(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨)
સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર
શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર કહ્યા કરતા ‘જ્ઞાનપથ ઘણો કઠિન છે’. પરંતુ ક્યારેક ક્યારેક આપણને એનો અપવાદ પણ જોવા મળે છે. દૃષ્ટાંત તરીકે, સ્વામીજીને એમણે જ્ઞાનપથનો ઉપદેશ આપ્યો હતો. જેવી રીતે સ્વામીજીને જગન્માતા-શક્તિમાં શ્રદ્ધા રાખતા કર્યા હતા તેવી જ રીતે એમને ‘બધા બ્રહ્મ છે’ આ ઉપદેશ પણ આપ્યો હતો. આ વાત જો કે અલગ છે કે સ્વામીજીએ એ વાત સ્વીકારી નહિ. એમણે ઉપહાસ કરતા કહ્યું: ‘લોટો બ્રહ્મ છે, વાટકો પણ બ્રહ્મ છે!’ શ્રીઠાકુરે થોડું હસીને કહ્યું: ‘પછીથી આ બધું સમજીશ.’ અને ખરેખર સ્વામીજીના જીવનમાં પછીથી કંઈક એવું બન્યું કે તેઓ સર્વત્ર બ્રહ્મદર્શન કરવા લાગ્યા. એક વર્ણન આવે છે : નરેન્દ્રના મા નરેન્દ્રને ખાવાનું પીરસતાં હતાં. એ વખતે નરેન્દ્ર જુએ છે કે ભોજન, થાળી, વાટકો, બધું બ્રહ્મ છે. એમને ખરેખર એવી અનુભૂતિ થઈ કે તેઓ સર્વત્ર બ્રહ્મનું જ દર્શન કરવા લાગ્યા. ત્યારબાદ તેઓ શ્રીઠાકુરની વાતોનો પ્રતિવાદ કરી શકતા ન હતા. આપણે જોયું છે કે પહેલાં જો કોઈ વિપરીત મતનું પણ પોષણ કરે તો શ્રીઠાકુર એમાં વાંધો-વિરોધ ન કરે. એટલા માટે નરેન્દ્રે જ્યારે ‘મા કાલી’ને ન માનવાનું ઇચ્છ્યું ત્યારે એમણે કોઈ વિશેષ આગ્રહ ન કર્યો. પરંતુ પછીથી જ્યારે નરેન્દ્રે જગન્માતામાં શ્રદ્ધા વ્યક્ત કરી ત્યારે શ્રીઠાકુર કેટલા આનંદિત થઈ ગયા હતા! કારણ એ હતું કે નરેન્દ્રને એમણે વિશેષ રૂપે, પોતાના એક પૂર્ણ યંત્રરૂપે, આચાર્ય રૂપે તૈયાર કર્યા હતા; એમની પાસેથી વિભિન્ન મનોવૃત્તિવાળા લોકો શિક્ષણ-ઉપદેશ ગ્રહણ કરે, એટલે જ તો એમને વિભિન્ન ભાવોનું શિક્ષણ આપવા માટે શ્રીઠાકુરે આટલી બધી ચેષ્ટા કરી હતી. એમ કહેવાય છે કે નવટાંક-ચાંગળુંભર પાણીથી જો તરસ છીપાવી શકાય તો સમુદ્રમાં કેટલું પાણી છે એ જાણવાની કઈ આવશ્યકતા છે? આ વાત સામાન્ય લોકો માટે બરાબર હોઈ શકે છે પણ શ્રીઠાકુરે નરેન્દ્રને એ સામાન્ય કોટીમાં નહોતો રાખ્યો. આ બધા આપાતવિરોધી સિદ્ધાંતોમાં નરેન્દ્રને નિષ્ણાત બનાવીને તેમણે એમને એક અપૂર્વયંત્રના રૂપે પરિણત કર્યા હતા, અને ત્યાંથી સર્વધર્મસમન્વયનો સંદેશ દિગ્દિગંતમાં પ્રસરી ગયો હતો.
