(ઓક્ટોબર ૨૦૦૫થી આગળ)
ઠાકુરનું દિવ્યભાવમાં અવસ્થાન થતાં મંદિરનું પૂજાકાર્ય છૂટી ગયેલું. તે છતાં પણ દક્ષિણેશ્વર કાલીવાડીના કર્તાહર્તાઓએ એમને માટેનો નિત્યપ્રસાદ તેમજ પહેલાં મળતું માસિક વેતન નિયમિત રીતે મળતાં રહે એવી વ્યવસ્થા કરી હતી. પૈસા તેઓ લેતા નહિ તેથી માતા ઠાકુરાણીને આપવામાં આવતા. પણ માએ દક્ષિણેશ્વર છોડ્યું તે પછી એ વેતન બંધ થયું. નરેન્દ્રનાથ વગેરે શિષ્યોએ એ કાયમ અપાવવા માટે પ્રયત્નો પણ કર્યા, પણ કંઈ પરિણામ ન આવ્યું. ઠાકુર મા માટે નાની એવી રકમની વ્યવસ્થા કરી ગયેલા, એમાંથી દર મહિને થોડુંક કંઈક મળતું, એટલો જ આધાર હતો. તે સિવાય ઠાકુરે શિહડમાં જમીન ખરીદાવીને રઘુવીરને નામે દેવાર્પણ કરાવી મૂકેલી, એ જમીનમાં ઉપજતાં ધાનનો ભાગ તેમજ કામારપુકુરમાં સુખલાલ ગોસ્વામીએ એમના સસરા ખુદીરામને લક્ષ્મીજલાની જે એક વિધા દસ છટાંક જમીન આપેલ એમાં ઉપજતા ધાનમાંથી એક ભાગ માને મળતો. એ ધાનને મા પોતાને હાથે ખાંડણિયામાં છડીને ચોખા કાઢતાં અને જ્યારે જે કંઈ શાકપાંદડાંનો જોગ થાય તેનાં શાકભાજી પોતે હાથે રાંધીને, ઠાકુરને ધરાવીને, એ પ્રસાદ વડે જીવન નભાવતાં. એમનું મન તો સદાસર્વદા અતીન્દ્રિયલોકમાં રહ્યા કરતું. તેને કારણે બહારનાં દુ:ખકષ્ટનો ખ્યાલ પણ રહેતો નહિ. ઠાકુરે એમને કામારપુકુરમાં રહેવાનું કહેલું અને મા એ આજ્ઞાનું પાલન કરી રહ્યાં હતાં. ઠાકુરના અંતરંગ સંન્યાસી શિષ્યોને તો પોતાને જ માથું ટેકવવાનું ઠેકાણું હતું નહિ, પેટમાં નાખવા ધાનના સાંસા હતા, તે લોકો માની શું સેવા કરે? અને તે સિવાય કામારપુકુરમાં એ વખતે માને ખાવાપહેરવાની આવી મુશ્કેલી પડે છે એ વાતની એમને ખબર પણ નહોતી. છતાં પણ માની તાણતંગી અને શારીરિક કષ્ટની વાત જેવી એમને કાને આવી કે તરત જ એમણે ગૃહસ્થ ભક્તોની સાથે વાતચીત કરીને કોલકાતામાં માને રહેવાસરખી ગોઠવણ કરીને કામારપુકુરથી માને કોલકાતા લઈ આવ્યા.
