ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત
હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં એકવાર બાળકને વિનંતી કરેલી કે એને જનોઈ દેવાય ત્યારે પહેલી ભિક્ષા પોતાની પાસેથી લઈને એને ‘મા’ કહીને બોલાવીને ધન્ય કરવી. બાળકે પણ એના આવા અકૃત્રિમ સ્નેહથી મુગ્ધ થઈને એની અભિલાષા પૂર્ણ કરવાનું સ્વીકારેલું.

ધની લુહારણ પાસે ભિક્ષા સ્વીકારતો ગદાધર
ગરીબ ધની બાળકના વચન પર વિશ્વાસ રાખીને તે દિવસથી શક્ય તેટલાં જણસ પૈસા બચાવીને બાજુએ મૂકતી જઈને આતુરતાથી એ પ્રસંગની વાટ જોતી હતી. એ જ પ્રસંગને અત્યારે સામે આવીને ઊભેલો જોઈને ગદાધરે મોટાભાઈને ઉપલી વાત કહી. પણ કુળ-કુટુંબમાં આવી પ્રથાનું ચલણ ક્યારે ય થયેલું નહિ. તેથી રામકુમારે એમાં મોટો વાંધો ઉઠાવ્યો બાળકે પણ પોતે દીધેલું વચન યાદ કરીને એ બાબતમાં ભારે જીદ માંડી, એણે કહ્યું કે એ પ્રમાણે નહિ કરવામાં આવે તો એને માથે સત્યભંગના અપરાધનો દોષ લાગે અને અસત્યવાદી વ્યક્તિ બ્રાહ્મણોચિત યજ્ઞોપવીત ધારણ કરવા માટે ક્યારે પણ અધિકાર ધરાવી શકે નહિ.
જનોઈનું ટાણું પાસે આવેલું દેખીને આ પહેલાં જ બધી તૈયારીઓ થઈ ચૂકેલી પણ બાળકની આવી જીદથી લીધેલું કારજ અટકી પડવાનો વારો આવીને ઊભો. ફરતી ફરતી વાત ધર્મદાસ લાહાને કાને પહોંચી. એટલે એમણે બેય બાજુનો વિવાદ દૂર કરવાનો પ્રયત્ન કર્યાે. રામકુમારને એમણે કહ્યું કે આવી જાતનો રિવાજ તમારા વંશમાં આ પહેલાં ના પડ્યો હોય તો પણ બીજે બધે ઊંચા કુળના ઘણાય બ્રાહ્મણ પરિવારમાં એમ જોવા મળે છે. એટલે એને લીધે તમારી નિંદા થવાની નથી, તો પછી બાળકના સંતોષ અને શાંતિ ખાતર તેમ કરવામાં કશો દોષ નથી. પિતાજીના મિત્ર વડીલ ધર્મદાસની વાત સાંભળીને પછી રામકુમાર વગેરેએ વધુ વાંધો લીધો નહિ અને ગદાધરે પ્રસન્ન ચિત્તે ઉપવીત ધારણ કરીને સંધ્યા-પૂજાદિ બ્રાહ્મણોચિત કાર્યોમાં મન પરોવ્યું. લુહાર કન્યા ધની પણ બાળકની સાથે આ રીતનો સંબંધ બંધાવાથી પોતાના જીવતરને ધન્ય ગણવા લાગી. આના થોડા જ વખત પછી બાળકને દશમું વર્ષ બેઠું.
પંડિત સભામાં ગદાધરે કરેલું પ્રશ્ન-સમાધાન
ઉપનયન થયાના થોડા દિવસો પછી બનેલી ઘટના વડે ગદાધરની અસાધારણ દિવ્ય પ્રતિભાનો પરિચય મળતાં સહુ ગ્રામવાસીઓ બેહદ નવાઈ પામી ગયેલા. ગામના જમીનદાર લાહાબાબુની હવેલીએ કોઈ ખાસ શ્રાદ્ધને દિવસે એક મોટી પંડિતસભાને નોતરવામાં આવેલી અને એકાદ ધર્મવિષયક જટિલ પ્રશ્ન સંબંધે વાદાનુવાદ કરતાં કરતાં પંડિતો સરખી નિર્ણાયક મીમાંસા પર આવી શકતા નહોતા.