શ્રીઠાકુરની અહંકાર શૂન્યતા
ત્યાર પછી શ્રીઠાકુર કહે છે કે વેદોમાં જે સપ્તભૂમિની વાત છે તે મનની વિભિન્ન અવસ્થાઓનું વર્ણન છે. અનુભવથી સમજવું જોઈએ, યુક્તિ કે તર્ક દ્વારા એ સમજમાં ન આવી શકે. સપ્તમભૂમિ પર મન પહોંચી ગયા પછી શરીરની કોઈ પણ ક્રિયા સંભવિત થતી નથી. શ્રીઠાકુરના જીવનમાં આપણને જોવા મળે છે કે જ્યારે એમનું મન આ સપ્તમભૂમિથી નીચે ઊતરવા નહોતું ઇચ્છતું ત્યારે દૈવયોગે એક વ્યક્તિ એમના જીવનમાં આવી અને તેમના મનને બળપૂર્વક નીચે ખેંચી લાવીને ગમે તેમ કરીને એમને કંઈક ખવડાવી દેતા હતા. આ અવસ્થામાં તેઓ લગભગ છ મહિના સુધી રહ્યા. એ વાત સાચી છે કે સામાન્ય લોકો માટે આ અવસ્થામાં વધારે દિવસ રહેવું સંભવ નથી. આપણું શરીર જો ચૈતન્યથી અધિષ્ઠિત ન હોય તો તેના દ્વારા કોઈ કાર્ય થતું નથી. જો એવું છે તો પછી આચાર્યોની અવસ્થા શી છે? શ્રીઠાકુર કહે છે કે આચાર્યોમાં એક ‘વિદ્યાનો અહમ્’ રહે છે. શંકરાચાર્ય જેવામાં થોડો ‘વિદ્યાનો અહમ્’ હતો એટલે એમના દ્વારા પ્રચારકાર્ય સંભવ બન્યું. પરંતુ પોતાની જાતને બતાવતાં શ્રીઠાકુર કહે છે: ‘આની અંદર ‘હું’ જરા પણ નથી,પરંતું ‘તેઓ’ છે. આ ખૂબ આશ્ચર્યની વાત છે. ‘મારો થોડોક અહંકાર છે’ આ વાત તેમણે નથી કરી. કહે છે કે,‘આની અંદર બીજું કંઈ નથી, ‘હું’ નથી, અહીં ‘તેઓ’ છે.’ અર્થાત્ આ શરીર પ્રત્યે એમની અહમ્ બુદ્ધિ નથી. એમનો ભાવ છે – એમનું શરીર એક યંત્ર સમાન છે, જેને જગન્માતા નિયંત્રિત કરે છે, ચલાવે છે; પ્રતિક્ષણ એ શરીર દ્વારા જે કંઈ પણ ક્રિયા થઈ રહી છે, તે એમનાં – જગન્માતા દ્વારા નિષ્પન્ન થઈ રહી છે. આ જે દેહાભિમાન શૂન્યતા અને પોતાની જાતને જગન્માતાના યંત્રરૂપે જોવાની વાત છે તે કેવળ અવતારપુરુષ માટે જ સંભવિત છે.
