(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર અને ગુજરાતી સાહિત્યનાં સુપ્રસિદ્ધ લેખિકા છે. – સં.)
શ્રીકૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં વહાવેલી અદ્ભુત દિવ્યવાણી યુગે યુગે માનવજાતિને પ્રભુમય જીવનની પ્રેરણા આપતી રહી છે. આ શાશ્વત વાણી કાલાતીત છે. ગીતાના અમૃત-સાગરમાંથી સહુ કોઈ પોતાની ક્ષમતા અનુસાર અમૃતપાન કરી શકે છે. જ્ઞાનીને જ્ઞાન, ભક્તને ભક્તિ, કર્મ કરનારને કર્મનું રહસ્ય, સંન્યાસીને વૈરાગ્ય અને ગૃહસ્થને જીવનધર્મ—આમ, જેમને જે જોઈએ તે ગીતાના રત્નભંડારમાંથી પ્રાપ્ત કરી શકે છે. ગીતા એ કોઈ ધર્મનો, સંપ્રદાયનો કે વિશિષ્ટ દર્શનનો ગ્રંથ નથી; પરંતુ એ તો જીવનની વિષમતાઓ, સંઘર્ષો, કટોકટીમાંથી સત્ય પ્રત્યે, આંતર-પ્રકાશ પ્રત્યે, કર્તવ્ય કર્મો પ્રત્યે મનુષ્યને જાગૃત કરી જીવનના સાચા ધ્યેય પ્રત્યે લઈ જતી દિવ્યવાણી છે. સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી સમગ્ર માનવજાતિને આપેલી દિવ્ય પ્રસાદી છે, જેના દ્વારા ત્રસ્ત માનવો પોતાની સમસ્યાઓ, દુ:ખોની મુક્તિનો ઉપાય મેળવી ઉત્તમ જીવન જીવી શકે.
ગીતાએ અત્યાર સુધીમાં અનેક મહાનુભાવો વિદ્વાનો, ચિંતકોને આકર્ષ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં ગીતાનાં અનેક ભાષ્યો અને ટીકાઓ રચાયાં છે. શંકરાચાર્યે જ્ઞાનમાર્ગની મહત્તા સ્વીકારીને ગીતા જ્ઞાનમાર્ગને જ શ્રેષ્ઠ ગણે છે, એમ દર્શાવવા પ્રયત્ન કર્યો છે. રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતની દૃષ્ટિએ ગીતાનું ભાષ્ય રચ્યું છે. વલ્લભાચાર્યે શુદ્ધાદ્વૈત પ્રમાણે વર્ણવી ગીતાના ભક્તિયોગને સર્વોપરી ગણ્યો છે. લોકમાન્ય તિલકે ‘ગીતા-રહસ્ય’ લખ્યું અને તેમાં કર્મયોગ ઉપર ભાર મૂક્યો છે. મહાત્મા ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’ નામની નાની પુસ્તિકા લખી છે. તેમાં અનાસક્તિ એ જ જાણે ગીતાનો સાર હોય એમ જણાવ્યું છે. શ્રી અરવિંદે બે ભાગમાં ગીતાનિબંધો લખ્યા છે અને તેમાં ગીતાનું હાર્દ સમજાવ્યું છે. તેમાં તેમણે કર્મ, જ્ઞાન અને ભક્તિ—સાધનાના આ ત્રણેય માર્ગોનો સમન્વય; આધ્યાત્મિક ઉન્નતિના ક્ષેત્રે જીવનનો સ્વીકાર; જીવનમાં આવતા કલહો, સંઘર્ષો, જુદી જુદી વિકટ પરિસ્થિતિઓ; વિરોધી વલણોને લઈને ઉદ્ભવતી માનસિક ગૂંચો તથા જીવનમાં સર્જાતા આવશ્યક યુદ્ધો—આ બધાનો સ્વીકાર કરીને પ્રત્યેક પરિસ્થિતિ માટે આવશ્યક અને અસરકારક ઉકેલ માટેની ગીતામાં મળતી આધ્યાત્મિક ચાવી—માસ્ટર કી—આ બધાંની વિશદ સમજણ શ્રી અરવિંદે ગીતાનિબંધોના બે ભાગનાં ૪૮ પ્રકરણોમાં આપી છે.
