કેટલાક લોકો એવા હોય છે કે એમને હળતા-મળતા માણસો દરેક સમયે સમાજ અને દેશમાં મળી આવે છે. હું શરદ બાબુની નવલકથા ‘બિરાજબહુ’ વાંચતો હતો. એમાં આવતા નિલાંબર ચક્રવર્તીના અનુસંધાને મને રાજસ્થાનના શિવજી રામજીની સ્મૃતિ તાજી થઈ. જો આ પુસ્તક એ જ પ્રદેશમાં કોઈ લેખકે લખ્યું હોત તો એમને જાણનારા લોકોને નિલાંબર ચક્રવર્તીના પાત્રમાં શિવજી રામજી જ દેખાત.

આપણી આ કથાના નાયકનો જન્મ આજથી ૧૦૦ વર્ષ પહેલાં શેખાવાટીના કોઈ એક ગામડામાં થયો હતો. પિતાનું અવસાન વહેલું થઈ ગયું હતું. સાધારણ રીતે સંપન્ન સુખી ગૃહસ્થ હતા. ઘરમાં માતા અને બીજા બે ભાઈ હતા. માતા કંઈ ભણ્યાગણ્યાં ન હતાં, હતાં ચતુર અને બુદ્ધિમાન. પતિના મૃત્યુ પછી બંને પુત્રોને સારી રીતે ભણાવ્યા. પોતાનો ઘર-સંસાર પણ સંભાળી રાખ્યો. બંને ભાઈઓને પરસ્પર એટલો પ્રેમભાવ હતો કે લોકો એને રામલક્ષ્મણની જોડી કહેતા. એ જમાના પ્રમાણે એમનાં લગ્ન નાનપણમાં જ થઈ ગયાં.

એક દિવસ મોટા ભાઈ રામકિશને મુંબઈ જઈને કંઈ કામ ધંધો કરવાનો વિચાર કર્યો અને એ વિશે માતાને વાત કરી. એ વખતે એની ઉંમર વીસ વર્ષની હતી અને ક્યારેય પોતાના પ્રદેશને છોડીને બહાર ગયો ન હતો. દેશ પરદેશમાં જવું-આવવું ઘણું કષ્ટમય હતું. પિતાની શીતળ છાંયડી પણ ન હતી. જે કંઈ મૂડી હતી તે છેલ્લાં વીતેલાં વર્ષોમાં ખર્ચાઈ ગઈ હતી. એટલે મનને મારીને માતાએ પુત્રને મુંબઈ જવાની આજ્ઞા આપી. 

વૃદ્ધ માતાની સેવા કરવા નાના ભાઈ શિવજીરામ અને પત્નીને ઘરે રાખીને મોટાભાઈ મુંબઈ જવા રવાના થયા. શિવજીરામના ભાગે કોઈ કામ તો હતું નહિ, એટલે એ પોતે નાનાં બાળકો સાથે રમતો અને ગામમાં કોઈ સાધુસંત આવે તો એમની સેવામાં સૌથી પહેલાં પહોંચી જતો.

ત્રણ માઈલ દૂર જંગલમાં એક કૂવો હતો. સવારે વહેલા ઊઠીને નિત્યકર્મ માટે ત્યાં એ ચાલ્યો જતો. સાથે ચાર -પાંચ શેર અનાજ લઈ જતો અને પક્ષીઓને ચણ નાખતો. ત્યાંથી આવીને પોતાની બે ગાયને ઘાસચારો નાખતો અને એની ગમાણની સફાઈનું બધું કામ કરી લેતો. સ્નાનવિધિ પતાવીને રામજી મંદિરમાં જતો. રામચંદ્ર એમના કુળદેવતા હતા. 

