તમારાં બાળકો તે તમારાં બાળકો નથી.
પણ જગજીવનની પોતા માટેની જ
કામનાનાં તે સંતાનો છે.
તે તમારા દ્વારા આવે છે.
પણ તમારામાંથી આવતાં નથી.

અને તે તમારી સોડમાં રહે છે.
છતાં તે તમારાં નથી.
તમે એમને તમારો પ્રેમ ભલે આપો,
પણ તમારી કલ્પનાઓ નહીં.

કારણ તેમનાં આત્મા તો
ભવિષ્યના ઘરમાં રહે છે.
જેની તમે કદી સ્વપ્નમાંયે
ઝાંખી કરી શકવાના નથી.

તમે તેમના જેવા થવા ભલે પ્રયત્ન કરજો.
પણ તેમને તમારા જેવા કરવા ફાંફા મારશો નહીં.

કારણ જીવન ગયેલે માર્ગે પાછું જતું નથી.
અને ભૂતકાળ જોડે રોકાઇ રહેતું નથી.

બાળકોરૂપી સજીવ બાણો છોડવાનાં
તમે ધનુષ્યો છો.
અનંતના માર્ગ પર રહેલું
કોઇ લક્ષ્ય તાકી ધનુર્ધર તમને નમાવે છે.
જેથી એનાં બાણો ઝડપથી
અને દૂર જાય.
એ ધનુર્ધરના હાથમાં
તમારું નમવું આનંદમય હો.
કારણ જેમ ઊડીને જનારું બાણ એને પ્રિય છે.
તેમ સ્થિર રહેનારું ધનુષ્ય પણ એને વહાલું છે.

– ખલિલ જિબ્રાન

ધ પ્રોફેટ (વિદાય વેળાએ)માંથી સાભાર (અનુવાદક : શ્રી કિશોરભાઇ મશરૂવાળા)

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.