(ગતાંકથી આગળ)

આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે

श्रीभगवानुवाच –
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे
गतासून् अगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ।।११।।

શ્રીકૃષ્ણ સાથેની આટલી વાત પછી, ‘હું લડવાનો નથી,’ એમ અર્જુને કહ્યું અને રથમાં બેસી ગયો ત્યારે, એ યોદ્ધા સામે જે પ્રશ્નો હતા તેમનો સામનો કરવા તેને પ્રેરે તેવી વાણી શ્રીકૃષ્ણે ઉચ્ચારવી જોઈએ,’ ‘પરિસ્થિતિ વિષમ હતી,’ विषमे समुपस्थितम्‌. પોતાનો મિત્ર અને શિષ્ય આવી વિષમ પરિસ્થિતિમાં મુકાયો છે તે જોઈ શ્રીકૃષ્ણે કહ્યું :

શ્રી ભગવાન બોલ્યા :

અર્જુને જે ફિલસૂફીની દલીલ કરી હતી તે અનુસાર ભીષ્મ અને દ્રોણ માટે શોક કરવાનો નથી એમ આ શ્લોક કહે છે. એ મહાપુરુષો છે, એમની દયા ખાવાની શી જરૂર છે ? अशोच्यान, એમને માટે ‘શોક કરવો યોગ્ય નથી.’ એ સમર્થ પુરુષો છે. अन्वशोचस्त्वं, ‘તું આટલો બધો શોક કરે છે. प्रज्ञावादांश्च भाषसे, ‘ને છતાં બોલ ડહાપણભર્યા બોલે છે.’ गतासून् अगतासूंश्च नानुशोचन्ति पण्डिताः એ ફિલસૂફી અનુસાર पण्डिताः ‘શાણા – જ્ઞાની – માણસો મરેલા કે જીવતાનો શોક કરતા નથી.’ સંસ્કૃતમાં पण्डित મોટો શબ્દ છે. જો કે આજે, ઉત્તર ભારતમાં એનો અર્થ સામાન્ય મનુષ્યો થાય છે. સંસ્કૃત શબ્દ પડિત पण्डा શબ્દમાંથી ઊતરી આવ્યો છે. पण्डा એટલે ? पण्डा એટલે આત્મવિષયકબુદ્ધિ, ‘આત્મા પ્રતિ વળેલી બુદ્ધિ’; ભીતરમાં જે પરમાત્મ તત્ત્વ રહેલું છે તે पण्डित એને કહેવાય છે અને જેની પાસે એ બુદ્ધિ હોય તે पण्डित. પણ ગીતા (૫.૧૮)માં બીજી વ્યાખ્યા પણ આવે છે. पण्डिताः समदर्शिन: ‘વસ્તુમાત્ર પ્રત્યે સમાન દૃષ્ટિવાળા તે पण्डित.’

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्याम: सर्वे वयमतः परम् ॥ १२॥

મનુષ્ય પૂરતી વાત કરીએ તો, આપણામાંના દરેકમાં સનાતન તત્ત્વ રહેલું છે. આપણું દર્શનશાસ્ત્ર કહે છે, દેહો આવે ને જાય, આત્મા રહે છે. એટલે આપણે મૃત્યુ વખતે કહીએ છીએ, શરીર છોડયું. હું આત્મા છું, હું જીવ છું, મને શરીર છે તેનો મેં ત્યાગ કર્યો. આ આપણી સામાન્ય સમજ છે. એટલે, અહીં છીએ તે આપણે સૌ, તમે ને હું, સદા રહેવાના છીએ. આપણે ન હતા એવું કયારેય ન હતું. આપણે નહીં હોઈએ તેવું પણ કચારેય નહીં હોય. આપણે અમર આત્મા છીએ. ભારતનો સનાતન ધર્મ આ સત્ય શીખવે છે: માનવીઓ તત્ત્વતઃ દિવ્ય છે; આપણું શરીર પરિવર્તનશીલ છે, મૃત્યુને અધીન છે; પણ આપણો આત્મા તત્ત્વતઃ દિવ્ય અને અમર છે. શ્વેતાશ્વતર ઉપનિષદ (૨.૫માં) ઘોષિત કરે છે તે પ્રમાણે, આપણે સૌ अमृतस्य पुत्रा: છીએ. न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:, ‘હું કે તું કે આ બધા રાજાઓ કદી ન હતા તેવું નથી અને કદી નહીં હોય તેમ પણ નથી.’  न चैव न भविष्याम: सर्वे वयमत: परम्‌ ‘આ દેહના નાશ પછીયે આપણે ભવિષ્યમાં હોવાના જ !’ આ અધ્યાયના અનેક શ્લોકમાં આ વાત ઘૂંટાય છે. એક દૃષ્ટાંત આપવામાં આવે છે; ગીતાનો આ શ્લોક પ્રસિદ્ધ છે.’

देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्ति: धीरस्तत्र न मुह्यति ॥१३॥

દરેક દેહધારી વ્યક્તિ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય છે; कौमारं, – બાર વર્ષની નીચેની અવસ્થા તે કૌમાર્ય; છોકરો તે કુમાર અને છોકરી તે કુમારી कौमारं એટલે બાલ્યાવસ્થા. પછી यौवनं, યુવાની; પછી, जरा, ઘડપણ, ‘દરેક દેહધારીને બાલ્યાવસ્થા, યુવાની અને ઘડપણમાંથી પસાર થવું જ પડે છે. એ જ રીતે, મૃત્યુ અને પછી પુનર્જન્મ; ધીર પુરુષ તેથી મોહિત થતો નથી.’ સનાતન ધર્મના ખૂબ અગત્યના બોધ પ્રમાણે, પુનર્જન્મમાં માનતા હોઈને આપણે, નવો દેહ ધારણ કરીને આ માનવ-ઉત્ક્રાંતિને ચાલુ રાખીએ છીએ. મનુષ્ય પ્રાણી જન્માન્તરની હારમાળામાંથી પસાર થઈ અંતે, ભીતરના અમર આત્માનો સાક્ષાત્કાર કરે છે. મનુષ્ય પોતાના કર્મફળને અધ્યાત્મજ્ઞાનના અગ્નિમાં બાળી નાખે ત્યાં સુધી આ જન્મ મૃત્યુની આવનજાવન ચાલુ રહે છે. એટલે, આ દેહની સહાયથી આપણા આધ્યાત્મિક વિકાસને વેગવાન બનાવવાનું આપણને કહેવામાં આવે છે; એ સત્યનો સાક્ષાત્કાર કરો એટલે, દેહનું કાર્ય પૂરું. ત્યાં સુધી, એક યા બીજે સ્વરૂપે દેહ રહેશે; કારણ, માનવદેહનો હેતુ સુખોપભોગ નથી; એ માટે પ્રાણીશરીર વધારે યોગ્ય છે. માનવશરીરનો હેતુ ધર્મનિરપેક્ષ અને આધ્યાત્મિક જ્ઞાન છે. શ્રેષ્ઠ સત્યનો સાક્ષાત્કાર કરો, તમારાં બધાં કર્મોબાળી નાખો; પછી તમારે જન્મ નથી, મૃત્યુ નથી, તમે મુક્ત છો; શ્લોક એમ કહે છે. આપણી અંદર સૂક્ષ્મ જીવ છે; વેદાંત એને સૂક્ષ્મ શરીર કહે છે. ઈન્દ્રિય કક્ષાની પારની, મનુષ્ય પ્રકૃતિના ગહન પરિણામના અભ્યાસ વડે આપણા શરીરમાં રહેલા આ સૂક્ષ્મ શરીરની શોધ આપણા ઋષિમુનિઓએ કરી હતી, અને શોધ્યું હતું કે સ્થૂલ શરીરની પાછળ સૂક્ષ્મ શરીર રહેલું છે; વળી તેઓ એમ સમજયા હતા કે સ્થૂલ શરીર નાશવંત છે, સૂક્ષ્મ શરીર મરતું નથી. એ નિત્ય છે. પૂર્વજન્મમાં શું બન્યું હતું તે ભૂલી જઈ, સૂક્ષ્મ શરીર પોતાને માટે બીજો સ્થૂલ દેહ ઘડે છે અને, પોતાના સાચા સ્વની ખોજ ચાલુ રાખે છે. એ માટે તો, ભારતમાં પુનર્જન્મનો મહાન વિચાર વિકસાવવામાં આવ્યો હતો, तथा देहान्तर प्राप्ति:, એટલે धीरस्तत्र न मुह्यति, ‘શાણો, ધીર પુરુષ મોહિત થશે નહીં;’ દેહનાં આવાં પરિવર્તનો એને અકળાવશે નહીં. પછી શ્રીકૃષ્ણ બીજો સુંદર વિચાર આપે છે ને તે આપણને સૌને માટે છે. (ક્રમશઃ)

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.