આજીવન શિક્ષક અને આચાર્ય તથા કેળવણીકાર તરીકે પોતાની સેવાઓ આપનાર શ્રીરમણલાલ પીતાંબરદાસ સોની બાળ-સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે. તેઓ ગાંધીવાદી સામાજિક કાર્યકર છે. ૧૯૩૨ના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં તેઓ યરવડા જેલમાં ગયા હતા. ત્યાં તેઓ બંગાળી શીખ્યા અને ગોરા, ચોખેરબાલી, જેવી રવીન્દ્રનાથ ટાગોરની નવલકથાઓનો; શ્રીકાંત, શેષપ્રશ્ન, પાથેરદાબી જેવી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓનો; તારાશંકર બંદોપાધ્યાય કવિ અને કાલિન્દીનું તેમજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના સીતાવનવાસ અને શકુંતલા જેવા ગ્રંથોનો અનુવાદ કર્યો છે. ૯૯ વર્ષની ઉંમરે પણ આંખોના ઓજસ્ વિના અંતરના ઓજસ્થી લખેલો આ લેખ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે – સં.
વિવિધ દેશકાલની ઐતિહાસિક ઘટનાઓનો અને માનવજાતિના વિકાસની નિરંતર ચાલતી પ્રક્રિયાનો વિચાર કરું છું ત્યારે શ્રીરામકૃષ્ણદેવનો જન્મ પૃથ્વી પરની અસામાન્ય ઘટના તરીકે પ્રત્યક્ષ થાય છે અને ટકોરાબંધ સમજાય છે કે આ પરમાત્માની પરમકૃપાનું અવતરણ છે, આ જન્મ નથી, અવતાર છે. વિશ્વને દોરી રહેલી પરમ શક્તિ પરમ ચૈતન્યનું આ પૃથ્વી પર પ્રાગટ્ય છે. તે કાળે ભારતવર્ષમાં અને વિશ્વમાં કેવો સંધિકાળ પ્રવર્તે છે તે જુઓ. પશ્ચિમી સંસ્કૃતિ અને પૂર્વીય એટલે કે પ્રધાનત: ભારતીય સંસ્કૃતિ એક બીજાની મોઢામોઢ આવી ઊભી છે. વિશ્વના ચિંતનશીલ, ધર્મશીલ આત્માઓ ચકિત થઈ વિચાર કરે છે કે બધે મનુષ્યજન્મ, બાલ્ય, યૌવન, જરા અને મૃત્યુ તો એક સરખું છે. સઘળે ચૈતન્યની લીલા વિવિધ ઘાટવેશમાં છતાં વિવિધતામાં કોઈ અજબ તરહની એકતા ડોકિયાં કરતી દેખાય છે. આ શું છે તે જોવું જાણવું જોઈએ. પણ આ શું છે તે કહે કોણ? જેને જે હાથવગું હતું તેણે તે ફંફોસવા માંડ્યું – ઈસુ, બુદ્ધ, કૃષ્ણ વગેરેમાં.
પરસ્પર વિરોધી વિચારોનો વંટોળિયો વહેતો હતો. કોઈ એકમાં તણાયા, કોઈ બીજામાં. ભારતમાં પણ આ વાવાઝોડું ચાલ્યું હતું. રાજા રામમોહનરાય, કેશવસેન, દયાનંદ સરસ્વતી, સ્વામી નારાયણ વગેરેએ એક પ્રવાહ પકડ્યો. પણ એ એક પ્રવાહ હતો. સમગ્ર સાગરનું એમાં દર્શન ન હતું. એ દર્શન કરાવ્યું શ્રીરામકૃષ્ણે. તેમણે તમામ પ્રવાહોનો જાત અનુભવ કર્યો – હિંદુ, મુસલમાન, જૈન, ખ્રિસ્તી ધર્મ અને પ્રવર્તમાન વિવિધ સંપ્રદાયોના પ્રવાહોનો તેમણે પ્રત્યક્ષ અનુભવ કર્યો. તે સર્વ સાથે એકાત્મતા અનુભવી. એ અનુભવે તેમણે જાહેર કર્યું કે બધા ધર્મોનો પાયો એક છે. બધા ધર્મો એક પરમ ચૈતન્યનો પ્રકાશ છે, એ કોઈ પરસ્પર વિરોધી નથી, પરસ્પર પૂરક છે. સૂર્યનું એક કિરણ મોટું નથી, બધા કિરણો મોટાં છે, બધાં સૂરજનાં છે. બધાં સૂરજની સત્તાના પ્રતિક છે. બધાં દ્વારા સૂરજને પહોંચાય છે. આ મહાન સમન્વય-સંદેશ માટે રામકૃષ્ણદેવ પૃથ્વી પર પધાર્યા હતા. એમનો એ સંદેશ વિશ્વને પહોંચ્યો કેવી રીતે? પરમેશ્વરનું સ્વરૂપ કલ્પનાતીત છે, પરમેશ્વરની કૃતિ-લીલા પણ તેવી જ કલ્પનાતીત છે. સંતોને એની સહેજ એવી ઝાંખી થાય તો અદ્ભુત! અદ્ભુત! પોકારી રહે છે.