વેદોક્ત સપ્તભૂમિ
અહીં જે સપ્તભૂમિની વાત કહી છે તે મનના વિભિન્ન સ્તર – જેવા કે ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, વગેરેની વાત છે. પહેલા મનની અવસ્થા પાગલ જેવી હોય છે. પાગલ એ છે જે વસ્તુને એકદમ ઊલટી જુએ છે, સત્યને મિથ્યા અને મિથ્યાને સત્યરૂપે જુએ છે; આ છે ‘ક્ષિપ્ત અવસ્થા’. ‘મૂઢ અવસ્થા’માં બુદ્ધિ કામ જ કરતી નથી. એના પછી છે ‘વિક્ષિપ્ત અવસ્થા’, એમાં મનની ગતિ ક્યારેક સત્ય તરફ હોય છે તો ક્યારેક મિથ્યા તરફ; સામાન્ય દૃષ્ટિએ કહી શકાય કે ક્યારેક ભગવાન તરફ તો વળી ક્યારેક સંસાર તરફ. એના પછી છે ‘એકાગ્ર અવસ્થા’ આ અવસ્થામાં મનને વિષયોથી સમેટી લઈને ધ્યેય-વસ્તુ સાથે જોડી દેવામાં આવે છે. આ અવસ્થાથી પ્રમાણમાં કંઈક ઊંચી અવસ્થાનું નામ છે ‘નિરોધાવસ્થા’, આ અવસ્થામાં ઇન્દ્રિયો પૂર્ણ રૂપે નિરુદ્ધ બની જાય છે. એના પછીની અવસ્થા છે ‘સ્વત: વ્યુત્થાન’ જે સમાધિની અવસ્થા છે; પરંતુ આ અવસ્થામાં પણ મનમાં સંસ્કાર લેશમાત્રામાં પણ રહી જવાને કારણે તે પોતે જ સમાધિથી નીચે ઊતરી આવે છે. એના પછી થોડાક આગળ વધવાથી જે અવસ્થા આવે છે તેનું નામ છે ‘પરત: વ્યુત્થાન’. આ અવસ્થામાં મન નીચે ઊતરવા જ ઇચ્છતું નથી. માત્ર બીજી કોઈ વ્યક્તિ જ પ્રયત્ન કરીને તેને નીચે ઉતારી શકે છે. આ રીતે વિભિન્ન ભૂમિની સાથે શ્રીઠાકુરને પરિચય થયો છે અને તેઓ છે શ્રીજગન્માતાના એક અપૂર્વ યંત્ર.
આના પછી શ્રીઠાકુર કહે છે: ‘બ્રહ્મજ્ઞાનીની આ અવસ્થા ઘણી કઠિન છે. તમારા લોકો માટે ભક્તિપથ ઘણો સારો અને સહજ છે.’ આ વાત એમણે શા માટે કરી? એ સમજવું મુશ્કેલ છે. એવું લાગે છે કે આ વાત કરવા પાછળનો હેતુ એ હશે કે આ પ્રકારે વ્યક્તિત્વલોપની અવસ્થા કદાચ બધા લોકો પસંદ ન કરે. બ્રહ્મનું અનુસરણ કરવાવાળા બ્રહ્મજ્ઞાની બ્રહ્મની અવસ્થાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તે પણ પોતાના અવશ્યંભાવિ મૃત્યુની વાત વિચારીને કદાચ ડરી જશે. એટલા માટે શ્રીઠાકુર કહે છે : ‘તમારા લોકો માટે ભક્તિપથ ઘણો સારો અને સહજ છે.’ સારો શા માટે છે? સારો એટલા માટે છે કે ઘણા લોકો માટે આ પથનું અનુસરણ કરવું સંભવ છે. સામાન્ય લોકો માટે જ્ઞાનીની જેમ પોતાના ‘હું’ને એકદમ વિલીન કરી દેવું એ સહજ વાત નથી.
મથુર અને એમની ભાવાવસ્થા
લેશમાત્ર પણ કામના રહેવાથી સમાધિની વાત તો દૂર રહી પરંતુ કોઈ પણ ઉચ્ચ ભાવભૂમિમાં રહેવું-ટકવું સંભવ નથી. આવું મથુરબાબુ સાથે બન્યું હતું. મથુરબાબુએ ભાવ માટે શ્રીઠાકુરને પ્રાર્થના કરી. શ્રીઠાકુરે કહ્યું: ‘એ તો જગન્માતાની ઇચ્છા થવાથી બનશે.’ પાછળથી જ્યારે મથુરબાબુને ખરેખર આ ભાવ થયો ત્યારે તેઓ એટલા બધા અધીર બની ઊઠ્યા કે શ્રીઠાકુરને કહેવા લાગ્યા: ‘બાબા, તમે તમારો આ ભાવ પાછો લઈ લો, આ ભાવની લપેટમાં મારી બધી સંપત્તિ નાશ પામી રહી છે, હું કોઈ બાજુ મન લગાડી શકતો નથી.’ સામાન્ય રૂપે થોડા ભાવના ઉન્મેષ સાથે જ જ્યારે આ અવસ્થા આવી ગઈ ત્યારે ક્યારેક જો ભાવ એટલા વેગે આવી જાય કે આપણું સમગ્ર મન જ લીન બની જાય; અને ત્યારે આ અવસ્થા મનુષ્ય માટે નિતાંત અસહ્ય વાત બની જશે. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે : ‘योगिनो बिभ्यति ह्यस्माद् अभये भयदर्शिन:’ – યોગીજન પણ આ અભય સ્વરૂપને જોઈને ભયથી સન્ત્રસ્ત બની જાય છે.
