શ્રીમા અનૌપચારિક રીતે દીક્ષા આપે છે

જયરામવાટી વિસ્તારના એક પ્રૌઢ અને જૂના ભક્ત એક દિવસ બપોર પછી શ્રીમાનાં દર્શને આવ્યા. તેઓ શ્રદ્ધાભક્તિવાળા તેમજ એક સન્માન્ય ભાઈ હતા. આમ હોવા છતાં પણ શ્રીમાને ત્યાં જમીન પર એક આસન પર બેઠા હતા અને શ્રીમા પોતાના બીછાના પર બેઠાં હતાં. એ સજ્જને શ્રીઠાકુર વિશે કંઈક લખ્યું હતું અને એ બધું તેઓ શ્રીમાને સંભળાવતા હતા. શ્રીમા પણ વચ્ચે વચ્ચે ઘણી વાતો કહેતાં હતાં અને સમજાવતાં હતાં. એ સજ્જનની સાથે એક નાની ઉંમરનો તેનો પુત્ર પણ હતો. છોકરો ઘણો સારો હતો અને ભક્તિભાવવાળો હતો. તે પોતાના પિતાની પાસે બેસીને એ બંનેનો વાર્તાલાપ સાંભળતો હતો. શ્રીમા એના પર પ્રસન્ન થયાં અને સંતોષ વ્યક્ત કર્યો. ત્યારે પિતાએ પુત્રના ચારિત્ર્ય અને ધર્મભાવની પ્રશંસાભરી વાત કરી અને એને માટે શ્રીમાનાં સ્નેહાશીર્વાદ અને કૃપાની પ્રાર્થના પણ કરી. શ્રીમાનું મન પેલા છોકરા પ્રત્યે અનુકંપાભાવથી ભરાઈ ગયું. એમણે એ સમયે અને એ જ અવસ્થામાં એમના પર વિશેષ અનુગ્રહ કરીને એને દીક્ષા આપી દીધી. શ્રીમાએ શું કર્યું, શું કહ્યું એ તો તેઓ જ જાણે. બીજા બધા લોકોએ જોયું કે પેલો છોકરો ભક્તિથી ગદ્‌ગદ્‌ બનીને એમનાં ચરણોમાં લોટી રહ્યો છે અને એ છોકરાના પિતા પ્રેમાશ્રુપૂર્ણ નેત્રે હાથ જોડીને ઊભા છે.

વળી એક આવી બીજી ઘટના મેં વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા સાંભળી હતી. જયરામવાટીમાં શ્રીમાની બાળપણની એક સખી હતી. બંનેને એકબીજા માટે ઘણી લાગણી હતી. એક દિવસ બંને એક જ પથારીમાં સૂતાં હતાં. બાળપણની સખીના મનમાં શ્રીમાની કૃપા પામવાની આકાંક્ષા થઈ અને બસ એ જ ક્ષણે શ્રીમાએ એને સૂતાં સૂતાં જ દીક્ષા આપીને ધન્ય કરી દીધી. 

એક દૂબળો પાતળો છોકરો દૂર દેશથી આવ્યો હતો. શ્રીઠાકુરની જન્મતિથિના દિવસે હાજર રહીને તેણે શ્રીમા પાસે એના પર કૃપા કરવા માટે પ્રાર્થના કરી. બીજા લોકોનો વાંધોવિરોધ હોવા છતાં પણ શ્રીમાએ એને દીક્ષા આપીને કૃતાર્થ કર્યો. શ્રીઠાકુરની જન્મતિથિના દિવસે સાધારણત: શ્રીમા દીક્ષા ન આપતાં; આ ઉપરાંત એ સમયે શ્રીમાની તબિયત પણ એટલી સારી ન હતી અને એટલે જ બીજા લોકો દીક્ષા આપવા માટે ના કહેતા હતા. શ્રીમા બીજાને સમજાવીને કહેવા લાગ્યાં: ‘કેટલાં દુ:ખકષ્ટ વેઠીને આટલે દૂરથી આવ્યો છે, શરીર અસ્વસ્થ છે અને પછી શું થશે એ કંઈ ન કહી શકાય. હું એને નિરાશ ન કરી શકું. એટલે આજે જ એને દીક્ષા આપી દીધી. શ્રીઠાકુરની કૃપાથી એ છોકરાની મનોકામના પૂર્ણ થઈ.’

