શ્રીરામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તામાં એપ્રિલ ૧૯૯૭ ના રોજ આપેલ વાર્તાલાપના કેસેટમાં કરેલ રેકોર્ડીંગ ઉપરથી તૈયાર કરવામાં આવેલ આ લેખમાં રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ભાગવતમાં પ્રબોધેલ સેવાના આદર્શને આવરી લીધો છે. -સં.

આપણી પાસે રહેલા ભક્તિવિષયક અતિ મહત્ત્વના ગ્રંથોમાંનો એક સમગ્ર ભારતમાં જાણીતો થયેલો ગ્રંથ શ્રીમદ્ ભાગવત છે. આ ભાગવત એક એવા શ્લોકથી આરંભાય છે કે જેનું અંતિમ ચરણ, “सत्यं परं धीमहि”–“અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ” એવું છે (૧-૧-૧) તો આ પરમ સત્ય શું છે? આ શ્લોકનો શરૂઆતનો ભાગ કહે છે : “जन्मद्यस्य यत:”- “જેમાંથી આ વિશ્વ આવ્યું છે, જેના આધારે એ ટકી રહ્યું છે. અને જેમાં એ પાછું વળે છે” ઉપનિષદોના કહેવા પ્રમાણે આ પરમસત્ય સર્વનો આધાર વિશુદ્ધચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે, એ અદ્વિતીય છે, તેથી શ્રીમદ્ ભાગવત કહે છે કે જો આ વિશ્વ એ પરમ સત્યમાંથી જ નીકળ્યું હોય તો એ અસત્ય હોઈ શકે નહિ. જ્યાં સુધી એ પરમ સત્ય સાથે સંબંધ ધરાવે છે, ત્યાં સુધી એ સત્ય જ છે. આ અર્થનું સૂચન એ શ્લોકના ત્રીજા ચરણના અંતે આ શબ્દોમાં કરવામાં આવ્યું છે : “यत्र त्रिसर्गो (अ) मृषा” “આ વિશ્વ ‘अमृषा’ છે. ‘मृषा’ એટલે અસત્ય, અને ‘अमृषा’ એટલે જે અસત્ય ન હોય તેવું. કારણ કે એક જ તત્ત્વ બહુરૂપે થતું હોવાથી આ વિશ્વ અસત્ય નથી. ભારતના આધ્યાત્મિક જીવનમાં ભક્તિમાર્ગના વિષયમાં આ એક મહત્ત્વનો સંદર્ભ છે. જો વિશ્વમાં કોઈ દિવ્ય-લોકોત્તર ગુણધર્મ હોય જ નહિ તો ભક્તિનો માર્ગ પૂર્ણરૂપે વિકાસ પામી શકે જ નહિ. તેથી ભાગવતમાં “यत्र त्रिसर्गो (अ) मृषा” શબ્દ દ્વારા આ વિચાર અભિવ્યક્ત કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી “सत्यं परं धीमहि”નો વિચાર અભિવ્યક્ત થયો છે એટલા માટે આ શ્લોકને શ્રીમદ્ ભાગવતની ગાયત્રી કહેવામાં આવે છે.

ભાગવતનો એક અન્ય શ્લોક (૧-૧-૩) આવો છે :

“निगमकल्परोर्गलितं फलं,
शुकमुखादमृतद्रवसंयुतम् ।

पिबत भागवतं रसमालयं
मुहुरहो रसिका भुवि भावुकाः ॥”

આ શ્લોકનો એકેએક શબ્દ સુંદર છે. શ્લોક કહે છે કે આ મહાન ભાગવત रसमालयम् છે, એટલે કે રસનો સાગર છે ભારતીય સૌન્દર્યશાસ્ત્રમાં આ ‘રસ’ એ એક ઉચ્ચતમ પારિભાષિક શબ્દ છે. એ આનંદની ઉચ્ચતમ કક્ષા સૂચવે છે.

કલા, સૌન્દર્ય કે કોઈ અન્ય વસ્તુની કોઈપણ પ્રકારની કદરદાની આ રસના અનુપાતમાં જ દર્શાવવામાં આવે છે અને એ કદર કરવાની શક્તિ જ માણસને રસિક બનાવે છે. એટલે જો તમે એના સંરક્ષક અધિકારી હો, એટલે કે રસિક હો, તો આ ભાગવતરૂપી રસને અપનાવો – માણો (એમાં લય થઈ જાઓ ચકચૂર થઈ જાઓ ત્યાં સુધી એને પીઓ)

