એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં ભક્તજનો સાથે શ્રીરામકૃષ્ણદેવ વાતો કરી રહ્યા છે. લોકપ્રિય બ્રાહ્મો સામયિકો – ‘ઈંડિયન મિરર’, ‘ધર્મતત્ત્વ’, ‘સુલભ સમાચાર’ વગેરે દ્વારા કોલકાતાના સુશિક્ષિત પ્રજાજનોમાં જેમણે શ્રીરામકૃષ્ણદેવને જાણીતા બનાવ્યા એવા બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યું: ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા ઇચ્છું છું. એ સંદેશ ચોક્કસપણે લોકોનું કલ્યાણ કરશે અને વિશ્વને શાંતિ અર્પશે.’ પોતાના ચહેરા પર અદ્‌ભુત દિવ્યકાંતિ સાથે અને ભાવાવસ્થામાં ખુલેલાં નેત્રો સાથે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું: ‘વ્યાખ્યાનો અને વર્તમાન પત્રો દ્વારા અહીંનો (એમણે પોતે આપેલ) સંદેશ ફેલાવવાનો હજી સમય થયો નથી. સમય આવતાં આ દેહમાં રહેલ વિચારો, આદર્શો અને શક્તિ એની મેળે સર્વત્ર પ્રસરી જશે. સેંકડો હિમાલયો પણ એ શક્તિનું દમન નહિ કરી શકે.’ ત્યાર પછી તેઓ સમાધિભાવમાં આવી ગયા.(‘રામકૃષ્ણ એઝ વી સો હિમ’, સ્વામી ચેતનાનંદ, અદ્વૈતઆશ્રમ, કોલકાતા, પૃ.૨૮૭)

બીજા એક પ્રસંગે તેમણે શ્રી કેશવને કહ્યું: ‘તમે શા માટે મારા વિશે તમારા પત્રોમાં લખો છો? તમે કોઈ પણ માણસને એના વિશે પુસ્તકોમાં કે સામયિકોમાં લખીને મહાન બનાવી ન શકો. પ્રભુ જ માનવને મહાન બનાવે છે. અને ત્યાર પછી જ ભલે તે જંગલમાં રહેતો હોય તો પણ બધા એને જાણવાના છે. જ્યારે ગહન વનમાં પુષ્પો પુરબહારમાં ખીલી ઊઠે ત્યારે મધમાખીઓ એને શોધી કાઢે છે પણ સામાન્ય માખીઓ નહિ…’ (‘ધી ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૮૫, પૃ.૧૦૨૦, ૯૯૯) 

સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘જ્યારે મહાપુરુષો પોતાનો સંદેશ આપે છે ત્યારે સમગ્ર વિશ્વે એને સાંભળવો પડે છે. જ્યારે તેઓ બોલે છે ત્યારે એનો દરેક શબ્દ વિલક્ષણ હોય છે, તે બોંબની જેમ ફૂટે છે. જો એ શબ્દની પાછળ શક્તિ ન હોય તો શબ્દમાં છે શું! ..આ છે વિશ્વના મહાન ચિંતકો, એ છે વિશ્વના પયગંબરો, પયગંબરો જીવનસંદેશવાહકો, પ્રભુના અવતારી પુરુષો.’ (કં.વ. સ્વા.વિવે., વો. ૯, અદ્વૈતઆશ્રમ, કોલકાતા, ભાગ ૪ (૧૯૮૯) – પૃ.૧૨૦) 

