ભીષ્મની કૃષ્ણ સ્તુતિ
એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું : ‘ઈશ્વરનું કાર્ય કંઈ સમજી ન શકાય. ભીષ્મદેવ બાણની શય્યા પર સૂતા હતા. ત્યારે પાંડવો તેમને મળવા આવ્યા, સાથે કૃષ્ણ પણ હતા. થોડીવાર પછી જોયું કે ભીષ્મદેવ રડવા લાગ્યા. પાંડવોએ કૃષ્ણને કહ્યું : ‘કૃષ્ણ કેવી આશ્ચર્યની વાત; પિતામહ તો અષ્ટવસુમાંના એક વસુ. એમના જેવા જ્ઞાની જોવા ન મળે; છતાં તેઓ શું મૃત્યુ સમયે માયાથી રડી રહ્યા છે?’ કૃષ્ણે કહ્યું : ‘ભીષ્મ એ માટે રડતા નથી. તેમને જ આપણે પૂછીએ.’ એ અંગે પૂછતાં ભીષ્મ બોલ્યા : ‘કૃષ્ણ! ઈશ્વરની ઇચ્છા બિલકુલ સમજી ન શક્યો, હું એ માટે રડું છું કે જેની સાથે સાક્ષાત્ નારાયણ ફરે છે, છતાંય પાંડવોની આપત્તિઓનો પાર નથી. આ વાત જ્યારે મનમાં સ્ફુરે ત્યારે લાગે છે કે, તેમનું કાર્ય સમજવાની શક્તિ મારામાં નથી.’
શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના નવમા અધ્યાયમાં આ વિષયનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી યુધિષ્ઠિરના મનમાં ભયંકર દુ:ખ છે, કોઈ રીતે તેમને શાંતિ મળતી નથી. કેવળ એટલું જ વિચાર્યા કરે છે, હાય! આ શું કર્યું! પોતાનાં ભોગસુખ માટે સામાન્ય રાજ્યના લોભથી કેટલાં પ્રાણીઓની હત્યા કરી, કેટલી અક્ષૌહિણી સેનાઓનો સંહાર કર્યો!
बालद्विजसुहृन्मित्रपितृभ्रातृगुरुगुहः।
न मे स्यान्निरयान्मोक्षो ह्यपि वर्षायुतायुतैः ॥ (१.८.४.९)
મેં કેટલાં બાળકો, બ્રાહ્મણો, સંબંધીઓ, મિત્રો, કાકા, ભાઈઓ, અરે ગુરુજનોનો પણ નાશ કર્યો છે. તેથી અનંતકાળ સુધી નરક-યંત્રણા ભોગવીશ તો પણ મારો ઉદ્ધાર નહીં થાય. મારી જ રાજ્યલાલસા માટે, મારા જ અજ્ઞાનને લીધે આવો મહાઅનર્થ થયો છે.
યુધિષ્ઠિરનો આવો વિષાદ જોઈને બધા વ્યાકુળ છે. શ્રીકૃષ્ણ અને ત્રિકાળદર્શી ઋષિઓ પ્રાચીન ઇતિહાસ અને ધર્મશાસ્ત્રના મતથી યુધિષ્ઠિરને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યા કે ન્યાયયુદ્ધમાં શત્રુઓનો નાશ કરવાથી કોઈ પાપ લાગે નહિ. પરંતુ યુધિષ્ઠિરના મનમાં કોઈ રીતે સ્વજનોના વધનું દુ:ખ ભૂલાતું નથી. તેઓ કહે છે, આપ લોકો ભલે કહો કે, ધર્મયુદ્ધમાં પ્રાણીઓનો સંહાર કરવો પાપ નથી, રાજધર્મથી વિરુદ્ધ નથી. પરંતુ આ વાત તો મારા ગળે ઊતરતી નથી. રાજા જો પ્રજાપાલન માટે, શત્રુઓનો નાશ માટે યુદ્ધ કરે અને પ્રાણીઓનો સંહાર કરે તો અધર્મ ન કહેવાય. પરંતુ મારા માટે તો એવું પ્રયોજન ન હતું. મેં તો રાજ્ય મેળવવાની લાલસાથી યુદ્ધ કર્યું છે અને અસંખ્ય પ્રાણીઓનો સંહાર કર્યો છે. તેથી અનંત નરકની યાતના મારે વેઠવી જ પડશે. હવે આપ સહુ મને વૃથા આશ્વાસન આપો છો. એથી શો લાભ થશે! જો યુદ્ધ કરતાં પહેલાં મને રોક્યો હોત તો મિત્ર યોગ્ય કાર્ય કર્યું કહેવાત. યુધિષ્ઠિરને કોઈ રીતે શાંત કરી શકાતા નથી તે જોઈને નક્કી કરવામાં આવ્યું કે હજુય બાણશય્યા પર પ્રાણ ધારણ કરેલા ભીષ્મ પિતામહ હયાત છે કે જેઓ સર્વશાસ્ત્રના જાણકાર અને તત્ત્વજ્ઞાની છે, તેમની પાસે જઈને ધર્મનું ગૂઢતત્ત્વ સાંભળીએ તો બધાંનાં મનની બધી જ આશંકાઓ દૂર થશે. શ્રીકૃષ્ણ પણ આ જ પ્રસ્તાવથી સંમત થયા અને બોલ્યા : ‘ચાલો, આપણે સહુ એકઠા થઈને તેમની પાસે જઈએ.’
