આધુનિક યુગમાં આરાધના એટલે માનવતાની આરાધના. નવયુગના વિચારકો, સંતો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, કલાકારોએ માનવીની સુખાકારીને મહત્તા આપી છે. આજનો બુદ્ધિજીવી સામાન્ય લોકોની સુખાકારી માટે મથી રહ્યો છે. કેટલાક ધનિકો લોકસેવા માટે પોતાની જીવનભરની સંપત્તિ અને સમય આપી રહ્યા છે. મનુષ્ય પોતાની સુખાકારી અને આત્મસંતોષ માટે બીજાને મદદ કરવા પ્રયત્નશીલ બન્યો છે. આમ, માનવસેવા એ જ પ્રભુ સેવાનો સ્વામીજીનો મંત્ર સાર્થક બની રહ્યો છે.
૧૯મી સદીના બંગાળના સંતશ્રી રામકૃષ્ણ પરમહંસ અર્વાચીન યુગના યુગદૃષ્ટા હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ-મિશનની સ્થાપના કરી. (૯ ડિસેમ્બર, ૧૮૯૮)
ત્યારે સ્વામીજીએ કહ્યું હતું: ‘હું તો અત્યારે કેવળ પાયો નાખી રહ્યો છું. પણ સમય જતાં આ સ્થળે મહાન કાર્યો સિદ્ધ થવાના છે… આપણે ધર્મના સર્વોચ્ચ સિદ્ધાંતો અને આદર્શોનાં અભ્યાસ અને સમજણ મેળવીને બેસી રહેવાનું નથી. પરંતુ જીવનવ્યવહારમાં તેનો ઉપયોગ કરવાનો છે. (સ્વા. વિ. વિ.જી., ૨૯૩)
શ્રીરામકૃષ્ણ મિશન લોકોની આધ્યાત્મિક પુન: જાગૃતિ માટે સો વર્ષથી વધારે સમયથી મૂક બનીને કાર્યરત છે. તેણે પંથો અને નાત-જાતથી પર વૈશ્વિક આધ્યાત્મિક આંદોલનને ગતિમાન કર્યું છે.
રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓના આ સંઘની સ્થાપના એ ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ કહી શકાય. સ્વામીજીના પુરોગામી કાળમાં આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ આદર્શો તો લગભગ સમાજસેવાથી વિમુખ બની ગયેલા હતા. સાધુસંતો તો અરણ્યવાસ જ પસંદ કરતા હતા. પરંતુ સ્વામીજીએ લોકોની પરિસ્થિતિ સુધારવા માટે જનસમાજની વચ્ચે જ મઠ સ્થાપીને નવો જ આદર્શ ખડો કરી દીધો. જેમને ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ થઈ હોય અને સાથે સાથે જેમને માનવજાત પ્રત્યે વ્યાપક પ્રેમ હોય એવા આધુનિક યુગને અનુરૂપ નવા જ પ્રકારના સંન્યાસી આ મઠમાં તૈયાર થવાના હતા.
સ્વામી વિવેકાનંદે લોકોનાં દુ:ખદર્દ દૂર કરવા માટે વિભિન્ન પ્રકારનાં સેવાકાર્યો કરવા, રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. દરેક ઈસુને સેન્ટ પોલની જરૂર હોય છે; દરેક પરમહંસને સ્વામી વિવેકાનંદની જરૂર હોય છે; જે ઈશ્વરને વાસ્તવિકતા સાથે જોડે છે.
હિંદુધર્મમાં મિશન શબ્દ ન હતો. મિશન એટલે જીવનદૃષ્ટિ, જીવનનો હેતુ, આસક્તિ વગરની પરોવણી, નવચેતનાનો સંચાર, સનાતનધર્મની ઉદ્ઘોષણાને કાર્યાન્વિત કરવાનું કામ, ગીતાનો સ્થાયી ભાવ કર્મ છોડે તે પડે, કર્મ કરવા છતાં કર્મનાં ફળ છોડે તે ફળે. સ્વામીજીએ માનવસેવાને પ્રભુસેવાનું નવલું રૂપ આપ્યું. માનવસેવાધર્મનો પ્રચાર કર્યો.
