આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે:
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥
આ શક્તિદાયક શ્લોક છે. क्लैब्यं એટલે કાયરતા, નિર્બળતા; શક્તિનો, પુરુષાતનનો અભાવ. मा स्म गमः पार्थ, ‘હે અર્જુન, આ નિર્બળતાને, આ પૌરુષના અભાવને વશ ન થા! શા માટે? न एतत् त्वयि उपपद्यते, ‘આ તને યોગ્ય નથી. તું આવો વીર છો, ઉદાર છો, મહાન છો. તને આવું વર્તન ઘટતું નથી. કેટલો મહાન વિચાર છે! જ્યારે જ્યારે શ્લોકનો આ ભાગ હું વાંચું છું ત્યારે ત્યારે, આ અદ્ભુત ભાવ બાળકોને કહેવા યોગ્ય મને લાગે છે, આ તમને ઘટતું નથી, તમે આટલાં સારાં છો, આટલાં ઉદાર છો.’ જે રીતે તમે વર્તો છો એ તમારે માટે યોગ્ય નથી. માનવીના ઉત્તમ સત્ત્વને એ પ્રગટ કરશે. આમ न एतत् त्वयि उपपद्यते નો આ અભિગમ માતાપિતાઓ અને શિક્ષકો માટે અને, એકબીજા સાથે કામ કરતાં નરનારીઓ માટે શિક્ષાસૂત્ર બની શકે છે: ‘આમ વર્તવું તમારે માટે યોગ્ય નથી.’ એનો અર્થ એ કે, તમે એ વ્યક્તિનો આદર કરો છો. પોતાના સાચા સ્વરૂપનું એને વિસ્મરણ થયું છે અને, પોતાના ગૌરવથી હીણું હોય એવું કંઈક એ કરે છે. આમ આ ભાવાત્મક વિનંતી છે. તમારામાં, શ્રોતામાં, જે ઉત્તમ હોય તેને જાગ્રત કરવાની એનામાં શક્તિ છે. ‘આ તારું સાચું સ્વરૂપ નથી,’ એમ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે. તારા ચિત્ત ઉપર માયા છવાઈ ગઈ છે. આ દુર્બળતા, આ નૈરાશ્ય, જ્ઞાનતંતુઓનું આમ તૂટી પડવું એ તારું સાચું સ્વરૂપ નથી. આપણા જ્ઞાનતંતુઓ ભાંગી પડે છે ત્યારે, બાળકની માફક, આપણે અશક્ત થઈ જઈએ છીએ.
હું કરાંચીમાં હતો ત્યારે, એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય, ઉમદા સ્વભાવના આદમી અને, વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોના પૂરા આદરપાત્ર એવા, એક નિકટના મિત્ર સાથે કામ પાડવું પડ્યું હતું. એમના જ્ઞાનતંતુઓ ભાંગી પડ્યા. બળ વગરના, શક્તિ વગરના, હિમ્મત વગરના બાળક જેવી એની દશા થઈ ગઈ. કોઈને મળે નહીં, કોલેજે જાય નહીં, ઘરમાં જ પડ્યા રહે. મેં એમને ગાડીમાં બેસાડ્યા, પછી એમને એમની કોલેજે લઈ ગયો, આચાર્યની ખુરશીમાં એમને બેસાડ્યા; ‘તમે આ કોલેજનું સંચાલન કરો, તમે આવા મહાન આત્મા છો, આવા ધીર છો.’ જેવો હું ગયો તેવા એ પણ ઊઠી, પોતાને ઘેર જઈ બેસી ગયા. કોઈને એ મળી શકતા પણ નહીં. પણ છ મહિનામાં બધું બદલાઈ ગયું. હરાઈ ગયેલી બધી શક્તિ પાછી આવી ગઈ. સૂર્યની આડે થોડીવાર આવી ગયેલા વાદળ જેવું એ હતું. સાચો માનવી પાછો આવી ગયો. અગાઉના જેવું અદ્ભુત કાર્ય ફરી ચાલુ થઈ ગયું. પછીથી, ભારતમાં એમણે બે ઈજનેરી કોલેજો ઊભી કરી. તે પછી એ શાંતિથી અવસાન પામ્યા.