યાજ્ઞવલ્ક્ય-મૈત્રેયી સંવાદ
યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને ઉપદેશ આપતાં કહે છે: ‘न प्रेत्य संज्ञास्ति’ – આ અવસ્થા પાર કરવા માટે આ સિવાય કોઈ સંજ્ઞા રહેતી નથી. અહીં સંજ્ઞા કહેવાનો મતલબ છે જ્ઞાન, અને જ્ઞાન એટલે ‘હું’, ‘તમે’- આ બધું સંસારનું જ્ઞાન. આ બધું લુપ્ત થઈ જશે એ સાંભળીને મૈત્રેયી ગભરાઈને બોલ્યાં: ‘આ અવસ્થાને મેળવીને હું શું કરું? એ મને યોગ્ય કે સારી લાગતી નથી.’ એટલે યાજ્ઞવલ્ક્યે સમજાવ્યું: ‘સંજ્ઞાનો અર્થ એ નથી કે ત્યાં પહોંચીને તમારી સત્તા જ લુપ્ત થઈ જાય. સંજ્ઞા એટલે સાંસારિક વિષયોનું જ્ઞાન – એનો લોપ થઈ જશે.’ એમના સમજાવ્યા પછી સંભવ છે કે મૈત્રેયીનો ભય દૂર થઈ ગયો હોય, પરંતુ સાધારણ મનુષ્યનો આવો ભય ક્યારેય જતો નથી. તે એમ વિચારે કે તેનો અહંભાવ તદ્દન લુપ્ત થઈ જશે તો ભલે એ અવસ્થા સાધકો માટે અત્યંત કામ્ય – ઇચ્છનીય હોય પરંતુ સામાન્ય મનુષ્ય એ અવસ્થાને ક્યારેય ચાહશે નહિ. તે કહેવાનો: ‘એ પ્રકારની અવસ્થાની કંઈ જરૂર નથી, હું જેવો છું એવો જ ઠીક છું.’ સાધારણ મનની આવી જ અવસ્થા હોય છે. એટલા માટે શ્રીઠાકુર કહે છે: ‘તમારા લોકો માટે ભક્તિ પથ ખૂબ સારો અને સહજ છે.’ વળી શ્રીઠાકુર કહે છે: ‘મને એક વ્યક્તિએ કહ્યું હતું – મહારાજ, શું આપ મને સમાધિ શીખવી શકો છો?’ આ સાંભળીને બધા હસે છે. ‘સમાધિ’નું નામ સાંભળીને મનુષ્યમાં એક પ્રકારનું આકર્ષણ ઊભું થાય છે. તે એમ વિચારે છે કે શીખીને જો સમાધિસુખની થોડી મજા લઈ લેવાય તો એમાં ખોટું શું છે? પાંચ રૂપિયામાં સમાધિની વાત હું કેટલીય વાર કહી ચૂક્યો છું. એક ભાઈ નિયમિત રૂપે સમાધિ વેંચતા હતા. કિંમત હતી રૂપિયા પાંચ. એકી સાથે કેટલાય લોકોને બેસાડીને તે કહેતો: આ રીતે વિચાર કરો, ત્યાર બાદ સંમોહન વિદ્યાનો પ્રયોગ કરીને તે એ લોકોને એવી અવસ્થામાં પહોંચાડી દેતો કે જેથી એમને લાગતું કે સમાધિ થઈ ગઈ. આ સમાધિ તો ઘણી સુલભ હતી. કિંમત માત્ર રૂપિયા પાંચ. એટલા માટે તો એક વ્યક્તિએ શ્રીઠાકુરને પૂછ્યું: ‘મહારાજ, તમે સમાધિ શીખવી શકો?’
