વિદ્વાનોના મતાનુસાર જે ગ્રંથ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા હોય એ ગ્રંથ આગળ ‘શ્રીમદ્’ શબ્દ વાપરવામાં આવે છે. શ્રીમદ્ શબ્દ કેવળ બે જ ગ્રંથની આગળ લગાડવામાં આવ્યો છે. એક છે ‘ભાગવત’ અને બીજો છે ‘ગીતા’. ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર જગત માટે ‘ગીતા’ પોતાના સ્વમુખે કહી છે. એવી જ રીતે ‘ભાગવત’ એક એવો અદ્વિતીય ગ્રંથ છે, જે ભગવાન નારાયણે પોતાના શ્રીમુખેથી સમગ્ર જગતના ઉદ્ધાર માટે કહ્યો છે.
શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં બે ગીતાનું વર્ણન કરવામાં આવ્યું છે, એક છે ‘ઉદ્ધવ-ગીતા’ અને બીજી છે ‘હંસ-ગીતા’. બંને ગીતામાં પરમાત્માએ અધ્યાત્મ જગતનાં ઉચ્ચ સત્યોને વ્યાવહારિક જીવનમાં અત્યંત સરળતાથી કેવી રીતે અમલમાં મૂકી શકાય એનું વર્ણન કર્યું છે.
ભૌતિક વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનું પાર્થક્ય:
અધ્યાત્મ વિદ્યામાં સિદ્ધાંત છે કે એ વિદ્યાને કઈ પરંપરાથી પ્રાપ્ત કરવામાં આવી છે, એ જોવામાં આવે છે. જગતનો કોઈ પણ આધ્યાત્મિક સિદ્ધાંત અત્યારે જ નવો બન્યો હોય એવું નથી. તેનું વૈદિક-પુરાણ યુગથી લઈને તેની પરંપરા જોવામાં આવે છે અનેે એ પરંપરા જેટલી પ્રાચીન હોય એટલી એની સત્યતા અને સાર્થકતા અનેકગણી વધી જાય છે. જ્યારે આધુનિક ભૌતિક વિજ્ઞાન પોતાના તુરતમાં થયેલા આવિષ્કારોને જ સત્ય તરીકે સ્વીકાર કરે છે. ગીતામાં ભગવાને પણ પોતાના આ આધ્યાત્મિક સિદ્ધાંતો પ્રાચીન પરંપરા અનુસાર ચાલતા આવ્યા છે એ બતાવવા માટે અર્જુનને કહ્યું છે:
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्॥4.1॥
‘મેં આ અક્ષય યોગ પહેલાં સૂર્યને કહ્યો હતો. સૂર્યે મનુને કહ્યો પછી મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો.’
શ્રીમદ્ ભાગવત પણ પોતાની પરંપરા બતાવતા કહે છે કે ભગવાન નારાયણે સ્વયં ભાગવત સૌ પ્રથમ બ્રહ્માજીને કહ્યું; ત્યાર બાદ બ્રહ્માજીએ નારદજીને કહ્યું; નારદજીએ વેદવ્યાસજીને કહ્યું; વેદવ્યાસજીએ શ્રીશુકદેવજીને કહ્યું અને પરમહંસ શિરોમણિ શ્રીશુકદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું. ત્યાર બાદ શ્રીસૂતજીએ ૮૮,૦૦૦ ઋષિઓને નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરાવ્યું.
શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના કયા સ્વરૂપનું વધુ ચિંતન થયું છે? ભગવાન વેદવ્યાસજીએ ભાગવતના પ્રથમ સ્કન્ધના પ્રથમ શ્લોકમાં જ શ્રીમદ્ ભાગવતમાં જે અદ્ભુત તત્ત્વનું નિરૂપણ કરાયું છે, તેનું વર્ણન કરતાં કહ્યું છે:
जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्ते
ने ब्रह्महृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः।
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥ १॥
‘જે પરમાત્માથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે; ઘડામાં વ્યાપી રહેલી માટી અને અલંકારોમાં વ્યાપ્ત સુવર્ણની પેઠે જ પરમાત્મા આ કાર્યરૂપ જગતમાં વ્યાપી પણ રહેલા, જગતથી પર (શ્રેષ્ઠ-જુદા-બહાર) પણ છે અને જ્ઞાનરૂપ તથા સ્વયંપ્રકાશ છે; જે વેદોનો અર્થ જાણવામાં મહાબુદ્ધિમાનો પણ મોહ પામે છે, તે વેદનો જે પરમાત્માએ આદિકવિ બ્રહ્માના મનમાં અંતર્યામીરૂપે પ્રકાશ કર્યો છે તથા જેમ સૂર્યનાં કિરણો વિશે ભ્રાંતિથી દેાતું ઝાંઝવાનું જળ સાચું નહિ છતાં પણ સૂર્યનાં કિરણોની સત્તાથી તે સાચા જેવું ભાસે છે; જેમ સ્થિર પાણીમાં ભ્રાંતિથી ‘આ કાચ છે’ એ બુદ્ધિ થાય છે, તે સાચી નહિ છતાં પણ તે પાણીની સત્તાથી સાચી જેવી ભાસે છે તથા જેમ કાચમાં ભ્રાંતિથી ‘આ પાણી છે’ એવી પ્રતીતિ થાય છે, તે પણ સાચી નથી, તોપણ કાચની સત્તાથી સાચા જેવી ભાસે છે; તેમ જે અધિષ્ઠાન પરમાત્મામાં તમોગુણના કાર્યરૂપ આ પંચભૂતની સૃષ્ટિ અન સત્ત્વગુણનાં કાર્યરૂપ દેવતાઓની સૃષ્ટિ કલ્પિત અને અસત્યરૂપ હોવા છતાં પણ જે પરમાત્માની સત્તાથી તે સાચા જેવી ભાસે છે; જે પરમાત્માએ પોતાના જ્ઞાનરૂપ પ્રકાશ વડે માયારૂપ કપટને ટાળી નાખ્યું છે અને જે પરમાત્માનો ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં નાશ થતો નથી એવા તે પરમ સત્યસ્વરૂપ, પરમ જ્ઞાનસ્વરૂપ, પરમ શક્તિસ્વરૂપ તથા આનંદસ્વરૂપ સર્વશ્રેષ્ઠ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ.’
શ્રીમદ્ ભાગવતમાં ભગવાને સ્વયં દેશ-કાળ-નિમિત્તની મર્યાદામાં આવીને જે જગતરૂપ ધારણ કર્યું છે, એની સવિશેષ ચર્ચા કરવામાં આવી છે. શ્રીમદ્ ભાગવત કહે છે કે ભગવાનનો સૌથી મોટામાં મોટો અવતાર તે જગદાવતાર છે, એટલે કે જગતમાં આપણે જે કંઈ જોઈએ છીએ—મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, વનસ્પતિ, સરિતા, સમુદ્ર, જડ-ચેતન સર્વકંઈ—તે કેવળ ભગવાનનું જ સ્વરૂપ છે.
શ્રીમદ્ ભાગવત જગતના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે, ‘આ જગત ભગવાનમાંથી પ્રગટ થયું છે, ભગવાનમાં છે અને ભગવાનમાં જ વિલીન થઈ જશે.’ અર્થાત્ આ જગતમાં એક માત્ર પરમાત્માની જ સત્તા છે અને સર્વત્ર કેવળ પરમાત્મા જ વિરાજિત છે. ગીતામાં ભગવાન આ જ તત્ત્વ સમજાવતાં કહે છે કે,
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः।।2.16।।
‘અસત્નું ક્યારેય અસ્તિત્વ હોતું નથી અને સત્નો ક્યારેય અભાવ હોતો નથી. તત્ત્વદર્શી જ્ઞાનીઓએ બન્નેનું સાચું સ્વરૂપ જોયું છે.’
અસત્ એટલે કે જગત. કારણ કે જગત પ્રકૃતિથી બનેલું છે અને પ્રકૃતિ ત્રિગુણમયી હોવાને કારણે સતત બદલાતી રહે છે. તેનો જન્મ થાય છે, પાલન થાય છે અને સંહાર થાય છે. પરંતુ આ જગત જે રૂપે દેખાય છે તે રૂપે સત્ય નથી, જેમ કે સુવર્ણમાંથી મંગળસૂત્ર, ચૂડો, કંદોરો વગેરે બનાવવામાં આવે છે પરંતુ તે બધાં આભૂષણો સુવર્ણમાંથી બનેલાં હોવાને કારણે સુવર્ણ જ સત્ય છે, આભૂષણો સત્ય નથી. એવી જ રીતે પરમાત્મામાંથી જગતનું નિર્માણ થયું હોવાને કારણે પરમાત્મા જ સત્ય છે, જગત સત્ય નથી. જગત નામરૂપની દૃષ્ટિએ મિથ્યા છે.