શ્રીરામકૃષ્ણદેવ સ્થળ છોડી ક્યાંય ગયા નથી. નથી ભાષણો આપ્યા, નથી વર્ગો ચલાવ્યા, નથી પુસ્તકો લખ્યાં. ખૂબી તો એ છે કે નથી એમણે કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, નથી કોઈ ક્રિયાકાંડો કર્યાં કે નથી કોઈને ગુરુ કર્યા. જે ‘ગુરુઓ’ કહેવાય છે તે એમને જોઈ આશ્ચર્યમાં પડી ગયા કે આ તો બધું જાણે છે – અમે ઘણું ઘણું નથી જાણતા એવું યે આ જાણે છે અને નજરોનજર દેખે છે. અમને જે કોયડા જેવું છે તે આને હાથમાંના આમળા જેવું પ્રત્યક્ષ છે! આ છે કોણ? એમણે આ જ્ઞાન લીધું ક્યાંથી? ચોપડીઓ અમે વાંચીએ છીએ, શાસ્ત્રો અમે ચૂંથીએ છીએ પણ આમને જે હાથ લાગ્યું છે તેનો અણસારેય અમને મળતો નથી.
અવતારી મહાત્માની આ ખૂબી છે. એ કેવી રીતે બોલે છે? કેવી રીતે ચાલે છે? તે જોવું હોય તો ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અવશ્ય વાંચો. ‘ગીતા’માં અર્જુન શ્રીકૃષ્ણને પૂછે કે સ્થિતપ્રજ્ઞ એટલે શું? એ કઈ જાતનું પ્રાણી છે? એની ભાષા કેવી? એ બોલે ચાલે કેવું? એ બેસે ઊઠે કેવી રીતે? એ શું રાખે અને શું છોડે? કૃષ્ણ એનો લંબાણથી જવાબ આપે છે. જે વાચી-સાંભળીને આપણે વધારે ગૂંચવાઈ ગયા છીએ. પણ આજે જો કોઈ અર્જુન આવો પ્રશ્ન પૂછે તો તેનો રોકડો જવાબ દઈ શકાય કે શ્રીરામકૃષ્ણને જો.
શ્રીરામકૃષ્ણદેવના અવતારકાર્યનો હેતુ આ સર્વધર્મસમન્વય, સર્વધર્મસમભાવ એ સંદેશ જગતને કોઈ અદ્ભુત પ્રકારે પહોંચ્યો – સને ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી સર્વધર્મોની પરિષદમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રથમ સંબોધન દ્વારા.
લાંબું ભાષણ નહિ, માત્ર પાંચ સાત મિનિટ – વિશ્વવ્યાપી પરમ ચૈતન્યની શક્તિનો ધોધ વહ્યો. એ થોડી મિનિટોમાં અને જગત આખું સ્તબ્ધ થઈ ગયું કે આ કેવી વાત! હિંદુસ્તાન તો સાપદાદા અને મદારીનો દેશ – તેમાં આ શક્તિ હતી, તો આજલગી કેમ કોઈએ તે જાણ્યું નહિ? જગત એ જાણે એટલા માટે તો શ્રીરામકૃષ્ણદેવનું પૃથ્વી પર આગમન થયું હતું. તેમના આગમન સાથે પૃથ્વી પર એક નવો જ યુગ શરૂ થયો છે.
