નિષ્ઠા અને વિશ્વાસ, વિશ્વાસ અને નિષ્ઠા – આ જ પ્રાચીન યુગમાં સામાન્ય માણસ માટેનો સહજ માર્ગ, તેઓ વિશ્વાસ રાખતા કે ઈશ્વર છે; ઈશ્વર દર્શન આપે છે. આ વિશ્વાસની સંપત્તિ જમા કરતા કરતા પથ પર ચાલ્યે જતા. બાળક ધ્રુવ વિશ્વાસ રાખતો હિરને પોકારતા પોકારતો ગહન વનમાં આગળ ધપ્યો હતો. હિંસક પશુઓને પણ સ૨ળ વિશ્વાસથી પૂછ્યું હતું : તમે શું તે જ હિર ! ‘ઈશા વાસ્યમિદમ્ સર્વમ્ । – આ વ્યાપક જગતમાં તેઓ છે. આ વાત ઉપનિષદોની વાણી છે તે તત્ત્વને જ સાધક વિશ્વાસ અને નિષ્ઠાથી જીવનમાં ઉતારતા. તે હતી સાધના – વેદાંતની સાર કથા – તમે પણ તે – જ તત્ત્વ’ ‘કેવળ શિવ’ માત્ર શિવ સર્વત્ર છે. તું અને હું કયાં ! ત્યારે ગુરુદેવ શિષ્યોને આવો ઉપદેશ જ આપતા. જન વેદાંતની કથા કહેતા. તેઓ સાંભળતા, ઉપદેશ ગ્રહણ કરતા, અત્યંત વિશ્વાસ અને નિષ્ઠાથી તે બધી સત્યવાણીનું પાલન કરતા. પરંતુ તે અભેદદર્શન તો સહેલું નથી – તે તો જ્ઞાન દ્વારા અનુશીલન થતું – સતત ચર્ચા – શ્રવણ – મનન અને નિદિધ્યાસનનો માર્ગ. બીજી તરફ તે એક જ તત્ત્વ પ્રમાણભૂત હોઈ શકે તેવો ઊંડો વિશ્વાસ રહેતો. એવી જ એક તીવ્ર એકમાર્ગી વિશ્વાસની વાર્તા છે.
ઉત્તર ભારતનાં હિમાલયની પાસે એક અરણ્ય હતું. ત્યાંનો એક સરળ શિશુ ગમે તે અજ્ઞાત કારણવશાત ડાકુ થઈ ગયો. તેના નામથી બધા ભયથી ધ્રૂજતા. તે નિરંકુશપણે શક્તિશાળી અને નિર્ભય હતો. હિમાલયનાં અરણ્યનાં પશુઓ સાથે જ તે આખો દિવસ વિતાવતો. તે એકલો જ રહેતો. પિતા અને માતાને વચ્ચે વચ્ચે મળવા ઘરે આવતો. તેના ઉગ્ર સ્વભાવે તેને સમાજમાં એકલવાયો કરી દીધો હતો. હાથમાં તે ચકચકતી છરી રાખતો, તે જોઈને ડર પેદા થાય તે સ્વાભાવિક.
એક દિવસ તે વનમાં માર્ગે બે વિદ્યાર્થીઓ ગુરુ પાસે જઈ રહ્યા છે. તેઓ વનની પેલે પાર એક કુટિરમાં રહેતા.
તેમના માર્ગને રોકતો તે અરણ્યચારી હાથમાં છરી લઈને ઊભો રહ્યો.
– કયાં જાઓ છો ?
– ગુરુ ગૃહે.
– કેટલું દૂર ?
– ત્યાં શું કરો ?
– ભણીએ – આચાર્ય શાસ્ત્રપાઠ કરે.
– હું પણ તમારી સાથે જઈશ.
– ગુરુદેવની અનુમતિ લઈને કાલે તમને લઈ જઈશ.
