(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘ધ સ્ટોરી ઓફ રામકૃષ્ણ મિશન’ નામના ગ્રંથમાં આશા રેડ્ડીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ ભાવિકો સમક્ષ પ્રસ્તુત છે. – સં.)
માનવ સમાજની આધારશિલા એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેના ચોક્કસ સંબંધની પતિ અને પત્નીના નામે માન્યતા. મહાભારતમાં વર્ણવવામાં આવ્યું છે કે માનવ સભ્યતાના પ્રારંભકાળે પુરુષો અને સ્ત્રી વચ્ચેના સંબંધોમાં પવિત્રતા ન હતી. તેઓ પોતાની મરજી મુજબ પોતાના સહસાથીની પસંદગી કરી શકતા. આવી અવિચારી અને અનિચ્છનીય સોબત-સંગતનાં ઘણાં માઠાં પરિણામો જોઈને શ્વેતકેતુ નામના ઋષિએ લગ્નની પ્રણાલીની સંરચના કરી એમ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ એવાં પ્રમાણો મળે છે કે વૈદિક કાળમાં પણ લગ્નપ્રથા કે લગ્નસંસ્થાઓની સુવ્યવસ્થિત રીતે સ્થાપના થઈ ચૂકી હતી. ઋગ્વેદ (૧૦.૮૫)ના મંત્રો છે. લગ્નનાં વિધિવિધાનો અને પરિણિત પતિપત્નીએ પાળવાના સદાચારના નિયમોનું વર્ણન છે. લગ્ન પ્રણાલીનાં આવાં ધારાધોરણ કે નિયમો એ માનવ ઇતિહાસમાં પ્રાપ્ય પ્રાચીનમાં પ્રાચીન લેખિત દસ્તાવેજ જેવું છે.
વૈદિક લગ્નપ્રથા એ પવિત્ર સંસ્કાર છે. લગ્નનો પ્રારંભ કન્યાદાનનાં વિધિવિધાનથી શરૂ થાય છે. આ વિધિમાં કન્યાના પિતા પોતાની પુત્રીનો હાથ વરરાજાના હાથમાં સોંપે છે. વરરાજા પણ ધર્મેષા, અર્થેષા, કામેષા ના અધિસારામિ – આ ત્રણ વચનો સાથે કન્યાનું પાણિગ્રહણ કરે છે. એટલે કે હું ધર્મ, સત્યનિષ્ઠ અને સદાચારી જીવન, અર્થ અને કામ (ઇચ્છાઓની સંતુષ્ટિ)ને અનુસરીશ અને સ્થાપિત બંધનોનું ઉલ્લંઘન નહિ કરું. પછી પતિ પોતાની નવવધૂનો હાથ પોતાના હાથમાં રાખીને આ શબ્દો ઉચ્ચારે છે : ‘તમારો મારા ઘરમાંનો પ્રવેશ શુભકારી અને સમૃદ્ધિદાયી બનો; ગૃહવાસીઓ અને પાળેલાં પશુપક્ષીઓ પર અમીવૃષ્ટિ લાવતાં રહો. મારા ઘરનાં દુ:ખકષ્ટ, પીડા અને આનંદ સુખના તમે સહભાગી બનો. આપણે આપણાં પુત્રપુત્રી-પૌત્રપૌત્રીઓ સાથે રહીને વૃદ્ધત્વને પામીએ.’ આ લગ્નવિધિ નવદંપતીની પોતાના હૃદયને એક સાથે જોડી રાખવા અને એકતાંતણે બાંધવાની દેવોને કરેલી પ્રાર્થનાથી પૂર્ણ થાય છે. દેહમનની આ યુતિ ઈશ્વરની પથયાત્રાના સહસાથી બનાવે છે. ઈશ્વરાનુભૂતિની આ લક્ષ્યપ્રાપ્તિ માટે એમણે એકબીજાને સાથ-સહકાર આપવાનો રહે છે. આ પ્રક્રિયામાં આવતાં કોઈ પણ વિઘ્ન કે સંઘર્ષને પરસ્પરના પ્રેમ, માનઆદર અને સમજણથી ઉકેલવાનાં રહે છે. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો:
‘આ પ્રજામાં (ભારતની આર્ય પ્રજામાં) સ્ત્રીઓ અને પુરુષો પુરોહિત કે ધર્મગુરુ હતા… કે વેદો તેમને સહધર્મી રૂપે વર્ણવે છે. પ્રત્યેક પરિવારને પોતાનો અગ્નિકુંડ કે વેદી હતાં. એમાં વિવાહ સમયે વિવાહનો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતો અને જ્યાં સુધી પતિ પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ ન થાય ત્યાં સુધી એ અગ્નિને જીવંત રાખવામાં આવતો; અને એ વખતે એ અગ્નિની ચિનગારીમાંથી ચિતાને અગ્નિદાહ અપાતો. અહીં પતિ અને પત્ની એક સાથે યજ્ઞમાં બલિ હોમતાં અને આ ભાવના ત્યાં સુધી પહોંચી ગઈ કે પુરુષ એકલો પૂજા પણ ન કરી શકતો. કારણ કે એમ માનવામાં આવતું કે તે કેવળ અર્ધાંગ જ છે.’
