૧૨૫ વર્ષ પહેલાં… એક અવનવું આશ્ચર્ય! ઘણી લાંબી મુસાફરી કરીને આપણા સૌથી પ્રિય સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જઈને સીધી-સાદી ભાષામાં આ શબ્દો ઉચ્ચાર્યા, ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ! આજે મારું હૃદય અવર્ણનીય આનંદથી ઊભરાય છે.’ સ્વામીજી હજુ તો પોતાના આ શબ્દો પૂરા કરે તે પહેલાં જ હજારો શ્રોતાઓએ પોતાની જગ્યાએથી ઊભા થઈને બે મિનિટ સુધી એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. પોતાની સહજસરળ અને સંનિષ્ઠાભરી ઉપસ્થિતિથી એ બધા શ્રોતાની ભીતરના અંતરાત્માએ ‘કંઈક’નો સ્પર્શાનુભવ કર્યો. આ ‘કંઈક’નો સ્પર્શાનુભવ આવનારા દશેક દાયકાઓ સુધી થતો રહેવાનો. ભવિષ્યમાં પણ આ ‘કંઈક’ આગળને આગળ ધપતો રહેશે અને જ્યાં જ્યાં માનવપ્રજા હોય તેને ઉન્નત કરતો અને જાગ્રત કરતો રહેશે.
સ્વામી વિવેકાનંદરૂપી આ વિશાળ મહાસાગરમાંથી આપણે જે થોડુંઘણું શીખી શકીએ તે છે આ ‘કંઈક – નિર્મળ આત્મસંસ્પર્શ’ અને તેઓ સ્વ-સ્થ થઈને ‘પોતાના આત્માના દમ પર ઊભા છે!’ સ્વામીજી સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આ ‘કંઈક’ આત્મબળને જ પ્રબોધ્યું છે. તેમણે ક્હ્યું છે, ‘બળવાન બનો, બહાદુર બનો, હિંમત કેળવો, બધા વહેમોમાંથી તમારી જાતને મુક્ત કરો. સૌને નિર્બંધ પ્રેમ કરો. નિ :સ્વાર્થ કર્મ કરો. ઈશ્વરવિષયક સાચા જ્ઞાનથી તમારી જાતને કેળવો. તમારી ભીતર રહેલી દિવ્ય શક્તિને જગાડો અને આત્મરૂપે પ્રસ્થાપિત કરો.’
આવું મહાન સત્યનું મોજું ક્યાં અને ક્યારે પ્રારંભાયું? આ સિંહનર ક્યાંથી આવ્યો? જે પછીથી સ્વામી વિવેકાનંદ નામે ઓળખાયો એ નરેન્દ્ર કોણ હતો? સત્ અને અસત્ વચ્ચેનો ભેદ પારખનાર અને આત્મસાક્ષાત્કારનો આ સિંહ કોણ હતો?
આપણો ઇતિહાસ દર્શાવે છે કે શ્રીરામકૃષ્ણે આ પાર્થિવ દેહે જન્મ લીધો તે પહેલાં તેઓ સપ્તર્ષિના નિવાસસ્થાન નિત્ય અને લીલાના શાશ્વત પ્રવેશદ્વારે ગયા અને એમાંના એક ઋષિના કાનમાં ગણગણ્યા, ‘હું ધરતી પર જઉં છું, તમારે પણ મારી સાથે આવવાનું છે.’