આપણા જ્ઞાનતંતુઓ નિર્બળ થઈ જાય ત્યારે, આપણે સાવ નકામા બની જઈએ છીએ, આપણું પુરાણું સ્વત્વ હરાઈ જાય છે. વાસ્તવમાં, એ હરાઈ નથી જતું; પરંતુ દુર્બળતાનું વાદળ એને ઢાંકી દે છે. એટલે આપણે મનોચિકિત્સક પાસે જઈએ છીએ; એ આપણી સારવાર કરે છે અને, આપણને સારી સ્થિતિમાં મૂકી દે છે. રોજ આપણે આવું બનતું જોઈએ છીએ, માનવી તત્ત્વત: દૈવી છે. આપણે નિર્બળતા દાખવીએ છીએ તે આપણું સાચું સ્વરૂપ નથી, આપણામાં કશુંક ગહન છે – આ વેદાન્તનું મૂળભૂત શિક્ષણ છે. એટલે, અમેરિકામાં પ્રશ્નકાળ દરમિયાન વિવેકાનંદને પૂછવામાં આવ્યું, ‘સ્વામી, વેદાન્તને નામે તમે કશી સંમોહન વિદ્યા નથી બોધી રહ્યા?’ ત્યારે, સ્વામીજીએ સહાસ્ય ઉત્તર આપ્યો: ‘ના, મહેરબાન, લોકો સંમોહિત તો છે જ, હું તેમને વિસંમોહિત કરું છું.’ લોકો કહે છે, ‘‘હું ગોરો છું, હું કાળો છું, હું આ છું, હું તે છું,’’ તે બધું વૃથા છે. તમે અનંત આત્મા છો, સૌ સાથે એકભૂત છો. એ તમારું સાચું પરિમાણ છે. तत्त्वमसि, तत्त्वमिस, ‘‘તું તે છો, તું તે છો’’ આ નાનકડું જૈવિક તંત્ર નથી – તમારામાં કશુંક ગહન છે.
આમ બધી કેળવણીનો આ ગુણ છે; એ તમને વિસંમોહિત કરે છે. કશી દુર્બળતા પ્રવેશી ગઈ છે અને એણે સાચા સ્વરૂપને અવરોધ્યું છે. તત્ત્વત: તમે બળવાન છો. તમારામાં કેટલા પ્રકારનાં બળ અને કેટલા પ્રકારની ઊર્જાઓ છે એ તમે કેવી રીતે જાણી શકો! તમે એ જાણતા નથી તેથી નિરાશ ન બનો. તમે આ વિઘ્નને પાર કરવા શક્તિમાન છો. તમારી શક્તિ ગોપિત છે. વેદાન્ત સૌને આ ભાવાત્મક અભિગમ પ્રબોધે છે. અહીં શ્રીકૃષ્ણ ઊંચે આસનેથી અર્જુનને સંબોધે છે. તેઓ કહે છે न एतत् त्वयि उपपद्यते, ‘એ તને ઘટતું નથી.’ એ ક્ષણિક માર્ગચ્યુતિ છે, નાનું વાદળ આડે આવી જવાથી સૂર્ય ઢંકાઈ ગયો છે. સૂર્ય યથાસ્થાને જ છે; વાદળ દૂર થશે અને સૂર્ય પુન: પ્રકાશશે. માનવનિર્બળતાઓ સાથે એ રીતે કામ પાડવાનું છે. તત્ત્વત: આપણે નિર્બળ નથી. તત્ત્વત: આપણે બળવાન છીએ. પણ આ સત્યને પ્રમાણીએ નહીં ત્યાં સુધી, નાનાં બાળકોની જેમ, દરેક પ્રશ્ન બાબત આપણે રોદણાં રડીએ છીએ. બાળક માત્ર રુદનની ભાષા જ જાણે છે, એની પાસે બીજું કશું નથી. મોટેરાંઓ પણ બાળક જેવાં બની જાય છે. છેલ્લા કેટલાંક સૈકાઓના ભારતનું સ્વામી વિવેકાનંદનું નિદાન છે – ભારત સદા રોતું રાષ્ટ્ર છે, રોતું ને રોતું. (કં.વ. ઓફ સ્વા. વિવેકાનંદ, વો. ૩, પૃ. ૨૨૪ પર) એમણે કહ્યું છે:
‘‘આપણે ઘણા લાંબા સમય સુધી રુદન કર્યું છે. હવે રોવાનું બંધ કરો, તમારા પગ પર ઊભા રહો અને મનુષ્ય બનો.’’
