અધ્યાય: ૨ – સાંખ્યયોગ 

પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત અભિવ્યક્તિ છે. એ અધ્યાય જ અર્જુનવિષાદયોગ કહેવાયો છે. એના અંતિમ શ્લોકમાં સંજય બોલ્યો હતો, एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत्, ‘રણભૂમિમાં આમ બોલીને, અર્જુન રથમાં (પોતાની) જગ્યાએ બેસી ગયો.’ સામાન્ય રીતે લડતી વખતે લોકો ઊભા થતા હોય છે; એ કાળની એ રીત હતી. ઊભા થવું અને લડવું; બેસી જવું એટલે લડવાનું બંધ. विसृज्य सशरं चापं ,  પોતાનાં ધનુષ્યબાણ ત્યજી દઈને, પોતે જે હેતુ માટે ત્યાં આવ્યો હતો તેનો એ પૂરો નનૈયો છે. शोकसंविग्न मानस:, ‘મનમાં શોક વિહ્વળ થઈને.’ છેલ્લા શ્લોકમાં દર્શાવેલી અર્જુનની આ સ્થિતિ હતી.

હવે આપણે બીજા અધ્યાયનો આરંભ કરીએ છીએ. અર્જુનના મનની આ દશા અને, રણભૂમિ છોડી દેવા માટે એણે કરેલી દલીલોનો શ્રીકૃષ્ણનો પ્રતિભાવ શો હતો? અર્જુનની કેટલીક દલીલો આપણને પણ ગમે તેવી છે. આજે આખા જગતમાં યુદ્ધ કોઈને ગમતું નથી. એટલે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં, લોકો મને આ સવાલ પૂછે છે: ‘શ્રીકૃષ્ણ કરતાં અર્જુન વધારે સારો જણાય છે. એને શાંતિ જોઈએ છે, યુદ્ધ નહીં. શ્રીકૃષ્ણ એને લડવા માટે પ્રેરી રહ્યા છે. આ પરિસ્થિતિ આપણે કેમ સ્વીકારી શકીએ?’

મેં કહ્યું એ સાચું છે. અર્જુન શાંતિની, અહિંસાની, કરુણાની વાત કરે છે અને, આ મૂલ્યોનો ત્યાગ કરી દઈને અર્જુનને લડવાનું શ્રીકૃષ્ણ કહે છે. પણ તેનો અર્થ શો છે? અર્જુનના મનની શી દશા છે? અર્જુનની એ મનોદશા પાછળ કંઈ સદ્‌ગુણ રહેલો છે ખરો? સદ્‌ગુણ શું દુર્બળતા છે? સદ્‌ગુણ શું જ્ઞાનતંતુઓનું ભાંગી પડવું છે? આપણે આ પ્રશ્ન પૂછવાના છે. સદ્‌ગુણ બળવાન છે. શેકસપિયરની ભાષામાં, સદ્‌ગુણ ‘ઉગ્ર પદાર્થ’ છે. અર્જુનની એ મનોદશામાં, એનામાં એ ઉગ્ર પદાર્થ જોવા નથી મળતો. પ્રેમ, કરુણા, અહિંસા આદિના અદ્ભુત વિચારોનું આહ્વાન એ ભલે કરતો હોય પરંતુ, એની પોતાની સ્થિતિ દયાજનક હતી, આજની ભાષામાં, એ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. શ્રીકૃષ્ણે એની સામે જોયું, અને ગીતામાં જણાવ્યા પ્રમાણે, હસીને જોયું અને પછી એની સાથે એમણે વાત માંડી. આ માણસને એની મૂળની મનોદશામાં પાછો શી રીતે આણવો? એ આવો ન હતો પરંતુ, આ ઉદાસીનતા, નિર્બળતા એની પર હમણાંની સવાર થઈ છે. સદ્‌ગુણ ઉગ્ર પદાર્થની નીપજ હોવી ઘટે. ચારિત્ર્ય ઉગ્ર પદાર્થની નીપજ હોવી ઘટે. અહિંસા પણ ઉગ્ર પદાર્થની નીપજ હોવી ઘટે. મહાત્મા ગાંધી પણ કહેતા કે, ‘કાયરોની અહિંસા મને ગમતી નથી. વીરની અહિંસા જ અહિંસા છે.’

