૃત્તિ બધાનું ધ્યાન ખેંચે છે. તેઓ ગરીબોને ખૂબ જ સહાય કરે છે. તેમજ તેમને પગભર કરવાનો પ્રયત્ન કરે છે. આ દંપતી ખૂબ જ સજ્જન છે. જ્યારે હું શિકાગોમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં હતો ત્યારે હેઈલ માતાએ મને ખૂબ જ સહાય કરી, તેમજ આશ્રય દઈને મારી બધી મુશ્કેલીઓને દૂર કરી આપી. પ્રભુ તેમનું કલ્યાણ કરે. મારાં ઉપર તેમના અનંત ઉપકારો છે. હું તેમનો સદાય ઋણી રહીશ. હેઈલ પરિવાર એકદમ નિષ્પાપ તેમજ સજ્જન છે. કોઈના ઉપર સંકટ આવે ત્યારે તેઓ તેમની મદદ માટે તરત પહોંચે છે.’

બીજા પત્રમાં તેઓ લખે છે: ‘મારી સંઘર્ષમય તેમજ કઠોર પરિસ્થિતિમાં તમારો જે સંપર્ક થયો તે સૌથી આનંદમય તેમજ સુખમય સમય રહ્યો, તમે લોકો પવિત્ર કુટુંબ છો, તમને સૌને મારા શબ્દાતીત નમસ્કાર!’

ત્રીજા પત્રમાં સ્વામીજી લખે છે: ‘મધર ચર્ચની સંન્યાસ વૃત્તિ તેમજ ફાધર પોપનો મારા જીવન પર ઘણો પ્રભાવ પડ્યો છે. મારા જીવન દરમિયાન જે લોકોના સંપર્કમાં આવ્યો તેમાંથી આ લોકો સર્વશ્રેષ્ઠ છે. તેઓ હંમેશાં આનંદમાં રહે તેવી મારી પ્રભુને પ્રાર્થના.’

સ્વામીજી એક પત્રમાં તેમને લખે છે: ‘તમારો પરિવાર મારી સાથે ખૂબ જ સજ્જનતાથી વ્યવહાર કરે છે તેનો અર્થ હિંદુમત અનુસાર આપણો પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હોઈ શકે. કોઈક પૂર્વ જન્મમાં તમારે ત્યાં મેં જન્મ લીધો હશે. હું તમારો અતિ કૃતજ્ઞ છું. આપના કુટુંબની પ્રમાણિકતા માટે ઈશ્વરના આશીર્વાદ આપ સૌ પર રહે એ જ મારી પ્રાર્થના. – આપનો વિવેકાનંદ’

મિ. હેઈલના મૃત્યુના દુ:ખદ સમાચાર સાંભળી સ્વામીજીએ તેમની પુત્રી મેરીને લખેલ પત્રમાં છે:

‘મિ. હેઈલના અવસાનથી મને ખૂબ જ દુ:ખ થયું છે. મધર ચર્ચનું જીવન ધર્મમય હોવાથી તેમને શાંતિ મળશે, હું તમને સાંત્વના કેવી રીતે આપી શકું? જો આ જગતમાં આપણે સુખદુ:ખની આપલે કરી શકતા હોત તો કેટલું સારું હતું. જો આમ હોત તો મારું સુખ તમને આપીને તમારું દુ:ખ હું લઈ લેત. ફાધર પોપના આત્માને ઈશ્વર શાંતિ આપે. – તમારો ભાઈ વિવેકાનંદ.’

બીજીવાર ઈ.સ. ૧૯૦૦ના જૂનના પ્રથમ સપ્તાહમાં સ્વામીજી શ્રીમતી હેઈલને ત્યાં ગયા હતા. તે સમયે તેમને પહેલાની યાદો તાજી થઈ આવી. સ્વામીજી આખી રાત સૂઈ શક્યા નહિ. તેમનો ખિન્ન ઉદાસ ચહેરો જોઈ શ્રીમતી હેઈલે તેમને પૂછ્યું: ‘આપનું સ્વાસ્થ્ય બરાબર નથી?’ તેના જવાબમાં સ્વામીજીએ કહ્યું: ‘આપ સૌને છોડીને જતાં મને ઘણું દુ:ખ થાય છે.’ લૌકિક જગતનો જેણે ત્યાગ કર્યો છે તેવા સંન્યાસીને પણ આ લોકોથી વિખૂટા પડતા દુ:ખ થયું. સ્વામીજી શ્રીમતી હેઈલના મહાન ઋણને ક્યારેય ભૂલ્યા નહિ. 

સ્વામીજીની અમેરિકાની આ આખરી યાત્રા હતી. હવે સ્વામીજી ભારત પરત થવાના હતા. આ સ્વામીજીની હેઈલ માતા સાથેની આખરી મુલાકાત હતી તેથી સ્વામીજી ખૂબ દુ:ખી હતા. અશ્રુભીની આંખે તેમણે હેઈલ માતાની વિદાય લીધી.

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.