इति भीतः प्रजाद्रोहात्सर्वधर्मविवित्सया ।
ततो विनशनं प्रागाद् यत्र देवव्रतोऽपतत्। (१.९.१)
સૂતજી બોલ્યા : ‘આ રીતે બધાએ ચર્ચા કરીને યુદ્ધમાં જે ઘણા લોકો મૃત્યુ થવાથી પાપના ભયથી ભયભીત થયેલા મહારાજ યુધિષ્ઠિર બધા ધર્મ અર્થાત્ રાજધર્મ, દાનધર્મ, મોક્ષધર્મ, સ્ત્રીધર્મ વગેરે સમસ્ત ધર્મના વિષય અંગે જાણવા બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પાસે કુરુક્ષેત્રમાં ગયા.
પ્રશ્ન થઈ શકે કે, શ્રીકૃષ્ણ જેવા વક્તા, તેમના જેવા બુદ્ધિમાન, તે સમયે તેમના જેવું ધર્મજ્ઞ બીજું કોઈ હતું નહિ. શ્રીકૃષ્ણ ત્યારે પણ પુરુષોત્તમ તરીકે પરિચિત હતા. તે ઉપરાંત યુધિષ્ઠિર વગેરે ભક્તો તેમને સાક્ષાત્ ભગવાન તરીકે ઓળખતા. તે જ શ્રીકૃષ્ણ કે જેના નામથી ભવભય પણ દૂર થઈ જાય, તેઓએ પોતે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો છતાંય યુધિષ્ઠિરનો નરકનો ભય દૂર ન થયો અને તેથી બધા મળીને ભીષ્મ પાસે ધર્મનો સાર સમજવા માટે ગયા! આ મોટી આશ્ચર્યની વાત છે! શ્રીકૃષ્ણની વાણીથી જેની શંકા દૂર ન થઈ તે વળી ભીષ્મના ઉપદેશથી શંકારહિત થશે! હજુય એક વધારે આશ્ચર્ય તો એ છે કે, સ્વયં શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરની સાથે ભીષ્મની પાસે જવા તૈયાર થયા. બીજા કોઈ જાણે કે ન જાણે પણ વાસ્તવમાં શ્રીકૃષ્ણ તો જાણતા હતા કે ભીષ્મ તેમના વિશેષ ભક્ત છે. ભીષ્મ બાણશય્યા પર અસહ્ય પીડા વચ્ચે પણ ઉત્તરાયણની રાહ જોતા જીવન ટકાવી રહ્યા છે. ભીષ્મની એકમાત્ર આશા અને ઇચ્છા એ છે કે પોતાના ઈષ્ટદેવતા શ્રીકૃષ્ણનાં ચરણોનાં દર્શન કરીને દેહ ભારથી મુક્ત થાય. તેથી શ્રીકૃષ્ણે પોતાના આંતરિક સહૃદયી ભક્તને દર્શન આપવા માટે અને ભક્તનું સન્માન વધારવા યુધિષ્ઠિરના મનમાં આવી શંકાની સૃષ્ટિ ઊભીકરી. જગતને દેખાડ્યું કે, પોતાના ઉપદેશથી યુધિષ્ઠિરની શંકાનું સમાધાન ન થયું. પરંતુ તેમના ભક્તના ઉપદેશથી યુધિષ્ઠિરની શંકા દૂર થઈ અને તેના મનમાં શાંતિ થઈ. આનું નામ ભગવાનની ભક્તવત્સલતા! તેથી જ સામાન્ય લોકોને ભગવાનની આવી અકળલીલા સમજાય નહિ.