તો આ રસ શું છે? “निगमकल्परोर्गलितं फलम्” “વેદો વૃક્ષ પર એક પરિપક્વરૂપી ગળેલું અમૃતરસથી ભરપૂર ફળ છે. ત્યાં એક પક્ષી આવ્યું. એણે એ ફળ ચાખ્યું અને એ લય થઈ ગયું – ચકચૂર થઈ ગયું. અહીં આ પક્ષી તે શુક છે. આ ‘શુક’ શબ્દનો સામાન્ય અર્થ તો એક પક્ષીવિશેષ’ એવો થાય છે, પરંતુ અહીં એનો સંદર્ભ મહાન ઋષિ શુકદેવ સાથે છે. પછી ‘पिबत’ ‘આ અમૃતરસને પીતા રહો! તમે એને ફક્ત એક વખત પીશો તો એનાથી તમને સંતોષ તૃપ્તિ થવાની નથી. એટલે એને ફરી વખત – ‘मुहुर्मुहु:’ – પીતા જ રહો. ‘भुवि भावुका:’ -જો તમારામાં એ રસને ભોગવવાની – માણવાની – પ્રતિસાદ આપવાની શક્તિ હોય તો તમે એ અદ્ભુત આનંદસાગરને વધારે ભોગવી શકશો. જો તમે કોઈ ગદ્યાળવા જીવ – બુઠ્ઠી સંવેદન – શીલતા ધરાવનાર માણસ પાસે કોઈ કવિતા વાંચો તો એ માણસ એનો જરાપણ આસ્વાદ લઈ શકશે નહિ. એ જ પ્રમાણે જેમના હૃદયમાં પ્રેમ છે, જે ‘ભાવુક’ છે, તે જ લોકો આ પ્રેમસાગરસ્વરૂપ શ્રીમદ્ ભાગવતનો રસાસ્વાદ લઈ શકશે.

હવે આપણને આ શ્રીમદ્ ભાગવત સુલભ કરી આપનાર શુક આવે છે :

यः स्वानुभव-मखिलश्रुतिसारमेक –
मध्यात्मदीपमति तितीर्षतां तमोऽन्धम् ।
संसारिणां करुणयाह पुराणगुह्यं,
तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम् ॥ (१-२-३)

આ શ્લોકનું છેલ્લું ચરણ કહે છે કે ‘વ્યાસના એ મહાન પુત્ર શુકદેવને શરણે હું જાઉં છું’ શા માટે? શકે એવું શું કર્યું છે? તેમણે પોતાના અનુભવોના સાગરમાંથી (स्वानुभाव) અને સર્વશ્રુતિઓ ઉપનિષદોના અર્કમાંથી (श्रुतिसारम्) આધ્યાત્મિકતાનો દીવડો પ્રગટાવ્યો છે. (अध्यात्मदीपम्) અને એને સંસારમાં પડેલા લોકો આગળ ધર્યો. (संसारिणाम्) એ લોકો સંસારમાં પડેલા છે અને હવે ઝાઝો વખત સંસારમાં પડી રહેવા માગતા નથી. અને આ જાળમાંથી મુક્ત થવા ઈચ્છે છે. એમના માટે શુકે દયા કરીને (करुणया) આ દીવડો પેટાવ્યો છે. શુકે કરેલી આ કરુણામાં કોઈ આભારવચનો મેળવવાની આકાંક્ષા નથી (परया)એ દીપક એટલે આ ‘પુરાણગુહ્ય’ રહસ્યમય પુરાણ શ્રીમદ્ ભાગવત!

શુકના ઉપદેશો

શુક ઉપર બીજા પણ કેટલાક ઉલ્લેખનીય શ્લોકો છે કારણકે આમ મૂળે તો આખુંય ભાગવત શુકે પરિક્ષિતને આપેલો ઉપદેશ જ છે. પરિક્ષિત્ ભારતનો એ વખતનો સમ્રાટ અને અર્જુનનો પૌત્ર હતો. પરિક્ષિત્‌ને સાત દિવસમાં મરવાનું હતું અને તે ત્યારે ગંગાને કિનારે કેટલાય ઋષિમુનિઓથી વીંટળાયેલો વસી રહ્યો હતો. એ વખતે શુકદેવ આવી ચડે છે અને ભાગવતની કથા કહે છે. એટલા જ માટે તો તેઓ અહીં આવ્યા હતા! આ શુકનું વર્ણન અન્ય બે કે ત્રણ શ્લોકોમાં સારી રીતે કરવામાં આવ્યું છે :

यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं,
द्वैयायनो विरहकातर आजुहाव।

पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुस्तं
सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि।। (१-२-२)

પોતાનો ઉપનયન સંસ્કાર હજુ થયો ન હતો એવા આ શુ જ્યારે ફક્ત સોળ વરસના છોકરડા હતા ત્યારે જ એમણે ગૃહત્યાગ કર્યો. અને વનમાં ચાલ્યા ગયા. પોતાના પુત્રને ખોળવામાં ખૂબ ખૂબ વ્યાકુળ બની ગયેલા વ્યાસ તો ઘર બહાર નીકળીને શુકની પાછળ દોડવા લાગ્યા. અને “હે મારા પુત્ર! હે મારા પુત્ર! હે મારા પુત્ર!” (पुत्रेति…पुत्रेति…पुत्रेति) એવી જોરથી બૂમો પાડવા લાગ્યા અને વૃક્ષો – વેલાઓએ એમની વેદનાના પડઘા પડ્યા!