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જેવા વિશ્વગુરુઓનાં વિચારો, વાણી અને કાર્ય દ્વારા મહાન અવતારી શક્તિ આવિર્ભૂત થવાનો પ્રારંભ કરે છે અને સામાન્ય માનવબુદ્ધિથી આંકી-માપી શકાય તેના કરતાં ઘણા ગહન, અતિસૂક્ષ્મ સ્તરે કાર્ય કરવા લાગે છે. માનવીય દૃષ્ટિકોણ અને સમજણથી કળી ન શકાય તેવી રીતે તેની કાયાકલ્પ કરતી શક્તિ વિવિધ પ્રવાહો દ્વારા વહેવા લાગે છે. વિશ્વના પયગંબરો પોતાની આસપાસ રહેનારા કે સંપર્કમાં આવનારા લોકોના મનમાં પોતાની આત્મશક્તિ સંક્રમિત કરે છે એટલું જ નહિ પરંતુ સાર્વલૌકિક અવ્યક્ત માનસમાં પણ તેનો પ્રભાવ પાડે છે. સમય જતાં આ રીતે ભીતર સંક્રમિત થયેલ શક્તિ પોતાની મેળે ઉખળવા માંડે છે. તેનું ભાવઆંદોલન ભૂગર્ભી એટલે કે ભીતરી હોય છે અને તેના દ્વારા આવતું પરિવર્તન કે થતો કાયાકલ્પ એ સ્થૂળ આંખે તરત જ જણાઈ આવે એવાં નથી હોતાં. ધીમે ધીમે આ મહાશક્તિ નજરે ચડે એવી રીતે પ્રગટવા માંડે છે અને ઘણી વ્યક્તિઓને વૈયક્તિક રીતે પરિવર્તિત થતી જોવા પણ મળે. ભૌતિક મૂલ્યોનું સ્થાન આધ્યાત્મિક મૂલ્યો લે છે. મન વિશાળ ઉદાત્ત બને છે, બુદ્ધિશક્તિ વધારે પરિશુદ્ધ બને છે અને આ વૈશ્વિક અને ભૌતિક દુનિયાના સુખો કરતાં જીવનમાં કંઈક વધુ સારું કરવાનું છે એવી માનવોને અનુભૂતિ થાય છે. અલબત્ત આવા કાયાકલ્પ કરનારા લોકો ઘણા ઓછા હોય છે, પરંતુ દડાને વહેતો મૂકવા – ચૈતન્યભરેલા વિચારને પ્રવાહિત કરવા આ સંખ્યા પૂરતી છે. આવા લોકો પોતાના અમૃતાનંદમાં બીજાને પણ સહભાગી બનાવે છે. તમે જુઓ છો કે આવાં સંગઠનો, સંસ્થાઓ, સંન્યાસીમઠ એક પછી એક ઊભાં થતાં જાય છે. આમ છતાં પણ આ બધું મહાસાગરમાં વહેતી હિમશિલાની ઉપર દેખાતી ટોચ જેવું છે. સાચી શક્તિ તો બાહ્ય સપાટીની ભીતર કામ કરે છે. એટલે સાચી દૃષ્ટિએ અને રીતે આપણે સ્વીકારવું પડે કે આ દિવ્ય ‘ઈશ્વરી શક્તિ’ના ભાવઆંદોલન અને આકર્ષણ-વિસ્તારને આપણે પૂરેપૂરા જાણી શકતા નથી. આ ઈશ્વરીય શક્તિના સામર્થ્ય અને આકર્ષણ તેમજ વિસ્તારને માપવાનું કે એનું મૂલ્ય આંકવાનું આપણું કાર્ય નથી. શ્રીરામકૃષ્ણદેવ કહેતા: ‘મારી તરસને છીપાવવા જો પાણીનો એક કળશો પૂરતો હોય તો મારે તળાવના પાણીના જથ્થાને માપવા શા માટે જવું જોઈએ?’ એટલે કે આપણે તો ગમે તે રીતે આપણી જાતને એ હૃદયના ભાવ-આંદોલન સાથે સંલગ્ન કરવાનું છે. અને કાર્ય જેવું થઈ જાય ત્યારે આ ‘ઈશ્વરની શક્તિ’ના પૂરથી આપણે પોતે ભરપૂર બની જઈએ છીએ. 

હવે આ સંસ્પર્શ કે સંલગ્નતા કેવી રીતે લાવવી? જો તમે આ દિવ્ય શક્તિ મેળવવા ઇચ્છતા હો તો તે શક્તિનું સંક્રમણ કરનાર કોઈ વસ્તુ કે વ્યક્તિની તમારે જરૂર છે. આ શક્તિને અંશત: પણ સ્વમેળે અર્જિત કરનારા એવા ગણ્યાગાંઠ્યા વ્યક્તિઓ દ્વારા જ આ શક્તિ પ્રાથમિક રીતે સંક્રમિત કરી શકાય છે. આ ભાવ આંદોલન ‘ઈશ્વરીય શક્તિ’ રૂપે એવા ગણ્યાગાંઠ્યા વ્યક્તિઓનાં જીવનમાં કાર્ય કરવા માંડે છે. અને એ થોડા માનવો વ્યક્તિગત રીતે અસીમિત, વૈશ્વિક શક્તિના પરાવર્તક અને પ્રતિબિંબક બની જાય છે. આવી રીતે તેઓ પોતાના સંપર્કમાં આવતા બીજા અસંખ્ય લોકોને એનો લાભ પહોંચાડી શકે છે. સમય જતાં આવી શક્તિના લાભાર્થીઓ પોતે પણ થોડા વધુ લોકો પર પ્રભાવ પાડનારા પ્રતિબિંબક, પરાવર્તક બની જાય છે. જ્યારે આવા માનવો વૈયક્તિક રીતે આ શક્તિને ફેલાવવામાં પ્રત્યક્ષ રીતે આધારભૂત માધ્યમ બને છે એ જ સમયે એક બીજું ઘણું મહત્ત્વનું ઝરણું આ જ કાર્ય અપ્રત્યક્ષ રીતે કરે છે અને તે છે ‘સાહિત્ય’.

