અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા

ધેનુકાસુરનો ઉદ્ધાર

જોત જોતામાં કૃષ્ણ અને બલરામ છ વર્ષના થઈ ગયા છે. હવે એમને ગાયો ચરાવવાની પરવાનગી મળી ગઈ. બલરામ અને કૃષ્ણના સખાઓમાં મુખ્ય હતો ગોપાળ શ્રીદામા. એક દિવસ એણે રામ અને શ્યામને ઘણા પ્રેમથી કહ્યું, ‘અહીંથી થોડે દૂર એક ગાઢ વન છે. એમાં તાડનાં વૃક્ષ ઘણાં છે. ત્યાં ઘણાં તાડ પર પાકીને ફળ નીચે પડતાં રહે છે. પરંતુ ધેનુક નામનો એક દુષ્ટ દૈત્ય ત્યાં રહે છે. એણે તે બધાં ફળ લેવાની મના ફરમાવી દીધી છે. એ દૈત્ય ગધેડાના રૂપે રહે છે અને ઘણો બળવાન છે. અત્યાર સુધીમાં કોણ જાણે કેટલાય મનુષ્યને તે ભરખી ગયો છે. એના ભયથી મનુષ્યો અને પશુપક્ષીઓ પણ એ વનમાં જતાં નથી. કનૈયા, એ તાડનાં ફળ ઘણાં મીઠાં છે. પરંતુ અમે તો ક્યારેય ચાખ્યાં નથી. એમની મીઠી સુગંધથી અમારાં મન મોહી જાય છે અને એ ફળ મેળવવા તલસી રહ્યા છીએ. કેવળ તમે જ અમારી આ ઇચ્છાને પૂરી કરી શકો છો.’

પોતાના બાલસખા ગોપબાળોની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણ અને બલરામ બંને હસવા લાગ્યા. પછી તેઓ એમની સાથે તાડવનમાં જવા નીકળી પડ્યા. એ વનમાં પહોંચીને બલરામજીએ બાથ ભીડીને વૃક્ષોને પકડી લીધાં અને મતવાલા હાથીના મદનિયાની જેમ એ વૃક્ષોને જોરથી હલાવવા લાગ્યા. પરિણામે વૃક્ષ પરથી ફળ નીચે પડ્યાં. આ બાજુએ ગધેડાના રૂપે રહેનાર ધેનુકાસુરને તાડનાં વૃક્ષ હલવાનો અને ફળો પડવાનો અવાજ સંભળાયો. એ તો દોડતો-દોડતો એ તરફ આવ્યો. બલરામજી પાસે આવીને અત્યંત ક્રોધપૂર્વક ધેનુકાસુરે પોતાના પાછલા પગથી એની છાતી પર લાતથી પ્રહાર કર્યો. બલરામજીએ પોતાના એક જ હાથે ધેનુકાસુરના બંને ટાંટિયા પકડી લીધા અને તેને પોતાના માથા ઉપર ફેરવતાં ફેરવતાં એક તાડના વૃક્ષ સાથે ઝીકી માર્યો. માથા ઉપર ગોળ ગોળ ફેરવતા હતા ત્યારે જ ધેનુકાસુરનું પ્રાણપંખી ઊડી ગયું હતું. વૃક્ષ સાથે એનું શરીર જોરથી ભટકાયું અને એ વિશાળવૃક્ષ પોતે ધડાક કરતું પડી ગયું. પડતાં પડતાં એ વૃક્ષે આજુબાજુનાં કેટલાંય વૃક્ષોનો ખો કાઢી નાખ્યો. પેલા અસુરના માથા અને શરીરના ભુક્કા બોલી ગયા અને તાડનાં વૃક્ષોને ધરાશાયી કરતો તે પણ ધરતી પર જઈ પડ્યો. હવે એ જ વનમાં ધેનુકાસુરના ભાઈબંધુ અને મિત્રો રહેતા હતા. આ દૃશ્ય જોઈને તેઓ ક્રોધથી લાલપીળા થઈ ગયા. તેઓ શ્રીકૃષ્ણ અને બલરામજી પર પ્રબળ વેગે તૂટી પડ્યા. પરંતુ થોડી જ વારમાં કૃષ્ણ અને બલરામે જાણે રમત ન રમતા હોય તેમ બધાને મારી નાખ્યા. હવે આ તાડવન રાક્ષસોના ભયથી મુક્ત થયું. ગોપબાળકોએ પેટ ભરીને મુક્તમને તાડનાં ફળ ખાધાં.