વિવેકાનંદના બોધમાંનું આ એક પ્રસિદ્ધ કથન છે. આપણા પર્યાવરણ બાબતની ઊણપની ભાવનાથી, સદીઓથી સમગ્ર રાષ્ટ્ર રોતું રહ્યું છે. આપણી પોતાની શક્તિનું આપણને ભાન ન હતું. આસ્તે આસ્તે એમાં પરિવર્તન આવી રહ્યું છે. હા, પ્રશ્નો છે જ; પણ એમને ઉકેલવાનો માર્ગ આપણે ગોતી કાઢીશું જ. આમ, ભારતની એ રોતલ દશામાં આજે પરિવર્તન આવી રહ્યું છે. વધુ રુદન નહિ. આપણે આપણી શક્તિ પ્રગટ કરવી પડશે અને એ પ્રશ્નોને પડકારવા પડશે.
સને ૧૯૬૩-૬૪માં, વિવેકાનંદ જન્મશતાબ્દીને પ્રસંગે હું જાકાર્તા ગયો હતો અને, ઈંડોનેશિયન ભાષામાં પ્રકાશિત ‘સ્વર વિવેકાનંદ’ પુસ્તકનું પુરોવચન તે સમયના ત્યાંના રાષ્ટ્રપતિ ડો. સુકર્ણે લખ્યું હતું. સંસ્કૃતમાં ‘સ્વર’નો અર્થ ધ્વનિ થાય છે ઈંડોનેશિયન ભાષામાં તેનો અર્થ શબ્દ થાય છે, વિવેકાનંદના શબ્દો, વિવેકાનંદનાં કથનો. સુકર્ણે પુરોવચન લખ્યું હતું એ પુસ્તકના વિમોચનનો એક કલાકનો એમણે ટી.વી. પર કાર્યક્રમ રાખ્યો હતો. ભારતના ત્યાંના રાજદૂત અપ્પા પંત મારા યજમાન હતા. પોતાના એ પુરોવચનમાં આ આશ્ચર્યપ્રદ વાત સુકર્ણે જણાવી છે કે, ‘યુવાનીના દિવસોથી હું સ્વામીજીના વિચારોથી ખૂબ પ્રભાવિત થયો છું. મારા શયનખંડમાં ‘કંપ્લીટ વર્કસ ઓફ સ્વામી વિવેકાનંદ’ નિત્ય રહેતાં.’ અને એમણે મને કહ્યું, ‘‘તમે મારા શયનખંડમાં જાઓ, આજે પણ એ વોલ્યુમો તમને ત્યાં સાંપડશે.’’ હું દરરોજ એક-બે પૃષ્ઠ વાંચું છું. એટલે, પોતાના પુરોવચનમાં એ કહે છે:
‘‘સ્વામી વિવેકાનંદ, આહ! કેવું તો નામ છે? મારી પ્રજાને કેમ ચાહવી, મારા દેશને કેમ ચાહવો, સમગ્ર જગતને કેમ ચાહવું એ શિખવનાર તેઓ હતા. ‘આપણે લાંબા કાળ સુધી રડયા છીએ. હવે રડવાનું બંધ, પણ તમારા પગ પર ખડા રહો અને મનુષ્ય બનો, આમ કહેનાર તેઓ જ હતા.’’ ‘આપનો, સુકર્ણ.’ એ પ્રસ્તાવના હતી. એ પુસ્તક અંગ્રેજીમાં તેમજ ઈંડોનેશિયનમાં હતું.
