૧૮૮૪ની સાલમાં એક વાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વીંટળાઈને બેઠા છે. શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે… વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને એ મતનો સાર ત્યાં બેઠેલા સહુને ટૂંકમાં સમજાવી દઈને ઠાકુર બોલ્યા: ‘ત્રણ વસ્તુનું પાલન કરવા માટે હરહમેશ પ્રયત્ન કરતાં રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે – નામમાં રુચિ, જીવ પર દયા અને વૈષ્ણવપૂજન. જે નામ તે જ ઈશ્વર. નામ અને નામ ધરાવનારામાં અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું; ભક્ત અને ભગવાન, કૃષ્ણ અને વૈષ્ણવમાં અભેદ જાણીને હંમેશાં સાધુભક્તો પર શ્રદ્ધા, એમની પૂજા અને વંદના કરવી તથા કૃષ્ણનો જ આ જગત્સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો પર દયા (દાખવવી).’ ‘સર્વ જીવો પર દયા’ એમ કહેતાં જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા! ‘‘જીવ પર દયા – જીવ પર દયા? હટ્ સાલા! મગતરામાં ય તું મગતરું, તે જીવ પર દયા કરવાનો? દયા કરનારો તું વળી કોણ? ના, ના, જીવ પર દયા નહિ; શિવજ્ઞાને જીવની સેવા!’
ભાવાવિષ્ટ શ્રીરામકૃષ્ણનાં એ વચનો ભલે બધાંયે સાંભળ્યાં, પરંતુ એનો ગૂઢ મર્મ ત્યારે કોઈ ન તો સમજી શક્યા કે નતો પકડી શક્યા. ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકુરનો ભાવાવેશ શમી ગયા પછી બહાર આવીને કહેલું કે, ‘શો અદ્ભુત પ્રકાશ આજે ઠાકુરનાં વચનોમાં હું જોવા પામ્યો છું! શુષ્ક, કઠોર અને નિર્મમ તરીકે પ્રસિદ્ધ એવા વેદાંતજ્ઞાનને ભક્તિની સંગાથે ભેળવી દઈને કેવા તો સહજ, રસીલા અને મધુર અજવાળે એને ઉજ્જ્વળ કરીને દેખાડી દીધું! અદ્વૈતજ્ઞાન મેળવવું હોય તો સંસારનો અને લોકોનો સંગ તમામ પ્રકારે છોડી દઈને વનમાં જવું જોઈએ તથા ભક્તિ, પ્રેમ વગેરે કોમળ ભાવોને હૃદયમાંથી જોરપૂર્વક ઉખેડી નાખીને આઘા ફેંકી દેવા જોઈએ, એવી જ વાત આટલા દહાડા લગી સાંભળતાં આવ્યા છીએ… પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે વનના વેદાંતને ઘરમાં લાવી શકાય, સંસારનાં સઘળાં કામકાજમાં એનું અવલંબન લઈ શકાય. માણસ જે કાંઈ કરી રહેલો છે તે બધું યે ભલે કરે, એમાં નુકસાન કાંઈ નથી; માત્ર સૌથી પહેલાં આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયું : તે એ કે ઈશ્વર જ જીવ તથા જગતરૂપે એની સન્મુખે પ્રગટ થઈ રહેલા છે. જીવનની પળેપળે એ જેના સંપર્કમાં આવે છે, જે કોઈને પ્રેમ કરી રહ્યો છે, જે કોઈ પ્રત્યે શ્રદ્ધા, સન્માન અથવા દયા દાખવી રહ્યો છે, તેમાંના એકેએક એમના (ઈશ્વરના) જ અંશ છે, તેઓ પોતે જ છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને જો માનવ શિવસ્વરૂપે જાણી શકે, તો પછી પોતાને મોટો માનીને એમના પ્રત્યે રાગ, દ્વેષ, દંભ કે દયા દેખાડવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે શિવજ્ઞાને જીવોની સેવા કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ રૂપે અને શુદ્ધબુદ્ધ મુક્ત સ્વભાવવાળા રૂપે નક્કી જાણી શકશે.
(‘લીલાપ્રસંગ’ ભાગ-૫, પૃ.૧૭૭-૭૮)
Your Content Goes Here