આ પછીનો શુકવિષયક શ્લોક (૧-૪-૫) તો વળી વધારે ઉલ્લેખનીય છે. એ કહે છે :

तदवीक्ष्य पृच्छति मुनौ जगदुस्तवास्ति ।
स्त्रीपुंभिदा न तु सुतस्य विविक्तदृष्टेः ॥

જ્યારે શુક વનમાં જઈ રહ્યા હતા, ત્યારે કેટલીક સ્ત્રીઓ તળાવમાં સાવ નિર્વસ્ત્ર અવસ્થામાં સ્નાન કરી રહી હતી. સોળ વરસના તરુણ શુક દિગંબર અવસ્થામાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એ સ્ત્રીઓએ શુકને જોયા પણ ખરા છતાં કશો ક્ષોભ પામી નહિ. પરંતુ થોડા વખત પછી જ્યારે વૃદ્ધ વ્યાસ સંપૂર્ણ રીતે વસ્ત્રાવૃત વેશે ત્યાં આવ્યા, ત્યારે એ સ્ત્રીઓએ એકદમ પાણીમાંથી બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધાં. વ્યાસને તો ઘણું આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું : “તમે પેલા નગ્ન તરુણની સામે તો કશો જ સંકોચ અનુભવ્યો નહિ, અને હું તો વૃદ્ધ છું તો પણ તમે આટલો ક્ષોભ અનુભવો છો! આમ કેમ ભલા?” સ્ત્રીઓએ ઉત્તર આપ્યો : “હે ઋષિ તમારામાં શારીરિક સભાનતા સ્ત્રીપુરુષભેદનો ખ્યાલ છે. પણ શુકને એવી કોઈ શારીરિક સભાનતા નથી, તેથી અમે પણ એની ઉપસ્થિતિમાં કશી એવી શારીરિક સભાનતા ન રાખી.”

પ્રેમ ખાતર પ્રેમ

ભક્તના ચારિત્ર્ય પર આ એક અદ્ભુત પ્રકાશ ફેકતું સૂત્ર છે. શ્રીરામકૃષ્ણને શુકનું ચારિત્ર્ય ખૂબ ખૂબ ગમતું અને તેઓ વારંવાર કહ્યા કરતા કે નરેન્દ્ર (પાછળથી સ્વામી વિવેકાનંદ) મારો શુક છે. આ શુક દિવ્યતાના ભક્ત હતા. એમને મહાન ભક્ત શા માટે ગણવા જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર ભાગવત આપી જાય છે અને ભક્તનાં લક્ષણો વિશે પણ કહી જાય છે. આ એક વિશિષ્ટ પ્રકારની ભક્તિ છે. સાચી રીતે કહીએ તો સર્વોચ્ચ પ્રકારની આ ભક્તિ છે કે “પ્રેમ ખાતર પ્રેમ કરવો” પ્રેમ સિવાય એમાં અન્ય કોઈ હેતુ હોતો જ નથી એટલે –

“आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे ।
कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः ॥”
(१-७-१०)

આ શ્લોક એવું સૂચવે છે કે શુક ‘આત્મારામ’ હતા; બધાં બંધનોથી મુક્ત હતા. તેઓ પોતાના ‘આત્મા’થી જ પ્રકાશતા – આનંદ પામતા હતા. અને આ દુનિયાનો કોઈ પણ પદાર્થ એમને આનંદ આપતો ન હતો. ભાગવતમાં દેખાય છે, તે આ ‘આત્મારામ’નો વિચાર ઉપનિષદનો વિચાર છે “आत्मारामाश्च मुनयो निर्ग्रन्था:” આ મુનિઓ બધી જ જાતનાં બંધનોથી તદ્દન વિનિર્મુક્ત છે. અને છતાં પણ “अपि उरुक्रमे कुर्वन्ति अहैतुकीम् भक्तिम्” તેઓ હરિ – ભગવાનની ભક્તિ-ઉપાસના કરે છે. શા માટે? અને વળી તેમની ભક્તિ કેવા પ્રકારની છે? તેમની ભક્તિ અનન્ય પ્રકારની છે “अहैतुकीम् भक्तिम्” કોઈ હેતુ – કારણ વગરની નિષ્કામ ભક્તિ તેઓ ભગવાન પ્રત્યે દાખવે છે. આવો ભક્ત કહે છે ‘હે પ્રભુ, મારે આપની પાસેથી કશું જ જોઈતું નથી. હું તો તમને કેવળ પ્રેમ કરવા માટે જ પ્રેમ કરું છું.’

ભાગવત આ પ્રેમભક્તિના વિષયને નિમ્નતમ સ્તરથી ઉચ્ચતમ સ્તર પર્યન્ત આપણી સમક્ષ નિરૂપવા માગે છે. પ્રેમના આયામો તો આવશ્યક રીતે અનેક હોય છે. પણ એનો ઉચ્ચતમ આયામ તો ‘પ્રેમ ખાતર પ્રેમ’નો જ છે. એ આયામ અહીં ભાગવતમાં બે ઉદાહરણો દ્વારા નિર્વિષ્ટ થયો છે. એક ઉદાહરણ તો શુક છે અને બીજું ઉદાહરણ પ્રહ્લાદ છે. અહીં આ એક ખાસ શ્લોક (૧-૭-૧૦)માં આપણે જાણીએ છીએ કે આ મહામુનિ ખુદ હરિકથા-ભાગવત કથા કરી રહ્યા છે. આ હરિ સર્વજનોનાં હૃદયોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. સાધારણ અને અસાધારણ એવા બન્ને પ્રકારના લોકોને તેઓ પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ મુખ્ય વિચારને તમે આ શ્લોકમાંથી પામી શકો છો.