આમ એ સમયે શ્રીકૃષ્ણે વ્યક્ત કરેલા અભિગમને સ્વામી વિવેકાનંદમાં નવી અભિવ્યક્તિ સાંપડી; આ બે શ્લોકો સ્વામીજીને ખૂબ પ્રિય હતા. ગીતા પરના પોતાના વાર્તાલાપમાં એમણે કહ્યું છે કે, આ બે શ્લોકોનો ભાવ તમે ગ્રહણ કરી શકો તો, આખી ગીતાનો ભાવ ગ્રહણ કરી શકો. માટીમાંથી મર્દ બનાવે તેવું બલિષ્ઠ તત્ત્વદર્શન આ રજૂ કરે છે. આ ભાવના આપણે આત્મસાત કરવી જોઈએ. આપણે એમ કરી શકીએ છીએ, આપણે સૌએ ગીતા વાંચી છે પણ, આ બલપ્રદ શ્લોકોની ભાવના આત્મસાત નથી કરી. હવે સ્વામીજી આવ્યા છે અને, પ્રશ્નોના સામના માટે શક્તિનો એ જ સંદેશ એમણે આપ્યો છે. જ્ઞાનયોગ વિશેનાં ઈંગ્લેન્ડ અને અમેરિકાનાં પોતાનાં વ્યાખ્યાનોમાં, પોતાના અનુભવની પરિભાષામાં એમણે આ સત્યની વાત કરી હતી.
ભારતમાંના પોતાના પરિવ્રાજક કાળમાં, વારાણસીમાં, એમની પાછળ કેટલાક વાંદરા પડ્યા હતા. પોતે પરિવ્રાજક તરીકે ભારતમાં બધે ભમી રહ્યા હતા. વાંદરાઓનું ટોળું – અને વારાણસીમાં વાંદરાઓ ભયંકર હોય છે – એમની પાછળ પડયું અને, એ દોડવા લાગ્યા. એક વૃદ્ધ સાધુએ દૂરથી બૂમ મારી, બાબાજી, દોડો નહીં, નાસો નહીં, એ જંગલીઓનો સામનો કરો.’ સ્વામીજીને લાગ્યું કે ‘આ અદ્ભુત બોધ છે.’ તુર્ત જ એમણે મોઢું ફેરવ્યું અને, ભયંકર મુખાકૃતિ કરીને વાનરો સામે તેઓ ઊભા રહી ગયા અને એ વાનરો નાસી ગયા. આ વાતનો ઉલ્લેખ એમણે પોતાના લંડન પ્રવચનમાં કરી કહ્યું હતું: ‘‘જંગલીનો સામનો કરો, જંગલીનો સામનો કરો, નહીં તો, તમારી આખી જિંદગી એ તમારો પીછો કરશે.’’ આ કંઈ પૌરુષ નથી. માનવીની ભીતર આના કરતાં અનેકગણી શક્તિ ગોપિત છે. તો અર્જુનને અપાયેલા આ શ્રીકૃષ્ણ – ટોનિકની આપણને સૌને ખૂબ જરૂર છે. અખિલ રાષ્ટ્રને અને અખિલ જગતને એની જરૂર રહેશે.