લગ્નજીવનનું મહત્ત્વનું પાસું એટલે જાતિનું ચિરસ્થાયીત્વ અને આ કાર્ય પણ પ્રાર્થનાના વલણ સાથે કરવાનું રહેતું. મનુની દૃષ્ટિએ દરેક બાળક પ્રાર્થનાથી જન્મવું જોઈએ. પ્રાર્થના વિના જન્મનાર બાળકને અનૌરસ ગણવામાં આવે છે.
સદ્ગૃહસ્થને સમાજના આધારસ્તંભ રૂપે જોવામાં આવતો. એટલે જ એની ફરજ એ રહેતી કે તેણે અર્થપ્રાપ્તિ માટે કર્મપ્રવૃત્ત રહેવું અને મેળવેલી સંપત્તિનો સદુપયોગ પોતાના કુટુંબ અને સમાજના કલ્યાણ અર્થે કરવો. સ્વામી રંગનાથાનંદજીએ પોતાના ગૃહસ્થધર્મના વ્યાખ્યાનમાં મનુસ્મૃતિને ટાંકીને કહ્યું છે: ‘યસ્માત્ ત્રયોઽપ્યાશ્રમિણો જ્ઞાનેનાન્નેનચાન્વહમ્ । ગૃહસ્થેનૈવ ધાર્યન્તે તસ્માત્ જ્યેષ્ઠાશ્રમો ગૃહી ॥ (૩/૭૭)’ બધા આશ્રમોમાં ગૃહસ્થ આશ્રમ જ્યેષ્ઠ – મોટો (ચઢિયાતો) છે, કારણ કે બધા આશ્રમોના લોકોને અન્ન અને વિદ્યા એક માત્ર ગૃહસ્થ આશ્રમ જ પૂરાં પાડે છે, બીજું કોઈ નહીં. સદ્ગૃહસ્થે આ બધું નિષ્કામ ભાવે, કાર્યના ફળની અપેક્ષા રાખ્યા વિના અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને શરણાગતિના ભાવથી કરવું જોઈએ. પરિણામે તેનું દરેક કાર્ય દિવ્યતા પ્રાપ્ત કરે છે.’
સમય વીતતાં આ આદર્શો વિસરાઈ ગયા. હવે તો લગ્ન માત્ર એક ક્રિયાકાંડ બની ગયું છે. એમાં લેવાતી પ્રતિજ્ઞા અને અપાતાં વચનોના અર્થથી કોઈ કન્યા કે વર વાકેફ નથી. ગૃહસ્થાશ્રમના આ આદર્શોથી વિરુદ્ધ વર્તનભાવ નરનારી કેળવતાં ગયાં. ગૃહસ્થાશ્રમનો આદર્શ સ્વનિયમન, અનાસક્તિ, શરણાગતિ અને જીવનના અંતિમ ધ્યેય ઈશ્વરાનુભૂતિને મહત્ત્વ આપે છે. ગૃહસ્થોએ આ આદર્શો સંન્યાસી માટે છોડી દીધા. એનું કારણ એ છે કે એમને એમ લાગ્યું કે આ આદર્શ કુટુંબજીવનમાં કેળવી શકાય તેવા નથી. એટલે જ ઉચ્ચતર હેતુ વિનાનું માત્ર જીવન જીવવામાં જ તેઓ રત રહેવાં લાગ્યાં. આ સમયની માગ હતી ગૃહસ્થ અને સંન્યાસ બંનેના વૈદિક આદર્શો સાથે પૂર્ણ રીતે વણાયેલ એક નવા સામાજિક વાતાવરણની. આધ્યાત્મિકતાનો હિંદુ આદર્શ હંમેશાં શિવ અને શક્તિ, રામ અને સીતા, વિષ્ણુ અને લક્ષ્મીનાં બે દેહ અને એક મનના પ્રતીક સમા યુગ્મ સિદ્ધાંતો રહ્યા છે. આ પવિત્ર પ્રણાલીમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા સારદામણિ દેવી પોતે ફરી એક વખત ઈશ્વરાનુભૂતિને પથે દોરી જતા ધર્મના એ ભવ્ય આદર્શોને ધરતી પર પુન:સ્થાપિત કરવા અવતર્યાં હતાં.