માનવ આત્મામાં શક્યતાઓ અને શક્તિ સુષુપ્ત રીતે રહેલ છે. એ જ બધી શક્તિઓ આનંદ અને જ્ઞાનનો સ્રોત છે. આ શક્યતાને ત્વરિત રૂપે વાસ્તવિક રૂપ આપવા બાહ્ય સહાયની આવશ્યકતા છે. પરંતુ સ્વામીજી કહે છે: ‘પરંતુ આ ત્વરિત પ્રેરણા પુસ્તકોમાંથી મેળવી ન શકાય. એક આત્મા બીજા આત્મા પાસેથી જ આવી અંત:પ્રેરણા મેળવે છે, બીજે કશેથી નહિ.’ અલબત્ત સ્વામીજી અહીં આધ્યાત્મિક સહાયની વાત કરે છે. પરંતુ ‘ઈશ્વરીય શક્તિ’ રૂપે ભાવ આંદોલન સૌ પ્રથમ તો આધ્યાત્મિક ભૂમિ પર ત્રાટકે છે અને ત્યાર પછી જ માનસિક, બૌદ્ધિક અને શારીરિક સ્તરે કેટલીક શક્તિ જાગી ઊઠે છે. સાથે ને સાથે સંસ્કૃતિ, વિજ્ઞાન, સમાજ અને ધર્મ જેવાં વિવિધ ક્ષેત્રોમાં તે કાર્યશીલ બને છે. આ ‘ત્વરિત અંત:પ્રેરણા’માંથી જે શક્તિ સંક્રમિત થાય છે તે શક્તિ તેના ધારકો અને જીવંત પ્રતિનિધિઓમાંથી આવે છે. સાહિત્ય મોટે ભાગે તમને આવા શક્તિ ધારક વ્યક્તિઓ સુધી દોરી જાય છે અને એ રીતે શક્તિ સંક્રમણનું એ પરોક્ષ સાધન બને છે. એટલે એનું પ્રદાન થોડું ગૌણ પ્રકારનું ગણાય. પરંતુ અહીં ‘ગૌણ’પ્રદાનનો અર્થ બીન અગત્યનું છે એવો નથી. જ્યારે આપણે સાહિત્યનું વાંચન કરીએ છીએ ત્યારે સાહિત્યના પ્રભાવક અને જીવંત કાર્યનો ખ્યાલ આવે છે.

ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની સાહિત્યની સતતપણે અસર થતી રહી છે એ વાત આપણે હવે પછીના લેખોમાં વિગતે જોઈશું. પણ ભારત-પરિવ્રાજક રૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાતના જે પ્રતિભાસંપન્ન અને અદ્‌ભુત સાહિત્યપ્રેમવાળા મહાન ગુજરાતીઓને મળ્યા તેની વાત કાળક્રમને ધ્યાનમાં રાખીને કરીશું. 

૨૭, ઓક્ટોબર,૧૮૯૧ પછી સ્વામીજી રાજસ્થાનમાં આવેલ ખેતડીથી જ્યારે અજમેર પહોંચ્યા અને ત્યાંથી બિયાવર ગયા ત્યારે સ્વામીજીના યજમાન શ્રીહરવિલાસ સારદા હતા. કચ્છ-ગુજરાતના વિદેશમાં ભારતીય ક્રાંતિકારી ચળવળના આદ્ય સ્થાપક અને બહુશ્રુત વિદ્વાન પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મુંબઈથી પાછા આવ્યા ત્યારે હરવિલાસ સારદાએ તેમને સ્વામીજીની વિદ્વત્તા, દેશભાવના અને વાકછટાની વાત કરી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા બિયાવર થઈ સ્વામીજીને પાછા અજમેર લાવવાનું વચન આપતા ગયા અને ત્યાર પછીના દિવસે તેઓ સ્વામીજી સાથે અજમેર આવ્યા. ૧૦-૧૫ દિવસ સુધી સ્વામીજી એમને ઘરે મહેમાન રહ્યા અને એમની સાથે અનેક વિષયો પર અત્યંત રસપ્રદ વાતો થતી રહી. બંને સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની ચર્ચા વધુ કરતા. તેઓ બંને સમાન રસરુચિવાળા હતા. બંનેને ભારત માટે અગાધ પ્રેમ હતો અને એના પુનરુત્થાન માટે ઊંડી શ્રદ્ધા હતી. 

શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ માંડવી કચ્છમાં ૪ ઓક્ટોબર, ૧૮૫૭ના દિવસે થયેલ. તેજસ્વી વિદ્યાર્થી હોવાથી તેમને મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો. સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કરીને તેઓ સંસ્કૃતના વિદ્વાન બન્યા. એ સમય દરમિયાન ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સ શ્યામજીના સંસ્કૃત ભાષાના જ્ઞાનથી પ્રભાવિત થયા અને નાસિકના ન્યાયાધિશ ગોપાલ હરિ દેશમુખની ભલામણથી મોનિયર વિલિયમ્સે ૧૮૭૭માં એમને ઓક્સફર્ડ બોલાવ્યા. તેઓ વિલિયમ્સના સંસ્કૃત ભાષાના મદદનીશ તરીકે કામ કરવા લાગ્યા અને મોનિયર વિલિયમ્સને એમના સંસ્કૃત-અંગ્રેજીના વિશાળ શબ્દકોશની રચનામાં એમણે ઘણી સહાય કરી. આજે પણ આ શબ્દકોશ એક પ્રમાણભૂત શબ્દકોશ ગણાય છે. શ્યામજીકૃષ્ણ વર્માએ અંગ્રેજ તત્ત્વજ્ઞાની હર્બર્ટ સ્પેન્સરના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને તેઓ બંને પરમ મિત્ર બની ગયા હતા. ૧૦૦૦ પાઉંડનું દાન આપીને એમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હર્બર્ટ સ્પેન્સરની વ્યાખ્યાનમાળા શરૂ કરી. આ જ હર્બર્ટ સ્પેન્સર સાથે સ્વામીજીને પણ પરિચય હતો અને પોતાના યૌવનકાળમાં પત્રવ્યવહાર પણ થયો હતો. એમના ગ્રંથો અને તાર્કિક વિચારોથી સ્વામીજી પણ બહુ પ્રભાવિત થયા હતા. જાન્યુઆરી ૧૯૦૫માં શ્યામજી કૃષ્ણ વર્માએ ‘ધ સોશિયોલોજિસ્ટ’ નામનું માસિક શરૂ કર્યું હતું. આ મુખ પત્ર વિશે એમણે જણાવ્યું હતું: ‘આ અખબાર દ્વારા ગ્રેટ બ્રિટન તથા આયર્લેન્ડના લોકો સમક્ષ ભારતનો અને તેના કરોડો લોકોનો કેસ રજૂ કરવાની ફરજ અને વિશેષ અધિકાર રહેશે.’ ભારતના રાજકીય લક્ષ્ય તરીકે અંગ્રેજોના અંકુશમાંથી સંપૂર્ણ મુક્તિ અને શાંત પ્રતિકાર જણાવ્યું. એનો અર્થ અંગ્રેજોનો સંપૂર્ણ બહિષ્કાર થતો હતો. તેમણે દેશવાસીઓને જણાવ્યું હતું : ‘જો ૨૦ કરોડ હિંદુઓ અંગ્રેજોનો હુકમ ન માને, જો તેઓ લશ્કરમાં ભરતી ન થાય, કરવેરા ન ભરે, વિજેતાઓ દ્વારા અપાતા બદલાની લાલચ રાખે નહિ અને તેમને માટે ઘડેલા અંગ્રેજોના કાયદાનો અનાદર કરે તો દુનિયાના બધા અંગ્રેજો ભેગા મળીને પણ ભારતને ગુલામ રાખી શકે નહિ.’ આ રીતે તેઓ મહાત્મા ગાંધી પહેલાં સ્વાતંત્ર્ય વીરોના એક અગ્રણી તરીકે જાણીતા હતા. મેક્સિમ ગોરકીએ તેમને ‘ભારતના મેઝિની’ કહ્યા છે. 