– ભલે – યાદ રાખજો. વચન ભંગ કરશો તો તેનું ફળ સારું નહિ હોય.
બંને વિદ્યાર્થીઓએ ભયભીત થઈને ગુરુદેવને બધી વાત કરી. તેઓ પણ સાંભળીને ડરી ગયા. તે છોકરાનો ભય તો આખાય ઈલાકામાં યમ જેવો છે. હવે શું કરવું? વિચારતાં વિચારતાં અંતે ગુરુદેવે અનુમતિ આપી. ‘પરંતુ તે અંદર ન પ્રવેશે. કુટિરની બહાર બેસીને જે સાંભળવું હોય તે સાંભળે’, બીજે દિવસે વનના માર્ગે તે વિશાળકાય શક્તિમાન અરણ્યચારીએ બંને વિદ્યાર્થીઓને પકડયા છે. વિશાળ હોય તો શું થયું, મુખ તો અતિ સુંદર -સરળતાભર્યું. કેવી રીતે તે મૂર્તિમાન આતંકી થઈ પડયો? સમજી શકાય નહિ.
કુટિરની બહારથી જ તેણે આચાર્યને પ્રણામ પાઠવ્યા. ત્યારબાદ નીરવે બહાર બેસીને એકાગ્ર મનથી શાસ્ત્રપાઠ સાંભળવા લાગ્યો.
ઈશ્વર સર્વત્ર છે. સર્વભૂતમાં છે. આ જ સત્યની વ્યાખ્યા શાસ્ત્ર અનુસાર ચાલતી રહી. પ્રતિપાદ્ય બ્રહ્મવસ્તુ હજુય કહી નથી. વ્યાખ્યા કરવામાં આવી નથી. એમ કરતાં કરતાં ત્રણ દિવસ પસાર થઈ ગયા. બહાર બેઠેલો વિદ્યાર્થી એકાગ્ર મનથી આચાર્યની કથા સાંભળતો રહ્યો છે. પાઠના અંતે બંને વિદ્યાર્થીઓએ ગુરુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ગુરુની વિદાય લીધી. તે અરણ્યચારી હજુ ય બહાર ચૂપચાપ પ્રતીક્ષા કરે છે. હવે તેણે અનુમતિ લીધા વગર કુટિરમાં પ્રવેશ કર્યો. એકદમ ગુરુને સામે આવ્યો. ગુરુ ડરના માર્યા વિહ્વળ તો થયા પણ પોતાને સંભાળીને બોલ્યા : શું જોઈએ છે ?
– એ જે આપ સમજાવતા હતા; આ બધી વાત કઈ રીતે સમજું ?
– તેના માટે સાધન – ભજન કરવું જોઈએ. મંત્ર ગ્રહણ કરવો પડે.
– મંત્ર ? મને મંત્ર આપો.
– તે કઈ રીતે થાય ? ગુરુ – શિષ્ય દીર્ઘકાળ સુધી પરસ્પરને ઓળખે, સમજે પછી તો મંત્ર ! હું તો તને સારી રીતે ઓળખતો પણ નથી. તને મંત્ર કઈ રીતે આપું ?
આ વેળાએ અરણ્યચારીની આંખ લાલ લાલ થઈ ગઈ. હાથમાં છરી પણ ચકચક કરે.
– જો મંત્ર નહિ આપો તો હું જો૨પૂર્વક લઈશ.
પરિસ્થિતિ પ્રમાણે આચાર્ય હવે સાવધાન થઈ ગયા. બોલ્યા : મંત્ર વળી શું – બોલો – ‘શિવ – શિવ’ એક જ મંત્ર.
– શિવ વળી કોણ ?
– શિવ તું, શિવ હું, આ આખું જગત શિવમય.
– મારાં માતા- પિતા ?
તેઓ પણ શિવ.
– અરણ્યનાં જન્તુ – જાનવર ?
– તેઓ પણ શિવ.
– અને ચારેકોર જે લોકો છે તે ?