આમ આ બીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં શ્રીકૃષ્ણે કહ્યું છે: क्लैब्यं मा स्म गमः पार्थ, ‘તું ક્લૈબ્યને વશ ન થા.’ શબ્દનો ખરો અર્થ છે નપુંસક માનવી, નહીં નર કે નહીં નારી, અને કલૈબ્યં એ નિર્બળતા, કાયરતા સૂચવે છે – ‘ક્લૈબ્યં’ના આવા બધા અર્થો છે. नैतत् त्वयिउपपद्यते, એ તને ઘટતું નથી. તારી પ્રકૃતિ કેવી ઉદાત્ત છે, ધીર,વીર, બધું જ તું છો. क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वा उत्तिष्ठ परन्तप, ભાંગી પડીને એ રથમાં બેસી ગયો હતો. એ પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણ એને કહે છે, उत्तिष्ठ ‘ઊભો થઈ જા.’ તમારામાં શક્તિનો સંચાર થયો છે એની પહેલી નિશાની તમે ઊભા થાઓ તે છે. તમે નીચે પડ્યા રહો ત્યાં સુધી, પેલી નિર્બળતા ગઈ નથી. માટે ‘ઊભો થા,’ ‘ઊભો થા’ મનુષ્યને જાગ્રત કરવા માટે એ જોરદાર બોલ છે.’ તમારા પગ ઉપર ખડા રહી મર્દ બનો. તો, આ क्लैब्यं ને તજી દે. क्षुद्रं हृदयदौर्बल्यं, ‘હ્યદયની આ નિર્બળતા ક્ષુદ્ર છે, તેને તજી દે. અર્જુન, ઊઠ અને, તારી મુશ્કેલીઓનો સામનો કર. શ્રીકૃષ્ણ આમ અર્જુનને કહે છે અને, આપણે મુશ્કેલીઓમાં હોઈએ, આપણી શક્તિને જાણતા ન હોઈએ તે સંજોગોમાં, આપણને સૌને તે એમ જ કહે છે; આપણને લાગતું હોય છે કે હવે ડગલું આગળ નહીં દઈ શકાય કે આપણે ભાંગી પડયા હોઈએ ત્યારે આ સંદેશ છે. ત્યારે આપણી પાસે આવી કોઈએ આપણને નવું બળ આપવું પડે છે. એ બળ છે જ, પણ કોઈકે એને હાથ લગાડવાની જરૂર છે; ત્યારે જ એ પ્રગટે. આપણને સૌને એની આવશ્યકતા છે. હકીકતે, તમારા જીવનમાં તમે જોઈ શકો છો કે, કોઈ નિર્બળતાનો ભોગ બન્યું હોય અને ત્યારે તમે જઈ એને થોડા શબ્દો વડે બળપ્રદાન કરો છો પછી એ વ્યક્તિને લાગે છે કે પોતે શક્તિમાન થઈ છે. કોઈનાં વખાણ કરવાથી પણ એની શક્તિ વૃદ્ધિ પામે છે. રામાયણમાં આવે છે કે, સીતાની શોધ માટે વાનરોને જુદી જુદી દિશાઓમાં મોકલવામાં આવ્યા ત્યારે, હનુમાનને કહેવામાં આવ્યું હતું, ‘તમે દક્ષિણમાં જાઓ, તમને ફત્તેહ મળશે.’ હનુમાને એ જવાબદારી સંભાળી. ત્યારે અંગદે કે, કોઈ બીજાએ હનુમાનને કહ્યું, ‘તમે કેવા મહાત્મા છો. તમે જીવનમાં કેટલી બધી સિદ્ધિઓ મેળવી છે.’ આ સર્વથી હનુમાનની આત્મશ્રદ્ધા વૃદ્ધિગત થઈ અને સીતાશોધમાં એમને વિજય પ્રાપ્ત થયો.
