(ઓક્ટોબર, ૨૦૧૧થી આગળ)
જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્ભુત પ્રસંગ છે. યુ.પી.ના એક ગામડા પર પોલીસોએ હલ્લો કર્યો. સત્યાગ્રહના કાળમાં ત્યાં પોલીસે આતંક મચાવ્યો. ત્યાંની સ્ત્રીઓ પ્રત્યે પોલીસે ગેરવર્તાવ કર્યો. કોઈએ કશો જ વિરોધ ન કર્યો. ત્યાં તપાસ સમિતિ ગઈ તો એને જવાબ મળ્યો: ‘ગાંધીજીએ અમને અહિંસા પાળવાનું કહ્યું છે એટલે, અમે શાંત રહ્યા. અમે પ્રતિકાર ન કર્યો.’ ગાંધીજીએ કહ્યું, ‘આ શબ્દો સાંભળી મારું માથું શરમથી નીચું નમી ગયું. તમારી સ્ત્રીઓની આબરૂનું રક્ષણ પણ તમે ન કરી શક્યા? અહિંસાને નામે તમે કાયરની જેમ વર્ત્યા! એ અહિંસા છે? હું બહાદુરોની અહિંસાનો બોધ દઉં છું, કાયરની નહીં.’ એટલે, તમારું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, અનિષ્ટનો સામનો કરવો પડે એવા સંજોગો જીવનમાં આવે છે. એટલે, આજના સમયમાં જેને શાંતિવાદ (પેસિફિઝમ) કહેવામાં આવે છે તેને, હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં સ્થાન નથી: કોઈપણ સંજોગોમાં ‘હું સામનો નહીં કરું;’ આપણી વિચારણામાં આ શાંતિવાદને સ્થાન નથી. જે મુઠ્ઠીભર માણસો ખડા રહી શકે તેમને માટે એ છે. બીજા સૌ માટે, એવા પ્રસંગ આવે ત્યારે, તમારે શાંતિપૂર્વક કે, બળ વાપરીને પણ, સામનો કરવો પડે છે – એમાં આક્રમણ નથી, મનુષ્ય જીવનની એ તાતી જરૂરિયાત છે.
મારી પ્રવચનયાત્રા અંગે હું અમેરિકા હતો ત્યારે, ત્યાં યુવાન અમેરિકનો વિયેતનામ યુદ્ધ સામે જોરથી વિરોધ કરતાં હતાં; ‘એ યુદ્ધ દુષ્ટ છે; અમેરિકાએ એમાં પડવાની કશી જરૂર નથી.’ આમ એ લોકોએ વિરોધ કરીને, વિયેતનામમાંથી નીકળી જવા અમેરિકાને ફરજ પાડી. એ અદ્ભુત હતું! પરંતુ, હિટલરની નાઝી વિચારધારા સામેના યુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારે, એક પણ અમેરિકને વિરોધ કર્યો ન હતો. એ વિચારસરણી ભયંકર હતી; માનવ આત્માનો ધ્વંસ કરનારી. ગયા વિશ્વયુદ્ધમાં એનો વિજય થયો હોત તો, માનવજાત ઘણી વામણી બની હોત. એટલે, બળવાન બનતી જતી એ દુષ્ટ ફિલસૂફીના નાશ સામે કોઈને વાંધો ન હતો.
