* નિવૃત્ત અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રભવન, ભાવનગર યુનિવર્સિટી અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજ, રાજકોટ
બાળકનું ઘડતર અને શિક્ષકનું ઉત્તરદાયિત્વ
જ્યારથી મનુષ્ય સમાજમાં રહેતો અને જીવન વ્યતીત કરતો થયો છે ત્યારથી તેને અન્ય માનવબંધુના સહકાર અને સહયોગ વગર નભતું નથી. માણસની અનેકવિધ શક્તિઓ અને આવડતોનો સમુચિત વિકાસ સામાજિક શૂન્યાવકાશમાં કદી સંભવી શકે નહીં. યોગ્ય સામાજિક પર્યાવરણ વગર તેની પ્રતિભા પાંગરતી નથી. આથી સામાજિક વિકાસ અને સામાજીકરણ દ્વારા સુગ્રથિત અને સુસંવાદી વ્યક્તિત્વ વિકસાવવા માટે નાનપણથી જ બાળકને ઘ૨માં સારા સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી બને છે. માતાપિતા, કુટુંબના સભ્યો, મિત્રો, પડોશ, મહેમાનો વગેરેનું પ્રદાન આ દિશામાં અણમોલ ગણાય છે.
બાળક શાળાએ જતું થાય, આગળ અભ્યાસ કરે, પ્રગતિ સાધે, ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત કરતું જાય તે બધી પરિસ્થિતિઓમાં ઘર, મિત્રો અને પડોશ ઉપરાંત શાળાનો પ્રભાવ સવિશેષ હોય છે. શાળામાં યે શિક્ષકનો પ્રભાવ શીખનાર ઉપર એટલો બધો પડે છે કે માબાપ કરતાંયે શિક્ષક તરફ શીખનારનો આદર વધી જતો જોવા મળે છે. શિક્ષકનાં સૂચનો અને આદેશોનું વજન વધારે હોય તે શીખનાર બાળકનાં વિચાર, વાણી અને વર્તન પરથી કળી શકાય છે. આથી જ શિક્ષકની જવાબદારી વધી જાય છે.
સાંપ્રત સામાજિક પરિસ્થિતિમાં શિક્ષકની સજ્જતા, વ્યાવસાયિક ક્ષમતા, વ્યક્તિગત ગુણસંઘાત, મનોવલણો, વિચાર, વાણી અને વ્યવહાર વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. અન્યની માફક ભૌતિક સંપત્તિમાં વૃદ્ધિ કરવા પાછળ દોડતો શિક્ષક તેને સોંપેલા શિક્ષાર્થીઓ પરત્વે તેની જવાબદારોમાં ઊણો ઊતરતો દેખાય છે. સલામત નોકરવૃત્તિનો જાણે એ ઉપાસક બની ગયો છે. ગુરુ તરીકે તેનું ગુરુત્વાકર્ષણ જાણે ઓસરી જવા માંડ્યું છે. જે સમાજે પોતાનાં બાળકોને શાળામાં શીખવા, સંસ્કાર પ્રાપ્ત કરવા, ભ્રાતૃભાવ કેળવવા, માનવતાના પાઠ શીખવા અને સચ્ચારિત્ર્ય કેળવવા શ્રદ્ધાપૂર્વક સોંપ્યાં છે તે બાળકોને ખરેખર શું મળે છે તે વિચાર કરવા જેવું છે.
આમ છતાં નિરાશ થવાની જરૂર નથી. અત્યાર સુધીમાં શિક્ષણ સુધારણા માટે નિયુક્ત થયેલાં કેટલાંય કમિશનોએ ઘણાં ઉપયોગી સૂચનો કર્યાં છે. તે બધાંનો નિષ્ઠાપૂર્વક અમલ કરવામાં કચાશ દેખાય છે.
શિક્ષકે પોતે આંતરખોજ કરવાની જરૂર છે. પોતે સમાજ દ્વારા અપેક્ષિત ભૂમિકા જવાબદારીપૂર્વક ભજવી શકે તે માટે જે જે માર્ગો ખુલ્લા છે તે અપનાવવા તત્પરતા દાખવી કાર્યપરાયણ થવામાં હવે વધુ વિલંબ ટાળવો જોઈએ.
શિક્ષક માટે માનવસંબંધોનું મહત્ત્વ
શિક્ષકે તેનું ઉત્તરદાયિત્વ નિભાવવા તેના કાર્યને સફળ બનાવવા’ જે જે વ્યક્તિ અને સંસ્થાનો સહકાર આવશ્યક બને છે તેના સંપર્કમાં સતત રહેવું જોઈએ. શિક્ષક કોની કોની સાથે સંપર્ક સાધી શકે? બલકે તેણે આ સંપર્ક સાધવો આવશ્યક બને છે? તેણે માનવસંબંધો વિકસાવવા જોઈએ.
ઉત્તમ શિક્ષકના માનવસંબંધો જીવંત હોય છે, અને તે દ્વારા તે શિક્ષાર્થીઓના સુયોગ્ય ઘડતરમાં સક્રિય અર્પણ કરી શકે છે.