તત્ત્વદૃષ્ટિએ જગત સત્ય છે. પરંતુ નામરૂપની દૃષ્ટિથી જગત સત્ય નથી. જેમ સુવર્ણના અલંકારો સત્ય નથી, પણ સુવર્ણ સત્ય છે, કારણ કે સુવર્ણ ન હોત તો અલંકારોનું અસ્તિત્વ ન હોત. તેથી સુવર્ણ જ સત્ય છે. પરમાત્મા ન હોત તો જગતનું અસ્તિત્વ હોત જ નહીં. ભાગવતનો આ સિદ્ધાંત ગીતામાં ભગવાને ઉપરના શ્લોક દ્વારા પ્રગટ કર્યો છે.
ભગવાન ગીતામાં અન્યત્ર કહે છે કે
मत्त: परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव॥७॥
‘મારા સિવાય બીજા કોઈની સત્તા જ નથી (મારાથી વધારે ઊંચું-શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી). હે ધનંજય! દોરામાં મણકાના સમૂહની પેઠે આ બધું મારામાં પરોવાયેલું છે.’
અર્થાત્ ભગવાન અહીંયાં કહે છે કે આ જગતમાં અત્ર-તત્ર-સર્વત્ર હું જ વ્યાપ્ત છું, પરંતુ આપણને એ સર્વવ્યાપક પરમાત્મા દેખાતા નથી, કારણ શું? એની એક પ્રક્રિયા છે. ગુરુ, આચાર્ય અને શાસ્ત્ર પરંપરાથી સાધના કરવામાં આવે ત્યારે સર્વવ્યાપક પરમાત્માનાં દર્શન થાય છે.
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति॥३०॥
‘જે બધાંમાં મને જુએ છે અને મારામાં બધાંને જુએ છે, તેને હું અદૃશ્ય રહેતો નથી અને તે મને અદૃશ્ય રહેતો નથી.’
શ્રીમદ્ ભાગવતના પ્રથમ શ્લોકમાં પરમાત્મા કહે છે કે આ જગતમાં હું અન્વય અને વ્યતિરેકથી અત્ર-તત્ર-સર્વત્ર વ્યાપ્ત છું. અર્થાત્ જગત મારી અંદર છે અને હું જગતમાં છું. કારણ કે જગત એ બીજું કંઈ છે જ નહીં, જગત એ જ પરમાત્મા છે જે દેશ-કાળ-નિમિત્તની મર્યાદામાં આવ્યા છે. જગતમાં અનેકવિધ રૂપ ધારણ કરી પોતાની લીલા કરી રહ્યા છે. આગળ શ્રીમદ્ ભાગવત કહે છે કે
यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम्।
हित्वार्चां भजते मौढ्याद्भस्मन्येव जुहोति स:॥
‘હું સર્વનો આત્મા પરમેશ્વર સર્વ ભૃતોમાં સ્થિત છું. અને સર્વ ભૂતોમાં સ્થિત એવો હું પરમેશ્વર, જે મોહવશ મારી ઉપેક્ષા કરે છે અને કેવળ પ્રતિમા-પૂજનમાં જ લાગી રહે છે, એ તો કેવળ ભસ્મમાં હવન કરે છે.’
જે સર્વ જીવોમાં પરમાત્માનાં દર્શન કરે છે, તેમનું વર્ણન કરતાં ગીતા કહે છે કે
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि।
शुनि चैव श्वपाके च पण्डिता: समदर्शिन:॥१८॥
‘એવા આત્મજ્ઞાનીજનો, વિદ્યા અને વિનયથી યુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચાંડાલમાં પણ સમાન દૃષ્ટિવાળા હોય છે.’
શ્રીમદ્ ભાગવત પણ આ જ અમૂલ્ય રત્નનું વર્ણન કરતાં પ્રથમ શ્લોકમાં કહે છે કે સર્વજીવમાં જે પરમાત્મા વ્યાપ્ત છે, એનું હું શરણ લઉં છું. અને સર્વજીવમાં પરમાત્માનું દર્શન કરીને હું સર્વ જીવો પ્રત્યે સમભાવ પ્રગટ કરું છું.
ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે પણ કહ્યું છે કે ‘બ્રહ્મ પણ સત્ય છે અને જગત પણ સત્ય છે.’ એમનું આ વાક્ય ભાગવતના આ જ અદ્વિતીય સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. શ્રીમદ્ ભાગવત તો આવાં અમૂલ્ય રત્નોનો ખજાનો છે, ભંડાર છે.
Your Content Goes Here