કોઆલપાડામાં શ્રીમાએ પોલિસની નજરબંદીમાં રહેલ એક યુવકને ઝડપથી આસન ન હોવાથી પરાળ પર – ઘાસના આસન પર બેસાડ્યો અને પોતે પણ એવી જ રીતે બેસીને દીક્ષા આપી અને એ યુવકની મનોકામના પૂર્ણ થઈ. એ યુવકને અહીં એક સમયનો પ્રસાદ મેળવવાનો પણ કોઈ માર્ગ ન હતો. શ્રીમાની દીક્ષાપ્રણાલી આવી હતી. કોઈ જાણકાર વ્યક્તિ પથભૂલેલા યાત્રીને જેમ પાસે બોલાવીને મધુર સ્વરે આશ્વાસન આપતાં એને એનું જવાનું સ્થાન બતાવી દે અને કહે ‘હવે કોઈ ડર નથી, સીધે આ રસ્તે જ ચાલ્યા જાઓ, ઝાઝું દૂર નથી, જો નજરે દેખાય છે!’ એવી હતી એમની દીક્ષા દેવાની અદ્‌ભુત રીત! આડંબરની કોઈ આવશ્યકતા ન હતી. જેણે ઠામ ઠેકાણું જોયું ન હોય; જેને અંદાજ અનુમાનથી, સાંભળેલી વાતો પરથી જ લક્ષ્યસ્થાન દેખાડવું પડતું હોય એને વળી વાક્‌પટુતાની આવશ્યકતા હોય ખરી! બાળકોને જે કંઈ બતાવવાનું હોય એ બધું શ્રીમા સરળ અને મધુરભાષામાં સમજાવી દેતાં, અટપટી ભાષામાં વાત ન કરતાં. શ્રીમાનો સ્નેહભર્યો સ્વર એમનો મધુર અવાજ અને એમની હૃદયસ્પર્શી દૃષ્ટિ જ સંતાન માટે પૂરતી હતી.

બેલૂર મઠમાં એક દિવસ બપોર પછી શ્રીમાના મંદિરના દરવાજાની સામે ઊભી રહીને એક શ્રદ્ધાભક્તિવાળી પ્રૌઢ મહિલા અનિમેષ નયને શ્રીમાની તસવીરને નિરખી રહી હતી. એની નાની છોકરી પણ એને પકડીને શ્રીમાની છબિ તરફ જોઈ રહી હતી. થોડીવાર પછી તે એક વાર ચિત્ર તરફ નજર નાખતી અને વળી પાછી પોતાની માનાં ચહેરા તરફ જોઈ લેતી હતી. ત્યાર પછી ઘણી ઉત્કંઠા સાથે તે પોતાની માને વારંવાર પૂછવા લાગી, ‘મા, આ ફોટો તમારો જ છે ને? સાચી વાત કરજો. આ ફોટો તમારો જ છે કે નહિ?’ જનની પોતાની પુત્રી તરફ જોઈને હસવા લાગી. હા કે ના કંઈ ન બોલી શકી. બાજુમાં ઊભેલા એક સજ્જનના મનમાં વિચાર આવ્યો કે શિશુના શુદ્ધ ચિત્તમાં ખરેખર સત્ય જ ભાસિત થઈ રહ્યું છે – આ જ મા પ્રત્યેક માની ભીતર છે! શ્રીમાની સ્નેહભરી દૃષ્ટિમાં શું હતું એ કોણ જાણે? તેઓ જેમની તરફ નિહાળતાં તે એમનાં પોતાનાં બની જતાં. સંતાનની જેમ અત્યારે પણ એમની છબિની તરફ નિહાળતાં જોઈ રહ્યો છું કે એમની દૃષ્ટિમાં પોતાની જનનીનું પ્રતિબિંબ જોઈને મનુષ્ય પોતાની જાતને ભૂલી જાય છે. 