શાળામાં વર્ગશિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેમ, સહૃદયતા, સહાનુભૂતિ, પ્રોત્સાહન, પ્રશંસા અને માર્ગદર્શન દ્વારા શીખવાની બાબતમાં શિક્ષક ઉત્તેજન આપી શકે છે. વિદ્યાર્થીને શીખવવું એટલે તેને શીખવા શક્તિમાન બનાવવો, માહિતીસભર જ્ઞાનને બદલે વિષયનું હાર્દ સમજે તેવો શિક્ષકે પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીની ભૂલ થાય તો તે કાર્ય વધુ સારી રીતે કેમ થાય તે તેને બતાવવું જોઈએ. સફળતાને બિરદાવવી જોઈએ.
શિક્ષકે અન્ય શિક્ષકો સાથે સૌહાર્દભર્યા સંબંધો રાખવા જોઈએ. સહકારથી કામ કરનાર શિક્ષકો વિદ્યાર્થીઓને સારું ઉદાહરણ પૂરું પાડે છે. શાળાની સહાભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન અને અમલમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી અને બધા શિક્ષકોનો ‘ટીમ સ્પિરિટ’ શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમ પાર પાડવામાં સહાયરૂપ બને છે. આચાર્યનું નેતૃત્વ અને તેનો લોકશાહી ભાવનાવાળો વ્યવહાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહક નીવડે છે. પરિણામે શાળા ઉજમાળી બને છે.
વિદ્યાર્થીઓનાં માબાપ અને વાલીઓના જીવંત અને સક્રિય સહકાર તેમજ સામેલગીરીથી શાળાના ઉત્સવો દીપી ઊઠે છે. આથી જ શિક્ષકે વાલીસમુદાય સાથે સદાય સૌહાર્દભર્યો જીવંત સંપર્ક જાળવી રાખવો જોઈએ. કોઈ પણ વાલી શાળાની મુલાકાતે આવે ત્યારે તે અવસરનો સદુપયોગ તેના પાલ્યની પ્રગતિથી તેને જાણ કરવામાં અને શાળાનાં પ્રગતિકારક કાર્યોથી વાકેફ કરવામાં કરવો જોઈએ; તેમજ તેમનો સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવી જોઈએ. આવી બધી બાબતોમાં આચાર્ય સાથે સુમેળ ઉપકારક બને છે.
શાળા સમાજ એ બૃહદ સમાજનું અંગભૂત ઘટક છે તે ન ભુલાવું જોઈએ. શાળામાંથી તૈયાર થયેલ વિદ્યાર્થી ભાઈ કે બહેને સમાજના ઉત્કર્ષમાં પોતાનું પ્રદાન આપવાનું હોય છે.
સમાજ સાથે શિક્ષકના માનવસંબંધો
શિક્ષક એ શાળા અને સમાજ વચ્ચેની સંપર્ક-કડી છે. તેણે સમજવું જોઈએ કે જે સમાજ વચ્ચે શાળા કાર્ય કરે છે તે તેમાં અભ્યાસ કરી રહેલા કિશોર કિશોરીઓ માટે વિશ્વકેન્દ્ર છે. આ ન્યાયે સમાજ શિક્ષાર્થી અને શિક્ષક માટે પ્રયોગશાળા બની રહેવી જોઈએ. સમાજને પૂરેપૂરી રીતે સમજવા માટે શિક્ષકે તેની સાથે ગાઢ તાદાત્મ્ય કેળવવું જોઈએ.
તેણે સમાજના વિવિધ પ્રકારના કામધંધા, વેર, શ્રમસંગઠનો, વિજ્ઞાનકેન્દ્રો, કૃષિ, સમાજસેવા મંડળો અને ઉદ્યોગની સ્થાનિક મહત્ત્વની સમસ્યાઓથી પરિચિત રહેવું જોઈએ, સમાજની અને તેના સભ્યોની ભાષામાં – જબાનમાં વાત કરવાની શક્તિની માત્રા ઉપર શિક્ષક અને સમાજના સંબંધો આધાર રાખે છે. શિક્ષકો, આચાર્યો, નિરીક્ષકો, અધીક્ષકો તથા બૉર્ડના સભ્યો જેટલા પ્રમાણમાં સમાજનાં હિતોને અનુલક્ષીને સમાજ સાથે અસરકારક રીતે કામ કરી શકે તેટલા પ્રમાણમાં શિક્ષણ સંસ્થા સમાજલક્ષી બની શકે.