તો પાછા મહાભારત યુગમાં જાઓ. જાહેરમાં દ્રૌપદીનાં વસ્ત્રોનું હરણ કરવા સહિતનાં, કેટલાં દુષ્કૃત્યો કૌરવોએ કર્યાં હતાં! જે નૈતિક મૂલ્યોને એ ધારણ કરતા હતા તેમની મર્યાદાને લઈને તેમણે (પાંડવોએ) અનેક અપમાનો સહન કર્યાં હતાં; હવે એમની સહનશક્તિની હદ આવી ગઈ હતી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યેય શાંતિ છે એમ મહાભારતમાં વારંવાર ઠોકી ઠોકીને કહેવામાં આવ્યું છે. પ્રત્યેક રાજયે યુદ્ધ નહીં પણ શાંતિ અપનાવવી જોઈએ. તમારે માથે આવી ન પડે ત્યાં સુધી, કોઈપણ ભોગે યુદ્ધથી આઘા રહો – આ મહાભારતમાં અને ગીતામાં ઓતપ્રોત બોધ છે. એટલે, વનવાસ પૂરો કર્યા પછી, ઠરાવ્યા પ્રમાણે, પાંડવોએ પોતાના ભાગનું અર્ધું રાજય માગ્યું અને, જવાબમાં એમને નનૈયો મળ્યો ત્યારે, યુદ્ધ કરવા સિવાય એમની પાસે બીજો માર્ગ ન હતો. શ્રીકૃષ્ણે ત્યારે પણ કહ્યું: ‘જરા થોભો – મને ફરી એકવાર યત્ન કરવા દો. તમારા વતી હું કૌરવ સભામાં જઈશ અને સમાધાનની દરખાસ્ત મૂકીશ: સૌએ હા પાડી અને, કૌરવસભામાં એમણે કરેલું પ્રવચન અદ્ભુત છે. મહાભારતમાંનાં કેટલાંક પ્રવચનોનો પડઘો આજે આપણને યુનાઈટેડ નેશન્સનાં પ્રવચનોમાં સાંભળવા મળે છે. આજનાં એ પ્રવચનોમાં તમને અક્ષરશ: એ જ વિચારો જણાશે; માનવ મૂલ્યો, શાંતિ અને સંવાદિતાની મહત્તા, શાંતિભર્યા માર્ગો વડે વિવાદોનો ઉકેલ, આ સઘળું મળશે. તો, શ્રીકૃષ્ણે ત્યાં શું કર્યું? એમણે કહ્યું, ‘આ રાજ્ય પાંડવોનું છે ને એ તમે છળકપટથી પડાવી લીધું છે; ચાલો, ભૂલી જાઓ. એમને અર્ધું રાજ્ય આપો અને બાકીનું અર્ધું તમે રાખો. એ લોકો નવી રાજધાની બાંધશે.’ કૌરવોએ ‘ના’ કહી. પછી શ્રીકૃષ્ણ પોતાની માગણી ઓછી ને ઓછી કરતા ગયા. ‘એમને પાંચ ગામ આપો.’ ‘ના’. ‘એમને માત્ર એક ગામ આપો એટલે ત્યાં એ સુખે રહી શકે.’ ‘બિલકુલ નહી’ ઓ સૂચિમુખ, સોઈની અણી જેટલી જમીન પણ અમે પાંડવોને નહીં આપીએ.’ આ તબક્કે વાત માનવ- અંકુશની હદ વટાવી ગઈ. આ પછી પણ, એમ ને એમ ચલાવી લઈએ તો, હિટલરના યુદ્ધ બાબત બન્યું હતું તેમ પરિણામ ભયંકર આવે, જાણે એ જીત્યો ગણાય. એટલે એ અનિષ્ટનો સામનો કરવો જ રહ્યો અને, વાત ઘણી ગંભીર બની ગઈ. પુષ્કળ વિનાશ થયો. ભારતના પ્રાચીન ઈતિહાસમાં આ મહાભારતનું યુદ્ધ મહાન આંતરયુદ્ધ હતું. પછી બધું બદલાઈ ગયું હતું. પણ એ રોકી શકાય તેમ હતું જ નહીં. પશ્ચિમ ભારતની દ્વારકા નગરી પાસે આવેશમાં આવી જઈ શ્રીકૃષ્ણના યાદવોએ એવું જ કર્યું હતું.
માનવજાતની આ નબળાઈ છે. કોઈક વાર માણસો ઉત્તમ, ખૂબ શાંત બની શકે છે તો, કોઈક વાર આક્રમક, દુષ્ટ, હિંસક. એનું જ નામ માણસ. મનુષ્યના આક્રમક સ્વભાવને વશ રાખવો, એમને શાંતિમય બનાવવા અને, અરસપરસ શાંતિથી રહેતા કરવા એ જ ગીતાનો બોધ છે. માટે તો, આ ગ્રંથમાં સળંગ રીતે, અર્જુનની પરિસ્થિતિ આધારિત જીવનદર્શનનો બોધ શ્રીકૃષ્ણને આપતા આપણે સાંભળીએ છીએ. એક ઘટના લઈ તેને વૈશ્વિક રૂપ આપીએ એટલે ફિલસૂફી જન્મે. કોઈ ચોક્કસ ઘટના ફિલસૂફી નથી. એ એક વિશિષ્ટમાંથી આપણે સામાન્ય ખ્યાલ ઊભો કરીએ છીએ. એને જીવનદર્શન કહેવામાં આવે છે. એટલે, શ્રીકૃષ્ણ સૌને કહે છે, અર્જુનને સાચું યુદ્ધ લડવાનું હતું. તમારે યુદ્ઘ નહીં પણ પોતાનો જીવનસંગ્રામ લડવાનો છે. અનેક આફતો, પડકારો આવશે. તમે અર્જુનની જેમ નાસી જવા માગો છો? નહીં, એમનો સામનો કરો. એ સંદેશ છે. ભારતમાં તેમજ સર્વત્ર, સમસ્ત મનુષ્યજાતિને એ સંદેશ આપે છે. એમ કરતી વેળા, જે અનિષ્ટ છે તેમાં વધારો ના કરો. એ રીતે કરો કે જગત થોડુંક સુધરે.