શ્રીરામકૃષ્ણ સાથે માનવદેહે આ ધરતી પર આવવાનું હતું તે ઋષિ કોણ હતા? તે સનક હતા કે સનાતન, સનંદ હતા કે સનત્કુમાર, અત્રિ, વશિષ્ઠ કે ગૌતમ? આ વાત કોણ સ્પષ્ટ કરી શકે? પરંતુ જ્યારે નરેન્દ્ર પ્રથમ વખત શ્રીરામકૃષ્ણને મળ્યા ત્યારે તેઓ તેને ઓળખી ગયા કે મેં જેને આ ધરતી પર સાથે આવવા કહ્યું હતું તે ઋષિ આ છે. તેમની બીજી મુલાકાત વખતે એ મહાન વિભૂતિ શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને સ્પર્શ કર્યો અને નરેન્દ્ર સમાધિભાવમાં આવી ગયા. આ કંઈક એવું હતું કે જે કોઈ અવતારી પુરુષ જ કરી શકે. જ્યારે સમાધિગ્રસ્ત નરેન્દ્રની આંખો સામેથી આખું જગત અદૃશ્ય થઈ રહ્યું હતું ત્યારે તેઓ બોલી ઊઠ્યા, ‘મહાશય, તમે મને આ શું કરી રહ્યા છો? મારે ઘેર મારાં માતપિતા, ભાઈઓ-બહેનો છે!’ શ્રીરામકૃષ્ણ સાથેની નરેન્દ્રની ત્રીજી મુલાકાત વખતે તેમણે નરેન્દ્રને અર્ધજાગ્રત અવસ્થામાં રાખ્યા અને તેનો ભૂતકાળ, આ જગતમાં અવતરવાનો તેનો હેતુ, તેના જીવનની આવરદા અંગે શ્રીઠાકુરે ઘણા પ્રશ્નો પૂછ્યા. આધ્યાત્મિક જગતના ઇતિહાસના આ એક ખરેખર આશ્ચર્યજનક ઘટનાક્રમો હતા.
નરેન્દ્રે પોતાની જીવનલીલા સંકેલી લેવાનો નિર્ણય સ્વયં લીધો હતો, એ જાણીને કોઈને આશ્ચર્ય ઊપજવું ન જોઈએ. એમણે જ પોતાના મૃત્યુનો- દેહવિલયનો, આખરી સમાધિનો દિવસ સુનિશ્ચિત કરી લીધો હતો. એ દિવસ હતો – ૪ જુલાઈ (૧૯૦૨). એ દિવસ પરમમુક્તિ-સ્વતંત્રતા અને અર્થપૂર્ણ સભરતાવાળો દિવસ હતો. ‘હસતાં હસતાં દેહત્યાગ કરવો’ એ જ હતી નરેન્દ્રની મૃત્યુ વિશેની વિભાવના. ‘હું એક જરીપુરાણા અનુપયોગી વસ્ત્રની જેમ મારા દેહનો ત્યાગ કરું છું. આમ છતાં પણ એને લીધે મારાં કાર્યોનો અંત આવશે નહીં. હું સમગ્ર માનવજાતને ઈશ્વર સાથે તાદાત્મ્ય કેળવવા સુધી ઉન્નત થવા સર્વત્ર પ્રેરણા આપતો રહીશ’, કેવું ઉત્કૃષ્ટ! સ્વામીજીના આ શબ્દોથી મૃત્યુ વિશે વધારે સારી રીતે કોણ કહી શકે!
નરેન્દ્ર નિર્વિકલ્પ સમાધિ ઇચ્છતા હતા. છતાં પણ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું કે ‘સમાધિ કરતાં પણ કંઈક વધારે મહાન બાબત છે.’ આમ છતાં પણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં અને અમેરિકાના થાઉઝણ્ડ આઈલેન્ડ પાર્કમાં એમને નિર્વિકલ્પ સમાધિભાવ થયો હતો, એ વાત સર્વવિદિત છે. આવું બન્યું છતાં પણ આપણા ઇતિહાસમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રીરામકૃષ્ણે આ નિર્વિકલ્પ ભાવની ચાવી પોતાની પાસે રાખી. એનું કારણ એ હતું કે પોતે કોણ છે, એ જ્યારે નરેન્દ્ર યાદ કરી લેશે ત્યારે ત્યાંને ત્યાં જ તેઓ પોતાનો દેહત્યાગ કરી દેશે. પરંતુ લગભગ ચાલીસેક વર્ષની ઉંમર ન થઈ ત્યાં સુધી એમની આ નરલીલા પૂરી ન થઈ.