હું માનું છું – રામકૃષ્ણદેવ એક જાગતા દેવ છે, પરમ વિભૂતિ છે. પૂજ્ય માતાજી શારદામણિદેવીનું વચન છે કે રામકૃષ્ણદેવનું શરણ લેનારો કદી દુ:ખી નહિ થાય, રામકૃષ્ણદેવનું શરણ એટલે પરમાત્માનું શરણ. દુન્યવી લાભાલાભની વાત નથી, આમાં તો જીવાત્મા અને પરમાત્માની વાત છે. રામકૃષ્ણનું શરણ એટલે રામકૃષ્ણદેવ આપણા દ્વારા કાર્ય કરે એવી આપણી ઇચ્છાનું નિવેદન. પછી આપણે કે આપણું એવું કશું રહેતું નથી. દર્પણ સાફ સ્વચ્છ હશે તો એમાં પ્રતિબિંબ દેખાશે. આપણે એવા દર્પણ બનવાનું છે – પ્રભુની લીલા એવી છે કે પછી દર્પણમાં આપણું નહિ પ્રભુનું પ્રતિબિંબ દેખાશે. આપણા ખાતે એ દિવસ લખાયેલો તો છે જ, પ્રભુનું શરણ પાકું થાય તો એ ઘડી વહેલી આવે. તે માટે પ્રભુની કૃપા યાચીએ – રામકૃષ્ણદેવની કૃપા યાચીએ, સંતોની કૃપા યાચીએ!
॥ શ્રીરામકૃષ્ણદેવો પ્રસન્નોસ્તુ ॥
શ્રી રમણલાલ સોનીએ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ને લખેલ પત્ર
સુતરિયા હાઉસ, ત્રીજોમાળ
ભાઈકાકા ભવન પાસે, એલિસબ્રીજ
અમદાવાદ – ૩૮૦ ૦૦૬
ફોન : ૨૬૪૬૦૨૨૫
પૂજ્ય સ્વામીશ્રી સર્વસ્થાનંદજીની સેવામાં,
સપ્રણામ નિવેદન.
હું ૯૯ વર્ષનો છું. મારો આંખોનું તેજ એટલી હદે ઘટી ગયું છે કે આપના પત્રમાં છે તેવા મોટા જાડા અક્ષરે છાપેલું હોય તેવું લખાણ એક એક અક્ષર કરીને વાંચું તો થોડું વંચાય. મારું પોતાનું લખેલું યે હું વાંચી શકતો નથી અને લખતી વખતે પણ દેખાતું નથી. તેથી એક શબ્દ પર બીજો, એક લીટી પર બીજી લીટી લખાઈ જાય છે. તેથી ખૂબ સાવધ રહેવું પડે છે.
શ્રીરામકૃષ્ણદેવનો હું ભક્ત છું. રોજ તેમનું સ્મરણ કરું છું. વખતો વખત તેમનું કે તેમના વિશેનું લખાણ વાંચતો હોઉં છું. અત્યારે પણ મારા મેજ પર, સામે જ શ્રીરામકૃષ્ણ કથામૃતના ગજરાતી અંગ્રેજી ગ્રંથો છે. હવે નથી વાંચી શકતો તોયે એનું દર્શન સાંત્વનકારી બની રહે છે.
આપનો પત્ર આવ્યો ત્યારે મને યાદ કરવા માટે આપનો ઘણો આભાર માન્યો ને મનમાં પરમહંસદેવને પ્રાર્થના કરી કે મારે કંઈ લખવું એવી આપની ઇચ્છા જણાય છે. તો શું લખવું તે તમે જ પ્રેરશો. થોડાદિવસો આમ ગયા પછી એક સવારે એકાએક કાગળ લીધો ને કાગળ પર કલમ મૂકતાં જ લખવાનું શરૂ થઈ ગયું તે પૂરું થયું ત્યારે અટક્યું. પછી મને મનમાં પ્રશ્ન થયો કે મેં શું લખ્યું? લખેલું હું વાચી શક્યો નહિ, પણ શું લખ્યું તેનો એક અક્ષરે મને યાદ આવ્યો નહિ. પરમહંસદેવની કૃપાથી ને પ્રેરણાથી જે લખાયું તે લખાયું ગણી આપને મોકલી આપું છું.
આપનો ઘણો આભાર માનું છું,
લિ. કૃપાકાંક્ષી
રમણલાલ સોની
ના પ્રણામ
Your Content Goes Here