दृष्ट्वा निपतितं भूमौ दिवश्च्युतमिवामरम् ।
प्रणेमुः पाण्डवा भीष्मं सानुगाः सह चक्रिणा ॥ (१.९.४)
પાંડવ સેવકગણ વગેરે શ્રીકૃષ્ણને સાથે લઈને ભીષ્મ પાસે ગયા. ભીષ્મ ત્યારે સ્વર્ગચ્યુત દેવતાની જેમ શરશય્યા પર સૂતા હતા. ત્યારે બધાએ ભીષ્મને પ્રણામ કર્યાં. બાહ્યસંબંધથી શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના મામાના પુત્ર છે. પરંતુ જગતપૂજ્ય એના ઈષ્ટદેવ હોવા છતાં નરલીલા દેખાડવા ભીષ્મને પ્રણામ કર્યાં.
कृष्णं च तत्प्रभावज्ञ आसीनं जगदीश्वरम् ।
हृदिस्थं पूजयामास माययोपात्तविग्रहम् ॥ (१.९.१०)
ભીષ્મ શ્રીકૃષ્ણનો મહિમા સારી રીતે જાણતા જ હતા. તે જ શ્રીકૃષ્ણ કે જેનું તેઓ પોતાના હૃદયમાં સદા સર્વદા ચિંતન કરે છે, તે જ જગદીશ્વર શ્રીકૃષ્ણ કૃપા કરીને તેમની પાસે આવ્યાછે; ભીષ્મ મનમાં ને મનમાં તેમને પ્રણામ કરે છે. આજે ભીષ્મના આનંદનો અંત નથી. જેનું ધ્યાન કરે તો પણ દર્શન ન થાય તે આજે પરમ કરુણામૂર્તિરૂપે ભીષ્મની આંખો સમક્ષ ઊભા છે. જોકે સાંસારિક રીતે પારિવારિક સંબંધથી ભીષ્મ શ્રીકૃષ્ણ કરતાં મોટા છે, વંદનીય છે, છતાંય ભીષ્મ શ્રીકૃષ્ણને મનમાં પ્રણામ કરે છે. વિનય અને શ્રદ્ધાવાન પાંડવોને સમીપ નિહાળીને ભીષ્મ અશ્રુપૂર્ણ નયને તેમને કહેવા લાગ્યા.
अहो कष्टमहोऽन्याय्यं यद्यूयं धर्मनन्दनाः।
जीवितुं नार्हथ क्लिष्टं विप्रधर्माच्युताश्रयाः ॥ (१.९.१२)
‘તમે ધર્મપુત્રો; તમને બ્રાહ્મણો, ધર્મ અને શ્રીકૃષ્ણનો આશ્રય છે. તેથી તમે ક્યારેય દુ:ખમાં કષ્ટમય જીવન ગુજારવાને યોગ્ય નથી. છતાંય તમે દુ:ખથી જીવો એ ખેદજનક છે. આ તો મોટો અન્યાય કહેવાય.’
પાંડવો શોકસંતપ્ત હૃદયથી, ખિન્ન વદને ભીષ્મ પાસે બેસી રહ્યા છે, એ જોઈને ભીષ્મ મનમાં ને મનમાં વિચારે છે, શ્રીભગવાનની આ કેવી અદ્ભુત લીલા! સ્વયં ભગવાન હંમેશાં જેની સાથે રહ્યા છે, તેમને પણ દુ:ખ હોય! ભગવાનનું નામસ્મરણ કરતાં જ જ્યાં બધું દુ:ખ નાશ પામે, ત્યાં શ્રીહરિ સ્વયં ઉપસ્થિત હોય છતાં ભગવાન તેમના દુ:ખનું નિવારણ કરી શકતા નથી! ભગવાનની આવી લીલાનો અર્થ કોણ સમજી શકશે! તેથી મહાજ્ઞાની ભીષ્મ, શ્રીહરિની અચિંત્યલીલાને સમજવા અસમર્થ થતાં આંખોમાંથી આંસું સારે છે અને કહે છે : ‘હે યુધિષ્ઠિર! જેમની સામાન્ય કૃપા, સામાન્ય આશ્રય મેળવતાં જ માણસ દુ:ખ-કષ્ટમાંથી મુક્ત થઈ જાય, તે બ્રાહ્મણ, ધર્મ અને શ્રીકૃષ્ણ તમારી સાથે સર્વદા જ રહ્યા છે, છતાંય તમને સહુને આટલું દુ:ખ શા માટે છે? તે કોણ કહી શકે? લોકો અધર્મ આચરે તો દુ:ખ ભોગવે. પરંતુ તમો સહુ ધર્મની પ્રતિમૂર્તિ છો. છતાંય તમે જે કંઈ દુ:ખ વેઠો છો, તે મનુષ્યની બુદ્ધિથી ન સમજી શકાય તેવાં છે.