ઈશ્વરીયભાવ અને અનુભૂતિ
આપણે લોકો ભગવાનનું લીલાકીર્તન કરીએ છીએ, એમને ધ્યાનમાં રાખીને લીલાવિલાસની વાતો કરીએ છીએ; પરંતુ જ્યારે માણસ એમનામાં એકદમ લીન બની જાય છે ત્યારે એમને સાથે રાખીને એવા લીલાવિલાસ કરવાની તો પછી સંભાવના જ રહેતી નથી. એટલા માટે શ્રીઠાકુરે કહ્યું હતું: ‘ઈશ્વર પ્રત્યે જેટલું આગળ વધશો એટલું કર્મોનું આડંબર ઓછું થશે. એટલે સુધી કે એમના નામગુણગાન પણ બંધ થઈ જશે.’ ભક્તને પણ આવી સમાધિ પ્રાપ્ત થઈ શકે. ત્યારે એના દ્વારા બાહ્ય પૂજાપાઠ, અનુષ્ઠાન વગેરે સંભવ નથી. શ્રીઠાકુર કહેતા કે આ અવસ્થામાં તેઓ તર્પણ કરવા તો ગયા ખરા પરંતુ તેઓ તર્પણ કરી શક્યા નહિ. પછી, હલધારીએ સમજાવ્યું કે આ એક સાધનાની કક્ષા છે. આ કક્ષાએ પહોંચીને માણસની એવી જ અવસ્થા થઈ જાય છે.
ત્યાર પછી શ્રીઠાકુર અવતારી પુરુષોની કક્ષા બતાવે છે. તેઓ સમજાવે છે – જેનામાં શક્તિનો વિશેષ પ્રકાશ હોય એને અવતાર કહેવામાં આવે છે. અવતાર, સિદ્ધ અને સિદ્ધોમાં સિદ્ધ – આવો ભેદ શક્તિના પ્રકાશની અલગ અલગ માત્રાને કારણે કરવામાં આવે છે. ભગવાનની શક્તિ બધામાં પૂર્ણ રૂપે હોય છે, પણ તેના પ્રકાશમાં તારતમ્ય છે. આ વાત આપણે વ્યાવહારિક જગતથી સમજી શકીએ છીએ. એટલા માટે શ્રીઠાકુરે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું – તમારી ભીતર ઈશ્વરીય શક્તિનો અધિક પ્રકાશ છે એટલે જ તો લોકો તમને મળવા-જોવા આવે છે. જે વસ્તુ અખંડ છે તેને ખંડ ખંડ રૂપે કોઈ જગ્યાએ ઓછું તો કોઈ જગ્યાએ વધુ એમ કરી શકાતું નથી. એક રજકણ સુધ્ધામાં પણ ભગવાનની સત્તા પરિપૂર્ણ માત્રામાં વિદ્યમાન છે. માત્ર પ્રકાશનું અંતર છે. એટલે જ આપણી સમજમાં આવે છે કે કોણ બદ્ધ છે, કોણ મુમુક્ષુ છે, કોણ મુક્ત છે, કોણ સિદ્ધ છે અને કોણ અવતાર છે.