સામાજિક સંબંધોમાં આપણે બેમાંથી એક કરી શકીએ છીએ: કાં સામી વ્યક્તિની શ્રદ્ધાનો નાશ કરીએ છીએ કાં, એમાં વૃદ્ધિ કરીએ છીએ. ભારતમાં આપણે મુખ્યત્વે નિષેધાત્મક કાર્ય જ કર્યું છે, એકબીજાની આત્મશ્રદ્ધાના નાશનું. સામી વ્યક્તિની સિદ્ધિઓ વિશે બોલો; એથી એને લાગશે, ‘હા, હું કરી શકું છું’ અર્જુન સાથે શ્રીકૃષ્ણ આમ કામ લે, છે. ‘ઊભો થઈ જા. તારી મુસીબતોનો સામનો કર. નિર્બળ ન બન. કોઈપણ પ્રકારની નિર્બળતા સદ્ગુણ નથી. વેદાન્ત આપણને એક મોટો બોધ આપે છે. નિર્બળતા અને બળ સાથે રહી શકે નહીં. બળ સદ્ગુણ છે, નિર્બળતા નહીં. હિમ્મત નથી ત્યાં સદ્ગુણ નથી; वीरा: સંસ્કૃતમાં મહાન શબ્દ છે; એનો અર્થ છે, વીર પુરુષો. એવા નરમાં જ સદ્ગુણ સાંપડે. નિર્બળ લોકોમાં, સદ્ગુણ ક્યાં વસે? આમ ધર્મ અને સદ્ગુણની વિભાવના, ભલાઈ પણ, શક્તિ અને નિર્ભયતા સાથે સંયુક્ત થવા જોઈએ. તો જ એ ભાવાત્મક બને. ગમે તે કારણસર આપણે તેમ ન કર્યું; ઘણીવાર સાવ નકામા માણસને આપણે સજ્જન કહીએ છીએ કારણ, એ કોઈનું બૂરું નથી કરતો. એ વ્યક્તિમાં કોઈનું બૂરું કરવાની શક્તિ નથી; એમાં ભલાઈ કયાં આવી? એમાં સદ્ગુણ ક્યાં? આમ સદીઓથી આપણે ખોટો નિર્ણય કરતા રહ્યા. કેટલીક વખત માબાપ એમના છોકરાને લઈને આશ્રમમાં આવતા અને કહેતા, ‘સ્વામીજી, આને આશ્રમમાં દાખલ કરો ને સંન્યાસી બનાવો.’ એ માબાપને હું કહું છું, ‘એનો અર્થ એ કે, જે સંસારને માટે સારો નથી તે સાધુજીવન માટે સારો છે.’ સત્ય એથી ઊલટું છે, આમ આ બાબતમાં આપણી સર્વ વિચારણા ખામી ભરી છે. એ વીર્યશાળી અભિગમ ન હતો. શક્તિ અને નિર્ભયતા ન હતાં. ને આજે, વિવેકાનંદ આવીને આ એક જ સંદેશ પ્રબોધે છે; શક્તિ અને અભય.
પોતાના ડિસ્કવરી ઓફ ઇન્ડિયા (ભારત, એક ખોજ)માં સ્વામીજીના આ સંદેશ વિશે જવાહરલાલ નહેરુ લખે છે: ‘આપણા લોકોને એમણે હિમ્મતની ભાવના આપી.’ કોઈપણ મહાન ગુરુ પાસેથી મળતો મોટામાં મોટો સંદેશ બળનો, પૌરુષની ભાવનાનો છે એટલે, આ પ્રકારના બોધની આપણને તાતી જરૂર છે. પુરાણ કાળમાં શ્રીકૃષ્ણે તે આપ્યો હતો. તેઓ શક્તિ અને અભયની સાક્ષાત મૂર્તિ હતા; અને સમગ્ર વેદાન્ત શક્તિ અને અભયનો સંદેશ છે. વેદાન્તમાં કયાંય દુર્બળતા પર ભાર કદી જોવામાં નહીં આવે. હંમેશાં अभी:, अभी:, अभी: અભી: એટલે નિર્ભય; નિર્ભય બનો. અભય બનો. વિશ્વનું અને મનુષ્યોનું આદિ કારણ બ્રહ્મ अभयम् છે. ઈશ્વરનું નામ શું છે? અભય અને તમને ઈશ્વરપ્રાપ્તિ થાય ત્યારે, તમે અભયને પ્રાપ્ત કરો છો. એટલે अभयं वै प्राप्तोऽसि जनक: – બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. ઋષિ યાજ્ઞવલ્કય જનકને કહે છે: ‘જનક, તમે અભય દશાને પ્રાપ્ત કરી છે.’ એ તમારો પૂર્ણ આધ્યાત્મિક વિકાસ છે. અભય દ્વારા, તમે આધ્યાત્મિક વિકાસ સાધો છો, નિર્બળતા દ્વારા કદાપિ નહીં. પશુઓ બધાં નિર્બળ છે; તેઓ પ્રાણીઓ છે. પોતાના જન્મજાત દિવ્ય સ્વરૂપને પામીને માનવપ્રાણી અભય પ્રાપ્ત કરી શકે છે. વિવેકાનંદ કહે છે કે ઉપનિષદોનું પ્રત્યેક પૃષ્ઠ એક જ બોધ આપે છે: અભય અને બળ. તમે બળવાન છો? મનુષ્યહ્યદય પ્રશ્ન કરે છે: માનવસહજ નિર્બળતાઓ નથી શું? વેદાન્ત કહે છે, હા છે. પરંતુ નિર્બળતાને નિર્બળતા વડે દૂર કરી શકાય ખરી? નિર્બળતાને બળ વડે જ દૂર કરી શકાય. મેલથી મેલ સાફ ન થાય. માત્ર ચોખ્ખું પાણી મેલ દૂર કરી શકે. એટલે પ્રવર્તમાન નિર્બળતા બીજી નિર્બળતાથી દૂર ન થાય. જગતનાં અનિષ્ટો દૂર કરવા માટે માત્ર બળનું ઔષધ જ કામ આવે. એ વેદાન્તનો સંદેશ છે. જેટલા વધુ આધ્યાત્મિક તેટલા, વધુ નિર્ભય અને વધુ બળવાન અને, વધુ કરુણાવાન પણ. તમે બે સદ્ગુણો – અભય અને કરુણા-નો સમન્વય કરો છો. સમગ્ર ભારતીય સાહિત્યમાં, આ બે કઠિન સદ્ગુણોનો સહવાસ જોવા મળવો મુશ્કેલ છે: ઉગ્ર અભય, ઉગ્ર કરુણા. તમે ભયાનક હો તો, બીજા ગભરાય. અથવા તમે એટલા બધા નિર્બળ હો કે, કોઈપણ તમને ડરાવે. આપણે આ બે અંતિમો જોયા છે. પરંતુ, આપણા સમગ્ર સાહિત્યમાં આ દુર્લભ સમન્વય પર વેધક પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. અને આ ખુદ ગીતામાં પણ, એના બારમા અધ્યાયમાં, શ્રીકૃષ્ણ કહેવાના છે, જે બળવાન છે અને નિર્ભય છે અને તે છતાં, કરુણાવાન છે ‘તે મારો ભક્ત છે! એ કોઈથી ડરતો નથી; પણ, કોઈએ એનાથી ડરવાનું નથી કારણ, એ એટલો મૃદુ છે. यस्मान नोदविजते लोको लोकान् नोदविजते च यः (૧૨-૧૫) આધ્યાત્મિક વિકાસનું અને આધ્યાત્મિક સાક્ષાત્કારનું એ ચિહ્ન છે. એટલે કે, ઉન્નતિ, વિકાસ અને સિદ્ધિ એ દરેક માનવનો વિષય છે. ગીતાના અઢાર અધ્યાયોમાં શ્રીકૃષ્ણ આ વિષયને હાથ ધરે છે. ઓસ્ટ્રેલિયન, અમેરિકન અને બીજા મિત્રોને મેં જણાવ્યા પ્રમાણે, યુદ્ધ માત્ર પહેલા અધ્યાયમાં છે. પછી ક્યાંય ‘યુદ્ધ’ શબ્દ સાંભળવા મળતો નથી. ગીતામાં મનુષ્યના સર્વાંગીણ વિકાસના મહાપ્રશ્નને જ શ્રીકૃષ્ણ ચર્ચે છે. એટલે આ યુદ્ધ વિશેનું પુસ્તક નથી. માનવ વિકાસ અને માનવ સિદ્ધિનો આ ગ્રંથ છે.