यत्र धर्मसुतो राजा गदापाणिर्वृकोदरः ।
कृष्णोऽस्त्री गाण्डिवं चापं सुहृत्कृष्णस्ततो विपत् ॥ (१.९.१५)
જ્યાં ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર, ગદાયુદ્ધમાં નિપુણ ભીમ, અસ્ત્રવિદ્યામાં પારંગત ગાંડિવધારી અર્જુન અને પરમ મિત્ર શ્રીકૃષ્ણ સ્વયં હાજર છે, ત્યાં પણ વિપત્તિ આવે, એ બહુ નવાઈની વાત છે? બધાં પ્રકારનાં સુખનાં પરિબળો તમારી પાસે છે, છતાંય તમારા દુ:ખનો અંત નથી. આનાથી વધારે આશ્ચર્ય બીજું શું હોઈ શકે? ધર્મ, શારીરિક શક્તિ, બુદ્ધિ, અસ્ત્ર કૌશલ, આ બધું જ તો તમારામાં પૂર્ણપણે રહેલું છે. તદુપરાંત ઋષિમુનિઓ જેમનું ધ્યાન કરીને પણ પામતા નથી, તે શ્રીકૃષ્ણ સ્વયં તમારા મિત્રની માફક હંમેશાં સહાય કરે છે. જ્યારે આનાથી પણ તમારા દુ:ખનો અંત આવતો નથી, ત્યારે સમજવું જોઈએ કે, આ દુ:ખ અચિંત્ય, મનુષ્યની બુદ્ધિથી આ દુ:ખની ચર્ચા થઈ શકે નહિ.
ભીષ્મે ફરી કહ્યું : ‘હે યુધિષ્ઠિર! આ શ્રીકૃષ્ણ જે કરવા ઇચ્છે છે તેને કોઈ પુરુષ કદી જાણતો નથી. અરે! વિવેકી શાસ્ત્રજ્ઞ પંડિતો પણ મોહ પામે છે. માટે
હે ભરતશ્રેષ્ઠ! આ સુખદુ:ખાદિ ઈશ્વરાધીન છે એવો નિશ્ચય કરી ઈશ્વરને જ અનુગત થઈ અનાથ પ્રજાનું પાલન કરો.’
एष वै भगवान् साक्षादाद्यो नारायणः पुमान् ।
मोहयन्मायया लोकं गूढश्चरति वृष्णिषु ।। (१.९.१८)
આ જ શ્રીકૃષ્ણ સાક્ષાત્ ભગવાન, આદિપુરુષ નારાયણ. છતાં પણ તેમણે કૃપા કરીને પોતાના ભક્તોને આનંદ આપવા માટે યદુકુળમાં જન્મ લીધો છે અને ભક્તિહીન લોકોની બુદ્ધિથી અગોચર એવી અનેક લીલાઓ કરી રહ્યા છે.
