ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બૉર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પ્રા. આર.એસ. ત્રિવેદી આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષક ભાઇ-બહેનો કેવી રીતે વર્ગવ્યવહારના નવા સ્વરૂપને અપનાવીને ઉત્તમ શિક્ષક બની શકે તે વિશેનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે – સં.
પ્રવર્તમાન સામાજિક ભૂમિકામાં શિક્ષણનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે, તેમ છતાંય શિક્ષણની ભૂમિકા કારગત નીવડી હોય તેમ લાગતું નથી. સમાજની કોઈ પણ સંસ્થા પર શિક્ષણની અસર પડી નથી એટલું જ નહીં પણ સમાજની સંસ્થાઓને શિક્ષણમાં વિશ્વાસ રહ્યો નથી. આ સમસ્યા સર્વત્ર છે. પણ આપણામાં અને વિદેશોમાં ફેર એટલો જ છે કે વિદેશોમાં શિક્ષણની એક પ્રકારની ખેવના છે. આપણે ત્યાં માત્ર ટીકા ટિપ્પણી જ છે. ઑલવિન ટૉફ્લર જેવાએ ઉદ્ગાર કાઢ્યા હતા.: ‘What passes for education today even in best schools is hopeless anachronism.’ આ વાત ટૉફ્લરે અનુભવેલ સમાજની હતી. આપણે પણ અતિશય કાળગ્રસ્ત એવા સમયની દેણ સાથે શિક્ષણ વ્યવહાર કરી રહ્યા છીએ. આપણા કવિ શ્રી મેઘનાથ ભટ્ટની ‘છીપલાં’ કાવ્યની પંક્તિ ટૉફ્લરના ભાવિ એંધાણની યાદ અપાવે છે :
‘પેઢી જૂની શઘડીમાં શેકતાં નિવૃત્ત મનોવૃત્તિવાળાં
આવતી કાલના શીત પવનનો સામનો શી રીતે કરશે?’
આ વિધાન જો આપણી સંવેદનાને ઢંઢોળતા હોય તો આપણે આપણા વ્યવહારને તપાસવો જોઈએ. વર્ગ શિક્ષણ માટે આપણે વર્ગમાં જઈએ અને વર્ગમાં બેઠેલા અનુભવ વિનાના વિદ્યાર્થીઓ સમક્ષ એકધાર્યું બોલ્યા કરીએ તેને શિક્ષણ વ્યવહાર કહીંશું? આ પ્રકારની એકોક્તિનો યુગ પૂરો થયો છે. આપણે વાક્છટા અને વિદ્વત્તા દર્શાવવા માટેનું – વિદ્યાર્થીઓ ઑડિયન્સ નથી. આપણને પ્રાપ્ત થયેલ પ્રશિક્ષણ તાલીમ પણ કાલગ્રસ્તતાનો જ નમૂનો છે.
આમછતાં આ તાલીમના રક્ષણથી આપણે રક્ષિત થયા છીએ. કોઈ પણ ઉદ્યોગમાંના જૂના પુરાણા તાલીમબદ્ધ કારીગરો ચાલશે નહીં. નિરંતર તાલીમની જરૂર આધુનિક છે.
નવા યુગનો વિદ્યાર્થી ઇતિહાસ ગોતવા જન્મ્યો નથી બલકે ઇતિહાસ સર્જવા જન્મ્યો છે. આ તથ્ય હવે આપણે સમજીને નવા સર્જકો સાથેનો વ્યવહાર ગોઠવવાનો છે.
૧૯૮૬ની જાહેર થયેલ નવી નીતિનો કેન્દ્રિય વિચાર ‘QUEST’નો હતો જેમાં Q એટલે quest શોધક, U એટલે Unity ઐક્ય-એકતા. આ એકતા માત્ર સામાજિક અને રાષ્ટ્રીય ફલકની નહિ પણ તેમાં આંતરિક એકતાનો પણ અર્થ રહેલ છે જે પ્રત્યે આપણે આજ સુધી દુર્લક્ષ્ય સેવ્યું છે; E એટલે excellence એટલે પારમિતા- વિદ્યાર્થીની વ્યક્તિગત મર્યાદાના સદંર્ભમાં શ્રેષ્ઠતમ; ST એટલે સાયન્સ અને ટૅકનૉલોજી જે હરહંમેશ શોધ અને નવીનીકરણનો આગ્રહ રાખે છે. આ અર્થમાં ૧૯૮૬ની નવી નીતિને સમજવાની છે. સામાન્યતઃ પ્રાથમિક કક્ષાએ અભ્યાસ છોડી જનાર વિદ્યાર્થીની સંખ્યા વિશેષ ચિંતાનો વિષય હોઈ આ નીતિએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે પ્રાથમિક કક્ષાની ઓછામાં ઓછી ક્ષમતા કેટલી એ અંગે વિચાર કરી નિષ્ણાતોએ પ્રાથમિક અભ્યાસના સંદર્ભે મૂલ્યાંકન કરવું જોઈએ. સાર્વત્રિક ફરજિયાત પ્રાથમિક શિક્ષણના માપદંડ માટે જ ઓછામાં ઓછી પ્રાપ્તિનો કયાસ કાઢવાનું નક્કી કરાયેલ.