શ્રી અરવિંદને કેવા સંજોગોમાં ગીતા પ્રાપ્ત થઈ એ પણ ઘણી જ રોમાંચક વાત છે. શ્રી અરવિંદનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં. તેમના પિતાની ઇચ્છા એમના ત્રણેય પુત્રોને નખશિખ યુરોપિયન બનાવવાની હતી. આથી તેમણે માન્ચેસ્ટરના પાદરીને ત્યાં ત્રણેય પુત્રોને રાખી ઇંગ્લેન્ડમાં ભણાવવાની વ્યવસ્થા કરી. પાદરીને ખાસ કહ્યું કે જોજો મારા પુત્રો ઉપર હિંદુ સંસ્કૃતિની છાંટ પણ ન પડે. શ્રી અરવિંદ સાત વર્ષની વયે ઇંગ્લેન્ડ ગયા. ચૌદ વર્ષ સુધી અભ્યાસાર્થે ત્યાં રહ્યા. ઇંગ્લેન્ડની ભૂમિ પર જ માતૃભૂમિને સ્વતંત્ર કરવાનાં બીજ તેમનામાં રોપાયાં હતાં. આથી બ્રિટિશરોની ગુલામી જેવી કલેક્ટરની નોકરી નહીં કરવાના આશયથી આઈ.એ.એસ.ની પરીક્ષામાં પાસ થવા છતાં ઘોડેસવારીની પરીક્ષા ન આપતાં આ પદવી ન મળી. પરંતુ વડોદરાના મહારાજા સયાજીરાવે લંડનમાં જ તેમને પોતાના રાજ્યના અધિકારી તરીકે નિમણૂક આપતાં તેઓ વડોદરા આવ્યા. લગભગ સાડાતેર વર્ષ સુધી વડોદરામાં રહ્યા. માતૃભૂમિનું મુક્તિનું કાર્ય શિક્ષણ, સાહિત્ય, સર્જન અને યોગ એમના જીવનનાં આ ચાર મહત્ત્વનાં કાર્યોનો પ્રારંભ વડોદરામાં જ થયો. પરંતુ તેમાં માતૃભૂમિની સ્વતંત્રતાનું કાર્ય જ મુખ્ય બની રહ્યું. સ્વતંત્રતા સંગ્રામમાં સંપૂર્ણપણે ઝંપલાવી દેવા માટે વડોદરાની સલામત ને મોભાદાર નોકરી છોડીને તેઓ કલકત્તા આવ્યા. ત્યાં તેઓ સ્વતંત્રતા સંગ્રામના નેતા બની ગયા. લેખો દ્વારા ક્રાંતિકારીઓને માર્ગદર્શન આપીને, જાહેરસભાઓ દ્વારા પ્રજાને સ્વતંત્રતા સંગ્રામ માટે તૈયાર કરવા લાગ્યા. શ્રી અરવિંદની જ્વલંત દેશભક્તિથી બ્રિટિશ સરકાર ફફડી ઊઠી. કોઈ પણ ભોગે તેમને જેલમાં પૂરી દેવાનું નિમિત્ત શોધવા લાગી. એ નિમિત્ત મળ્યું, મુઝફ્ફરપુરના બોંબકાંડમાં બે ગોરી મહિલાઓની હત્યાનું. સરકારે આ બોંબકાંડના મુખ્ય સૂત્રધાર તરીકે શ્રી અરવિંદને માનીને તેમને અલીપુરની જેલમાં એકાંત કોટડીમાં કે જ્યાં કોઈનોય સંપર્ક અશક્ય હતો, ત્યાં પૂરી દીધા. એક વર્ષ સુધી તેમનો કેસ ચાલ્યો પછી તેઓ નિર્દોષ છૂટી ગયા. પરંતુ આ એક વર્ષના કારાવાસે રાજપુરુષ શ્રી અરવિંદને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર પામેલા યોગીપુરુષ બનાવી દીધા.