શ્રીકૃષ્ણે અર્જુનની સામે જોયું અને બે પ્રખ્યાત શ્લોકોમાં એની પોલ ખુલ્લી કરી દીધી. અર્જુન જેને યોગ્ય કહેતો હતો તે યોગ્ય નથી એમ, શ્રીકૃષ્ણે અર્જુનને દેખાડી આપ્યું. માંદલા, શોકગ્રસ્ત ચિત્ત વડે માનવી યોગ્ય નિર્ણય લઈ શકે નહીં. શોકસંવિગ્ન ચિત્ત વિવેક ગુમાવી બેસે. માણસે ધીરગંભીર રહેવું ઘટે. તો જ પોતાની પરિસ્થિતિનું આકલન મનુષ્ય કરી શકે. ને તેથી, ગીતાના અધ્યયનમાં બીજા અધ્યાયનો આ ભાગ ઘણો મહત્ત્વનો છે. જીવનસંગ્રામમાંથી નાસી ન જવાનો બોધ શ્રીકૃષ્ણ આપણને આપે છે. નાસી જવું આસાન છે. એ માટે વિવિધ દલીલો દઈ શકાય છે અને, ઘણા લોકો તેમ કરે છે. કોઈને ઘરમાં તકલીફ છે એમ ધારો; એ કાશી ભેગો થઈ જાય છે. પછી કેટલાક લોકો એની વાત કરી કહે છે; ‘તમે અદ્ભુત છો, કેવા ત્યાગી છો!’ પરંતુ, શ્રીકૃષ્ણ એમ નહીં કહે. ‘તું માટીપગો છો, તું તારી ફરજ બજાવતો નથી, તું આ બધાંથી દૂર નાસે છે.’ મનુષ્યોમાં પૌરુષ ભાવ હોય છે; એ વીસરવું જોઈએ નહીં. એટલે જીવનમાં આવી પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે, શ્રીકૃષ્ણ અને, આજે સ્વામી વિવેકાનન્દ, એ મુશ્કેલીઓનો સામનો કરવા કહે છે. ભીતરમાંથી નવી શક્તિ આણો. આમ, આપણામાં ભાવાત્મક અભિગમ જન્મે છે અને, ચિત્ત સ્થિર થાય છે અને, પરિસ્થિતિનું સ્પષ્ટ દર્શન એને થાય છે. અમુક સમયે તમારો ધર્મ શો છે તે જાણવાની શક્તિ તમારી પાસે હોવી જોઈએ. અર્જુન મૂંઝાઈ ગયો હતો. એ શોકવ્યાકુળ થયો હતો; એ દશામાં એનો નિર્ણય મૂલ્યહીન હતો. એટલે, નીચેના કથન વડે સંજય બીજા અધ્યાયનો પ્રારંભ કરે છે:

संञ्ञय उवाच-

तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः॥१॥

સંજય બોલ્યો:

मधुसूदन उवाच  એટલે, ‘મધુસૂદને અર્થાત્ શ્રીકૃષ્ણે કહ્યું. इदं वाक्यं એટલે, ‘આ વાકય.’ શ્રીકૃષ્ણે જે કહ્યું તે પછીના શ્લોકોમાં આવે છે. પણ એમણે એ કોને કહ્યું? અર્જુનને; અર્જુન કેવો? विषी दन्त, ‘વિષાદથી વિહ્વળ બનેલો; कृपयाविष्टं ‘દયાથી ઉભરાતો;’ અર્જુનની સ્થિતિ દયાજનક હતી. વળી, अश्रुपूर्णाकुलेक्षणम, ‘અર્જુનની આંખોમાંથી આંસુ છલકાતાં હતાં’, આ લક્ષણો સ્થિરતાનાં, વીરતાનાં કે બળનાં નથી.

આવા અર્જુનને શ્રીકૃષ્ણે આ શબ્દો કહ્યા. અર્જુનના મનની વિષમ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. એ સ્વસ્થતાનું નહીં, વિકૃતિનું ચિહ્ન છે. સ્વસ્થ મન આવું હોઈ શકે નહીં. આપણે સૌથી પહેલું આ શીખવાનું છે. કોઈ મુશ્કેલી સામે આવી પડે તો, રોવું કકળવું એ તંદુરસ્તીની નિશાની નથી. અલબત્ત, મુશ્કેલીઓ આપણા કાબૂ બહારની હોય તો, આપણે રોવું કકળવું પણ પડે. પણ શકય હોય તો આપણે એ પ્રશ્નોનો સામનો કરવો જ રહ્યો. મુશ્કેલીનો સામનો ન કરી શકાય એવા પ્રસંગો પણ હોય છે. અને વિવેકાનંદે એક જગ્યાએ કહ્યું છે, ‘હું આફતનો સામનો કરીશ કાં, નાસવાનો માર્ગ અપનાવીશ.’ સામનો કરવા માટે તમે બધું કરી છૂટયા હો તો પછી, નાસવામાં હિણપત નથી. આ અભિગમ ભાવાત્મક છે. શ્રીકૃષ્ણ અર્જુન સમક્ષ આ અભિગમ રજૂ કરવાના છે અને પછી, એના સંદર્ભમાં, સૌ લોકો માટે અદ્ભુત તત્ત્વદર્શન માંડવાના છે. આપણામાંના કેટલાક લોકોએ અર્જુનને કહ્યું હોત, ‘તારી વાત સાચી છે, ઘેર પાછો જા, ફાટ્યાંતૂટ્યાં કપડાં પહેરી લે અને, ઘેર ઘેર ભિક્ષા માગી સાધુની જેમ રહે.’ પરંતુ મુશ્કેલીથી ભાગી જવામાં તેનો ઉકેલ નથી કારણ, મુશ્કેલી તમારો પીછો કરશે. વહેલે મોડે, તમારે મુસીબતોનો સામનો કરવાનો જ છે. શ્રીકૃષ્ણના ઉત્તરના બે શ્લોકોમાં એ અદ્ભુત વિચાર પ્રકટ થાય છે.