કર્મયોગ-સેવાયોગ સ્વામીજીનું વિશિષ્ટ પ્રદાન હતું. તેઓ કહેતા કે સંન્યાસ ધર્મની યોગ્યતા ધરાવતી વ્યક્તિઓ અલ્પ હોય છે. પણ સેવાના આદર્શનું અવલંબન કરીને સાધારણ વ્યક્તિઓ પણ સંન્યાસ ધર્મનો સ્વીકાર કરી શકશે.
વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક માસ્ટર મહાશય પણ શરૂઆતમાં એમ માનતા હતા કે ધ્યાન, જપ, પ્રાર્થના વગેરે પરંપરાગત સાધના જ હિતાવહ છે. સેવાનાં કાર્યો માયાનાં બંધન સ્વરૂપ છે, સંન્યાસી માટે ત્યાજ્ય છે. એકવાર શ્રીમા વારાણસી સેવાશ્રમ જોવા આવ્યાં. ત્યારે માસ્ટર મહાશય ત્યાં જ હતા. ત્યાં સંન્યાસીઓને રોગીઓની સેવા કરતા જોઈને શ્રીમા સંતોષ પામીને બોલ્યાં: ‘શ્રીરામકૃષ્ણદેવ અહીં સાક્ષાત્ વિરાજે છે. અહીં ઠીક ઠીક નારાયણસેવા થાય છે.’ ત્યારે માસ્ટર મહાશયે પણ કહેવું પડ્યું કે શ્રીમા જ્યારે સેવાધર્મનો સ્વીકાર કરે છે ત્યારે તો માન્યા વગર છૂટકો જ નથી.
સ્વામીજીએ ગરીબ અને પીડિતોની સેવા દ્વારા પ્રભુ સેવા કરવાનો ઉપદેશ આપ્યો હતો. એનું બીજ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ (કાશી) નામના વટવૃક્ષ રૂપે ઊગી નીકળ્યું. આ સેવાશ્રમે હજારો જરૂરિયાતમંદ અને માંદા લોકોની સેવા કરી. આજે તે વિશાળ હૉસ્પિટલ છે.
અહીં પ્રારંભના દિવસોમાં કેવળ સંન્યાસીઓ જ રોગીઓની સેવા કરતા. ઝાડુપોતું કરવું, રોગીના મળમૂત્રનાં વાસણોની સફાઈ, તેમની પથારી કરવી, સાફ રાખવી, તેમને નવડાવવા તેમજ ડૉક્ટરે આપેલ સૂચના પ્રમાણે તેની સાર-સંભાળ લેતા હતા. આ બધાં કાર્યો તેઓ પૂરા ખંત અને નિષ્ઠાથી કરતા. માનવમાં રહેલ પ્રભુની સેવાના ઉચ્ચ ભાવ આદર્શથી આ સંસ્થાના સંસ્થાપકો અને પરંપરાથી આવતા સંન્યાસીઓએ, દરિદ્રનારાયણની કરેલ સેવા એ આ સંસ્થાનો સુવર્ણમય ઇતિહાસ બન્યો છે.
હરિદ્વાર અને ઋષિકેશની યાત્રામાં સંન્યાસીઓની અસહાય દશાને સ્વામીજીએ નજરે જોઈ અને અનુભવી હતી. એટલે એમણે સ્વામી કલ્યાણાનંદજીને ત્યાં જઈ આવા અસહાય સંન્યાસીઓની સેવા કરવા કહ્યું હતું. ત્યાં ગરીબો અને અસ્પૃશ્યોની પણ સેવા થવા લાગી હતી. ત્યારે સંન્યાસી સંપ્રદાયમાં ઉહાપોહ થઈ ગયો. સંન્યાસી દવા આપે, પાટાપીંડી કરે, ઓફિસમાં કામ કરે, હિસાબ કરે, આ કાર્યો સંન્યાસી સંપ્રદાયોને ધર્મ વિરુદ્ધના લાગ્યા હતા.