ત્યારથી પછી મા કોલકાતા અને કામારપુકુર બંને સ્થળે સમયે સમયે રહેતાં. ત્યાર બાદ પોતાની લાડકવાયી દીકરીને કામારપુકુરમાં ઘણી તકલીફ દેખીને એમનાં મા શ્યામાસુંદરીએ દીકરીને ઘણું ઘણું સમજાવીને પિયરમાં રહેવાને રાજી કર્યાં. જનની પ્રત્યે દીકરીનાં અતિશય પ્રેમ શ્રદ્ધાભક્તિ હતાં અને માતાનું દીકરી તરફનું ખેંચાણ, સ્નેહ, મમતા પણ અમાપ હતાં; તેથી તેઓ એમના આવા હઠપૂર્વકના આગ્રહને ટાળી ન શક્યાં. જયરામવાટીમાં પણ પહેલપહેલાં તો માને વધારે વખત રહેવાનું થતું નહિ અને જ્યારે રહેતાં ત્યારે ઘરસંસારનાં કામકાજમાં માતાને બધી રીતે મદદરૂપ થઈને તેમજ પોતાને હાથે ઘણાં કામો ઉકેલી લેવા છતાં પણ એમનું મન તો ઊર્ધ્વલોકમાં જ વિચરણ કરતું રહેતું. મોટા ભાગનો સમય ભાવમાં તન્મય રહેતાં. સંસારની સાથે, સંસારીજનોની સંગે કશો સંપર્ક રાખતાં નહિ. એમની પાસે જવાની કોઈની હિંમત થતી નહિ. હા, ભક્તોની જોડે માનો પ્રેમપૂર્ણ વ્યવહાર હંમેશાં રહેલો હતો, એ લોકો ઘણી તકલીફો વેઠીને દુર્ગમ માર્ગ વટાવીને ક્યારેક ક્યારેક એમનાં દર્શન કરવાને પણ આવતા, થોડોક વખત એમનાં ચરણોમાં રહીને તથા અપાર્થિવ સ્નેહસુધાનું આસ્વાદન કરીને મનહૃદય શીતળ કરતા. તે પછી રાધુનો જન્મ થયો ત્યારે માનું મન નીચે ઊતર્યું અને માના અપરંપાર સ્નેહકૃપાનું આસ્વાદન સર્વસાધારણ જનો પામવા માંડ્યા.
દક્ષિણભારતની તીર્થયાત્રા
શ્રીમાએ જેવી રીતે સંતાનો સંગે ઉત્તરભારતનાં તીર્થનાં દર્શન કરવા જઈને ત્યાં ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત કરીને એ બધાં સ્થાનોનો મહિમા વધાયલ, તે જ પ્રમાણે દક્ષિણ ભારતમાં પણ ભક્ત સંતાનોના વિશેષ આગ્રહથી સાથીસંગાથીઓની જોડે જઈને રામેશ્વર, મીનાક્ષી વગેરે સુપ્રસિદ્ધ તીર્થોનાં દર્શન કરેલાં. એ સ્થાનોમાં માને વિશેષ ઉચ્ચ અનુભવો થયેલા અને સાથીસંગીઓને પણ આનંદ પ્રાપ્ત થયેલ. એ વખતે મદ્રાસ તેમજ બેંગલોરમાં રામકૃષ્ણ મઠમાં થોડોક વખત રહીને માએ ઘણા ભક્તો ઉપર કૃપા કરેલી. ભિન્ન ભિન્ન પ્રાંતનાં આ નરનારીઓ માની ભાષા સમજતાં ન હતાં અને મા પણ એની ભાષા સમજી શકતાં નહિ. પરંતુ માની કૃપા પામીને એ સૌ બહુ જ ઉલ્લાસિત થયાં અને પરમ કૃતાર્થ બન્યાં. મા પણ એમની ખરા હૃદયની ભાવભક્તિથી ઘણા સંતુષ્ટ થતાં. એકબીજાથી તદ્દન અજાણ્યાં, આચાર-વ્યવહાર, પોશાક, રીતભાત સુધ્ધાં અલાયદાં, વાતચીત કરવાનું અસંભવ – અને તે છતાં આ જે આત્મસમર્પણ અને ગ્રહણ – એ કેવી રીતે સંભવ બન્યું હશે? માને મુખેથી ઉચ્ચારાયેલ એકાદ-બે શબ્દોએ, હાવભાવે અને દૃષ્ટિએ ચિરસ્થાયી મધુર સંપર્કે, કઈ રીતે