श्रीभगवानुवाच-

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन॥२॥

શ્રી ભગવાન બોલ્યા –

આ સરળ સંસ્કૃત શ્લોક અર્થગર્ભ છે: कुतस्त्वा कुत: એટલે કયાંથી, त्वा નો અર્થ, તને, તને આ ક્યાંથી આવી પડેલ છે; कश्मलं, ‘આ હલકી મનોભાવના,’ સંસ્કૃત શબ્દ कश्मल એટલે સઘળું હલકું, અધમ. विषमे समुपस्थितम्, ‘આ એકદમ આકરી પરિસ્થિતિમાં, ‘તને આવી દલીલ સૂઝી છે અને આવો અભિગમ તું કેળવે છે. બે સેનાઓ વચ્ચે તે, યુદ્ધના આરંભની ઘડીએ જ, તું કહે છે,’ ‘ના, મારાથી નહીં બને. હું ચાલ્યો જઉં છું. હું હૃષીકેશ જઈશ. अनार्यजुष्टं આર્ય હૃદયધારી કોઈ આવું વલણ અપનાવશે નહીં.’

આર્ય કોઈ જાતિ નથી; આર્ય એટલે, ઉમદા મનનો માણસ. આર્ય શબ્દને જાતિ સાથે અનેકવાર ખોટી રીતે જોડવામાં આવે છે. આરંભમાં પાશ્ચાત્ય ઇતિહાસકારોએ આર્ય જાતિનો સિદ્ધાંત રજૂ કર્યો. હિટલરના આર્યોના ચડિયાતાપણામાં એ વિકસ્યો. અને હિટલરના મૃત્યુ સાથે આર્ય જાતિનો સિદ્ધાંત પણ મૃત્યુ પામ્યો! પણ સંસ્કૃતમાં આર્ય શબ્દ સદાય ઉમદા મનના માણસ માટે વપરાય છે. કોઈપણ સંસ્કૃત નાટક લો. એક પાત્ર બીજાને, ‘અહો પ્રિય આર્ય’ એમ સંબોધન કરે છે. અને બુદ્ધે પોતાના બોધને आर्यसत्यानि, ઉમદા સત્યો કહેલ છે. ઉમદાનો અર્થ અહીં આર્ય છે. ચાર ઉમદા સત્યો, आर्यसत्यानि આમ આર્ય શબ્દ બુદ્ધે વાપર્યો છે તેમજ, પ્રાચીન વૈદિક સાહિત્યે પણ વાપર્યો છે. ને તેથી, સંસ્કૃતમાં આ આર્ય શબ્દ મહાન શબ્દ છે. આર્ય થવું એટલે, ઉમદા મનના થવું. નાના મનના નહીં થાઓ, ક્ષુદ્ર ન બનો. એટલે શ્રીકૃષ્ણ કહે છે अनार्यजुष्टं ‘તેં અપનાવેલો અભિગમ આર્યો અપનાવતા નથી.’ અનાર્યો જ તેવું વલણ દાખવે. अस्वर्ग्यं ‘તને એ સ્વર્ગમાં કે પૃથ્વી ઉપર કશી કીર્તિ નહીં અપાવે.’ એથી તને કશી કીર્તિ પ્રાપ્ત નહીં થાય. अकीर्तिकरं, ‘વળી એથી તારી અપકીર્તિ થશે.’ અર્જુન મહારથી હતો; એ દુર્બળતાનો ભોગ બન્યો હતો. જગતમાં એ તને બદનામ કરશે. अनार्यजुष्टं, अस्वर्ग्यं  અને अकीर्तिकरं, આ ત્રણ શબ્દો વડે અર્જુનને આઘાત સારવાર શ્રીકૃષ્ણે આપી. અર્જુને કદી એની આશા જ રાખી ન હતી. શ્રીકૃષ્ણ પોતાનો વાંસો થાબડશે એમ એણે ધાર્યું હતું; ‘અર્જુન, તેં સારું કામ કર્યું છે. તું ઉદારચરિત છે, તને સૌ ઉપર કરુણા છે, તું કોઈને હણવા નથી માગતો. યોદ્ધો થવાને બદલે તું ભિખારી થવાનું પસંદ કરે છે.’ અર્જુનને શ્રીકૃષ્ણ પાસેથી આવા સિરપાવની આશા હતી પણ એને તે ન સાંપડ્યો. એ અર્જુનને ઠપકો આપે છે, આ પ્રકારની આઘાત સારવાર આપે છે. આ અભાવાત્મક – નકારાત્મક – અભિગમ છે. હવે ભાવાત્મક અભિગમ આવે છે. 

(ક્રમશ:)

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.