ગામડામાં રહીને પણ વૈદુ અને નાડી પરીક્ષાનું સારું જ્ઞાન મેળવી લીધું. ફુરસદના સમયે ગરીબ લોકોની ચિકિત્સા સેવા કરતો. કેટલાક લોકોને દવા ઉપરાંત પથ્ય પણ પોતાની પાસેથી આપી દેતો. આ બધું તો કરતો પણ સાથે ને સાથે એમણે જીવનનો એક નિયમ બનાવી દીધો હતો કે ગામમાં કોઈનુંય અવસાન થાય તો ત્યાં પહોંચી જવું. સ્મશાનનાં બધાં કામો મન લગાડીને કરતો. આવા કામમાં પછી ભલે વૈશાખ-જેઠનો આકરો તાપ હોય કે પોષ-મહા માસની કડકડતી ઠંડી રાત હોય પણ શિવજીરામ ભૂલ્યા વિના આવા પ્રસંગે પહોંચી જ જતો.

એ જમાનામાં લોકો અસ્પૃશ્યતામાં બહુ માનતા. શિવજી માનતો કે મૃત્યુ પછી તો ભગવાનની જ્યોતમાં માનવની પ્રાણજ્યોતિ મળી જાય છે. મરનારને કોઈ જ્ઞાતિજાતિ હોતી નથી. એટલે ગરીબ હરિજનોને ત્યાં પણ આવે પ્રસંગે પહોંચી જતો. પોતાના ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બધા લોકો એને શિવજી ભૈયા કહીને બોલાવતા.

મા પણ ધાર્મિક ભાવવાળી હતી અને એની પ્રેરણાથી શિવજીરામને આવાં કામોમાં રુચિ જન્મી. પોતાની પત્ની અને ભાભીને આ બધું ગમતું નહિ. તેઓ કહેતી: ‘આવાં બધાં આફત-બલા જેવાં કામ તમારી જવાબદારીએ પડેલાં છે.’

ક્યારેક ક્યારેક ગામના લુચ્ચા-લફંગા લોકો પણ માંદગી કે દુ:ખનું બહાનુ કરીને શિવજીને ધૂતી જતા. શિવજીરામ પાસે જનાર કોઈ ભાગ્યે જ નિરાશ થયો હશે. મોટા ભાઈ ત્રણ-ચાર વર્ષે દેશમાં આવતા અને બે ત્રણ મહિના રહીને વળી પાછા મુંબઈ ચાલ્યા જતા. માતાનું અવસાન થતાં, પત્ની અને પુત્રને પણ તેઓ પોતાની સાથે મુંબઈ લઈ ગયા. ગામમાં તો હવે શિવજીરામ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. સને ૧૯૦૧માં મુંબઈમાં જે મહામારી થઈ તેમાં રામકિશનનું મૃત્યુ થઈ ગયું. તેની વિધવા પત્ની અને ચૌદ વર્ષનો પુત્ર રામદયાલ બંને રોતા-કકળતા પોતાના ગામમાં કાકા શિવજીરામ પાસે આવી ગયાં. હવે બધો ભાર તેના પર આવી ગયો. શિવજીરામે મુંબઈ ન જઈ પોતાના ગામમાં જ મોદીની દુકાન કરી અને ભત્રીજાને પણ સાથે રાખી કામ શીખવવા લાગ્યા.

દુકાનદારી નિભાવવી એમાં સૂઝ-સમજણ અને ચાલાકી જોઈએ. શિવજીરામ તો સીધા સરળ, એટલે આવું બધું એમનામાં ન હતું. લોકો ઉધાર લઈ જતા પછી પૈસા ન આપતા. એ બધાંને પૂરેપૂરી ખબર હતી કે શિવજીરામ પૈસા મેળવવા ક્યારેય કોર્ટ કચેરી નહિ કરે કે બદનામ નહિ કરે. આનું પરિણામ એ આવ્યું કે બે-ત્રણ વર્ષ પછી નુકશાની વેઠીને દુકાનનું ઊઠમણું કરવું પડ્યું. આ સમય દરમિયાન શિવજીનો ભત્રીજો રામદયાલ પોતાના પિતાની જેમ ઠીક ઠીક હોશિયાર થઈ ગયો અને એ પણ મુંબઈ ચાલ્યો ગયો.