આટલાં નરનારીઓને અતૂટ બંધનમાં બદ્ધ કરી દીધાં હશે! એનો વિચાર કરતાં પણ વિસ્મય પામી જવાય છે. ખરી વાત, પણ જેવી મા અને સંતાનનાં હૃદયોનાં ચિરમિલનની વાત યાદ આવે છે ત્યારે પછી કશોય સંશય ટકતો નથી. નાના બાળક અને એની માની વચ્ચે જે સંબંધ બંધાય છે તેમાં શું માની સંગાથે સુંદર સુસ્પષ્ટ સંભાષણ કે પછી શિષ્ટશોભન આચાર વ્યવહારની અપેક્ષા રહે છે? માએ દીઠું સંતાનભણી અને સંતાને માના મુખડાને જોયું. બહુ બહુ તો બેઉ જણાનાં મોઢેથી બે અસ્પષ્ટ શબ્દો ‘મા’-‘બાબા’ નીકળે! બાકી બીજા કશાની કંઈ જરૂર છે ખરી? બાહરી આડંબરથી ઢોલ, નગારાં, શરણાઈ, ઝાલર વગાડીને, ઢગલે ઢગલા પુષ્પમાલ્ય ચંદન, અગરુ, ધૂપદીપ સજાવીને, મનોહર ચર્વ, ચોષ્ય, લેહ્ય, પેય, નૈવેદ્ય ધરાવીને પણ ઓ મન! તને આવો નિર્મળ આનંદ મળ્યો નથી, અંતરના અરમાન, પ્રાણોની પ્યાસની ધરપત વળી નથી, વધી છે કેવળ અશાંતિ. જરા જો, સમજ અને શીખ આ નૂતન પ્રણાલીની દીક્ષાસાધના. તારા સેંકડો જન્મના બધાંય પાપ એક ક્ષણમાં હતાં ન હતાં કરી નાખવાને કાજે જગત્કારણની આ કેવી તો કરુણા! બધુંય વીસરી જઈને, બધુંય છોડીને વ્યાકુળ થઈને દોડી જા માની પાસે – મા કહીને સાદ દે અને જનની તત્ક્ષણ હાથ લંબાવીને ખોળે ઊંચકી લેશે, અને તું સાંભળીશ ‘આવ બેટા’એવો સ્નેહનીતરતો આવકાર; અને તારી દીક્ષા સાધના-સિદ્ધિ બધુંયે એ જ ક્ષણે પૂરું થયું!
દક્ષિણભારતવાસીઓની માફક અન્ય ભાષાભાષીઓ ઉપર, અન્ય દેશના વાસીઓ અને અન્ય જાતિના બીજા લોકો ઉપર પણ માએ આવી જ રીતે વિભિન્ન સમયે કૃપા કરેલી. અને એ સહુએ પણ એ જ રીતે પોતપોતાનાં અંત:કરણમાં માની અપાર સ્નેહકૃપાને અનુભવીને માનવજન્મ સાર્થક કર્યો છે. જે ભગવાન, પરમાત્મા યા પરબ્રહ્મતત્ત્વને આપણે ‘હું એમનો દાસ છું’ ‘હું એમનો અંશ છું’ કે ‘તે જ હું છું’ એમ કહીને અનુભવવા ઇચ્છીએ છીએ, એવી ઉપલબ્ધિ કરવાનો સૌથી સહજ, સરળ સુગમ માર્ગ છે એવો ભાવ રાખવામાં કે ‘તું મા છે, હું સંતાન’ – ઇહકાલ, પરકાલ, ચિરકાળને માટે’. સ્થૂળ દેહ, સૂક્ષ્મદેહ, કારણ દેહ – તારામાંથી જ પ્રાપ્ત થયો છે, તારામાં જ આશ્રય કરીને રહેલો છે અને તારામાં જ ભળી જશે. તું જ મહાકારણ છો, જગજ્જનની! હું સર્વ સમય, સર્વદેહે, સર્વદા તારા જ સ્નેહખોળે છું, જ્યારે જ્યારે પણ અન્ય અભિલાષે તને ભૂલું છું ત્યારે જ દુ:ખકષ્ટ પામું છું, રડું છું. તું શાંત કર મને મા. હવે આ ફેરે નહિ ભૂલું, બીજું કશુંય નહિ ઇચ્છું, ચિરશાંતિ દો. નવયુગની આ દીક્ષા પામીને બાળક-વૃદ્ધ, સ્ત્રીપુરુષ, સ્વદેશી-વિદેશી કેટલાયે લોકોએ પોતાનાં જીવન સાર્થક કર્યાં છે.