ત્યાર પછી લેક્ચર દેવાની વાત નીકળી. શ્રીઠાકુર બોલ્યા: ‘એક વાર મેં કેશવને કહ્યું – તમે લોકો કેવી રીતે લેક્ચર આપો છો તે હું સાંભળીશ.’ કેશવ તો અસાધારણ વાક્ પ્રતિભાવાળા હતા; એમણે વ્યાખ્યાન આપ્યું. શ્રીઠાકુર કહે છે: ‘સાંભળીને મને સમાધિ લાગી ગઈ.’ એમાં એમને એટલો આનંદ મળ્યો. પરંતુ સાથે ને સાથે એમ પણ કહે છે : ‘તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યની વાત આટલી શા માટે કહો છો? ભગવાન, તમે અમુક રચ્યું છે, તમુક બનાવ્યું છે; તમે સુંદર ફૂલ બનાવ્યા છે, આકાશ બનાવ્યું છે – આ બધું એટલું શા માટે?’ જે સ્વયં ઐશ્વર્ય ઇચ્છે છે તેઓ જ ઈશ્વરના ઐશ્વર્યનું આટલું વર્ણન કરે છે. જ્યાં સુધી આ ઐશ્વર્ય પ્રત્યે આપણો મોહ રહે છે ત્યાં સુધી ભગવાનના ઐશ્વર્યની તરફ દૃષ્ટિ રહે છે. પરંતુ જેટલા આપણે એની નજીક પહોંચીએ છીએ એટલી જ એમની સાથે આપણી ઘનિષ્ઠતા થઈ જાય છે. એટલા માટે સૌથી પહેલા ભગવાન અનંતશક્તિ સ્વરૂપ પ્રતીત થાય છે અને અંતે તેઓ જ અનંત પ્રેમ સ્વરૂપ બની જાય છે. શાંત અને દાસ્યમાં ઐશ્વર્યનો જે ભાવ રહે છે તે ભાવ સખ્યમાં ઓછો થઈ જાય છે અને વાત્સલ્યમાં તો એ તદ્દન લુપ્ત જ થઈ જાય છે. જેવી રીતે મા સંતાન પાસેથી કોઈ પણ પ્રકારની આશા કરતી નથી પણ તે તેને માત્ર આપતી રહે છે, તેની પાસેથી તેણે કંઈ લેવાનું નથી રહેતું; આવો જ સંબંધ જ્યારે ભગવાન સાથે થઈ જાય ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે ભગવાન પ્રત્યે ઠીક ઠીક આગળ વધી ચૂક્યા છીએ. સર્વોપરાંત છે મધુરભાવ; અહીં પ્રેમમાં વ્યક્તિ ભગવાનની સાથે સંપૂર્ણરૂપે એકાકાર બની જાય છે અને દ્વૈતભાવ તો જરાય રહેતો નથી.
આના પછી જન્માંતરની વાત નીકળી. એક વ્યક્તિએ પૂછ્યું: ‘શું આપ જન્માંતરમાં માનો છો?’ શ્રીઠાકુરે કહ્યું: ‘હા, મેં સાંભળ્યું છે કે જન્માંતર છે. ઈશ્વરના કાર્યને ક્ષુદ્ર બુદ્ધિથી કેવી રીતે સમજીશું? અનેક લોકો કહી ગયા છે એટલા માટે હું અવિશ્વાસ નથી કરી શકતો.’ ભગવાનની લીલા ભાઈ આપણે શું સમજીશું. ભીષ્મદેવની એ અંતિમવાત યાદ હશે – ‘ભગવાનની લીલા હું જરા ય ન સમજી શક્યો. જે ભગવાન સંસારના રક્ષક છે તેઓ જ પાંડવોના સારથિ બનીને એમની સાથે સાથે ફરી રહ્યા છે છતાં પણ પાંડુઓના દુ:ખનો ક્યાંય અંત જ નથી!’ તાત્પર્ય એ છે કે તમે લોકો આ જન્મમાં ભગવાનની પર્યાપ્ત લીલા જોઈ રહ્યા છો; જો એને સમજી ન શકતા હો તો જન્માંતરની ચિંતામાં આ દિમાગ-બુદ્ધિ લડાવવાથી લાભ શું! એને બદલે તો એ વિચારવું વધારે સારું રહેશે કે કઈ રીતે આ જન્મમાં આ જીવનને પૂરી રીતે કામમાં લગાડી શકાય. આ અનંત જગતનું બધું જાણી લેવું એ સંભવ નથી; તો પછી આટલા બધા નકામા સિદ્ધાંત મગજમાં ભરી દેવાથી શું ફાયદો? આ દુર્લભ મનુષ્ય જીવન મળ્યું છે, ભગવાનની કથા સાંભળવાનો અવસર મળ્યો છે અને સંભવ છે કે એમના પ્રત્યે કંઈક પ્રેમ પણ જન્મ્યો હોય; આવી અવસ્થામાં હવે એમનું ચિંતન કરવાની ચેષ્ટા કરવી પડશે, એમનામાં ડૂબી જવાની-લીન બની જવાની અને એમને સાથે રાખીને આનંદ પામવાની ચેષ્ટા કરવી પડશે.
Your Content Goes Here