– તેઓ પણ શિવ.
– હવે અરણ્યચારીના મનમાં ભાવાંતર થયું. આ વાત મને કદી કોઈએ પહેલાં કેમ ન કહી ? તો પછી પશુહત્યા, મનુષ્યહત્યા ન કરત. હવે શું કરવું ?
બધા જ શિવ એમ માનીને બધાની પૂજા સેવા કરજે, આદર – સત્કાર કરજે, તો પછી તારામાં શિવ જાગ્રત થશે.
હવે અરણ્ય બાળકે પ્રશ્ન કર્યો : આપ કોણ ?
કોણ વળી ? હું પણ શિવ.
જાણે કોઈ અનંતલોકના દ્વારે ઉન્મુક્ત થઈને અંતરમાં જ્યોતિ ચમકી ઊઠી ! આજે મળેલો મંત્ર હંમેશા રટ્યા કરે – શિવ શિવ – હું શિવ – મા-બાપ શિવ, ગુરુદેવ શિવ, વિશ્વજગત શિવ – તેણે કોઈ શિક્ષણ મેળવ્યું ન હતું. તેથી કોઈએ તેને આ રહસ્ય બતાવ્યું નહિ. આટલા મોટા સત્યથી આજ સુધી આટલી બધી ઉંમર સુધી તે વંચિત રહ્યો. ભલે હવે બીજું કશું જ નહિ – દિવસરાત ‘શિવ શિવ’ મંત્રની સાધના અરણ્યમાં કરવા લાગ્યો.
આ રીતે બે વર્ષ વીતી ગયાં. તે અરણ્યમાં બાળક જેવો આ માણસ વચ્ચે વચ્ચે કુટિરની બહારથી જ ગુરુદર્શન કરીને ચાલ્યો જાય. આચાર્યના બંને શિષ્યોએ અરણ્યવાસીના મુખ પર જાણે ઝળહળતો પ્રકાશ જોયો. અંગે પૂછે તો હસીને કહે : ‘શિવ શિવ’
એક દિવસ ગુરુદેવને કોઈ એક દૂર ગામમાં જવાનું થયું. ગુરુએ બંને શિષ્યોને બોલાવીને કહ્યું : જુઓ, જંગલનો માર્ગ છે, તમે બંને સાથે આવો તો સારું. શિષ્યોએ કહ્યું : કેમ ગુરુદેવ, અરણ્યમાં તો આપના શિષ્યને સમાચાર આપશો તો આપને વન વટાવી દેશે.
તે દિવસે જ તે અરણ્યનિવાસી વિશાળકાય માણસ સાથે મેળાપ થયો. ગુરુદેવને લઈને જવું પડશે તે સાંભળીને તે ખુબ ખુશ થયો. તેમના ભોજન વગેરેની વ્યવસ્થા કરવી પડશે. સવારે તે આવ્યો. માથા પર ચોખાનું પોટલું, દાળ, પુષ્કળ, શાકભાજી, વાસણ વગેરે શું છે ? આટલી મોટી વ્યવસ્થા શા માટે ?
ગુરુદેવનો પ્રશ્ન સાંભળીને હસતાં હસતાં તે બોલ્યો: ‘તે ગુરુદેવને ભોજન કરાવશે. જો બીજા કોઈ પણ આવી ચડે તો તેઓ પણ શિવ છે. તેમને પણ ભોજન કરાવવું.’ ‘વનમાં કોણ ભોજન ક૨શે ?’ ગુરુદેવ સમજી શકયા નહિ. છોકરાને વધુ કંઈ પૂછ્યું નહિ. ચાલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તડકો વધતો જાય છે. વિશાળ મોટાં મોટાં વૃક્ષો આકાશમાં ઊંચાં ઊભાં છે. પક્ષીઓ જાતજાતનો કલરવ કરે છે. ગુરુદેવ થાકયા છે. હવે તેમને એક વૃક્ષ નીચે બેસાડીને અરણ્યવાસી માણસ લાકડાં વીણવા ચાલ્યો ગયો. લાકડાં સળગાવીને રસોઈ કરી. ગુરુદેવ કેટલાક કલાક પછી ઊભા થઈને ત્યાં આવ્યા અને તેમણે કેટલાંય પાંદડાં પર અન્ન પીરસેલું જોયું.