અનેક ભાગ્યવાન માણસો શ્રીમાની પાસેથી બ્રહ્મચર્ય અને સંન્યાસ દીક્ષા મેળવીને કૃતાર્થ થયા. એને માટે કોઈ વિશેષ અનુષ્ઠાન વગેરે થતાં જોવા ન મળતાં. શ્રીમા ઠાકુરની સન્મુખ પ્રાર્થના કરીને જ સંતાનોને એ મહાવ્રતોની દીક્ષા આપતાં – બ્રહ્મચારીઓને યજ્ઞોપવિત, સફેદ કૌપિન અને ઉપરણું, તેમજ સંન્યાસીઓને ભગવાં વગેરે આપીને દીક્ષા આપતાં. સંન્યાસ ગ્રહણ કરવા ઇચ્છુક ભાવિકોને પહેલેથી જ મુંડન કરાવી લેવાનું હોય છે. જયરામવાટીમાં એક સંતાને બ્રહ્મચર્યદીક્ષા ગ્રહણ કરીને પૂછ્યું: ‘કેટલા દિવસ સુધી આ વ્રત ધારણ કરવાનું રહેશે?’ શ્રીમાએ તત્ક્ષણ દૃઢ સ્વરે ઉત્તર આપ્યો: ‘જેટલા દિવસ દેહ રહેશે!’

એક સંતાને સંન્યાસદીક્ષા ગ્રહણ કરીને જ્યારે આશીર્વાદ અને ઉપદેશ આપવા શ્રીમાને પ્રાર્થના કરી ત્યારે તેમણે તેને કહ્યું: ‘વિશ્વાસ અને નિષ્ઠા જ સાચી વસ્તુ છે. વિશ્વાસ અને નિષ્ઠા રહેવાથી બધું મળી રહે છે.’ 

એક વિવાહિત ગૃહસ્થ શિષ્યે એક દિવસ શ્રીમાની પાસે આવીને સંન્યાસ માટે પ્રાર્થના કરી. તે ત્યાગીઓનું જીવન વિતાવતા સંન્યાસી જેવો જ હતો. શ્રીમા બધું જાણતાં હતાં અને અને વિશેષ ચાહતાં પણ હતાં. શ્રીમાએ તેને કહ્યું: ‘તમે તમારી માના એકના એક પુત્ર છો. તમારાં માતાના હૃદયને હું આઘાત ન પહોંચાડી શકું.’ એની ઘણી આજીજી વિનવણી પછી શ્રીમાએ કહ્યું કે જો તેની મા સંન્યાસ માટે અનુમતિ આપે તો જ એ બને નહિ તો ન થાય. એના માતા પણ શ્રીમાનાં શ્રીચરણોની આશ્રિતા હતાં. તેઓ પરમ ભક્તિભાવવાળા અને ત્યાગવૈરાગ્યથી પરિપૂર્ણ હતાં. તેઓ પોતાના પુત્રની ઉન્નતિના પથમાં વિઘ્નરૂપ ન બન્યાં. તેમણે પોતાના હાથે જ વસ્ત્રને ભગવું રંગીને આનંદ સાથે અનુમતિ આપી. પુત્રની મનોકામના પૂર્ણ થઈ. શ્રીમાનાં કરકમળથી ભગવું વસ્ત્ર લઈને એમની જ અનુમતિ પ્રમાણે બેલૂર મઠમાં તેણે પૂજ્યપાદ સ્વામી બ્રહ્માંનદજી મહારાજ પાસે વિરજાહોમ કરીને યોગપટ્ટ પ્રાપ્ત કર્યો. તેનું સ્વાસ્થ્ય સારું ન હતું, દમનો દર્દી હતો. સમયે સમયે એને જીવનું જોખમ દેખાવા લાગ્યું. માતાએ પુત્રને સંન્યાસ માટે અનુમતિ તો આપી હતી અને સાથે જ શ્રીમાનાં પાદપદ્મોમાં એવી પ્રાર્થના પણ કરી હતી કે એનું મૃત્યુ પુત્ર જીવિત રહેતાં જ થાય જેથી એને પુત્રશોક ભોગવવો ન પડે. શ્રીમાએ કૃપા કરીને એની પ્રાર્થના પૂર્ણ કરી. પુત્રના મૃત્યુના થોડા જ દિવસો પહેલાં દેહત્યાગ કરીને આ સંન્યાસીની જન્મદાતા માતા પોતાના ઈષ્ટલોકમાં ચાલ્યાં ગયાં.