નરેન્દ્રનું સમગ્ર જીવન સ્વ-સ્થના ઉન્નત જાગરણનું આશ્ચર્યજનક ઉદાહરણ છે! શ્રીરામકૃષ્ણ અને મા શારદામણિ સાથેની તેમની જીવનયાત્રાથી માંડીને પોતાના ગુરુદેવની મહાસમાધિપર્યંત … વરાહનગર મઠની સ્થાપના સુધી તેઓ એક પાવનકારી પરિવ્રાજક સંન્યાસીરૂપે રહ્યા. એવું કહેવાય છે કે હિમાલયમાં પરિવ્રજ્યા કરતી વખતે નરેન્દ્રને શ્રીરામકૃષ્ણદેવનો સાક્ષાત્કાર થયો હતો. એ સાક્ષાત્કાર દિવ્યજ્યોતિ સ્વરૂપે, ભૌતિક સ્વરૂપે થયો હતો? એ વિશે કોઈ કંઈ ન કહી શકે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે મહાન આત્માઓ માટે મૃત્યુ પોતે કોઈ બંધન બની જતું નથી.
સ્વામીજીએ પોતે શું શું કરવાનું છે, તેની પ્રત્યક્ષ અનુભૂતિ તેમને કન્યાકુમારીની શિલા પર થઈ હતી. તે સ્થળે અત્યારે ‘વિવેકાનંદ રોક મેમોરિયલ’ રચાયું છે. અહીં થયેલી પ્રત્યક્ષ અનુભૂતિ પછી તેમણે પશ્ચિમમાં – શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં જવાનું નક્કી કર્યું. સમગ્ર માનવજાત પોતાનું અંતિમ ધ્યેય – ઈશ્વરાનુભૂતિ પ્રાપ્ત કરે તે માટે પ્રવચનો, ઉપદેશ અને આત્મજાગૃતિ અર્થે સ્વામીજીએ બે વખત પશ્ચિમના વિશ્વનું પરિભ્રમણ કર્યું. એમને ક્યાંક પ્રતિકારનો સામનો કરવો પડ્યો તો વળી ક્યાંક હૂંફાળા આવકારની વચ્ચે તેમણે કેટલાય લોકો સાથે મૈત્રીભાવ કેળવીને એ બધાના જીવનમાં અનોખું પરિવર્તન લાવી દીધું. અત્યારે પણ એવા સેંકડો લોકો છે કે જેમણે પોતે સ્વામીજીનાં દિવ્યદર્શન કર્યાં હોય, એવો દાવો કરે છે અને સ્વામીજીએ તેમને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થતા રહ્યાની વાત સ્વીકારે છે. આ વાત કોઈ નિરીક્ષણ-પરીક્ષણની નથી, પરંતુ તે ભાવનાત્મક જોડાણની પુષ્ટિ કરે છે.
વિશ્વના બે પરિભ્રમણ વચ્ચેના સમયગાળામાં ધર્મવિજયની પતાકા સાથે ભારત પરત ફરી રહેલા સ્વામીજીએ કાશ્મીરની અમરનાથની પવિત્ર ગુફાની યાત્રા કરી. અમરનાથની ગુફામાં કમરે કૌપીન ધારણ કરીને આખા દેહે ભસ્મ લગાડીને સ્વામીજી ભગવાન શિવના પવિત્ર હિમલિંગ સામે ઊભા રહ્યા. એ પવિત્ર ગુફામાં સ્વામીજીને તે દિવસે એક અદ્ભુત અનુભૂતિ થઈ. એ વિશે તેઓ ક્યારેય કશું બોલ્યા નથી. માત્ર આટલા જ શબ્દો એમના મુખેથી સરી પડ્યા, ‘સાક્ષાત્ ભગવાન શિવે મારા માનસમાં પ્રવેશ કર્યો છે અને હવે તેઓ ક્યારેય ત્યાંથી નીકળવાના નથી.’