કોણ ખાશે ! અચાનક જોયું, ચાર વાંદરા, એક શિયાળ અને બે રીંછ આવે છે. અરણ્યવાીએ હાથી જોડીને કહ્યું, ‘હે શિવ, આવો, ભોજન કરો.’ તેઓ ભોજન કરીને ચાલ્યાં ગયા. હવે અચાનક વાઘની ગર્જના સંભળાઈ. હવે ગુરુદેવ પડ્યા કે મર્યા એમ કરતા વૃક્ષ પર ચડી ગયા. કોઈ પણ રીતે ડાળીઓ પકડી વૃક્ષની વચ્ચે બેસી ગયા. ભયથી છાતી ધગધગ કરે છે. પરંતુ નવાઈ પણ લાગે છે. જોયું કે શિષ્ય ને તો કોઈ જાતનો ભય નથી. ‘હે શિવ, આવો, ભોજન કરો’ – કહીને તે વાઘની તરફ જાય છે. તે વાઘ પણ એક પછી એક પાંદડા પર જે છે તે ખાવા લાગ્યો.
અરણ્યવાસી માટે આ એક નવીન દૃશ્ય હતું. અંતે ગુરુદેવના પાંદડા પરનું ભોજન કરવા આગળ જાય છે ત્યારે તેણે મનાઈ કરી – ના, ના – એ ન ખાશો – પેલા પાંદડા પર મારા હિસ્સાનું ભોજન છે તે ખાઓ.
આશ્ચર્યજનક અદ્ભુત નીરવતા છવાઈ ગઈ. સર્વત્ર જાણે ગંભીર ભાવ – અરણ્યચારીએ વ્યાઘ્રચર્મ પહેરેલ, જટાજૂટધારી શ્વેતકાય એક પુરુષને જોયા. વાઘ કયા ? તેમણે કહ્યું : હું દેવાધિદેવ – પરમ શિવ. તારી ભક્તિથી હું સંતુષ્ટ થયો છું.
અરણ્યચારીએ પ્રણામ કરીને કહ્યું – ઊભા રહો પ્રભુ, હું તો કંઈ જાણતો નથી. ગુરુદેવને બોલાવું – તેઓ વૃક્ષ પર છે. વૃક્ષ નીચે જઈને કહ્યું : ગુરુદેવ, પરમ શિવ કોણ ? તેઓ આવ્યા છે.
ગુરુદેવ તો હજુ ય વાઘ જ જુએ છે. છતાંય શિષ્યની વાત સાંભળી તેમનો ભ્રમ દૂર થયો. આ તો અલૌકિક ઘટના અને બધું જ એકાંત વિશ્વાસના જોરે થયું છે. તેઓ નીચે ઉતરે છે – અંતર્ધાન થતાં પહેલાંની પળે નવાઈ પામીને ગુરુદેવે એકવાર દેવાધિદેવની અપૂર્વ મહિમામય મૂર્તિનાં સાક્ષાત્ દર્શન કર્યાં. શિષ્યના પુણ્યથી ગુરુને ઈષ્ટદર્શન!
મનમાં ને મનમાં શિષ્યને જ ગુરુદેવ પ્રણામ કરે છે. ત્યારબાદ શિષ્યને બોલાવ્યો. નૂતન પરિચિત શિષ્યને આંખમાં આંસુ સાથે બોલ્યા : ‘ૐ નમઃ શિવાય’. બંનેના કંઠના ગંભીર ધ્વનિથી અરણ્યમાં પડઘા પડવા લાગ્યા.
Your Content Goes Here