મહારાજ યુધિષ્ઠિર પોતાનો સંદેહ મિટાવવા ભીષ્મ પાસે આવ્યા છે. ભીષ્મ તે સમજી ગયા અને પ્રથમ તેમણે શ્રીકૃષ્ણનો મહિમા વર્ણવીને યુધિષ્ઠિરનો સંદેહ દૂર કરવાની શરૂઆત કરી. ભીષ્મ પરમ ભક્ત હતા, તેઓ જાણતા હતા કે ભગવાનનો મહિમા આત્મસાત ન કરી શકે તો સેંકડો યુક્તિ કે તર્ક દ્વારા પણ શંકાનું સમાધાન ન થઈ શકે. તેથી ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું : ‘તમે જેને પરમ મિત્ર કહો છો તે કૃષ્ણ જ સાક્ષાત્ ભગવાન છે. તેઓ શા માટે, ક્યારે, શું કરે, તે મનુષ્ય બુદ્ધિથી અગોચર વળી, ઊલટું તેમના કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય માટે જ તમે આટલું કષ્ટ પામો છો, તે પણ કોણ કહી શકે? જીવ સુખદુ:ખ ભોગવતો રહે, પણ તે શા માટે સુખદુ:ખ ભોગવે છે, તે સમજવાની કે વિચાર કરવાની ક્ષમતા તેનામાં નથી. તેથી જ્યારે જે સ્થિતિ આવે, તેને શ્રીભગવાનની કૃપા માનીને યથાયોગ્ય કર્તવ્યપાલન કરવું એ જ બુદ્ધિશાળીનું કામ કહેવાય. શ્રીકૃષ્ણની કૃપાથી હવે તમે પૃથ્વીના અધીશ્વર થયા છો. તેથી તેમની વાણીનું સ્મરણ રાખીને તમે રાજધર્મ નિભાવો અને પ્રજાપાલનના ધર્મમાં મગ્ન રહો. તેઓ ભક્તોને આનંદ આપવા માટે યદુકુળમાં જન્મગ્રહણ કરીને તમારી સાથે આત્મીયતાના સૂત્રે બંધાઈને અનેક લીલાઓ કરે છે. પરંતુ ભક્તિહીન લોકો તેમની આ લીલા-માધુર્યનું આસ્વાદન કરી શકતા નથી. શ્રીકૃષ્ણ તમારા પ્રેમમાં એકદમ વશીભૂત અને તમે પણ તેમના પ્રેમમાં અંધ! અને એ પ્રેમને કારણે જ તમારી સાથે મારો સંબંધ છે, હું તમારો પિતામહ છું. તેથી તેઓ કૃપા કરીને મારા મૃત્યુ સમયે મારી સમક્ષ ઊભા છે. નહિ તો શ્રીભગવાનનાં અતિ દુર્લભ સાક્ષાત્ દર્શન મારા ભાગ્યમાં કોઈ રીતે ન થાત. જેમનાં શ્રીચરણમાં મન પરોવીને ભક્તિપૂર્વક હે કૃષ્ણ! હે ગોવિંદ! વગેરે નામકીર્તન કરતાં કરતાં દેહત્યાગ કરવાથી મનુષ્યના અસંખ્ય જન્મનાં સંચિત સાંસારિક દુ:ખ દૂર થાય છે. તે સ્વયં મારી આંખો સમક્ષ આવ્યા છે. ત્યારે ભીષ્મ પ્રાર્થના કરે છે.
स देवदेवो भगवान् प्रतीक्षतां
कलेवरं यावदिदं हिनोम्यहम् ।
प्रसन्नहासारुणलोचनोल्लस-
न्मुखाम्बुजो ध्यानपथश्चतुर्भुजः ।। (१.९.२४)
મારા અંતિમ સમયે આ પ્રાર્થના કે મારા દીર્ઘજીવનનાં ધ્યાન-ધ્યેય ચતુર્ભુજ મૂર્તિમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી મુદ્રામાં શ્રીકૃષ્ણ પ્રસન્નવદને મારા પ્રત્યેનો દૃષ્ટિપાત દેહત્યાગ સુધી કરતા રહે. જીવનની આ છેલ્લી ઘડી ઈષ્ટદર્શનથી વંચિત ન રહે. શ્લોકમાં ‘ध्यानपथश्च तु चतुर्भुजः’ છે. આથી એવું લાગે છે કે ભીષ્મ શ્રીભગવાનની ચતુર્ભુજ મૂર્તિના ઉપાસક હતા.