કાલી નાગની ફેણ પર શ્રીકૃષ્ણનું નૃત્ય

અષાઢ મહિનો હતો. શ્રીકૃષ્ણ બીજા દિવસોની જેમ પોતાના સખાઓ સાથે ગાયો ચારવા યમુના કિનારે ગયા. ત્યાં ઘણો સમય હસવા-રમવામાં પસાર થઈ ગયો. એ દિવસે બલરામજી સાથે ન હતા. બપોરના સમયે તરસને કારણે ગોપબાલોના કંઠ સુકાવા લાગ્યા. એમણે તો પોતાની તરસ છિપાવવા યમુનાજીનું ઝેરવાળું પાણી પીધું. પાણી પીતાંવેંત બધા ગોપબાલો બેભાન થઈને ધરતી પર પડ્યા. આવી અવસ્થામાં પોતાના બાલસખાઓને જોઈને શ્રીકૃષ્ણે પોતાની અમૃત વરસાવતી નજરે જોઈને એમને ફરીથી સજીવન કર્યા. બધાને ચેતના આવી અને એકબીજા તરફ આશ્ચર્યની નજરે જોવા લાગ્યા. એ બધાને ખાતરી થઈ ગઈ કે શ્રીકૃષ્ણની કૃપાદૃષ્ટિથી જ તેઓ ફરીથી જીવિત બન્યા છે.

યમુનાજીમાં કાળિયા નાગનો એક કુંડ હતો. તે સ્થળનું જળ વિષની ગરમીથી ઊકળતા પાણીની જેમ ઊછળતું રહેતું. એ વિષમય જળના ઊછળતા તરંગોનો સ્પર્શ કરીને કે તેમાંથી નાનાં નાનાં શીકરો લઈને જ્યારે પવન બહાર વહેતો ત્યારે પવનમાં વહેતાં શીકરોને યમુનાના કિનારે આવેલ ઘાસપાન, વૃક્ષ, પશુપક્ષી જેવાં સ્પર્શતાં તેવાં જ ત્યાં ને ત્યાં મરણને શરણ થઈ જતાં. શ્રીકૃષ્ણે જોયું કે આ કાળિયા નાગનું ઝેર અત્યંત પ્રભાવક અને ભયંકર છે. પોતાનું ભયાનક વિષ જ તેનું બળ છે. એને લીધે જ યમુનાજીનું આ વિહારસ્થાન દૂષિત થઈ ગયું છે. એટલે શ્રીકૃષ્ણે યમુનાના એ કુંડને નાગમુક્ત કરવાનો નિર્ણય કર્યો.

શ્રીકૃષ્ણે પોતાના ફેંટાથી કમરને કસીને બાંધી. તેઓ એક ઊંચા કદંબના વૃક્ષ પર ચડી ગયા. ત્યાંથી જ કાળિયાનાગને પડકારતા એ ઝેરીલા પાણીમાં કૂદી પડ્યા. યમુનાનું જળ તો કાળિયાનાગના ઝેરને કારણે પહેલેથી જ જાણે ઊકળી રહ્યું હતું. એમાંથી ઊઠતા તરંગો લાલપીળા અને ભયંકર લાગતા હતા. શ્રીકૃષ્ણ તો કોઈ અતુલ મતવાલા, અને પ્રબળ ગજરાજની જેમ પાણીને ઉછાળવા લાગ્યા. શ્રીકૃષ્ણની અત્યંત શક્તિશાળી ભુજાઓ પાણી સાથે ટકરાવાથી પ્રબળ અવાજ ઊઠવા લાગ્યો. આ પ્રચંડ ધ્વનિથી સૂતેલો કાળિયોનાગ પણ જાગી ગયો. હવે એને સમજાણું કે કોઈ બહારની વ્યક્તિ એના ઘરમાં ઘૂસી ગઈ છે. તેનાથી આ બધું સહન ન થયું. એ તો તરત જ ગુસ્સે ભરાઈને શ્રીકૃષ્ણની સામે આવી ગયો. તેણે જોયું તો એક શ્યામ રંગનો સોહામણો સુંદર બાળક પીતાંબર ધારણ કરીને યમુનાના જળમાં રમી રહ્યો છે. એના મધુર અને મનોહર મુખ પર મંદ મંદ હાસ્ય અત્યંત શોભતું હતું. એણે એનું આવું આકર્ષક રૂપ જોયું. એટલું જ નહીં પણ આ નાનો બાળક નીડરતાથી વિષમય પાણીમાં મોજથી રમે છે ! આ જોઈને કાળિયાનાગના ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે શ્રીકૃષ્ણનાં મર્મસ્થાનો પર દંશ મારીને પોતાના શરીર સાથે તેને જકડી લીધો. શ્રીકૃષ્ણ પણ નાગપાશમાં સ્વેચ્છાએ બંધાઈને ચેતનાવિહીન બની ગયા. આ જોઈને શ્રીકૃષ્ણના વહાલા સખા ગોપબાલો ખૂબ દુ:ખી થયા અને દુ:ખ અને ભયને કારણે જમીન પર મૂર્છિત બની ગયા.

..

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.