પંડિતોની સભામાં ગદાધર
એ વખતે બાળક ગદાધરે ત્યાં આવીને એ વિષયની એવી તો સરસ મીમાંસા કરી દીધેલી કે તે સાંભળીને પંડિતગણે તેની અત્યંત પ્રશંસા કરી અને બાળકને આશીર્વાદ દીધાઃ ગદાધરનું મન ધર્મપ્રવૃત્તિમાં પરિણત બને.
ત્રીજી વારની ભાવ સમાધિ
એ તો ઠીક, પણ જનોઈ મળ્યા પછી ગદાધરના ભાવપ્રવણ હૃદયને પોતાની પ્રકૃતિને અનુકૂળ એક બીજી વાતનું અવલંબન લેવાની તક પ્રાપ્ત થતાં ઘણો આનંદ થયેલો. પિતાને સ્વપ્નમાં દર્શન દઈને કેવી રીતે શ્રીરઘુવીરની જાગ્રત મૂર્તિએ કામારપુકુરના ઘરમાં પધરામણી કરેલી, એમના એ શુભાગમનના દિવસથી લક્ષ્મીજલાની ખોબા જેવડી જમીનના ટુકડામાં અઢળક ધાન્ય ઉપજતાં કેવી તો ઘરની તંગી દૂર થયેલી કે કરુણામયી ચંદ્રાદેવી અતિથિ, અભ્યાગત સુદ્ધાંને રોજ અન્નદાન દેવા શક્તિમાન થયેલાં—એ બધી હકીકતો સાંભળવાથી બાળક પ્રથમથી જ ગૃહદેવતાને વિશેષ ભક્તિ અને શ્રદ્ધાની નજરે નિહાળતો આવેલો.
તે જ દેવતાને હવેથી સ્પર્શ અને પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થતાં બાળકનું હૃદય નવાનુરાગથી છલકાઈ ઊઠયું. સંધ્યાવંદન સમાપ્ત કરીને તે હવે રોજ તેમના પૂજા અને ધ્યાનમાં ઘણો બધો સમય વિતાવવા માંડ્યો અને જેનાથી તેઓ પ્રસન્ન થઈને પિતાની જેમ પોતાને પણ વખતો વખત દર્શન અને આદેશ દઈને કૃતાર્થ કરે એટલા માટે અત્યંત નિષ્ઠા અને ભક્તિ સહિત તેમની સેવા કરવા લાગ્યો. રામેશ્વર શિવ અને શીતળા માતા પણ બાળકની એવી જ સેવા પામવા માંડ્યાં. આ પ્રકારની સેવાપૂજાનું ફળ પણ વિના વિલંબે આવી મળ્યું. બાળકના નિર્મળ હૃદયે એનાથી એકાગ્ર થઈને અલ્પ સમયમાં જ એને ભાવસમાધિ યાને સવિકલ્પ સમાધિનો અધિકારી કર્યાે, અને એ સમાધિને આધારે તેના જીવનમાં જાતજાતનાં દિવ્ય દર્શનો પણ સમયે સમયે થવા લાગ્યાં.

શિવાવેશનું સ્થાન
એ વર્ષે શિવરાત્રિના પર્વ ઉપર એને આ પ્રકારની સમાધિ અને દર્શનની અનુભૂતિ થઈ આવેલી. તે દિવસે બાળક યથારીતિ ઉપવાસી રહીને વિશેષ નિષ્ઠાપૂર્વક દેવાધિદેવ મહાદેવની પૂજા કરી રહ્યો હતો. એનો મિત્ર ગયાવિષ્ણુ અને બીજા કેટલાક ભાઈબંધોએ પણ શિવરાત્રિનો ઉપવાસ રાખેલો. પાડોશમાં રહેતા સીતાનાથ પાઈનને ત્યાં શિવ મહિમા દર્શાવતું યાત્રા નાટક ભજવવાનું છે એવી ખબર પડતાં તે સાંભળતાં સાંભળતાં રાતનું જાગરણ કરવાનું ઠરાવેલું.

શિવાવેશમાં ગદાધર
પહેલાં પહોરની પૂજા સમાપ્ત કરીને ગદાધર તન્મય થઈને બેઠેલો હતો, ત્યાં અચાનક એના ભાઈબંધોએ આવીને એને કહ્યું કે પાઈનને ઘેર નાટકમાં એણે શિવનો વેશ સજીને થોડાક સંવાદો બોલવા પડશે. કારણ કે નાટક મંડળીમાં શિવનો વેશ લેનારો માંદો પડ્યો છે અને પાઠ ભજવી શકે તેમ નથી.
ગદાધરે ઘણોય વાંધો ઉઠાવ્યો કે એમ કરવાથી એની પૂજા અધૂરી રહી જશે, પણ પેલા બધાએ એને કેમેય કરીને છોડ્યો નહિ. બોલ્યા કે શિવનો વેશ ભજવતાં ભજવતાં એણે આખોયે વખત શિવજીનું જ ચિંતન કરવાનું છે, તે કાંઈ પૂજા કરવા કરતાં કોઈ રીતે ઊતરતું નથી. અને વળી એ પ્રમાણે નહિ કરે તો કેટલા બધા લોકોનો આનંદ વેરવિખેર થઈ જશે એનો પણ ખ્યાલ કરવો જોઈએ. એ બધા લોકોએ પણ ઉપવાસ રાખેલો છે અને આવી રીતે રાતનું જાગરણ કરીને વ્રત પૂરું કરવાનું નક્કી કરીને બેઠેલા છે.
છેવટે માની જઈને ગદાધર શિવનો વેશ લઈને તખ્તા ઉપર ઊતર્યાે. પણ જટા, રુદ્રાક્ષ અને ભભૂતિનો સાજ સજીને એ તો શિવચિંતનમાં એટલી હદે તન્મય થઈ ગયો કે બહારની દુનિયાનું લવલેશ ભાન જ રહ્યું નહિ. એમને એમ કેટલોય વખત પસાર થઈ ગયો પણ એને શુદ્ધિ આવતી નથી એમ જણાતાં એ રાત્રે તો નાટક ભજવવાનું માંડી વાળવું પડેલું.
Your Content Goes Here