આ દિવ્યયુગ્મ સિદ્ધાંત વિશે જે અનુભૂતિઓ આવી તે મોટે ભાગે પૌરાણિક કે અર્ધઐતિહાસિક હતી. કોઈ પણ અત્યુક્તિના ભય વિના એમ કહી શકાય કે શ્રીરામકૃષ્ણ અને શ્રી સારદાદેવી આ બાબતમાં અનન્ય હતાં; એનું કારણ એ છે કે એમની અનુભૂતિઓ આપણી સાદૃશ્ય સ્મૃતિની પહોંચમાં હતી અને તેનું પૂરેપૂરું દસ્તાવેજી પુરાવા જેવું આલેખન થયું છે.
તેઓ બંને ગરીબ ઘરમાં પણ ધર્મનિષ્ઠ માતપિતાને ત્યાં જન્મ્યાં હતાં. ઈશ્વર કેન્દ્રમાં રહે એવા વાતાવરણમાં એમનું બાળપણ વીત્યું હતું અને તેમણે જે કંઈ કર્યું તે ઈશ્વરની પૂજા જ હતી. એમનાં લગ્ન પણ જો કહીએ તો એક વિલક્ષણ ઘટના હતી. શ્રીરામકૃષ્ણ તો ૨૩ વર્ષના યુવાન હતા અને શ્રી સારદામણિ દેવી ૫ વર્ષની બાલિકા હતી.
શ્રીરામકૃષ્ણની સાધનાની અસામાન્ય રીતને લીધે લોકો એમ માનતા કે એમનું મગજ ચસકી ગયું છે. બીજા બધાએ વિચાર્યું કે લગ્ન કરવાથી તે સામાન્ય અવસ્થામાં આવી જશે. એ સમયે બંગાળમાં સુપ્રચલિત સામાજિક રિવાજ પ્રમાણે કન્યાને આપવાની થતી રકમ (દહેજ) પણ ન આપી શકે એટલું રામકૃષ્ણનું કુટુંબ ગરીબ હતું. એમનાં માતા અને ભાઈને ચિંતા થવા લાગી. એક દિવસ એમને આવી ચિંતામય અવસ્થામાં જોઈને તેમણે અર્ધ ભાવાવસ્થામાં કહ્યું: ‘મારા માટે કન્યા શોધવા અહીં તહીં શા માટે ભમો છો? જયરામવાટીના રામચંદ્ર મુખર્જીના ઘરમાં મારા માટે એ કન્યા નિશ્ચિત થઈ ચૂકી છે.’ જો કે સારદા માત્ર પાંચ વર્ષની બાલિકા હતી પણ લગ્નવિધિ થઈ ગઈ.