આ પછી યુધિષ્ઠિરે ધર્મ વિશે ભીષ્મને અનેક પ્રશ્નો કર્યા અને ધર્મતત્ત્વજ્ઞ ભીષ્મે વર્ણાશ્રમ ધર્મ, દાનધર્મ, રાજધર્મ, સ્ત્રીધર્મ, ભગવત્ ધર્મ વગેરેનું યથાયોગ્ય વર્ણન કર્યું. ભીષ્મની ધર્મ વ્યાખ્યા સાંભળીને યુધિષ્ઠિરની બધી જ શંકા દૂર થઈ. આ રીતે ધર્મચર્ચામાં કેટલાક દિવસ વીત્યા બાદ ઉત્તરાયણનો સમય આવ્યો. આ સમયે દેહત્યાગ કરવા માટે ઇચ્છામૃત્યુનું વરદાન પામેલ ભીષ્મે આટલા દિવસ શરીર ટકાવ્યું હતું. તેમનો દેહત્યાગ કરવાનો સમય આવી ગયો છે, એમ જોઈને ભીષ્મ અનિમેષ નયનથી શ્રીકૃષ્ણનાં દર્શન કરતાં કરતાં તેમનામાં ચિત્તને પરોવતાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. તેમનું મન કૃષ્ણ સમર્પિત, નયન કૃષ્ણરૂપ દર્શનમાં મુગ્ધ, મુખથી કૃષ્ણનાં ગુણગાન, મૃત્યુ પહેલાંની પળોમાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે.
इति मतिरुपकल्पिता वितृष्णा
भगवति सात्वतपुङ्गवे विभूम्नि।
स्वसुखमुपगते क्वचिद्विहर्तुं
प्रकृतिमुपेयुषि यद्भवप्रवाहः ।। (१.९.३२)
ભીષ્મ સૌ પ્રથમ પોતાનું નિષ્કામ ચિત્ત શ્રીકૃષ્ણને અર્પણ કરીને કહે છે : જેઓ ષડઐશ્વર્યશાળી, જે યદુકુળ શ્રેષ્ઠ, જે સર્વશ્રેષ્ઠ, જેનાથી કોઈ મોટું નથી, જે પોતાના સ્વરૂપભૂત આનંદમાં હંમેશાં રહેતા હોય છતાં ક્યારેક લીલા કરે છે, જે પ્રકૃતિથી આ સંસાર પ્રવાહ વહે છે, તે જ પ્રકૃતિને-માયાને આશ્રય કરે છે, તે શ્રીકૃષ્ણને મારી તૃષ્ણારહિત કામના શૂન્ય ચિત્તવૃત્તિ અર્પિત થજો.
ભીષ્મ શ્રીકૃષ્ણને પરમતત્ત્વ, પરમપુરુષ તરીકે જાણે છે, તેથી તેઓ કહે છે બ્રહ્મરૂપથી શ્રીકૃષ્ણ સર્વવ્યાપી અને સર્વ સૌથી વિશાળ, મોટા. લીલાવિલાસ માટે માયાનું અવલંબન કરીને દેહધારણ કર્યો છતાં પણ તેઓ સામાન્ય માણસની માફક માયાને અધીન નથી, તેઓ માયાધીશ છે. અત્યારે તેઓ યદુકુળમાં જન્મીને યાદવો અને પાંડવો સાથે વિહાર કરે છે. પોતાનું સ્વરૂપ જે પરમાનંદ તેનું આસ્વાદન કરે છે.
ભીષ્મ શ્રીકૃષ્ણને કહે છે : ‘હે કૃષ્ણ! તમે કૃપા કરીને મારી પાસે આવ્યા છો. પરંતુ મારી પાસે તો કશું જ નથી કે જેનાથી તમારો સત્કાર કરી શકું. મારી પાસે તો એકમાત્ર ચિત્તવૃત્તિ જ આધાર છે. વિવિધ ધર્માનુષ્ઠાન અને તપસ્યા દ્વારા મેં ચિત્તના સંયમનો અભ્યાસ કર્યો છે; તે ચિત્તમાં કોઈ વાસના, કામના નથી. તે નિષ્કામ (ચિત્તવૃત્તિ) બુદ્ધિ જ તમને નિવેદન કરું છું. કૃપા કરીને ગ્રહણ કરો. જેથી મારું ચિત્ત હવેથી એકમાત્ર તમારી સાથે જ જોડાયેલું રહે. જેથી મારા મનમાં તમારા સિવાય બીજો કશો વિચાર ન આવે.