એકવાર મા બલરામબાબુના પુત્ર રામકૃષ્ણ બસુ અને એમનાં માતા તથા બીજાં સગાંના ખાસ આગ્રહથી એમની જમીનદારીના ગામ કોઠારના દેવાલયમાં જઈને થોડાક દિવસો રહ્યાં હતાં. તે વખતે એક દેશી ખ્રિસ્તી ભક્ત ઉપર માએ કૃપા કરેલી. એ જમાનામાં આવા સમાજની રૂઢિ વિરુદ્ધના કામની વાતનો વિચાર કરતાં નવાઈ પામી જવાય છે. ત્યાંથી શ્રીમા જગન્નાથનાં દર્શન કરવા જઈને પુરી ધામે થોડોક સમય રહેલાં. ત્યાં કોઈ કોઈ ભાગ્યવાન આચારનિષ્ઠ ઉડિયા બ્રાહ્મણો એમની કૃપા પામીને ધન્ય બનેલાં. માનાં અલૌકિક દર્શનો, ઉચ્ચ ભક્તિભાવ બધાંય તીર્થોમાં પ્રગટ થયેલાં. તીર્થયાત્રાના પ્રસંગે એ પણ ઉલ્લેખ કરવા જોગ છે કે મા ભક્તોના ખાસ આગ્રહથી કાશી જઈને પણ થોડોક વખત રહ્યાં હતાં. એ મુક્તિક્ષેત્રમાં થયેલાં બાબા વિશ્વનાથ અને અન્નપૂર્ણાનાં પ્રત્યક્ષ દર્શન તથા મહિમાની વાતો સંતાનો સમક્ષ મોકળે કંઠે એમણે વારંવાર કહેલી છે. ઠાકુર ગયા કે પુરીધામે ગયેલા નહિ. ‘ત્યાં જવાથી અતિ ઉચ્ચભાવમાં આરૂઢ થઈને એમના દેહ ત્યાગની આશંકા છે!’ એમ સાંભળીને ભક્તો ગભરાઈ ગયેલા અને એમણે પોતે પણ એને માટે ઉત્સાહ દેખાડેલો નહિ. શ્રીમાને ઠાકુરે ગયા જઈને પિતૃઓનું પિંડદાન કરવાનું કહેલું. ત્યાં જઈને માએ એ તમામ કામ સારી રીતે અત્યંત વિશ્વાસ ભક્તિ અને નિષ્ઠાપૂર્વક પાર પાડેલાં. તારકેશ્વરે મા ગયેલાં, ઠાકુરની માંદગી વખતે ‘ત્રાગું’ કરીને પતિની માંદગી મટાડવાને ગયેલાં, પણ દૈવીશક્તિને પ્રભાવે જાણી શક્યા કે એમ થવું અસંભવિત છે. પોતાની બીમારીને માટે પણ એકવાર પિયરમાં હતાં ત્યારે એમણે ‘માનતા’ રાખેલી, એ જ માનતાની પૂજા વગેરે કરવાને માટે પહેલાં પણ એકવાર મા ત્યાં ગયાં હતાં. સકળ દેવીદેવતાઓની પૂજામાં, વ્રત-શ્રાદ્ધ-તર્પણ વગેરે અનુષ્ઠાનોમાં માને શ્રદ્ધા-વિશ્વાસ હતાં અને બની શકે તેટલું એ બધાનું પાલન પણ કરતાં. એ જ ભાવથી પ્રેરાઈને એમણે બેલૂડમાં નીલાંબર બાબુના બગીચે રહેલાં, ત્યારે એકવાર દુ:સાધ્ય પંચતપાની સાધના કરી હતી. ભર ઉનાળાના ધોમધખતા તડકામાં