પરંતુ રામકૃષ્ણ મિશનનો હેતુ જ શિવજ્ઞાને જીવસેવા રહ્યો છે. ઈ.સ. ૧૮૯૮માં કોલકાતામાં જ્યારે પ્લેગના રોગે ભયંકર રૂપ ધારણ કર્યું ત્યારે સ્વામીજી લોકોના દુ:ખથી વ્યાકુળ બની ગયા હતા. દાર્જીલિંગથી કોલકાતા આવીને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના રાહતકાર્યનો પ્રારંભ કર્યો હતો. નાણાકીય પ્રશ્ને સ્વામીજીએ કહ્યું હતું : ‘જરૂર પડશે તો બેલૂર મઠની જમીન વેંચી નાખશું.’ જો કે રાહતકાર્ય માટે ધન પ્રાપ્ત થયું હતું.
સ્વામીજી દેશબાંધવોના પ્રાણપ્રશ્નોથી સતત ચિંતિત હતા. તેઓ કહેતા: ‘જે ધર્મ ભૂખ્યાઓને મૂઠીભર અનાજ ન આપી શકે, વિધવાઓના આંસુ ન લૂછી શકે, તેવા ધર્મમાં હું માનતો નથી.’
ભૂખ્યાઓનો ધર્મ રોટલો છે. ધર્મના કોશેટામાં પુરાઈને રહેનાર, પડોશીની પરવા ન કરનાર અધ્યાત્મથી સમાજનો ઉદ્ધાર શક્ય નથી. જે પ્રજા રોટલો ન પામે, તે ઈશ્વરને પામે એ શક્ય નથી. આમ શિવજ્ઞાને જીવસેવા એ જ શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો આદર્શ હતો. શ્રીરામકૃષ્ણ મિશન અને મઠ દ્વારા વેદાંત ધર્મનો પ્રચાર અને સમાજ ઉપયોગી અનેક સેવાકાર્યો અવિરતપણે આજે પણ ચાલી રહ્યાં છે. સમાજનાં શૈક્ષણિક વિકાસ અને તબીબી સેવાના પ્રકલ્પ હંમેશાં ચાલતા રહે છે. તદુપરાંત કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, દુષ્કાળ, પૂર કે અન્ય આકસ્મિક આફત સમયે અસરગ્રસ્ત લોકોની સહાય માટે દોડી જાય છે. આ શિવજ્ઞાને જીવસેવામાં મિશનના સંન્યાસીઓની સાથે ગૃહસ્થ અનુયાયી પણ જોડાય છે. આ રીતે સમાજ ઉપયોગી કાર્યોમાં લોકોને જોડવાના હેતુમાં સફળતા મળી છે.
વર્તમાન સમયમાં રામકૃષ્ણ મિશનના ધ્યેય પર ચાલીને અનેક શિક્ષાર્થી અને દિક્ષાર્થી લોકો ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ:ખીને ઈશ્વર માનીને તેઓની સેવાને પરમધર્મ તરીકે સ્વીકારી પોતાનું જીવન ધન્ય બનાવે છે. એ રીતે આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ મંત્રને સાર્થક કરે છે.
સેવા રૂરલ, ઝઘડિયામાં થઈ રહેલી નારાયણ સેવા શ્રીરામકૃષ્ણદેવની ભાવધારાનું જીવંત ઉદાહરણ છે. શિવજ્ઞાને જીવસેવાનું મૂર્ત સ્વરૂપ અહીં પણ જોઈ શકાય છે. લત્તાબહેન અને અનિલભાઈ દેસાઈના ટીમવર્ક દ્વારા થઈ રહેલી સેવામાં મિશનના આદર્શનો પડઘો પડે છે. શ્રીરામકૃષ્ણ ભાવધારા સાથે જોડાયેલા ગૃહસ્થ કર્મશીલો પોત-પોતાના સ્થાન પર રહી આ આંદોલન સાથે કદમ મિલાવી રહ્યા છે.
માનવદેહરૂપી મંદિરમાં રહેલ ઈશ્વરની પ્રેમથી પૂજા એ જ સાચી પૂજા છે.
Your Content Goes Here