હવે કોઈ પણ વ્યક્તિના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે કે રામકૃષ્ણે લગ્ન જ શા માટે કર્યાં? અહીં એટલું યાદ રાખવું જોઈએ કે એમણે પોતાના જીવનમાં જે કંઈ પણ કાર્ય કર્યું એની પાછળ કોઈ અર્થ કે હેતુ હતો અને એ એમની દિવ્યલીલાનો એક અંશ હતો. શ્રીરામકૃષ્ણ કોઈ દબાણને વશ થઈને પરણ્યા ન હતા. તેમણે રાજી ખુશીથી લગ્ન કર્યાં હતાં અને પોતાનાં સહસાથી કોણ બનશે એનું પણ સૂચન કર્યું હતું. એમના જીવનનાં બધાં કાર્યોની જેમ જ આ લગ્ન પણ સૌના કલ્યાણ માટે થયાં હતાં. એક ગૃહસ્થ તરીકે બધી ફરજો અને જવાબદારીઓ પોતાના શિરે લઈને લગ્નજીવનના ઉચ્ચતર આદર્શો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આપણને એમણે બતાવ્યું; એને લીધે જ એમણે કરેલી સાધનાઓના ઓછામાં ઓછા સોળમા ભાગ જેટલી સાધના તો આપણે કરી શકીએ. સ્વામી સારદાનંદજી કહે છે : ‘એટલે જ આપણે કહીએ છીએ કે તમારા (ગૃહસ્થો) માટે જ આ યુગના અદ્ભુત અવતાર (શ્રીરામકૃષ્ણ) પરણ્યા હતા અને એક દિવસના પણ કોઈ દૈહિક સંબંધો વિના જીવન જીવ્યા. સાથે ને સાથે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન તેમણે મધુર અને પ્રેમાળ વલણ પણ શ્રીમા સારદાદેવી સાથે રાખ્યાં.’ (શ્રીરામકૃષ્ણ – ધ ગ્રેટ માસ્ટર, રામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૯૧, ભાગ-૧, પૃ.૪૭૦)
પોતાની સાધનાઓને અંતે શ્રીરામકૃષ્ણદેવે પોતાનાં પત્ની શ્રીમા સારદાદેવીની જગદંબા રૂપે ષોડશી પૂજા કરી અને એ સાધના-પૂજાને અંતે એમને નૈવેદ્ય રૂપે ફળ પણ અર્પણ કર્યાં. શ્રીમા સારદાદેવી તેમનાં જીવન સાથી જ ન હતાં પરંતુ એમનાં આધ્યાત્મિક સમોવડિયાં પણ હતાં. શ્રીરામકૃષ્ણ સાથે શ્રીમા સારદાદેવીનો સંબંધ પણ એવો જ આધ્યાત્મિક અને દિવ્ય હતો. તેઓ બંને આધ્યાત્મિકતાને ઝંખતા સર્વ કોઈ માટે દિવ્ય માતપિતા બન્યાં અને સમગ્ર વિશ્વમાં લાખો ઘરોમાં આજે એમની પૂજા થાય છે.
આમ જોઈએ તો શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનનો મહદંશ ઈશ્વરાનુભવમાં જ ગાળ્યો હતો. આમ છતાં પણ પોતાની પત્ની પ્રત્યેની ફરજભાવના તેઓ ક્યારેય મનથી વિસારી ચૂક્યા ન હતા. તેઓ હંમેશાં એમના માટે ઊંડી ચિંતા સેવતા. શ્રીમા સારદાદેવીના શબ્દોમાં કહીએ તો : ‘શ્રીઠાકુરનું મારા પ્રત્યેનું વર્તન કેટલું માયાળુ હતું! મારા હૃદયને આઘાત આપી શકે તેવો એક પણ શબ્દ તેમણે ક્યારેય ઉચ્ચાર્યો ન હતો. એક દિવસ દક્ષિણેશ્વરમાં હું એમના ઓરડામાં એમનું જમવાનું લઈ જતી હતી. એ વખતે મને લક્ષ્મી જાણીને તેમણે કહ્યું: ‘તું બહાર જા ત્યારે બારણું બંધ કરી દેજે.’ દરરોજની જેમ ભત્રીજી લક્ષ્મી સમજીને ‘તુઈ – તું’ એમ કહીને મને સંબોધી હતી. (આવો શબ્દ નોકર-ચાકર કે નાનેરા માટે વપરાય છે.) મેં ઉત્તરમાં કહ્યું: ‘સારું.’ મારો અવાજ સાંભળીને તેઓ ચમકી ગયા અને બોલી ઊઠ્યા: ‘અરે! તમે છો! મેં એમ ધાર્યું કે લક્ષ્મી છે. માઠું ન લગાડશો.’ મેં કહ્યું: ‘એમાં શું વાંધો છે?’ એમણે ક્યારેય મારા પ્રત્યે અવમાનના દાખવી ન હતી. સાથે ને સાથે મારા ક્ષેમકલ્યાણની તેઓ હંમેશાં ચિંતા કરતા.’ (રામકૃષ્ણ – એઝ વી સો હિમ, સ્વામી ચેતનાનંદ, અદ્વૈત આશ્રમ, ૧૯૯૨, પૃ.૨૧)
એમના પતિપત્નીના સંબંધજીવનમાં પૂર્ણ વિચારશીલતા, પરસ્પરના આદરભાવ અને એકબીજાની લાગણીઓ પ્રત્યે ઊંડી સમસંવેદનાના આવા ઘણા પ્રસંગો જોવા મળે છે.