એક સુંદર દૃષ્ટાંતકથામાં શ્રીરામકૃષ્ણ આ વિષય ઉલ્લેખે છે. એક જંગલમાં એક ઝેરી સાપ રહેતો. બાળકો ત્યાં રમતાં પણ, સાપથી એ ખૂબ ડરતાં. એક દહાડો એક સાધુ ત્યાંથી નીસર્યો. સાપ હતો એ તરફ એ જવા લાગ્યો. એક છોકરે કહ્યું. ‘બાબા, એ બાજુ ન જતા. ત્યાં એક ઝેરી સાપ રહે છે.’ સાધુએ કહ્યું, ‘હું એનાથી બીતો નથી.’ એ તો સીધો ચાલ્યો. આક્રમક રૂપ ધારણ કરતો સાપ એની સામે આવ્યો. પણ સાધુએ કંઈ મંત્ર ભણ્યો અને, સાપ સાવ શાંત થઈ ગયો. પછી એ બંને વચ્ચે વાર્તાલાપ થયો; ‘તું શા માટે સૌને ઈજા પહોંચાડે છે? એ કંઈ સારું નથી. તું અહિંસક બનીને જીવ. તું પોતે જીવતો રહે અને બીજા સૌને જીવતા રહેવા દે. હવે પછીથી કોઈને કરડીશ નહીં. હું તને એક મંત્ર દઉં છું. એનું મનન કરજે. આ જીવનમાં જ તને સિદ્ધિ પ્રાપ્ત થશે. હું ફરી આવીશ.’ આટલું બોલી એ જતો રહ્યો. એ દહાડાથી સાપે પોતાની જીવનરીતિ બદલી નાખી. એ શાંત, અનાક્રમક અને અહિંસક બની ગયો અને, દૂરથી બાળકોએ જોયું કે સાપ હવે આક્રમક નથી રહ્યો. એટલે પછી, એ છોકરાઓ સાપની નજીક આવવા લાગ્યા, સાપ કશું કરતો ન હતો. બાળકોને ખાતરી થઈ કે હવે સાપ ખતરનાક નથી અને તેની સાથે રમી શકાય છે. પછી તો નજીક આવીને બાળકો સાપને પૂછડીએથી પકડી, ગોળ ફેરવી એને પછાડવા લાગ્યા. એ અધમૂવો થઈ ગયો. રાત પડતાં એને જરા ઠીક લાગતાં એ પોતાના રાફડામાં ગયો. સમય વીતતાં એ માત્ર હાડચામનો માળો બની ગયો. થોડા દિવસ પછી સાધુ પાછો આવ્યો. છોકરાઓએ એને કહ્યું, ‘સાપ મરી ગયો છે. એ તરફ જવાની જરૂર નથી.’ સાધુ કહે, ‘એમ બની શકે નહીં. મેં એને બોધ આપ્યો છે. જીવનનો હેતુ સિદ્ધ કર્યા વિના એ મરી શકે નહીં.’ પછી એ શાંતિથી રાફડા પાસે ગયો અને, પોતે સાપને આપેલા નામથી તેને બોલાવ્યો. થોડીકવાર પછી, માંડ માંડ ઘસડાતો એ બહાર આવ્યો અને એણે સાધુને પ્રણામ કર્યા. ગુરુએ પૂછયું, ‘તને તે શું થયું છે? સાવ હાડચામ જ થઈ ગયો છો?’ સાપ બોલ્યો, ‘તમે મને કોઈને ઈજા ન કરવાનું કહ્યું હતું તેને લઈને, કદાચ, એમ હોય. જીવજંતુ ખાવાનું મેં બંધ કર્યું છે, કોઈ જીવની હિંસા નહીં કરવાની. હું સૂકાં પાન ખાઉં છું તે કારણે કદાચ તેમ હોય.’ સાત્ત્વિક ચિત્તને કારણે, છોકરાઓ એને ત્રાસ આપતા તે એ ભૂલી ગયો હતો. એ કશું જ એને યાદ ન હતું. એટલો બધો ભલો એ થઈ ગયો હતો. આ સાંભળી ગુરુ બોલ્યા, ‘તું કેવો મૂરખ છે! યાદ કર, બીજું કંઈ બન્યું હશે જ. માત્ર સૂકાં પાંદડાં ખાધે આ હાલત ન થાય.’ એટલે સાપે કહ્યું, ‘હા, યાદ આવ્યું, અહીં રમતા છોકરાઓ મને શાંત જોઈને પાસે આવ્યા. એમનામાં હિમ્મત આવી ગઈ. એટલે મને પૂંછડીથી પકડયો, મને ઘુમાવ્યો ને જમીન પર પટકયો. મને લોહીની ઊલટી થઈ અને હું જેમતેમ કરતો દર ભેગો થઈ ગયો. આ દશા માટે એ કારણ હોઈ શકે. કોઈને ઈજા ન કરવા તમે મને કહ્યું છે તેથી, મેં કોઈને ઈજા ન કરી. મારી આ દશા એ કારણે થઈ છે ને મને એનો વાંધો નથી. એટલે ગુરુ બોલ્યા, ‘તું તે કેવો મૂરખ છો! કોઈને ઈજા કરવાની, કરડવાની મેં તને ચોક્કસ ના પાડી હતી. પણ એમની સામે તું ફૂંફાડો મારી શકયો હોત તો છોકરાઓ જતા રહેત. ફૂંફાડો મારવાનું શીખ; નહીં તો એ લોકો તને ખતમ કરી નાખશે. આવું વલણ રાખી સંસારમાં જીવી શકાય નહીં.’ ઝેરનો ડંખ કોઈને મારીશ મા પણ, બીજાની દયાનું પાત્ર બનીને તારા જીવનનો નાશ કરતો નહીં.’ આટલું બોલી પોતાના શ્રોતાઓને શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘ફૂંફાડો મારો પણ, કરડો નહીં.’
તમારી પાસે પોતાના પગ ઉપર ખડા રહેવાની શક્તિ છે પણ, જગતમાંના અનિષ્ટ સામે તમારા અપ્રતિકારથી એ અનિષ્ટમાં વૃદ્ધિ નહીં કરો. એ પદ્ધતિ આપણે વિકસાવવાની છે. ગીતામાં આપણને એ જ બોધ પ્રાપ્ત થાય છે. અનિષ્ટમાં વધારો નહીં કરો, એને ઓછું કરો. પરંતુ પહેલા વિશ્વયુદ્ધને અંતે યુરોપમાં પ્રસર્યો હતો તેવો અમર્યાદ શાંતિવાદ ગીતાબોધ પ્રમાણે નથી. આપણને એ શાંતિવાદ નહીં, શાંતિ જોઈએ છે, માનવતા જોઈએ છે, પ્રેમ અને લાગણી જોઈએ છે; આ અપૂર્ણ સંસારમાં રહીને, તમારાં હિતની રક્ષા કરવાનું તમારે જાણવું જોઈએ. બધા કંઈ બાવા થવાના નથી. તમારાં હિતનું રક્ષણ કરો. કોઈ આવીને તમારા દીકરા દીકરીનું હરણ કરી જાય તો, તમે મૂંગા બેસવાના નથી કે એ હરણ કરનારને તમે તમારું બીજું બાળક પણ સોંપી દેવાના નથી. તમે એમ નહીં જ કરો અને એમ કરો તો, તમે માણસ જ નથી. તમારામાં કંઈ વંકાઈ ગયું છે. ગીતા એ કહેવાની છે. સમસ્ત મનુષ્યજાતિના કલ્યાણને આંચ આપ્યા વગર, તમારાં પોતાનાં હિતનું, બીજા લોકોનાં હિતનું, સમગ્ર રાષ્ટ્રનાં હિતનું રક્ષણ કરવા તમે સમર્થ હોવા જોઈએ. એ ઘણું કપરું છે પણ, પોતાનાથી બની શકે તેટલું સૌએ એમ કરવું જ જોઈએ. શ્રીકૃષ્ણ હંમેશાં કહે છે (ગીતા, ૨.૪૦માં) ‘આ ઉચ્ચ આદર્શ છે પણ, તમારાથી શકય તેટલું તમે કરો; स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्,આ અધ્યાયમાં જ આ વાત આવશે: ‘આ ધર્મનો થોડો અંશ પણ આપણને મોટા ભયમાંથી બચાવશે.’