બીજું વિશ્વયુદ્ધ અને, હિટલરનો અને એની રાજકીય અને જાતિવાદી માન્યતાનો પરાભવ ખોટાં હતાં એમ કોઈ નહીં કહે. બલ અને માર્દવના સંગમવાળું ઉચ્ચ ચારિત્ર્ય વિકસાવવામાં સહાયભૂત થાય એવી ફિલસૂફી એ છે ખરી? જે બે ઘણીવાર સાથે ન જોવા મળે તે, હ્યદયનું અસાધારણ ઔદાર્ય અને નિષ્ઠાની તીવ્રતાનો સમન્વયનો સંદેશ ગીતા આપે છે.
‘હું વિશ્વમાનવ છું,’ એમ લોક કહે છે. જરા ઊંડા ઊતરીએ તો જણાશે કે એનામાં કશી નિષ્ઠા જ નથી. બધાં પાસે એ બધાં જેવો થાય છે કારણ, એનામાં પોતાપણું નથી. કેટલાક લોકો વિશ્વમાનવનું આવું વલણ અપનાવે છે કારણ, એમનામાં કશું ઊંડાણ નથી; પહોળાપણું છે, ઊંડાણ નહીં. ઊંડાણવાળા લોકો પણ છે પરંતુ, એ ઝનૂની છે. પોતાના કક્કાને એ વળગી રહે છે ને, સૌની ટીકા કરે છે. આવું ઊંડાણ તમે જોયું હશે. પરંતુ સ્વામીજી કહે છે: વેદાન્ત તમારી પાસે ઊંડાણની રાખે છે તેટલી જ અપેક્ષા પહોળાઈની રાખે છે; બહોળો અભિગમ અને ઊંડી શ્રદ્ધા. આ બેનો સમન્વય તમે કરો, તમારું ચારિત્ર્ય ઉત્તમ થશે. આપણે ‘સાગર જેટલા ઊંડા અને આકાશ જેટલા વિશાળ’ થઈશું; આ એમણે જ વાપરેલા શબ્દો છે. જગત સમગ્રમાં સૌ લોકોનું આવું ચારિત્ર્ય ઘડતર વેદાન્ત ચાહે છે. તો, માનવ વિકાસની, પ્રગતિની અને સિદ્ધિની ગહન ફિલસુફી અહીં છે. તમારું મન દબાણ હેઠળ હોય, તમે નબળા મનના હો અને મનથી ભાંગેલા હો તેવી દશામાં, તમને એ પ્રાપ્ત ન થાય. તમે સમધારણ ન થાઓ ત્યાં સુધી, આ સંદેશ તમે ઝીલી શકો નહીં.
આમ, આ બે શ્લોકો દ્વારા અર્જુનના ભાંગેલા મનને શ્રીકૃષ્ણ પ્રારંભિક ટોનિક આપે છે. ને એની અસર પણ થઈ. શ્રીકૃષ્ણ આ બોલ બોલ્યા ત્યારે, અર્જુને થોડીક શક્તિ પ્રાપ્ત કરી, મન થોડુંક સ્થિર થયું. પછી એ થોડી સંબદ્ધ વાત કરવા લાગ્યો. પછીના શ્લોકોમાં એ જોવા મળે છે. અર્જુનના શબ્દોમાં થોડી સંબદ્ધતા દેખાય છે અને, પેલી ઉદાસીનતા અદૃશ્ય થઈ ગઈ છે. આ બલપ્રદ બોલ વડે શ્રીકૃષ્ણે એ દૂર કરી છે. ને થોડી સ્વસ્થતાથી, થોડી તર્કબુદ્ધિથી એ શ્રીકૃષ્ણને ઉત્તર આપે છે.
Your Content Goes Here