त्रिभुवनकमनं तमालवर्णं
रविकरगौरवराम्बरं दधाने।
वपुरलककुलावृताननाब्जं
विजयसखे रतिरस्तु मेऽनवद्या ॥ (१.९.३३)
શ્રીકૃષ્ણને ચિત્ત સમર્પિત કર્યા બાદ ભીષ્મના મનમાં કૃષ્ણના અલૌકિક રૂપનો ઉદય થયો. તે ધ્યાનગમ્ય કૃષ્ણ રૂપનું વર્ણન કરતાં ભીષ્મ શ્રીકૃષ્ણને પ્રેમપૂર્વક પ્રાર્થના કરતાં કહે છે : ત્રિલોકમાં એકમાત્ર અભિલષિત, તમાલ સમાન શ્યામ વર્ણવાળા, ઉજ્જવળ સૂર્યનાં કિરણોની પેઠે પીત વસ્ત્રો પહેરેલ, કેશનાં ગુચ્છાથી ઉપરના ભાગમાં ઢંકાયેલ મુખવાળા અને અર્જુનના સખા છે, તે શ્રીકૃષ્ણ પ્રત્યે મારી નિષ્કામ પ્રીતિ થાઓ.
ભીષ્મચરિત્ર ઘણા ગુણોથી શોભે છે. તેઓ સત્યપ્રતિજ્ઞ, સત્યવ્રત, પરમજ્ઞાની અને સર્વોપરિ ઉપરાંત તેઓ શ્રેષ્ઠ અને અદ્વિતીય યોદ્ધા હતા. તે સમયે તેના જેવા યોદ્ધા બીજા કોઈ ન હતા. કુરુક્ષેત્રનાં યુદ્ધમાં નવ દિવસ સુધી તેઓ કૌરવ પક્ષના સેનાપતિ હતા. તેથી કુરુક્ષેત્રનાં યુદ્ધની વિશેષ ઘટનાઓએ તેમના મન પર ગંભીર છાપ પાડી હતી. તેથી સ્વાભાવિક રીતે આ સમયે તેમને બધું યાદ આવવા લાગ્યું.
ભગવાન શ્રીકૃષ્ણ કૃપાવશ થઈને અર્જુનના રથના સારથિ બનીને અર્જુનના કહેવા પ્રમાણે અહીંતહીં રથ ચલાવતા હતા. ભગવાનની આવી અનુગ્રહલીલા જોઈને ભીષ્મ મુગ્ધ થયા હતા. તેથી મૃત્યુ સમયે ભગવાન તેમની સમક્ષ હોવા છતાં તેઓ ભગવાનની એ પાર્થસારથિ તરીકેની લીલા અને ભક્તવાત્સલ્યને ભૂલી શકતા નથી. વારંવાર તે યુદ્ધ દરમિયાનના અર્જુનના સારથિ શ્રીકૃષ્ણની લીલા મનમાં યાદ કરે છે. ત્રિલોકના મનોહર શ્યામવર્ણવાળા શ્રીકૃષ્ણ ઉજ્જવળ પીળાં વસ્ત્રો પહેરીને યુદ્ધક્ષેત્રે અર્જુનની રક્ષા કરવા માટે વ્યગ્ર થઈને ચંચળભાવે રથ ચલાવે છે. એના લીધે શ્રીકૃષ્ણના માથાના વાળ મોઢા પર છવાઈ ગયા છે અને તેઓ વચ્ચે વચ્ચે અર્જુનની સામે જોઈને અર્જુનને ઉપદેશ અને ઉત્સાહ આપે છે. ભક્ત વાત્સલ્ય અને ભક્તરક્ષાની આ સાક્ષાત્મૂર્તિ ભીષ્મ કોઈ રીતે ભૂલી શકતા નથી. તેથી પ્રાર્થના કરે છે – અર્જુનસખા! એ જ પાર્થસારથિની મૂર્તિ હંમેશાં મારા હૃદયમાં જાગ્રત થજો, જેથી કરીને મને નિષ્કામ ભક્તિ મળે.