નવા વિચારોની સાથે વર્ગ શિક્ષણને લગતી કેટલીક સંકલ્પનાને પણ નવા સંદર્ભે જોવી પડશે. Knowledgeને જ્ઞાન કહીએ છીએ એ કેવળ માહિતોનો ઢગ નહિ પરંતુ આપણા વાતાવરણની સાથેના સંપર્કમાંથી જન્મતો અનુભવ છે. આને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે અંગ્રેજીમાં Cognitive કહી છે તે Cognition with change-જ્ઞાન એટલે જ પરિવર્તન. બુદ્ધમાં પરિવર્તન આવ્યું; અર્જુનમાં પરિવર્તન આવ્યું; આપણી લાગણી, વૃત્તિ-વલણ અને વિશેષ માહિતીઓની ઝંખના એટલે પરિવર્તન. આ સંદર્ભે આપણા વિષયોને પુનઃ તપાસી એ માટેની સમજણ આપણે કેળવવી પડશે.
Discipline એટલે શિસ્ત. આ શિસ્ત મિલિટરી યા ફૅક્ટરી પદ્ધતિની શિસ્ત નથી પરંતુ વિદ્યાર્થીમાં શિષ્યત્વ ખીલે એટલે શિસ્ત આવી કહેવાય. શિક્ષણની શિસ્ત આ જ હોઈ શકે. આપણા વ્યવહાર પર આ શિસ્તનો આધાર છે. વર્ગ શિક્ષણની બીજી એક સંકલ્પના Participative Educationની છે – એટલે શિક્ષણના પ્રત્યેક વ્યવહારમાં સહભાગીપણું છે. શિક્ષણ એક રીતે dialectical છે. કોઈ વખત શિક્ષક અને વિદ્યાર્થીની પરિસ્થિતિ બદલાઈ જાય છે- વિદ્યાર્થી પણ કોઈક બાબતે શિક્ષકનું રૂપ ધારણ કરી જાય છે. વર્ગ શિક્ષણનું આ હાર્દ છે.
નવી સંકલ્પનાના સંદર્ભે હાલ પ્રવર્તતા શિક્ષકની મૂળ ભૂમિકામાં ફેરફારની જરૂર છે. વર્ગમાં શિક્ષક ૧૦૦ ટકા પ્રભુત્વ ધરાવે છે. ૧૦૦ ટકામાંથી ઘીરે ધીરે વર્ગમાં વિદ્યાર્થીના પ્રભુત્વ તરફ જવાની જરૂર છે. આદર્શ વર્ગ તો એ છે કે જ્યારે વિદ્યાર્થી શિક્ષકના પ્રભુત્વ યા અધિકારમાંથી મુક્ત થાય- એ સાચા અર્થમાં સ્વાધ્યાયી બને. શરૂઆતમાં પોતાને ફાળવેલા કલાસના સમયમાંથી દશેક મિનિટ વિદ્યાર્થી માટે રાખવાની ટેવ પાડવામાં આવે તો જ આપણે આપણી નિયત ભૂમિકામાં પરિવર્તન લાવી શકીશું. આપણે રજૂ કરેલ મુદ્દાપર વિદ્યાર્થી પ્રશ્નો પૂછી, સમજની સ્પષ્ટતા મેળવે, કોઈ સંદર્ભ સહાય માર્ગ વગેરે બાબતો વર્ગ વ્યવહારને જીવંત બનાવશે એટલું જ નહિ પરંતુ વિદ્યાર્થી શિક્ષણ વ્યવહારમાં કેન્દ્ર સ્થાને ધીમે ધીમે સ્થાન લેતો થશે. આને જ Participative Education કહેવાય.