જેલમાંથી છૂટ્યા બાદ ૩૦ મે, ૧૯૦૯ના રોજ ઉત્તરપાડામાં આપેલા જાહેર વ્યાખ્યાનમાં એમણે જણાવ્યું હતું, “ભગવાને મારા હાથમાં ગીતા મૂકી અને એ સાથે જ તેમની શક્તિનો મારામાં પ્રવેશ થયો… જેલમાં મારી પાસે ગીતા અને ઉપનિષદો આ બે જ પુસ્તકો હતાં અને તે વખતે હું ગીતાની યોગસાધનાનો અભ્યાસ કરી રહ્યો હતો તથા ઉપનિષદોની મદદથી ધ્યાન કરતો હતો. ફક્ત આ બે પુસ્તકોમાંથી જ મને દોરવણી મળી હતી.” શ્રી અરવિંદની ગીતાની ગહન સાધનાનું પરિણામ એ આવ્યું કે એમને ‘વાસુદેવમ્ સર્વમિતિ’નો સાક્ષાત્કાર થયો. આ અનુભૂતિ વિશે તેમણે જણાવ્યું હતું,
“મેં જોયું કે મારી ચોતરફ ઊભેલી જેલની ઊંચી ઊંચી દીવાલો એ કંઈ દીવાલો ન હતી. એ તો વાસુદેવ પોતે મને ઘેરીને ઊભા હતા. મારી ખોલીના આંગણામાં આવેલા વૃક્ષની નીચે હું ચાલતો હતો, પણ એ કંઈ વૃક્ષ ન હતું. મેં જોયું કે એ વૃક્ષ વાસુદેવ જ છે, શ્રીકૃષ્ણ જ છે. એ ત્યાં ઊભા છે ને મારા ઉપર છાયા ઢાળી રહ્યા છે. મેં મારી કોટડીના સળિયા તરફ, બારણાની જાળી તરફ નજર નાખી અને ત્યાં પણ મેં વાસુદેવને જોયા. નારાયણ પોતે જ મારી રક્ષા કરતા, મારા ઉપર પહેરો ભરતા ત્યાં ઊભા હતા. મને સૂવા માટે મળેલા ખરબચડા ધાબળા ઉપર સૂતો ત્યારે પણ હું અનુભવવા લાગ્યો કે મારા સુહૃદ અને પ્રિયતમ શ્રીકૃષ્ણના બાહુઓ મને વીંટળાઈ વળ્યા છે. પ્રભુએ મને જે ગહન દૃષ્ટિ આપી તેનો પહેલો ઉપયોગ એ હતો, હું જેલના કેદીઓ, ચોરો, ખૂનીઓ, ઉઠાવગીરોને જોવા લાગ્યો અને મને ત્યાં વાસુદેવ દેખાવા લાગ્યા.”
હવે શ્રી અરવિંદનું સમગ્ર જીવન કૃષ્ણમય બની ગયું અને એકાંત સજા આનંદમાં પલટાઈ ગઈ. આગળ તેઓ કહે છે: “મારા હૃદયમાં એવી નિર્મળ શાંતિ નિવાસ કરવા લાગી કે જેનું વર્ણન કરવું મારી શક્તિની બહાર છે.”
એ પછી તેઓ ૧૯૧૦, એપ્રિલમાં પોંડિચેરી ગયા અને ગહન યોગસાધનામાં ડૂબી ગયા. ત્યાં સાત વર્ષ બાદ ગીતા ઉપરનું પોતાનું અભિનવ દર્શન ‘ગીતાનિબંધ’ બે ભાગમાં રજૂ કર્યું. પ્રથમ ભાગનાં ૨૪ પ્રકરણોમાં ગીતાના ગુરુ માનવશિષ્ય, ગીતાના બોધનો મર્મ, સાંખ્ય યોગ, કર્મ, યજ્ઞ, અવતાર પ્રકૃતિના ગુણો—ત્રિગુણાતીત અને કર્મયોગનો સાર—આ બધા વિષયો પર વિસ્તારથી સમજાવ્યું છે. જ્યારે પુસ્તકના બીજા ભાગને બે વિભાગોમાં વહેંચીને પ્રથમ વિભાગમાં કર્મ, જ્ઞાન અને ભક્તિના સમન્વયનું ચિંતન રજૂ કર્યું છે. બીજા વિભાગમાં પરમ રહસ્ય, ગીતાના અર્થનું હાર્દ અને ગીતાનો સંદેશ વર્ણવ્યાં છે.
ગીતા રચાયા પછી અનેક સૈકાઓ પસાર થઈ ગયા. વિચારદર્શનમાં અને અનુભૂતિમાં પણ મહાન રૂપાંતરો થયાં છે. એ સંદર્ભમાં આજના મનુષ્ય માટે ગીતાનું મૂલ્ય અને આધ્યાત્મિક ઉપયોગીતા શી છે? આના ઉત્તરમાં શ્રી અરવિંદ જણાવે છે કે માનવમન હંમેશાં પ્રગતિ કરતું રહે છે, વિકાસ પામે છે, આગળ વધતું રહે છે, પોતાનાં દૃષ્ટિબિંદુ બદલતું રહે છે. આ બધાંની અસર એ થાય છે કે ભૂતકાળની દાર્શનિક પદ્ધતિઓ કાળગ્રસ્ત થતી જાય છે અથવા સચવાઈ રહે છે. પ્રાચીન સિદ્ધાંતોમાં સ્વાભાવિક રીતે જ નવાં દર્શનને અનુકૂળ થવાની શક્તિ હોય તેટલે અંશે તે પ્રાણવાન બને છે. આ રીતે જોતાં ગીતામાં અસાધારણ પ્રકારની પ્રાણશક્તિ રહેલી છે. તે મહાભારતકાળમાં પ્રગટ થઈ ત્યારે જેટલી તાજી હતી, નવીન હતી, તેટલી આજે પણ છે. એની અનુભૂતિ ફરી ફરીને જીવંત કરી શકાય છે. હિંદની ધાર્મિક વિચારણાનું સૌથી વધારે પ્રમાણતાપૂર્વક સંચાલન કરનાર મહાન પ્રસ્થાનગ્રંથોમાં ગીતાની ગણના થાય છે. આધ્યાત્મિક જીવન માટેની મુખ્ય ચાવીઓમાંથી ઘણી ખરી ગીતામાંથી મળી આવે છે.