શ્રીમા સંન્યાસદીક્ષા આપે છે એની વિરુદ્ધ ફરિયાદો

શ્રીમા પાસેથી સંન્યાસદીક્ષા મેળવીને, ભગવું પ્રાપ્ત કરીને એક બીજો શિષ્ય શ્રીમાના ઘરની બહાર હજુ માંડ માંડ નીકળ્યો ત્યાં જ એની જન્મદાતા માતાએ આવીને શ્રીમાને પકડ્યાં કે જેથી તેનો પુત્ર પાછો સંસારમાં આવી જાય. તેણે ગદ્‌ગદ્‌ભાવે વિલાપ કર્યો, પ્રાર્થના વિનંતી કરી અને આરોપ પણ ચડાવ્યો – આ દીકરાને ભરોસે એનો સંસાર છે. છોકરો ઘણો કર્મનિષ્ઠ હતો, ઘરમાં યુવાન પત્ની હતી, બાળક હતો. એના પર જ બધું આધારિત હતું, વગરે વગેરે. શ્રીમાએ બધું સાંભળ્યું. સહાનુભૂતિ પણ આપી. પણ આ નવા સંન્યાસીને ઘરે પાછા મોકલવાની વાત કાને ન ધરી. તેમણે દૃઢ સ્વરે કહ્યું: ‘એ તો સારા માર્ગે જ ગયો છે અને વળી તમારા લોકોની ખાવા રહેવાની વ્યવસ્થા પણ કરી ગયો છે. મેં એમ પણ સાંભળ્યું છે કે સારસંભાળ લેનારા લોકો પણ છે. એટલે ઘરે પાછા ફરવાની વાત હું એને નહિ કહી શકું.’ જો કે પેલી માતા પુત્રને ઘરે પાછો ન લાવી શકી પરંતુ શ્રીમાના સ્નેહાશીષથી એનું હૃદય ઘણું શાંત થઈ ગયું અને ઘણાં સાંત્વના, શ્રદ્ધા, વિશ્વાસ લઈને જ તે પોતાના ઘરે પાછી ફરી. સંન્યાસ લીધા પછી પણ જ્યાં સુધી માતા જીવતી રહી ત્યાં સુધી માની ઇચ્છા પ્રમાણે એ પુત્રે પોતાની માતા સાથે શ્રદ્ધાભક્તિનો સંપર્ક જાળવી રાખ્યો અને એની સુખસુવિધાનું ધ્યાન પણ રાખતો.

