કરાંચીમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથેના પરિચયમાં આવીને તેઓશ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાને વરેલા હતા. તેમણે પોતાની ૯૬ વર્ષની વયોવૃદ્ધ ઉંમર સુધીમાં ‘God Lived with Them’, ‘They Lived with God’, ‘How to Live with God’ તેમજ સંખ્યાબંધ લેખો અને નાની નાની પુસ્તિકાઓ અને શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના બે મહામૂલ્યવાન ગ્રંથ ‘ઉપનિષદોનો સંદેશ’ અને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સરળ ભાવાનુવાદ કરીને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા વાચકોનાં રસરુચિ આશ્રમ તરફ વાળ્યાં છે. 

એપ્રિલ, ૧૯૮૯થી શરૂ થયેલ ગુજરાતી ભાષાની માસિક પત્રિકા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સલાહકાર સંપાદક મંડળમાં તેઓ એક સભ્ય તરીકે સતત સક્રિય અને હૃદયપૂર્વકની સેવા આજની તારીખ સુધી આપતા રહ્યા છે. જામનગર ખાતે એમનું અવસાન ૭ ઓક્ટોબર, ૨૦૧૧, સવારે ૬.૧૫ વાગ્યે થયું હતું. 

એ પહેલાં શ્રીરામકૃષ્ણ અને સર્વધર્મ સમન્વયનો લેખ દીપોત્સવી અંક માટે તૈયાર કરીને એમણે આશ્રમમાં મોકલ્યો હતો, એ પણ જોગાનુજોગ આ જ દિવસે મળ્યો છે. સંપૂર્ણપણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદને વરેલા આ વિદ્વાન લેખક, ચિંતક અને કેળવણીકારે ગુજરાતના દરેક ક્ષેત્રમાં મૂલ્યવાન સેવાઓ આપી છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગને આપેલી સેવાઓને અમે ક્યારેય ભૂલી ન શકીએ. આટલા મોટા ગજાના માનવી અને વિદ્વાને ક્યારેય કશીયે અપેક્ષા રાખ્યા વિના, સાવ નિરાસક્ત ભાવે અમારા પુસ્તક પ્રકાશન તેમજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંરક્ષણ-સંવર્ધન માટે જે કાર્ય કર્યું છે, એ કાર્ય બીજા કોઈ માટે અશક્યવત્ છે.

અમે એ પણ નોંધ લઈએ છીએ કે અમે સોંપેલ અનુવાદકાર્યને કે લેખનકાર્યને એમણે હંમેશાં હસતે મુખે સમયમર્યાદા પહેલાં તૈયાર કરીને મોકલ્યાં છે. આ એમની સતત જાગ્રતપણે કાર્ય કરવાની એક અનન્ય નિષ્ઠા અને ભાવના વ્યક્ત કરે છે.

‘શ્રીમદ્ ભગવદ્‌ગીતા’નો અનુવાદ અને સ્વામી વિવેકાનંદના તાજેતરમાં તૈયાર થયેલ મૂળ અંગ્રેજી પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ-૯’નો તેમના દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ પણ થોડા જ વખતમાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧૧ રૂપે પ્રસિદ્ધ થશે.

તેઓશ્રીએ ડી.જી. અલિયાબાડામાં અધ્યાપક તરીકે ૧૯૫૬ થી ૬૬ સુધી કાર્ય કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈંગ્લિશ ટિચિંગ, જામનગરમાં ૧૯૮૫ થી ૯૬ સુધી નિયામક તરીકે સેવાઓ આપી છે.

આ ઉપરાંત ૧૯૩૯ થી ૫૨ સુધી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે અને ૧૯૫૨ થી ૧૯૭૭ સુધી આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી છે. સૌરાષ્ટ્રની કેટલીયે શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંલગ્ન હતા. એમણે વિવેચના, પરિસંવાદો, અનુવાદ, યાત્રા પ્રવાસો વિશે ૨૧ જેટલાં પુસ્તકો બહાર પાડ્યાં છે.

૧૯૬૪માં એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન્‌ના વરદ્ હસ્તે અપાયો હતો. 

તેઓ એક ગણ્યમાન્ય વિદ્વાન લેખક અને કેળવણીકાર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ કેટલીયે સમિતિઓમાં પોતાનું મૂલ્યવાન પ્રદાન આપ્યું હતું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદ એમના આત્માને શાશ્વત શાંતિ અર્પે એવી એમનાં શ્રીચરણ કમળમાં અમારી વિનમ્ર પ્રાર્થના.

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.