હવે ગંગાને કિનારે માથે ઝંળૂબતા પોતાના મોતની પ્રતીક્ષા કરતા પરિક્ષિત્‌ના મંડપમાં જ્યારે શુકે પ્રવેશ કર્યો, ત્યારે બધા જ સન્માનપૂર્વક ઊભા થઈ ગયા. શુક તો નિઃશંક રીતે સોળ વરસના તરુણ હતા. પણ તેઓ એટલા બધા પવિત્ર અને જ્ઞાની હતા કે સૌને તેમના તરફ આદર હતો. ત્યાર પછી શુકે કથા કરવાનું શરૂ કર્યું. એ કથા તે જ શ્રીમદ્ ભાગવત થયું.

કપિલનો ઉપદેશ

ભાગવતના ત્રીજા સ્કંધમાં એક અવતારની કથા છે. ત્યાં ભગવાન કપિલના સ્વરૂપે પધાર્યા છે. તેઓ ગૃહત્યાગ કરીને વનમાં જવા ઈચ્છતા હતા. તેમનાં માતા દેવહુતિએ કપિલને કહ્યું: ‘હે પ્રિય પુત્ર, તું અહીંથી ચાલ્યો જા તે પહેલાં મને કંઈક આધ્યાત્મિક ઉપદેશ આપતો જા.’ તેથી ત્રીજા સ્કંધના ૨૯મા અધ્યાયમાં આપણને એક પૂર્ણરીતે સાચા આધ્યાત્મિક જીવનનું ઉલ્લેખનીય વિવરણ મળે છે. ગમે તે રીતે એક મહાન વિચાર જે વાચકોના ઉપર ઠાંસી ઠાંસીને વારંવાર ભરવામાં આવ્યો છે, તે એ છે કે સદાસર્વદા ભગવાનને ભજવા જોઈએ. અને એ કંઈ ફક્ત મંદિ૨માં કે મૂર્તિમાં નહિ, પણ બધાના હૃદયમાં એની ભક્તિ કરવી જોઈએ. હૃદયમાં શા માટે? કારણ કે ભગવાન બધાના હૃદયમાં વિરાજમાન છે.

છેલ્લાં હજારેક વરસથી ભારતમાં આપણે આ સુંદર વિચાર ભૂલી ગયા છીએ. આપણે માનવની સ્થિતિને વીસરી બેઠા છીએ, આપણે માનવસ્થિતિની ઉપેક્ષા કરી છે. અલબત્ત, આ બધો વખત દરમિયાન મંદિરો અને મૂર્તિઓના પૂજકો હતા તો ખરા જ પણ આપણે માનવજાતની ઉપેક્ષા કરી એટલે આપણે વિદેશી વિજેતાઓના સેંકડો વરસો સુધી ગુલામ બની રહ્યા. પણ અહીં કપિલ કહે છે :

‘अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा’

“હું સર્વ પ્રાણીઓના હૃદયમાં તેમના આત્મારૂપે રહેલો છું.”

‘तमवज्ञाय मां मर्त्य: कुरुतेऽर्चाविडम्बनाम्।
(३-२९-२१)

‘આમ છતાં કેટલાક માણસો મારી અવગણના કરે છે અને મારું અપમાન કરે છે. અને ફક્ત મૂર્તિઓમાં જ મને પૂજે છે! આ કેવો મૂર્ખતાભર્યો વિચાર છે!’ એટલા માટે એમણે કહ્યું :

“अहमुच्चावचैर्द्रव्यैः क्रिययानन्ययानघे ।
नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिनः ॥
(३-२९-३४)

“હે નિષ્પાપ માતા, પૂજાવિધિઓ અને ઉત્સવોમાં અઢળક ધન ખર્ચનારા લોકોની ભેટસોગાદોથી હું ખુશ થતો નથી. પ્રાણીઓનું અપમાન કરનારા તેઓની પૂજાનો હું સ્વીકાર જ કરતો નથી.”

આ ઉપદેશોની આપણે કેટલીય સદીઓ સુધી અવગણના કરી છે, ભાગવત ભલે આપણે વાંચતા રહ્યા હોઈએ પણ આ ઉપદેશનો મર્મ સમજવાની આપણે ખેવના કરી નથી.