શ્રીમાનો બીજો વિવાહિત શિષ્ય કુલિન અને સુશિક્ષિત હતો અને તેને સારી નોકરી પણ હતી. ઘરમાં યુવાન પત્ની હતી. પહેલા બાળકનો જન્મ થવાનો હતો. પતિપત્ની બંને શ્રીમાના કૃપાપાત્ર હતાં. શિષ્યના અંતરમાં સંન્યાસ લેવાની ઇચ્છા જ્યારે પ્રબળ થઈ ત્યારે તે નોકરી છોડીને શ્રીમા પાસે જયરામવાટીમાં આવ્યો. શ્રીમાને પોતાના અંતરની ઇચ્છાની વાત કરી અને તે શુભદિવસ આવવાની પ્રતીક્ષા કરતો નજીકના આશ્રમમાં રહેવા લાગ્યો. આથી શ્રીમાની પાસે આવનારા કેટલાક મોટી ઉંમરના ગૃહસ્થ શિષ્યોએ એનો ઘણો મોટો વિરોધ કર્યો અને કહ્યું: ‘આવી કોઈ પણ વ્યક્તિ સંન્યાસ ન લઈ શકે.’ આટલું જ નહિ પરંતુ એ યુવાનને સંન્યાસ ન આપવો એવા એ લોકોએ પોતાના મનોભાવ શ્રીમા પાસે વ્યક્ત કરવામાં અને એમને પ્રાર્થના વિનંતી કરવામાં પણ જરાય મણા ન રાખી. એમણે શ્રીમા સમક્ષ એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે તે યુવાન જે ઉચ્ચ વિદ્યાલયમાં શિક્ષકની નોકરી કરતો હતો એવી જ નોકરી આ બાજુએ મેળવી આપીશું. એ શિક્ષક બની રહે તો ઘણા છોકરા ‘મનુષ્ય’ બનશે, સમાજ અને દેશનું કલ્યાણ થશે, ઘરમાં પત્નીના ભરણપોષણ માટે થોડા રૂપિયા મોકલતા રહીશું તેમજ ઘરે પાછા ફરવાની પણ આવશ્યકતા નહિ રહે. આવી રીતે એ યુવાનના સંન્યાસ લેવાની વાતથી આલોચના અને પ્રત્યાલોચના થવા લાગી. કહેવા લાગ્યા કે આવી વ્યક્તિને સંન્યાસ આપવાથી સમાજને લાભ થવાને બદલે નુકશાન થશે. એટલે આવું કાર્ય થવા દેવું એ યોગ્ય નથી. એને રોકી દેવું એ જ કર્તવ્ય બની રહેશે. આ બધું સાંભળીને શ્રીમાના એ શિષ્યના હૃદયમાં ઘણો ઉદ્વેગ થયો. શ્રીઠાકુર અને શ્રીમાની નિકટ ગદ્‌ગદ્‌ભાવે પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ ઉપાય એને દેખાતો ન હતો. નિર્જન આશ્રમની પર્ણકુટિમાં ગમે તેમ જીવન ધારણ કરીને આશા નિરાશાના ઉદ્વેગમાં જ એના દિવસો પસાર થવા લાગ્યા. પ્રાય: શ્રીમાના ઘરે આવતાજતા. તે આશ્રમના એક સંન્યાસીને વચ્ચે વચ્ચે પોતાની મનોવ્યથા કહેતો અને એમની સમક્ષ શ્રીમા પાસે પોતાના માટે પ્રાર્થના કરવા અનુરોધ પણ કરતો. શ્રીમા કેટલાય દિવસ આ સાંભળતા રહ્યા પણ કંઈ કહ્યું નહિ. જ્યારે વાંધોવિરોધ કરનારાઓની આલોચના બંધ થઈ અને બધા ચૂપ થઈ ગયા ત્યારે એક દિવસ પેલા સાધુને એ યુવકને પોતાની પાસે મોકલવા કહ્યું. યુવક અત્યંત ઉત્કંઠિત હૃદયે શ્રીમા પાસે પહોંચ્યો. સ્નેહમયી જનનીએ પ્રિય સંતાનના અંતરની આકાંક્ષાને અપૂર્ણ ન રાખી. એને ભગવાં વસ્ત્ર પ્રદાન કરીને પોતાને હાથે સંન્યાસીના રૂપે સજાવ્યો. એ મહાભાગ્યવાન સંન્યાસી બહુજન હિતાય બહુજન સુખાય એવું સુદીર્ઘજીવન જીવ્યા અને ઘણા લોકોમાં શ્રીઠાકુર અને શ્રીમાના મહિમાનો પ્રચાર પણ કર્યો. એ રીતે અનેક તપ્તપ્રાણોને સુશીતળ કર્યા.