युधि तुरगरजोविधूम्रविष्वक्-
कचलुलितश्रमवार्यलङ्कृतास्ये ।
मम निशितशरैर्विभिद्यमान-
त्वचि विलसत्कवचेऽस्तु कृष्ण आत्मा ॥ (१.९.३४)
યુદ્ધ મેદાનમાં ઘોડાઓની ખરીઓની ઊડેલી રજ વડે ભૂખરા થયેલા અને આમતેમ ઊડતા કેશથી તથા પરિશ્રમ દ્વારા થયેલ પરસેવાનાં બિંદુઓથી તેમના મુખમંડલની શોભા અપૂર્વ થઈ હતી. અસંખ્ય તીક્ષ્ણ બાણો એમના શરીરનાં પ્રત્યેક અંગમાં ખૂંપેલાં હતાં, જાણે તેમણે બાણોનું ક્વચ ન પહેર્યું હોય! ભીષ્મ કહે
છે : ‘જે શ્રીમૂર્તિને ભક્તો ચંદન વગેરે સુગંધી દ્રવ્ય દ્વારા સજાવે છે, યુદ્ધ દરમિયાન તે જ શ્રીમૂર્તિ ધૂળથી ખરડાયેલી અને મારાં બાણોથી ઘવાયેલાં સર્વાંગો જોઈને આત્મરક્ષા અને ભક્તરક્ષા માટે વ્યગ્ર થઈને રથને આમતેમ દોડાવે છે. તે ભક્ત અનુગ્રહકારી યુદ્ધમાં રસાવિષ્ટ શ્રીમૂર્તિને હું કોઈ રીતે ભૂલી શકતો નથી. ભગવાનની તે મૂર્તિમાં મારાં મન પ્રાણ નિશ્ચલભાવે રહો. હું બીજું કંઈ માંગતો નથી. ‘અસ્તુ કૃષ્ણે આત્મા’ એ જ કૃષ્ણમાં મારું મન સ્થિર થાઓ.
सपदि सखिवचो निशम्य मध्ये
निजपरयोर्बलयो रथं निवेश्य ।
स्थितवति परसैनिकायुरक्ष्णा
हृतवति पार्थसखे रतिर्ममास्तु । (१.९.३५ )
હે કૃષ્ણ! બંને સેનાઓ વચ્ચે મારો રથ લઈ જાઓ. અર્જુનની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણ તુરત કૌરવ અને પાંડવોની સેના વચ્ચે રથ લઈ ગયા અને અર્જુનના હવે પછીના આદેશની અપેક્ષા કરતાં પહેલાં જ કૃષ્ણે કાળદૃષ્ટિથી કૌરવ સેનાનું આયુષ્ય હરી લીધું. એ જ પાર્થસારથિ શ્રીકૃષ્ણમાં મારી રતિ હજો.
ભગવાનના ભક્ત વાત્સલ્યનું કેવું અપૂર્વ દૃષ્ટાંત! શ્રીકૃષ્ણ અંતર્યામી સ્વરૂપે બધાના નિયામક, છતાંય તેમણે અર્જુનની વાત સાંભળીને પોતાના હાથે રથ ચલાવ્યો. सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत। यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् ॥ (गीता, १.२१) હે કૃષ્ણ! બંને સેનાઓ વચ્ચે રથ રાખો. જેથી હું જોઈ શકું કે, કોણ અમારી સામે યુદ્ધ કરવા આવ્યા છે. અર્જુનની વાત સાંભળીને અનંતકોટિ બ્રહ્માંડનું પરિચાલન કરવાને શક્તિમાન એવા શ્રીકૃષ્ણે તુરત બંને સેનાઓ વચ્ચે રથ ઊભો રાખ્યો. ડાબા હાથે રથની લગામ પકડી રાખીને જમણા હાથની આંગળીઓ દેખાડીને બોલ્યા पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति । (गीता, १.२५) હે પાર્થ યુદ્ધમાં આવેલા આ કૌરવોને જુઓ.
ભીષ્મ કહે છે : ‘હે કૃષ્ણ મેં ત્યારે મારી આંખે જોયું કે, જ્યારે તમે આંગળી ચીંધીને અર્જુનને કહેતા હતા કે આ ભીષ્મ, આ કર્ણ, આ દ્રોણ વગેરે ત્યારે તમે કાલદૃષ્ટિથી તેમનું આયુષ્યહરણ કરતા હતા. વળી અર્જુનની સામે તમે સ્નેહભરી દૃષ્ટિથી જોઈને ઉત્સાહ આપતા હતા. ત્યારનું તમારું શત્રુધ્વંસી કરાળરૂપ અને ભક્ત પ્રત્યેનો રક્ષક-પાલક તરીકેનું સ્નેહસ્વરૂપ મારા હૃદયમાં દીર્ઘ સમય માટે સંગ્રહાયેલું છે. હે ભગવાન! તે પાર્થસખાનું મુગ્ધરૂપ હું આમરણ જોઈ શકું; એ પાર્થસારથિની મૂર્તિમાં જ મારું ચિત્ત ચોંટ્યું રહે.
(ક્રમશ:)
Your Content Goes Here