રામદયાલના પિતાને ત્યાંના વેપારીઓ સાથે સારો સંપર્ક-સંબંધ હતો. એમણે એની ઈમાનદારીની બાંહેધરી આપી. મુંબઈ જઈને એણે કોટન એક્સચેંજમાં પોતાના પિતાની જૂની પેઢીને ફરીથી ચાલુ કરી દીધી. સંજોગવશાત્‌ થોડાં વર્ષમાં જ ધંધો જામી ગયો અને પોતાની પાસે લાખો રૂપિયાની મૂડી થઈ ગઈ.

પોતાના કાકાને કેટલીયે વાર મુંબઈ આવવા માટે રામદયાલે લખ્યું હતું. પોતાના ગામમાં એટલા કામ રહેતા હતા કે શિવજીરામ મુંબઈ ન જઈ શક્યા. દ્વારકાધામની યાત્રા વખતે શિવજીરામને સપરિવાર મુંબઈ રહેવાનો મોકો મળી ગયો. અહીં પોતાના ભત્રીજાનો વૈભવ અને ખ્યાતિ જોઈને ખૂબ ખુશ થયા. રામદયાલ અને એની પત્નીએ એમને અહીં જ રહેવાની વિનંતી કરી; પણ શિવજીનું મન આ વ્યસ્ત મહાનગરીમાં લાગતું ન હતું. 

થોડા દિવસો પછી વળી પાછા રાજસ્થાન આવી ગયા. હવે શિવજી ભૈયાને બદલે તેઓ શેઠ શિવજીરામ બની ગયા. દાન ધર્મની માત્રા વધતી ગઈ. ઉંમર પણ પ્રૌઢ થઈ ગઈ. બહુ ભાગદોડ કરી ન શકતા. આટલા ગુણો હોવા છતાં ઘરની સમસ્યાઓ તરફ એમણે ક્યારેય ધ્યાન ન દીધું. એ એની ખામી હતી. બંને છોકરીઓનાં લગ્ન તો સારા ઘરમાં થઈ ગયાં પરંતુ એક માત્ર છોકરો કંઈ ભણી શક્યો નહિ.

હવે ગામમાં એવાય લોકો હતા કે જેમને શિવજીરામનાં યશકીર્તિ કે માનને લીધે ઈર્ષ્યા થતી. એમણે મુંબઈમાં રામદયાલના કાન ફૂંકવા માંડ્યાં: ‘અરે, આ તો કેવી નવાઈની વાત! તમે અહીં મહેનત કરીને પરસેવો પાડીને કમાઓ છો અને ત્યાં ગામડામાં વાહ, વાહ અને શાબાશી તો તમારા કાકાની થાય છે!’ રામદયાલની પત્ની તો પહેલેથી જ હૃદયમાં બળાપા સંઘરીને બેઠી હતી પણ પતિના ડરને લીધે કંઈ બોલતી ન હતી. એમણે ઘણી ઘણી વાર કહ્યું એટલે રામદયાલ કેટલાંક વર્ષો પછી પોતાનાં બાળબચ્ચાં સાથે મુંબઈથી પોતાને ગામ આવ્યાં. 

વાસ્તવિક રીતે એણે લોકોને મુખે જે વાત સાંભળી હતી તે સાચી નીકળી. ચોતરફ શેઠ શિવજીરામની જ પ્રશંસા થતી સાંભળી. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં લોકો ઊભા થઈને રામરામ કરતા અને ભેટતા. શિવજીરામ સવારથી સાંજ સુધી સેંકડો અભ્યાગતો માટે અન્નક્ષેત્ર ચાલુ રાખતા. આખો દિવસ જરૂરતવાળા લોકોની ભીડ જામતી. 

લાગ જોઈને રામદયાલે કાકાની પાસે સંપત્તિમાં ભાગ પાડી લેવા કહ્યું. પહેલાં તો શિવજીરામને આ સાંભળીને ઘણું દુ:ખ થયું, પોતાની જાતને સંભાળીને કહ્યું: ‘બેટા, કમાણી તો બધી તમારી જ છે. મેં તો આ ઉંમર સુધી ખર્ચ જ કર્યે રાખ્યો છે. એટલે જેવી તમારી ઇચ્છા હોય એ પ્રમાણે કરો. એમાં મને કંઈ કહેવાની જરૂર નથી!’