હાલ વિદ્યાર્થી કેટલું યાદ રાખી શકે છે તેના ૫૨ મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત થાય છે. કમ્પ્યુટરના આ યુગમાં કેવળ સ્મૃતિ પરનો ભાર ઓછો કરવો પડશે. અધ્યયન એ વિદ્યાર્થીની વ્યક્તિગત પ્રક્રિયા છે. આથી વિદ્યાર્થી કેટલું સમજે છે; તેની સમજનો ઉપયોગ કરી શકે છે કે કેમ? એની ચકાસણી આપણે કરવી પડશે. આથી નિદાનાત્મક અને ઉપચારાત્મક પદ્ધતિ સ્વીકારી મૂલ્યાંકનનો નવો રાહ અપનાવવો પડશે. આ પ્રક્રિયા એટલે સતત મૂલ્યાંકન. નિદાન વગરનું સતત મૂલ્યાંકન એ તો કર્મઠપણું જ કહેવાય. આ અંગે આપણા વિષયના સોંપાયેલ તાસનાં સંદર્ભમાં વિષયના અભ્યાસક્રમનું તેમ જ નિશ્ચિત થયેલ પાઠ્યપુસ્તકનું અધ્યયન શિક્ષકે સારી રીતે પૂર્વતૈયારી રૂપે કરવું જરૂરી છે. અભ્યાસક્રમમાં આવેલ સંકલ્પનાઓ, નવી સમજ અને સિદ્ધાંતોનો પુરો અભ્યાસ કરી એની સમજ વર્ગમાં આપવી જરૂરી છે. કેટલાક મુદ્દાઓ સંદર્ભ ગ્રંથની સહાયથી સ્વાધ્યાય તરીકે પણ વિધાર્થીઓને સોંપી શકાય. નવી માહિતીવાળા મુદ્દાઓની છણાવટ વિસ્તૃત કરી શકાય. આમ અગાઉથી વ્યવહારનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થી અને શિક્ષક એમ બેયને ફાયદો થશે. સામાન્યતઃ શિક્ષક Course પૂરો કરવાની મથામણ કરે છે. પણ ખરી રીતે Courseને Discover કરવાનો એટલે કે એને નવા સંદર્ભે રજૂ કરવાનો હોય છે. આમ કરવાથી જ વિદ્યાર્થીને એક પ્રકારનું પ્રેરણાબળ મળશે અને વિદ્યાર્થી સ્વાધ્યાય તરફ પ્રેરાશે.
વર્ગ વ્યવહારનો એક સિદ્ધાંત ધ્યાનમાં રાખવા જેવો છે. વિદ્યાર્થી વિષયને શું કરે છે એ અગત્યનું છે. નહિ કે વિષય વિદ્યાર્થીને શું કરે છે. આ સિદ્ધાંત જ અધ્યયન અધ્યાપનનો વ્યવહાર દર્શાવે છે. આ જ વિદ્યાર્થીની ક્ષમતા એટલે જેને Competence કહે છે તે છે.
વિદ્યાર્થીમાં આ ક્ષમતા આવે એટલે પોતાની વાત કોઈ સમર્થન સાથે કરશે; પ્રત્યાયનમાં એને વિશ્વાસ થશે; સહમતિ તરફનું એનું વલણ થશે અને છેવટે એ કાર્ય-પ્રેરિત થશે.
આ મુદ્દાને ધ્યાનમાં રાખી આપણે વર્ગવ્યવહારના નવા સ્વરૂપને ઓળખીશું? આપણા અભ્યાસક્રમના બે પાસાં છે :
(૧) જાહેર અભ્યાસક્રમ જેને Overt Curriculum કહે છે અને
(૨) આચ્છાદિત અભ્યાસક્રમ જેને Covert Curriculum કહે છે.
આ બંને પાસાં ભિન્ન નથી પરંતુ શિક્ષકના વ્યવહારમાં વણાયેલ છે. COVERT યા આચ્છાદિત અભ્યાસક્રમ વિદ્યાર્થીની લાગણી, વૃત્તિ-વલણ, સ્વાયત્તતા, સ્વાનુભવ, સંવેદન વગેરેને સ્પર્શે છે. પાઠ્યપુસ્તક, સંદર્ભ ગ્રંથ, શિક્ષકનો વ્યવહાર વિદ્યાર્થીના આ પ્રકારના COVERT પાસાંને સ્પર્શે છે. જરૂર છે આપણી સજાગતાની.
શિક્ષક તરીકે આ વાતને ધ્યાનમાં રાખી શરૂઆત કરીશું, આપણું ભાવિ આ રસ્તે કંડારીશું તો જ ભાવિ ઉજળું છે.
Your Content Goes Here