અને એના પછીના ૨૭મા શ્લોકમાં કપિલ કહે છેઃ

“अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम् ।
अर्हयेद्दानमानाभ्यां मैत्र्याऽभिन्नेन चक्षुषा ॥”

‘अर्हयेत्’ નો અર્થ ‘अर्हणा’ કે ‘अर्चना’ અર્ચના કરવી એવો થાય છે. તમારે બધા જીવોમાં મારી પૂજા-અર્ચના કરવી (सर्वभूतेषु) કારણ કે भूतात्मानम्- હું જ તેમનો આત્મા છું. कृतालयम्- તેમના દેહોમાં મેં ક્યારનુંય મંદિર બાંધી મૂક્યું છે अर्चयेत्- એટલે એમની પૂજા કરવી જોઈએ. પણ માનવમાં રહેલા આ ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી! શેરીમાં જતા કોઈ માણસને ઊભો રાખીને શું તમે એમ કહેશો કે ભાઈ, ઊભો રહે, મારે તારી પૂજા કરવી છે. ના, આ કંઈ રીત નથી તો પછી માનવમાં રહેલ ભગવાનને ભલા ભજવો કેવી રીતે? પહેલાં તો ‘દાન’. બની શકે તો જરૂરતમંદ લોકોની આવશ્યકતાઓ પૂરી કરો – એના અભાવો દૂર કરો. જો તેઓ અજ્ઞાની હોય તો તેમને શિક્ષણ આપો. જો તેઓ ગરીબ હોય તો તેમને થોડું ધન કે જરૂરી વસ્તુઓ આપો. જો એમને શાન્તિ ન મળતી હોય તો શાન્તિ આપો. આ ‘દાન’ કહેવાય અને જ્યારે તમે કશુંક આપો ત્યારે અભિમાન કરશો નહિ કે ઉદ્ધત બનશો નહિ मान -માનપૂર્વક આપો.

બે મહત્ત્વના શબ્દો

ત્યાર પછી બે મહત્ત્વના શબ્દો આવે છે : ‘मैत्री’ અને ‘अभिन्नेन चक्षुषा’. ‘દાન’ પહેલાં તમારે ‘મૈત્રી’ કેળવવી જોઈએ. તમે જ્યારે ભારતના કોઈ ગામડામાં સેવાકાર્ય કરવા જાઓ, ત્યારે ગ્રામવાસી લોકો પહેલાં તો તમારાથી ડરશે. શા માટે? કારણ કે તેઓ હંમેશાં બહારના લોકો વડે શોષાતા જ રહ્યા છે. એટલે તેમને લાગે છે કે તમે પણ ફરીવખત તેમનું શોષણ કરવા માટે જ ગામડામાં આવ્યા છો. એટલે સૌ પહેલાં તો તમારે તેમના મિત્ર બનવું જોઈએ. અને ફક્ત ત્યાર પછી જ તમે એમની બરાબર સેવા કરી શકો. અને છેલ્લે એક અદ્ભુત અભિવ્યક્તિ આવે છે. એ વેદાન્તના ખાસ કરીને અદ્વૈત વેદાન્તના કેન્દ્રમાં પડેલી આ છે. એ કઈ અભિવ્યક્તિ છે? ‘अभिन्नेन चक्षुषा’- ‘અભેદભાવના વલણથી’ આપણે બધા એક જ છીએ. આપણે ભિન્ન છીએ જ નહિ. ઠેઠ ઉપનિષદોના સમયથી આ ‘अभिन्नेन चक्षुषा’ની કેવી સમૃદ્ધ ભાવના ભારતવર્ષે ઉપદેશેલી છે? પણ એ દેશે હંમેશાં ‘भिन्नेन चक्षुषा’નું જ આચરણ કર્યે રાખ્યું છે! નાતજાતની વાડાબંધી અને બીજા બધા પ્રકારની ગુલામીનું આચરણ આપણે સેંકડો વર્ષો સુધી કર્યે જ રાખ્યું છે. સ્વામી વિવેકાનંદે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું અને લોકોનાં દુઃખદર્દો નિહાળ્યાં. ૧૮૯૩ના ઓગસ્ટની ૨૦મી તારીખે અમેરિકાથી આલાસીંગા પેરુમલને લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદે લખ્યું હતું કે ‘પૃથ્વી પરના કોઈ ધર્મે હિન્દુધર્મ જેટલું ખૂબ ભાર દઈને માનવતાનું મહત્ત્વ ગાયું નથી અને પૃથ્વી પરના કોઈ ધર્મે દીનહીનોનાં ગળાં પ૨ પગ મૂકવાનું હિન્દુધર્મ જેવું આચરણ પણ કર્યું નથી.” (કમ્પલીટ વર્કસ, વોલ્યુમ ૫, પૃ. ૧૫)

મદ્રાસમાં ‘ભારતનું ભાવિ’ વિષયક આપેલા પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે આ વિષય ચર્ચ્યો છે. તેમણે કહ્યું : “આવતાં પચાસ વર્ષો સુધી આપણું ફક્ત એક આ જ પ્રધાનકાર્ય રહેશે બસ આ જ આપણી માતૃભૂમિ ભારત! થોડા વખત માટે આપણા મનમાંથી બીજા નકામાં દેવદેવીઓ ભલે અદૃશ્ય થઈ જાય. આપણી જાતિની જાગૃતિ એ એક જ દેવ છે ‘સર્વત્ર એના હાથ, સર્વત્ર એના પગ, સર્વત્ર એના કાન, એ સર્વત્ર વ્યાપીને રહેલ છે.’ બીજા બધા દેવો નિદ્રા લઈ રહ્યા છે. શું આપણે એવા નકામાં દેવોની પાછળ પડશે અને આપણી ચારે બાજુ હાજરાહજૂર દેખાતા આ વિરાટ દેવને શું પૂજી નહિ શકીએ?’ (કમ્પ્લીટ વર્ક્સ વોલ્યુમ ૩, પાનું ૩૦૦ થી ૩૦૧)