અગાશીમાં ચારે બાજુએ છાણાંની આગ સળગાવીને એની વચ્ચોવચ્ચ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બેસતાં. એ રીતે લગાતાર સાત દિવસ સુધી તપસ્યા કરેલી. યોગીનમાએ પણ એમની જોડે એ વ્રત કરેલું. તીર્થયાત્રા, વ્રત, પૂજા વગેરે તમામ ધર્મકર્મોમાં એમની એકાંતિક નિષ્ઠા જોવા જેવી હતી. શ્રદ્ધાભક્તિ સહિત ક્રિયાઓનું અનુષ્ઠાન, પ્રચલિત પ્રથાઓનું અનુસરણ, પંડા, પૂજારી, બ્રાહ્મણો તરફ સન્માન દાખવવું; તેમજ યથાયોગ્ય દાનદક્ષિણા દઈને સંતુષ્ટ કરવા અને સૌથી વધારે તો લોકવ્યવહારમાં કોઈને પણ કશી જાતની તકલીફ ન દેવી, તે એટલે સુધી કે જે લોકો પાસે ન હોય એમની સારસંભાળ માટેની પણ વ્યવસ્થા કરવી, એમના દિલમાં કોઈ વાતે ઓછું ન આવે એનો સતત ખ્યાલ રાખવો – માની આ બધી વાતો અતિશય હૃદયગ્રાહી હતી. જે લોકો એમની સેવા કરવાને માટે સાથે રહેતા એમના તરફ તેઓ જનનીતુલ્ય પ્રેમભર્યો વ્યવહાર કરીને એમને સુખી રાખતા અને તેઓ જે સેવા ગ્રહણ કરતા એની સામે પોતે એમની પણ સેવા કરીને એમને સુખી કરવા માટે હંમેશાં તત્પર રહેતાં.
માતા અને કન્યાભાવ
સામાન્ય રોજિંદા વ્યવહારમાં પણ મા હંમેશાં બીજાનું મન જોઈને ચાલતાં કે જેથી કરીને કોઈ વાતથી કે કામથી કોઈના દિલને ક્યારેય આઘાત ન લાગે. અને વળી એમને પોતાને તો દુનિયાની એક પણ ચીજની અપેક્ષા હતી નહિ, હંમેશાં પોતાના આત્મામાં લીન રહેતાં! માનો આ અદ્ભુત ભાવ, ભાવાતીત અવસ્થા પૂજ્ય યોગીન-મા અને ગોલાપ-મા જ બીજાં બધાં કરતાં વધુ જોતાં. તેથી જ જોવામાં આવતું કે એમનાં મન-પ્રાણ જાણે કે હરહંમેશ માની પાસે પડ્યાં રહ્યાં છે. રોજબરોજના વ્યવહારમાં એકબાજુએ શ્રીમાને સાક્ષાત્ ઇષ્ટદેવી જાણવાને પરિણામે એમનાં શ્રદ્ધાભક્તિનો પાર નહોતો તો બીજી તરફ માને એક જ આધારે પોતાની મા તેમજ દીકરી બંને સમજીને એમના દેહને સ્વસ્થ, સબળ, નીરોગી અને આરામમાં રાખવાને માટે એમાં પ્રાણપણે પ્રયત્નો અને ઉદ્યમ કરતાં રહેતાં. મા પણ બંને ભાવે એમની ભક્તિ સેવા અને સ્નેહવાત્સલ્ય સ્વીકારીને