જયરામવાટીમાં શ્રીમાને અનેક છોકરાઓને ભગવાં વસ્ત્ર આપીને સંન્યાસી બનાવતાં જોઈને શ્રીમાની છોકરીઓના હૃદયમાં પણ એક પ્રકારનો આતંક અને શોકનો સંચાર થતો. પરંતુ ચાલો, એમનું એક સંતાન તો સંસારની દારુણ જ્વાલાથી મુક્ત થઈ શક્યું એવા ભાવ સાથે શ્રીમા પ્રફૂલ્લ હૃદયે હસતાં. આમ ભલે શ્રીમા સંસારમાં રહેલા છોકરાઓને અર્થોપાર્જન, વિવાહ અને ગૃહસ્થજીવનયાપન માટે ઉત્સાહિત કરતાં સાથે ને સાથે તેઓ ત્યાગી સંતાનોને ત્યાગનો પથ પરમ ઉલ્લાસથી બતાવી દેતાં.

યથાર્થ ઘોષ અને શ્રીમા

સંસારના બોજો અને જવાબદારી શ્રીમાની દૃષ્ટિએ કેવા ભયાવહ હતાં એનું એક દૃષ્ટાંત રજૂ કરું છું.

જયરામવાટીની ઉત્તરે આમોદર નદી પાર કરીએ એટલે દેશડા નામનું એક પ્રસિદ્ધ ગામ આવે છે. અહીં યથાર્થ ઘોષ નામના એક સમૃદ્ધ ગૃહસ્થ રહેતા. પ્રારંભિક જીવનમાં તેઓ કોઈ એક ડોક્ટર પાસે થોડો સમય સુધી કંપાઉંડર હતા. પછીથી તેઓ પોતાના ગામમાં દાક્તરી કરવા લાગ્યા. એ દિવસોમાં મેલરિયાગ્રસ્ત ગામડાંના લોકો માટે ક્વિનાઈન મિક્ષચર, જુલાબની દવા, પોષકદવા, ગુમડાની દવા દેનારા અને મલમપટ્ટી જાણનારા ગમે તે લોકો દાક્તર બની જતા. યથાર્થબાબુ દાક્તરીમાં સારું એવું ધન કમાયા. ખેતીવાડી જમીન વગેરે ઘણાં સારાં હતાં. એ ઉપરાંત એ બાજુએ સામાન્ય કાગળ પર વિશેષ પ્રકારનું રસાયણ લગાડીને નક્શા બનાવવાના કીમતી કાગળ તૈયાર કરવાનો એક પ્રાચીન કુટિર ઉદ્યોગ હતો. આ ઉદ્યોગ દ્વારા પણ એમણે સારો એવો ધંધો અને કમાણી કર્યાં હતાં. એમને પોતાનું સંતાન ન હતું. એમની પત્નીએ પોતાના ભત્રીજાને પાળી-પોષીને મોટો કર્યો. એણે મોટા થઈને યોગ્ય માણસ બનીને એ લોકોના સંસારનો બધો બોજો ઉપાડી લીધો. યથાર્થબાબુ પોતાના સુપાત્ર પાલિત પુત્રના હાથમાં સંસારની જવાબદારી સોંપીને અત્યંત નિશ્ચિંત બનીને એક પ્રકારનું સુખ અને સ્વચ્છંદતાભર્યું જીવન જીવતા હતા. એમની ઉંમર થઈ ગઈ હતી, વૃદ્ધવસ્થા આવી ગઈ હતી. છતાં પણ તેઓ ઠીક ઠીક સબળ હતા. હરતાં ફરતાં રહેતા. શ્રીમાને ત્યાં પણ અવારનવાર આવ્યા કરતા. શ્રીમા એમને ચાહતાં. ગામના સંબંધે તેઓ શ્રીમાના મામા થતા એટલે એમના શિષ્યોના તેઓ નાના હતા. નાના ભાણિયાની સાથે મજલિસ જમાવા હંમેશાં આવતા. શ્રીમાને પ્રણામ કરીને કુશળ સમાચાર જણાવીને નાના મહોદય હોકો પીતાં પીતાં લાંબા સમય સુધી ભાણિયાઓની સાથે રસરંગ માણતા. સંસારની કંઈ ચિંતા નથી, છોકરો બધું જુએ છે, એટલે એયને મજાથી ખાતાપીતા અને હરતાફરતા. ક્યારેક ક્યારેક થોડીઘણી દાક્તરીયે કરી લેતા. રોગીને માટેની દવા તેઓ પોતાની દુકાનમાંથી જ ખરીદીને લાવી દેતા એ એમનો મોટો ગુણ હતો. ગરીબ લોકો એ સમયે પૈસા આપી ન શકે તો પછી આપે તો પણ ચાલતું. આ રીતે દાક્તરબાબુ પોતાનું અંતિમ જીવન ઘણી નિશ્ચિંતતા સાથે પસાર કરતા હતા.