સ્વામીજીએ ભારપૂર્વક આ લોકોની પૂજા કરવાનું આપણને કહ્યું છે. એને માટે અંગ્રેજીમાં ‘worship’ સિવાય એકેય શબ્દ બંધ બેસતો નથી. અહીં ‘સેવા’ (service) શબ્દ પૂરતો નથી. ‘પૂજા’ (worship) જ બરાબર શબ્દ છે. શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદની આખીય ફિલસૂફી આ ઉપદેશ સૂત્ર પર આધારિત છે કે દરેક માનવજીવમાં દિવ્યતા રહેલી છે અને તેમની સેવા કરવી એ જ તેમની સાચી પૂજા છે, તેથી શ્રીરામકૃષ્ણે પોતે કહ્યું છે કે દરેક જીવ એ શિવ છે. જીવોની સેવા એ ઈશ્વરની જ પૂજા છે. ભારતમાં આપણે આ એક મહાન પાઠ ભણવાનો છે. આપણું તત્ત્વજ્ઞાન અને આપણી આધ્યાત્મિકતા તો ઘણાં ઊંચાં છે; પણ આપણો સમાજ ઘણી નિમ્નકોટિનો છે. અહીં માનવજાતનો માનમરતબો ઘણીવાર ઘણો હલકો થાય છે. આ આધુનિક યુગમાં આપણા સામાજિક સંબંધોમાં સમાનતા સમત્વનું વલણ સર્જવા માટે ક્રાન્તિ ઉત્પન્ન કરવા સ્વામી વિવેકાનંદ આવ્યા. આ જ વાત ગીતામાં શ્રીકૃષ્ણે શીખવી હતી કે ‘આપણે બધા એક છીએ.’ આજે આપણે ત્યાં રાજાઓ નથી, સમ્રાટો નથી. આપણે સૌ સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ. દરેકને પોતાનો એક મત આપવાનો અધિકાર છે, આપણે સૌ સમાન છીએ. આને સ્વાતંત્ર્ય કહેવાય છે અને આપણાં રાજકીય અરમાનો અને હાલ અનુસરાની પદ્ધતિઓ આ સ્વાતંત્ર્યના શિક્ષણ સાથે મેળ ખાય તેવા રહ્યાં છે. એટલા માટે અહીં એક મહાન વેદાન્તિક વિચાર – ‘अभिन्नेन चक्षुषा’ – અને આ નાત, જાત, ધર્મ, સામાજિક સ્થાન કે એવા અન્ય કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વ કોઈને લાગુ પડે છે. દરેક માનવપ્રાણીમાં દિવ્યતા રહેલી છે, એ ઉપનિષદનો અનન્ય આવિષ્કાર છે. પછીથી આ વિચાર ગીતા દ્વારા વિકાસ પામ્યો, અને પછી ભાગવત તેમજ અન્ય શાસ્ત્રગ્રંથો દ્વારા વિકાસ પામ્યો છે. અને આજે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા, “માનવસેવા દ્વારા પ્રભુસેવા”ના ઉપદેશ દ્વારા એ વિચારને એક નવો જ આયામ આપવામાં આવ્યો છે. અને આ વિચાર ભાગવતના બીજા સ્કંધમાં આપણને મળે છે.

ધ્રુવની કથા

ત્યાર પછી ભાગવતના ચોથા સ્કંધમાં (અધ્યાય ૮માં) આપણને ધ્રુવની કથા મળે છે. ઉત્તાનપાદનો રાણી સુનીતિથી પ્રાપ્ત થયેલ એ પુત્ર હતો. ઉત્તાનપાદને સુરુચિ નામની એક બીજી પત્ની પણ હતી. એ એની માનીતી પત્ની હતી; એટલે સ્વાભાવિક રીતે પણ એનાથી જન્મેલ પુત્ર ઉત્તમ એનો ખૂબ વહાલો હતો, એક દિવસે પાંચ વરસની ઉંમરના ધ્રુવે જોયું કે પિતાના ખોળામાં બેઠેલા પોતાના ભાઈ ઉત્તમને પિતા રમાડી રહ્યા છે. એથી તે પણ પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા ચેષ્ટા કરવા લાગ્યો. સુરુચિએ આ જોયું અને એનો પિત્તો ગયો. એણે ધ્રુવની હાંસી ઉડાવી અને કહ્યું : “તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી. તારો જન્મ જો મારા ઉદરમાંથી થયો હોત, તો જ તું તારા પિતાના ખોળામાં બેસી શકત” ધ્રુવ ઘણો વ્યાકુળ થઈ ઊઠ્યો. તે પોતાની માતા સુનીતિ પાસે ગયો અને રોવા લાગ્યો. સુનીતિએ કહ્યું: “મારા દીકરા, આમાં હું તો શું કરી શકું? હું તો નિરુપાય છું ઈશ્વરની પ્રાર્થના કર, ફક્ત એ જ તારી સહાય કરી શકે.”