જ્યારે માતા ચંદ્રામણિદેવી ૪૫ વર્ષની ઉંમરનાં હતાં ત્યારે શ્રીરામકૃષ્ણનો જન્મ થયો હતો. શ્રીરામકૃષ્ણ એમના માનીતા પુત્ર હતા. ૭ વર્ષની કોમળ વયે એમણે પોતાના પિતા ખુદીરામને ગુમાવ્યા હતા. પિતાના મૃત્યુના દુ:ખને લીધે તેઓ પોતાનાં માતાની વધુ નજીક આવ્યા. ચંદ્રામણિદેવી પ્રત્યે શ્રીરામકૃષ્ણે કૂણી લાગણી કેળવી અને આ વલણ માતાના સમગ્ર જીવન દરમિયાન જળવાઈ રહ્યું.
એક વખત તેઓ વૃંદાવનની યાત્રાએ ગયા. ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યથી અને તપોપૂત પવિત્ર વયોવૃદ્ધ ગંગામાના માતૃભાવથી તેઓ એટલા બધા અભિભૂત થઈ ગયા કે તેમણે ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. એ સમયે પોતાનાં માતાની યાદ અને વિચારમાત્રથી જ તેઓ દક્ષિણેશ્વર પાછા આવ્યા. શ્રીમા સારદાદેવી પણ પોતાનાં સાસુની ઘણા પ્રેમ અને ભક્તિભાવથી કાળજી લેતાં અને એમની દેખરેખ રાખતાં. આજે પોતાનાં વૃદ્ધ માતાપિતા પ્રત્યેના આવા પ્રેમભાવના અભાવે ભારતીય સંસ્કૃતિના નૈતિક સદાચારથી વેગળાં થવાને લીધે વૃદ્ધાશ્રમ જેવી એક નવી સમાજ-સંસ્કૃતિ ઊભરી રહી છે.
શ્રીરામકૃષ્ણના નરેન, રાખાલ, લાટુ, યોગેન અને બીજા અનેક યુવાન શિષ્યો હતા. તેઓ અવારનવાર દક્ષિણેશ્વર આવતા જતા. શ્રીમા સારદાદેવી આ બધા છોકરાઓ માટે રાંધતાં અને એમને જમાડતાં. એક પિતાની જેમ શ્રીરામકૃષ્ણદેવ આ છોકરાઓની આધ્યાત્મિક સાધના પર સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહેતા. વધારે પડતું ભોજન મનની એકાગ્રતામાં વિઘ્ન લાવે છે એ જાણીને તેમણે શ્રીમાને દરેકને કેટલી રોટલી ખાવા આપવી એની પણ સૂચના આપી હતી. આમ છતાં પણ હંમેશાં શ્રીમા માટે આ સૂચનાનું પાલન કરવું શક્ય ન પણ બનતું. માતૃસ્નેહના ભાવે છોકરાઓને વધુ જમવાનું પણ આપતાં. આ વાત જાણીને શ્રીરામકૃષ્ણ અવારનવાર તેનો વિરોધ પણ કરતા અને પોતાની લાક્ષણિક રીતે શ્રીમા રામકૃષ્ણને કહેતાં: ‘એણે બે રોટલી વધારે ખાધી હોય તેને માટે તમે શા માટે આટલી ચિંતા કરો છો? એમનું ભવિષ્ય હું જોઈશ. ખાવા માટે એમને ન વઢતા.’ એટલે શ્રીઠાકુર વધુ કંઈ ન બોલતાં મનમાં સર્વવિજયી માતૃશક્તિને માન આપી હસતે મોંએ ચાલ્યા ગયા. આ દિવ્ય કુટુંબના સભ્યો વચ્ચે આવો મધુર પ્રેમસંબંધ હતો.
Your Content Goes Here