તેમણે ૧૮ ફેબ્રુઆરી ૧૯૦૫ના રોજ ‘ધ ઈંડિયન હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરી. તેના ઉદ્દેશ્યો આવા હતા: ભારત માટે સ્વરાજ મેળવવું, તેની પ્રાપ્તિ માટે યુનાઈટેડ કિંગ્ડમમાં તેનો પ્રસાર કરવો અને સ્વતંત્રતા તથા રાષ્ટ્રિય એકતાના લાભોના જ્ઞાનનું ભારતના લોકોમાં પ્રસારણ કરવું. એમણે લંડનમાં હાઈગેટમાં આશરે ૨૫ યુવાનો રહી શકે એવું મકાન ભારતમાંથી ઈંગ્લેન્ડ જતા વિદ્યાર્થીઓને રહેવા માટે કરી દીધું. એમાં ગ્રંથાલય, વ્યાખ્યાન ખંડ, વાચનખંડ, વ્યાયામશાળા વગેરેની સુવિધા હતી. ૧ જુલાઈ, ૧૯૦૫ના રોજ દાદાભાઈ નવરોજી, મેડમ કામા વગેરેની હાજરીમાં આ મકાન ‘ઈંડિયા હાઉસ’ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું.

૩૧ મે, ૧૯૩૦ના રોજ શ્યામજીકૃષ્ણ વર્માનું જિનીવામાં નિધન થયું. એમના મૃત્યુ પછી એમનાં પત્ની જિનીવામાં રહેતા અને પતિના કાર્યોની દેખરેખ રાખતા. તેમણે શ્યામજીકૃષ્ણ વર્માના બધા વિરલ સંસ્કૃત ગ્રંથો સોન્બોર્ન વિશ્વવિદ્યાલયને અર્પણ કરી દીધા. ૧૯૩૫માં એમણે ‘કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી.

પોતાની યુવાન વયે સુપ્રસિદ્ધ ધર્મ અને સમાજ સુધારક આચાર્ય દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવીને એમણે ભારતીય સાંસ્કૃતિક સાહિત્યમાં ઘણું મોટું પ્રદાન કર્યું છે. મહાત્મા ગાંધીજીએ સ્વામીજીના ગ્રંથોનું ચિંતન મનન કરીને કહ્યું હતું: ‘મેં એમના ગ્રંથોનું સાંગોપાંગ અધ્યયન કર્યું છે. એ વાંચ્યા પછી મારો દેશપ્રેમ હતો એના કરતાં એક હજારગણો વધી ગયો છે.’

મહાત્મા ગાંધીજી તો સ્વામીજીને પ્રત્યક્ષ રીતે મળી શક્યા ન હતા માત્ર એમના અક્ષરદેહને તેઓ વાંચી શક્યા હતા. પરંતુ શ્યામજી કૃષ્ણ વર્મા સ્વામીજીને સર્વપ્રથમ રાજસ્થાનના બિયાવરમાં પ્રત્યક્ષ રૂપે મળ્યા હતા અને એમને લઈને તેઓ અજમેરમાં આવ્યા. સ્વામીજી સાથે એમને સતત ૧૫ દિવસનો અવિરત સત્સંગ રહ્યો. એમની સાથેના આ સત્સંગનો પ્રભાવ શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પર એક પરિવર્તન લાવનારી ક્રાંતિકારી ઘટના જેવો છે. એને લીધે એમની દેશભક્તિમાં વૃદ્ધિ થઈ હશે અને એમના સાહિત્ય પર પણ એનો પ્રભાવ પડ્યો હશે એમ માની શકાય. 

સ્વામી વિવેકાનંદ સાથે ગુજરાતમાં સૌ પ્રથમ પ્રત્યક્ષ રીતે સંપર્ક સંસ્પર્શમાં આવનાર મહાન ગુજરાતીઓમાં લાલશંકર ઉમિયાશંકર દવેનું નામ મોખરે છે.