ભારે હૈયે ધ્રુવ તો વન તરફ ચાલ્યો. રસ્તામાં એને નારદ મળ્યા. નારદે એને કહ્યું : “તું તો ક્ષત્રિયનો પુત્ર છે. તું અહીં શા માટે આવ્યો છે? તારું અહીં આવવું શોભાસ્પદ નથી.” પણ ધ્રુવ અડગ હતો. એણે કહ્યું કે મારે પરમાત્માની ઉપાસના કરવી જ છે. નારદ તેના આવા નિશ્ચયથી ખુશ થયા. તેમણે એને કેવી રીતે ધ્યાન કરવું, ક્યા મંત્રનો છ માસ સુધી જપ કરવો, વગેરે વિષે કેટલીક સૂચનાઓ આપી. ધ્રુવ એ સૂચનાઓ પ્રમાણે પરમેશ્વરનું ધ્યાન ધરવા લાગ્યો. એની એ આધ્યાત્મિક સાધનાને અંતે ભગવાન એની સામે પ્રગટ થયા પણ આ બાળક ધ્રુવની આંખો તો બંધ જ હતી. એ તો પોતાની ભીતરમાં ભગવાનને ભાળી રહ્યો હતો! અને ભગવાન તો બહાર એની સામે આવીને ખડા હતા! એટલે પછી ભગવાને શું કર્યું? ભગવાન ધ્રુવની ભીતરમાંથી – એના હૃદયમાંથી જ અલોપ થઈ ગયા! અને ધ્રુવની આંખો ખૂલી ગઈ! એણે પોતાની સામે જ ભગવાનને ઊભેલા નિહાળ્યા. એણે ભગવાનની સ્તુતિ કરવાની ઈચ્છા કરી, પણ એ તો કેવળ એક પાંચ વરસનો બાળક જ હતો. એનો ભાષા ઉપર તો કશો કાબૂ જ ન હતો. હરિની સ્તુતિ કેવી રીતે કરવી, તે તે જાણતો ન હતો. એ તો બસ, ફક્ત હાથ જોડીને ઊભો જ રહ્યો. એટલે ભાગવત કહે છે :

“कृतांजलिं ब्रह्मयेन कम्बुना
पस्पर्श बालं कृपया कपोले॥ (४-९-४)

ભગવાને કૃપા કરીને પોતાના બ્રહ્મમય નામના શંખથી એ બાળકના ગાલને સ્પર્શ કર્યો. (આ શંખ જ્ઞાનનું પ્રતીક છે) અને એકાએક જ્ઞાનનો મોટો ધોધ ધ્રુવના મનમાંથી ફૂટી નીકળ્યો. અને એણે ભાવપૂર્વક ભગવાનના ગુણાનુવાદ કરવાનું શરૂ કર્યું. તો આવી છે ધ્રુવની આ કથા.

જીવનની ઉત્તમતા

ત્યાર પછી એક નવો વિચાર આવે છે કે સ્વર્ગ ઉપરની જિન્દગી કરતાં ધરતી ઉપરની જિંદગી વધારે સારી છે. ઉપનિષદોએ તો આપણા સ્વર્ગના ખ્યાલને ધિક્કારી જ કાઢયો છે. તેઓ કહે છે કે ફક્ત મૂર્ખ લોકો જ આ ધરતી ઉપરથી સ્વર્ગમાં જવા માટે વિધિવિધાનો કરે છે. ભાગવતના પાંચમા સ્કંધમાં આપણને “ભારતવર્ષમાં જન્મ લેવો, એ એક લહાવો છે” એમ ઘોષણા કરેલો આ સુવિખ્યાત શ્લોક જોવા મળે છે

“अहो अमीषां किमकारि शोभनं,
प्रसन्न एषां किमुत स्वयं हरिः ।
यैर्जन्म लब्धं नृषु भारताजिरे,
मुकुन्दंसेवौपयिकं सदा हिनः ॥
(५-१९-२१)

“અહો, ભારતના લોકોએ એવાં તે ક્યાં આશ્ચર્યકારક કામો કર્યાં હશે કે પછી ભગવાનની કૃપાથી જ કદાચ તેઓ ભારતવર્ષની આ પુણ્યભૂમિ પર જન્મ પામ્યા હશે! અમે સ્વર્ગમાં વસનારાં પણ ભારતમાં જન્મ લેવા ઈચ્છીએ છીએ કે જેથી ભગવાન મુકુન્દની સેવાનો મોકો અમને મળી શકે.”