એમને પુલકિત કરતાં. અને જેઓ સ્વામી વિવેકાનંદે દીધેલા ‘શારદાનંદ’ના નામથી વિભૂષિત થયેલા એ માતૃગતપ્રાણ શરત્ મહારાજ, માના દ્વારપાળ મહાભાવમયી દેવીને બંનેભાવે એકીસાથે પ્રત્યક્ષ કરતા. ‘ઉદ્બોધન’ના દરવાજાની બાજુના ઓરડામાં બેસીને મહારાજ પહેરો ભરતા કે ભલે ને ગમે તે હોય, જ્યારે ને ત્યારે જઈને માને પજવણી ન કરે, એમના આરામમાં ખલેલ ન પહોંચે, કોઈ અવાંછિત અનધિકારી માને સ્પર્શ કરીને એમના પવિત્ર દેહમાં પીડા ન ઉપજાવે, હંગામો મચાવવાનો મોકો ના મળે એ જોતા રહેતા. એ દિવસોમાં માનો એકાદ ફોટો મેળવવાનું પણ કપરું કામ. મા છૂપાં રહેવા માગતાં, શરત્ મહારાજ એને માટે સર્વપ્રકારે સતત પ્રયત્નશીલ રહેતા. અને વળી જ્યારે મા પોતે જાતે જ કોઈક ભક્ત ઉપર વિશેષભાવે કૃપા કરતાં ત્યારે મહારાજ ભક્તિવિનમ્રચિત્તે મસ્તક નમાવીને કહેતા, ‘ઇચ્છામયીની ઇચ્છા જેવી’. ભાવુક ભક્તો ભાવના અતિરેકમાં માને હેરાન ન કરે એ તરફ ગોલાપમાની તીક્ષ્ણ નજર રહેતી. એટલે જ એકવાર એક ભક્ત માનાં શ્રીચરણમાં અંજલિ સાથે પ્રણામ કર્યા પછી ન્યાસ પ્રાણાયામ કરીને ક્યાંય લગી પૂજા કરતો બેઠો ત્યારે ગોલાપમાએ એને ધમકાવી કાઢ્યો કે ‘આ તે શું લાકડાની દેવી મળી છે તને કે ન્યાસ પ્રાણાયામ કરીને એમાં પ્રાણ ફૂંકીશ? મા ગરમીથી હેરાનપરેશાન થઈ રહ્યાં છે!’ જો તો ખરો, માને પસીનાથી લથપથ થઈ ગયેલાં જોઈને ગોલાપ મા અધીરા આકળા થઈ ગયાં. ઝટપટ માને ઉઠાડીને, શરીર પરની ચાદર કાઢી નાખી ત્યારે એમને કળ વળી. પણ એવી સતર્ક દૃષ્ટિ રાખવાથી યે શું વળવાનું? જગદંબા ક્યારેક ક્યારેક બધાય કાયદાકાનૂનને અભરાઈએ ચડાવી દઈને ધરાર અવાંછિત વ્યક્તિ ઉપર કૃપા ઢોળી દે છે. પરિણામે ભલે પોતાને માટે દુ:ખકષ્ટ વ્હોરી લેવાં પડે તોયે. ગોલાપમા, યોગીનમા મૂગાંમૂગાં આંસુંભરી આંખે જોયા કરે છે. દીકરી રડે માને ખાતર અને મા રડે દીકરીને ખાતર. બેઉ તરફ એકબીજાને માટે સરખા જીવ તણાય, મા રૂપે, દીકરી રૂપે, કેવી તો અદ્ભુત લીલા આ!
(ક્રમશ:)
Your Content Goes Here