એકવાર કેટલાય દિવસ સુધી તેઓ આવ્યા નહિ. વળી અચાનક એક દિવસ વહેલી સવારે આવીને સીધા ઘરમાં પ્રવેશીને શ્રીમાના ઓરડા તરફ ચાલ્યા ગયા. શ્રીમા ત્યારે શ્રીઠાકુરને જગાડીને ઘરમાં વાળતાં હતાં. આવા કામ કરનારું કોઈ ન હતું એવું ન હતું પણ તેઓ પોતાની મેળે પોતાનું કામ કરી લેવા ઇચ્છતાં. પોતાનું કામ તેઓ પોતે જ કરતાં અને સંભવ હોય ત્યાં સુધી ઘરગૃહસ્થીના કામમાં પણ મદદ કરતાં. એમને આવા બધા કામોમાં રત થયેલાં જોઈને અને એમાંય વિશેષ કરીને દરરોજ સાંજે લાંબા સમય સુધી બેઠાં બેઠાં ધીરે ધીરે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધતાં અને ગૂંદતા જોઈને એક શિષ્યે આટલી ઉંમરે આટલો બધો પરિશ્રમ ન કરવા વિનંતી કરી. આ સાંભળીને શ્રીમાએ એને સ્નેહભર્યા સ્વરે કહ્યું: ‘બેટા, કામ કરવું સારું. આશીર્વાદ આપો કે કામ કરતાં કરતાં જ હું જઈ શકું!’ આવી રીતે શ્રીમા દરરોજની જેમ ઓરડો વાળતાં હતાં તે જ સમયે એમના યથાર્થ મામા આવી પહોંચ્યા અને દરવાજાની સામે માથું નમાવીને પ્રણામ કરીને જોરજોરથી વિલાપ કરતાં કહેવા લાગ્યા: ‘અરે! એ પરમ દિવસે મરી ગયો!’ શ્રીમાના હાથમાંથી સાવરણી પડી ગઈ. તેઓ પણ લથડતાં લથડતાં ત્યાં જ જમીન પર બેસી પડ્યાં. એમની આંખોમાં આંસું વહેવા લાગ્યાં. ચહેરો વિષણ્ણ થઈ ગયો. અવાજ રુંધાઈ ગયો.

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.