લોકો સ્વર્ગપ્રાપ્તિ માટે ભાતભાતનાં વિધિવિધાનો કરે છે, વ્રતાચરણ કરે છે. આમ આપણે જ્યારે સ્વર્ગમાં જવા ઈચ્છીએ છીએ, ત્યારે એ જ સ્વર્ગમાં રહેતાં દેવદેવીઓ માનવરૂપ ધારણ કરીને ધરતી પર વસવા ઈચ્છે છે! પરંતુ જે કંઈ છે તે બધું જ આ વિશ્વમાં છે, આ જીવનમાં જ છે. ઉપનિષદો કહે છે કે ‘તત્ત્વમસિ’ ‘તે તું છે’ ‘તું જ તે દિવ્ય ચૈતન્ય છે’ તમે સીમિત નથી, તમે અસીમ અનન્ત છો. માનવમાં રહેલી દિવ્યતાને અભિવ્યક્ત કરનારા કેટલાય સુનિરૂપિત પરિચ્છેદો ઉપનિષદોમાંથી મળી આવે છે. પણ આપણે આ બધું ભૂલી જઈએ છીએ પછી ભાગવતમાં પણ આ વિચાર ફરી એકવાર આવે છે. એ કહે છે કે આ ધરતી જ બધું છે આપણે અહીં બધું જ કરી શકીએ છીએ આપણે અહીં પોતાના સાચા સ્વરૂપને પિછાણી શકીએ છીએ. એટલા માટે આપણાં બધાં ઉપનિષદોમાં ભાગવતમાં તેમજ ગીતામાં ‘ઈહ’ શબ્દ વારંવાર આવ્યા કરે છે. ‘ઈહ’ એટલે અહીં જ, આ ધરતી ઉપર જ, તમે પરમને પામી શકો છો. તમે દિવ્યતાના પરમોચ્ચ સાક્ષાત્કારને હાંસલ કરી શકો છો. શુકે એ અનુભૂતિ અહીં જ પ્રાપ્ત કરી અને આપણે પણ એ રીતે અહીં જ એ પ્રાપ્ત કરી શકીએ. માનવીય વ્યક્તિત્વની શુચિતાનો આ સુંદર વિચાર વારંવાર નિરૂપિત કરવામાં આવ્યો છે.

આજે અર્વાચીન શરીરશાસ્ત્રીઓ માનવની અનન્યતાની વાત કરે છે. આજથી પહેલાંના થોડા સમયમાં તેઓ ક્રિશ્ચિયન તત્ત્વજ્ઞાન દ્વારા સૂચિત, “માનવ એ ઈશ્વરનું વિશિષ્ટ સર્જન છે” એવી માનવની અનન્યતાનો સ્વીકાર કરતા ન હતા. ડાર્વિન અને બીજા વૈજ્ઞાનિકો તો એ સિદ્ધાન્તનો ઘસીને ઈન્કાર જ કરતા તેઓતો ઉત્ક્રાન્તિની પ્રક્રિયાની જ વાતો કરતા. પણ પછી માનવની અનન્યતાનો સ્વીકાર કરવો જ પડ્યો. માણસ જ વિશ્વને સમજી શકે છે. અને એનું નિયમન કરી શકે છે. માણસમાં જ એક વિશિષ્ટ જબરું શક્તિ કેન્દ્ર પોતાના આત્માનું કેન્દ્ર છે માનવેતર કોઈ પ્રાણીમાં આ પુંજીભૂત શક્તિકેન્દ્ર નથી – શંકરાચાર્ય સૂત્રભાષ્યમાં માનવસ્વરૂપને વર્ણવતાં એને ‘નિત્ય-શુદ્ધ-બુદ્ધ-મુક્ત’ સ્વભાવવાળો કહે છે. તમે એ અનન્ત આત્મા છો અને તમારે એનો સાક્ષાત્કાર કરવાનો અને આ માનવશરીરમાં વિશ્વને તેમજ આત્માને ઓળખવાની શક્તિ પડી છે. માનવજીવની આ અનન્યતા છે અને તેથી આ ભાગવતમાં પણ માનવજાતની અનન્યતાનો વિચાર તમને ડગલે ને પગલે મળશે કારણ કે એમાં બધી જાતની અનુભૂતિઓ શક્ય બને છે. આજે શ્રીરામકૃષ્ણના ઉપદેશોમાં આપણને જાણવા મળે છે કે જે કંઈ જ્ઞાન છે, તે બધું પણ અહીં જ છે અને જે કંઈ અજ્ઞાન જેવું છે, તે બધું પણ અહીં જ છે તેથી આ ‘ઈહ’ શબ્દ ઘણો જ અર્થ પૂર્ણ છે અહીં જ માનવીય પરિસ્થિતિઓમાં અભ્યાસ કરવો જોઈએ અને એમાં રહેલી સંભાવનાઓનો સાક્ષાત્કાર કરવો જોઈએ. ભૌતિક વિજ્ઞાને પદાર્થગત સંભાવનાઓનો અભ્યાસ કર્યો અને કુદરતમાં છુપાયેલ બલ-શક્તિ-નો અભ્યાસ કરીને આજીવિક શક્તિની શોધ કરી પણ હજુએ દરેક માનવ જીવમાં અગણિત અનંત સંભાવનાઓ છુપાયેલી પડી છે આ ઉપનિષદમાંથી આવતું વેદાન્ત છે અને આજે આપણે એને જ સમજવાની જરૂર છે.

(ક્રમશઃ)

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.