અજમેરથી સ્વામીજી જૂના જમાનામાં કર્ણાવતીના નામે ઓળખાતા ગુજરાતના અમદાવાદમાં આવ્યા. અમદાવાદ પહોંચીને સ્વામીજીએ થોડા દિવસો સુધી ભીક્ષાવૃત્તિથી ચાલાવ્યું. શ્રી લાલશંકર ઉમિયાશંકરે અમદાવાદના રેલવે સ્ટેશનેથી બહાર નીકળતી વખતે એક પીપળાના વૃક્ષ નીચે એક ભવ્ય સંન્યાસીને બેઠેલા જોયા. આ સંન્યાસીના પ્રશાંત ગંભીર મુખમંડળનાં દર્શન માત્રથી તેઓ પ્રભાવિત થઈ ગયા. તેમની પાસે જઈને તેમની સાથે વાતચીત શરૂ કરી. થોડીઘણી વાતચીતથી જ એમને ખબર પડી કે આ સંન્યાસી માત્ર અંગ્રેજીમાં જ પારંગત નથી પરંતુ જ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર એમની બૌદ્ધિક પ્રતિભાની સીમાની બહાર ન હતું. આ સંન્યાસીની અસામાન્ય મેધા અને તેમના અદ્‌ભુત શાસ્ત્રજ્ઞાનથી મુગ્ધ થઈને લાલશંકર ઉમિયાશંકરે સ્વામીજીને પોતાને ઘેર રહેવા નિમંત્રણ આપ્યું. ઘોડાગાડીમાં બેસીને થોડીવારમાં એમના નિવાસસ્થાન ‘૩૬ અમૃતલાલ પોળ, ખાડિયા’ પહોંચી ગયા. ઘર મોટું હતું તેમ છતાં સ્વામી વિવેકાનંદને પોતાના ધ્યાન અને સ્વાધ્યાય માટે અનુકૂળ શાંતિમય વાતાવરણ ન મળવાથી લાલશંકર આ સૌમ્ય સંન્યાસીને પોતાના બીજા ઘેર એલિસ બ્રિજના ટાઉન હોલની પાછળના ઘરે લઈ ગયા. અહીં તેમને સાંભળવા લોકોનો મેળો જામતો. વેદ, દર્શન અને અન્ય વિષયો પરના તેમનાં પ્રવચનોથી લોકો મુગ્ધ બની જતા. 

તેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ સમાજસેવક, સમાજસુધારક અને સ્ત્રીશિક્ષણના હિમાયતી હતા. તેમણે અમદાવાદ હાઈસ્કૂલમાં અને પછી ગુજરાત પ્રોવિન્શિયલ ટ્રેઈનિંગ કોલેજમાં ગણિતના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. ન્યાયધીશ તરીકે પણ એમણે પોતાની સેવાઓ આપી હતી. મહારાષ્ટ્રના જ્યોતિબા ફૂલેના સંપર્કથી તેમણે માનવસેવા અને અસ્પૃશ્યોદ્ધારનું સેવકાર્ય શરૂ કર્યું હતું. છપ્પનિયા કાળમાં (૧૮૯૯-૧૯૦૦)માં પીડિતો માટે ફંડ ઉઘરાવીને દુષ્કાળ પીડિતોની સેવા અને પશુઓ માટે કેટલકેમ્પ ચલાવ્યા હતા. આ સેવાની કદર રૂપે બ્રિટિશ સરકારે એમને ‘કૈસરે હિંદ’નો ચંદ્રક આપ્યો હતો. ૧૮૯૪ની મોહમેડન એજ્યુ. કોન્ફોરન્સમાં તેઓ સ્વાગત પ્રમુખ અને ૧૯૦૪માં ઉપપ્રમુખ હતા. ટ્રેઈનિંગ કોલજના અધ્યાપક તરીકે તેઓ ‘ગુજરાત શાળાપત્ર’માં લેખો લખતા. પછી પોતાના સહાધ્યાયી હરગોવિંદ દાસ કાંટાવાળા સાથે ‘ટીકાકાર’નામનું માસિક શરૂ કર્યું હતું. એમણે શાળાને ઉપયોગી પુસ્તકો પણ લખ્યા હતા. પ્રસિદ્ધ સમાજસુધારક, કેળવણીકાર મહિપતરામના રંગે રંગાઈને અમદાવાદમાં એમણે એક અનાથાશ્રમ સ્થાપ્યો. ૧૮૯૪માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા)ના તેઓ મંત્રી હતા. ગુજરાતના સાર્વત્રિક કલ્યાણ અને સાહિત્યના સર્વક્ષેત્રોમાં તત્કાલીન સમયમાં એમનું પ્રદાન મહત્ત્વનું અને મોટું પ્રદાન રહ્યું છે. લાલશંકર ઉમિયાશંકર પછી બીજા ઘણા તત્કાલીન સાક્ષરો અને વિદ્વાન પુરુષોના સંપર્કમાં સ્વામીજી આવ્યા હતા આ બધી વિગતો આપણે હવે પછીના સંપાદકીયમાં લઈશું.

(ક્રમશ:)

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.