એક કાગળ ઉપર બધી સંપત્તિનું વિવરણ લખ્યું. ગામની મોટી હવેલી અને મુંબઈની પેઢી રામદયાલે પોતાના માટે રાખવાનું લખ્યું. રોકડા રૂપિયાના સરખા ભાગ પાડવામાં આવ્યા. પોતાનું મકાન છોડીને બીજે રહેવા જતાં દુ:ખ તો થાય જ પણ શિવજીના ચહેરા પર એની એકેય રેખા દેખાતી ન હતી. 

શિવજીરામે રામદયાલને કહ્યું: ‘તમારાં માન અને યશકીર્તિ તેમજ આબરુને ધ્યાનમાં રાખીને આ મોટી હવેલીમાં રહેવું તમારા માટે સર્વથા યોગ્ય જ છે. ભાઈ, હું કાલે જ નાના મકાનમાં રહેવા ચાલ્યો જઈશ. હવે વાત રહી રોકડા રૂપિયાની પણ મને તો ખ્યાલેય નથી કે આટલા બધા રૂપિયા મારી પાસે છે. ભાઈ, એ નાણાને હું કેવી રીતે સંભાળીશ! તું તો મારા પુત્ર દેવદત્ત જેવો જ છો, એ તો તું જાણે છે. એટલે આ રૂપિયા તું તારી પાસે જ રાખ. ખર્ચા માટે જરૂર હશે એટલા મગાવી લઈશ.’ 

છેલ્લું વાક્ય બોલતાં બોલતાં શિવજીરામની આંખો ભીની થઈ ગઈ. રામદયાલ વિચારવા લાગ્યો: ‘કાકાએ હિસાબકિતાબ જોયો નથી. હવેલીનું મોટું મકાન છોડી દેવામાં કંઈ વાંધોવિરોધ ન કર્યો અને મુંબઈની પેઢીમાંથી પણ કંઈ આશાઅપેક્ષા ન રાખી અને વધુમાં આ બધી રોકડ રકમ મને સોંપી દેવા તૈયાર છે.’

આવો વિચાર કરતાં એને પોતાની જાત પર શરમ આવી અને મનમાં દુ:ખ થયું. રડતાં રડતાં કાકા શિવજીરામના પગમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો: ‘લોકોએ મારા કાન ભંભેર્યા અને એમની ભંભેરણીમાં આવીને મેં આ ન કરવા જેવું કાર્ય કર્યું. મારે હવે સંપત્તિમાં કોઈ પણ જાતની ભાગબટાઈ કરવી નથી. સદ્‌ભાગ્યથી જ આપના જેવા પવિત્ર દિલના કાકા મળે. પિતાજી તો નાનપણમાં જ મને છોડીને ચાલ્યા ગયા હતા. જો તમે મને ભણાવ્યો-ગણાવ્યો ન હોત અને વેપારવાણિજ્યમાં યોગ્ય ન બનાવ્યો હોત તો આજે આટલો મોટો વૈભવ કે આટલી મોટી સંપત્તિ મારી પાસે હોત ખરી?’

થોડા દિવસો પછી મુંબઈ જતી વખતે પોતાના નાના ભાઈ દેવદત્તને પણ સાથે લઈ ગયો. દેવદત્ત મુંબઈ ગયો. એની જૂની કુટેવો દૂર થઈ અને એ પણ કામે લાગી ગયો. મેં જ્યારે શિવજીરામને જોયા ત્યારે એમની ઉંમર ૮૦ વર્ષની હતી. તેઓ વૃદ્ધ હતા. ત્યાગ અને સંયમનું જીવન જીવતા હતા એટલે એમનું સ્વાસ્થ્ય પણ સારું હતું. દાન-ધર્મની રીતભાત બદલી ગઈ. સદાવ્રત અને બ્રાહ્મણભોજનની સાથે એમણે સ્થાપેલ શાળા, હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ પણ જનતાની સેવામાં કાર્યરત છે.

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.