એટલે તો ભગવાન શ્રીકૃષ્ણે રણક્ષેત્રની વચ્ચે આ વાત કરવી પડી અને વળી લાંબી પરિચર્ચા પછી પણ સદ્વિચારો દ્વારા અનિષ્ટને અંકુશમાં લાવી ન શકાય અને બીજું કંઈ ન થઈ શકે એવી કટોકટીભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ‘હું લડવા નથી માગતો,’ એમ અર્જુને કહ્યું ત્યારે, શ્રીકૃષ્ણને કહેવું પડ્યું હતું, ‘ના, એ નાર્મદાઈ છે. તારે યુદ્ધ કરવું જ પડશે. તારાં હાડેહાડ તને એમ કરાવશે. જંગલીનો સામનો કર. તને કાંઈક થયું છે; તું દુર્બળ થઈ ગયો છો. તું ખૂબ ખિન્ન થયો છો, જાણે કે તું ભાંગી પડયો છો.’ એટલે તો, આ અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને આ અનુરોધ કરે છે: कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्; अनार्यजुष्टमस्वर्ग्यम् कीर्तिकरमर्जुन, क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते, क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप. આપણા કાળમાં ગાંધીજીએ એ જ કહ્યું હતું: ‘પોલીસને હાથે તમારી સ્ત્રીઓને તમે અપમાનિત અને ભ્રષ્ટ થવા દીધી; તમારા સ્વમાનના રક્ષણ માટે તમારે તમારા દાંતનો ઉપયોગ કરવો જોઈતો હતો.’ પ્રત્યેક દૃષ્ટિબિંદુએથી અહિંસાના ઉપાસક એવા ગાંધીજીના આ શબ્દો છે; પરંતુ એ જાણતા હતા કે, કાયરતા અને અહિંસા સાથે વસી શકે નહીં. એટલા માટે, આ મહાન ગ્રંથમાં, ગીતાનો પહેલો ભાગ જાતને કેમ વિકસાવવી, આત્મશ્રદ્ધા કેમ પ્રાપ્ત કરવી, મુસીબતો અને આફતોનો સામનો કેવી રીતે કરવો, લિંગભેદના વળગણ વિના, પૌરુષ કેમ પ્રાપ્ત કરવું તે બોધ આપે છે; અંત ભાગમાં શ્રીકૃષ્ણ ઊર્ધ્વતર પરિમાણ આપવાના છે, ‘ઈશ્વરને બધું સમર્પિત કરી દે.’ બધું છે તે તેનું છે. તું તો કેવળ નિમિત્ત સાધન છો. સંપૂર્ણ શરણાગતિ તે આ. અંત ભાગમાં આવતો આ ચરમ શ્લોક છે: तमेव शरणं गच्छ, ‘ઈશ્વરને બધું સમર્પિત કરી દે.’ સૌ કોઈ સમર્પણ કરી શકે નહીં. તમે સમર્થ ન હો તો, સમર્પણ કરી શકતા નથી. જેના ખિસ્સામાં કાવડિયું પણ નથી, બેંકમાં ખાતું નથી તે કહે, ‘મારે ત્યાગ કરવો છે.’ તું શાનો ત્યાગ કરીશ? તારી પાસે કશું છે તો નહીં, નથી મિલકત કે વિદ્યા! ત્યાગ કરવા માટે કશુંક તો હોવું જોઈએ ને? પરિશ્રમ કર, પૈસો રળ, બીજાઓનો વિશ્વાસ પેદા કર. માનવ શિક્ષણનો એ પહેલો તબક્કો છે. તે અંતિમ તબક્કો ગીતામાં પછીથી આવે છે. તમારો અહંકાર સમગ્રપણે ઈશ્વરને સમર્પિત કરવા વધારે સમર્થ બનો. આ માટે અનેકગણું બળ જોઈએ. હું વારંવાર કહું છું તે પ્રમાણે પૈસો કમાવા માટે શક્તિ અને સખત પરિશ્રમની જરૂર છે પણ દાન માટે વધારે પરિશ્રમની જરૂર છે. એમ નથી શું? તમે જે કમાયા છો તેનું દાન કેટલું કઠિન છે?
Your Content Goes Here