સમાજના જીવનવ્યવહારો, રીતરિવાજો, નીતિનિયમો અને તેની સંસ્થાઓની કામગીરી સાથે પરિચય જ પૂરતો નથી પરંતુ તેનો શાળાના વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસમાં મહત્તમ લાભ લેનાર શિક્ષક ઉત્તમ છે. સમાજની સંસ્થાઓ અને તેની સાધનસંપત્તિનો કઈ રીતે શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે માટે સારો શિક્ષક સતત જાગ્રત હોય છે. નાગરિક મંડળો, બૅન્કો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિજ્ઞાનકેન્દ્રો, પાણીપુરવઠા યોજના, સ્વાસ્થ્યસેવાઓ, જાહેર સંચારમાધ્યમો, ઔદ્યોગિક સંસ્થાઓ સાથેના જીવંત સંપર્કો જાગ્રત અને સંનિષ્ઠ શિક્ષક માટે વિદ્યાર્થીઓના વિષય-અધ્યયનને સ-રસ અને ઉપયોગી બનાવવા ઉપકારક તકો પૂરી પાડે છે.
શિક્ષકના આવા અસરકારક સંપર્કની દરેક તક તેની શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરવામાં શક્તિસિંચન કરે છે, એટલું જ નહી પરંતુ તેની પોતાની પ્રતિભા અને શાળાની પ્રતિષ્ઠામાં અનેરો વધારો કરે છે.
શાળામાં અભ્યાસ કરતાં છોકરા છોકરીઓના વાલીઓ પણ શિક્ષકને સહાય માટેનો સમૃદ્ધ સ્રોત છે. વાલીઓ દ્વારા શિક્ષકને છોકરા-છોકરીઓની જરૂરિયાતો અને અપેક્ષાઓ શોધી કાઢવાની સુંદર તક મળે છે. વાલીઓ સાથેના જીવંત સંબંધો જાળવવાથી વાલીઓની તેમનાં બાળકો વિષે શી જરૂરિયાતો છે તે અને સમાજની શાળા પાસે શી અપેક્ષા છે તે અંગેના તેમના વિચારો જાણવા માટે શાળાને વધુ સારી તક મળે છે. તેના પરિણામે તે અપેક્ષાઓને પહોંચી વળવા શાળાએ શું કરવું જોઈએ તેનો ખ્યાલ આવે છે. વાલી – શિક્ષક મિલનો આ દિશામાં ઉપયોગી નીવડે છે. શાળામાં પ્રસંગોપાત યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, ઈનામ વિતરણ સમારંભો, વાર્ષિક ઉત્સવો વગેરે વખતે વાલીઓની સક્રિય ભાગીદારી અને ઉપસ્થિતિ શાળા અને વાલીને નિકટ લાવવામાં મદદરૂપ બને છે. દૃષ્ટિસંપન્ન સારો શિક્ષક આવી તકોનો ભરપૂર લાભ લે છે.
રાષ્ટ્રીય મૂલ્યોની જાળવણીમાં શિક્ષકનું પ્રદાન મહામૂલું છે. રાષ્ટ્રીય એકતા, જાતીય સભાનતા, નિરક્ષરતા નાબૂદી, પર્યાવરણસંરક્ષણ, નાગરિક જવાબદારીઓ, સ્વાસ્થ્ય રક્ષા, ઊર્જાસંરક્ષણ, રક્તદાન, રાષ્ટ્રીય સેવા યોજના વગેરે જેવા અત્યારના પ્રશ્નોને યોગ્ય રીતે સમજવા અને વિદ્યાર્થી તથા સમાજને તે પરત્વે સભાન કરી ક્રિયાશીલ બનાવવામાં સારો શિક્ષક હંમેશાં તત્પર રહેતો હોય છે. કોઈ એવી ઘટના સર્જાય કે જ્યારે તેનાથી સમાજની સમતુલા જોખમાય એવું લાગે ત્યારે શિક્ષકે આગળ આવી તેના પ્રભાવથી તેનું નિરાકરણ કરવું જોઈએ. સમાજમાં આવાં પ્રેરણાદાયી ઉદાહરણો છે.
અંતમાં
શિક્ષક અને માનવસંબંધો વિશે ઘણું કહી શકાય તેમ છે. સામાન્ય શિક્ષક કરતા મૂઠી ઊંચેરા શિક્ષકને માટે જીવંત માનવસંબંધોની જાળવણી અને તેનો વિકાસ તેના પોતાની પ્રતિભા વિકસાવવામાં તેમ જ વિદ્યાર્થી, શાળા, અને સમાજની પ્રતિષ્ઠા વધારવામાં શિક્ષણનું નોંધપાત્ર પાસું છે.
સારો શિક્ષક કેવળ જ્ઞાન આપતો નથી પરંતુ સારું આચરણ કરવા પ્રેરે છે અને તે માટે પોતે નમૂનેદાર આચરણ પૂરું પાડે છે. અંતમાં સ્વામી વિવેકાનંદ કેળવણીનો જે આદર્શ સૂચવે છે તેવી કેળવણી આપવામાં સફળ થનાર શિક્ષક ઉત્તમ શિક્ષક ગણાય.
જે કેળવણી વડે ચારિત્ર્યનું નિર્માણ થાય, મનની શક્તિઓ વિકસે, બુદ્ધિની ક્ષિતિજો વિસ્તરે અને માણસ પોતાના પગ ઉપર ઊભો રહી શકે એવી કેળવણી આપનાર શિક્ષક ઉત્તમ છે.
Your Content Goes Here