શ્રી અરવિંદ ગીતાના સંદેશ વિશે જણાવે છે, “તમારા સાચા સ્વરૂપની શોધ કરીને તેના સત્યધર્મ અનુસાર જીવન ગાળો તો જીવનની સમસ્યાનો ઉકેલ આવી શકશે. સર્વ મુશ્કેલીઓ અને ઝઘડાઓને તમે વટાવી શકશો. તમારાં કર્મો તમે પ્રાપ્ત કરેલા સાચા સ્વરૂપમાં પૂર્ણતા મેળવશે. તમારું સાચું સ્વરૂપ એ પ્રભુનો અંશ છે, એ જ તમારો આત્મા છે. એ જ્ઞાન મેળવીને તમે જીવનમાં ઉતારો. તમારી દિવ્ય પ્રકૃતિમાં જીવો અને પ્રભુ સાથે એક બની પ્રભુ જેવા બનો, એટલે કે દિવ્ય બનો. તમારા અંતરમાં વસતા એ ઉત્તમ પુરુષને તમારાં સર્વ કર્મો યજ્ઞરૂપે અર્પણ કરો. છેવટે તમે જે કંઈ છો, જે કંઈ કરો તે સઘળું પરમપ્રભુના હાથમાં સમર્પણ કરી દો. જેથી કરીને એ પોતાનો સંકલ્પ એ પોતાનાં કાર્યો તમારા દ્વારા જગતમાં પાર પાડી શકે. આ માર્ગ હું તમારી આગળ મૂકું છું. છેવટે તમને જણાશે કે બીજો કોઈ ઉકેલ છે જ નહીં.”
અઢારમા અધ્યાયના ૬૪ તથા ૬૫ આ બે શ્લોકો એ જ ગીતાનો સંદેશ છે,
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे॥
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥
“હે અર્જુન, તું મારામાં મનવાળો થા, મારો ભક્ત થા, મારું પૂજન કર અને મને જ નમસ્કાર કર. તું મારો પ્રિય હોવાથી તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તું મને જ પ્રાપ્ત કરીશ.”
“સર્વ ધર્મોનો પરિત્યાગ કરીને મારા એકલાને જ શરણે આવ. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ. શોક ન કર.”
શ્રી અરવિંદ કહે છે, “શ્રીકૃષ્ણ અર્જુનને આ બે જ શ્લોક સંભળાવવા માગતા હતા. પરંતુ અર્જુનને એના વિષાદમાંથી, એના મોહ, આસક્તિ, અજ્ઞાનમાંથી મુક્ત કરી, એને દિવ્યકર્મો કરવા માટે તૈયાર કરવા સાતસો શ્લોકોની આખી ગીતા સંભળાવવી પડી. સંપૂર્ણ સમર્પણ દ્વારા તમારી અંદર રહેલી પ્રભુની દિવ્યશક્તિ, પ્રભુનું સાંનિધ્ય તમને પાપ અને અનિષ્ટમાંથી મુક્ત કરશે તથા માનવના સદ્ગુણોના ધોરણોથી તમને ક્યાંય ઊંચે લઈ જશે. પછી આધ્યાત્મિક સત્યતા અને દિવ્ય પ્રકૃતિમાં તમે જીવનધારણ કરશો તથા એમાંથી જ કર્મમાં પ્રવૃત્ત થશો.” શ્રી અરવિંદની દૃષ્ટિએ આ જ ગીતાનો મુખ્ય સંદેશ ગણાવી શકાય.
શ્રી અરવિંદનું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું દર્શન જેલવાસ દરમિયાન એમની એકાંત સાધના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણે એમને જે જ્ઞાનામૃતનું પાન કરાવ્યું અને ત્યારબાદ પોંડિચેરીમાં એકાંતમાં સાત વર્ષની સાધના દ્વારા એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એના પરિપાક રૂપે પ્રગટ થયું છે. માનવચેતનાના દિવ્ય વિકાસમાં શ્રી અરવિંદે ભગવદ્ ગીતાના યોગનું મહત્ત્વ દર્શાવીને જે નૂતન દર્શન આપ્યું છે, તે સદાય માનવજાતિને દિવ્ય જીવન માટેનું પથદર્શન કરતું રહેશે.
Your Content Goes Here