પરંતુ એ ગુફામાં શું બન્યું હશે, તેની એક ઝાંખી આપણને તેમની એક સુંદર મજાની કવિતા ‘કાલી ધ મધર’માંથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એનું કારણ એ હતું કે અમરનાથની આ ઘટના પછી તરત જ સ્વામીજીની મા જગદંબા પ્રત્યેની ભક્તિની ઉત્કંઠા તીવ્ર બની. મા જગદંબા કે જે શ્રીરામકૃષ્ણદેવનું સર્વસ્વ હતાં, તે જ મા તેમના માટે પણ પરમ સુખદાયી મા બન્યાં.
સ્વામી વિવેકાનંદ નારીજાતિના સાચા સંરક્ષક હતા. તેઓ કહેતા, ‘પુરુષો નારીઓનું દમન કરે છે; (એટલે) તે શિયાળરૂપે દેખાય છે, પરંતુ જ્યારે તેના પરનું દમન દૂર થશે કે તરત જ તે સિંહનારી બની જશે.’ અને જુઓ તો ખરા, નિવેદિતા અને બીજી નારીઓ (નર પણ ખરા) નરેન્દ્ર સાથેના મૈત્રીભાવને કારણે સિંહ બની ગયાં.
‘સંસારનો ત્યાગ કરો અને પછી તમારા દેહનાં બંધનો શિથિલ થઈ જશે. જ્યારે દેહ મૃત્યુ પામે, ત્યારે તમે ‘આઝાદ’ છો, મુક્ત છો.’ સ્વામીજીએ કવિહૃદયથી કહ્યું છે, ‘ઈશુ ખ્રિસ્ત અને બુદ્ધ આ અસીમ મહાસાગરનાં મોજાં છે, અને હું પણ એ જ છું… તમે તમારા ઉન્નત આત્મા સિવાય બીજા કોઈની સામે ઝૂકતા નહીં… તમે શ્રીકૃષ્ણમાં રહેલા પરમ આત્માને પૂજો, કૃષ્ણને કૃષ્ણરૂપે ન પૂજો… તમારા દેહને સ્વયંથી દૂર કરો અને પછી બધાં દુ :ખપીડા થંભી જશે… તમારા સંમોહનને દૂર કરો… અને અંતે કોઈની સહાયનો પોકાર અદૃશ્ય થઈ જતો દેખાશે… એવી જ રીતે સહાયક પણ જશે અને પછી લીલા સમાપ્ત, પછી તો માત્ર આત્મા જ રહે છે… કોની પૂજા કરવી? કોણ પૂજા કરે છે? દોરડીને જવા દો… આ નાના ‘અહં’માંથી મુક્ત થાઓ અને પછી ભલે પેલો મહાન ‘હું’ જીવંત રહે.’ નરેન્દ્રની આ અંતર્દૃષ્ટિના ઊંડાણને કોણ માપી શકવા સમર્થ છે?
સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો અને ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ તેઓ મહાસમાધિ પામ્યા. એવું કહેવાય છે કે તેમણે પોતાની ઇચ્છા મુજબ જ યોગ્ય સમયે પોતાનો દેહ છોડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે એક સંન્યાસીને આ બેલુર મઠમાં પોતાનો અગ્નિસંસ્કાર ક્યાં કરવો અને તેના ભસ્માવશેષ ક્યાં રાખવા, તે પણ તેમણે પહેલેથી કહી રાખ્યું હતું. સર્વોત્કૃષ્ટ, સોહામણા, હિંમતવાન અને દયાળુ, કરુણાભાવવાળા અને બુદ્ધિપ્રતિભાવાળા આ સિંહમર્દે બીજા લોકો જુએ છે તેમ મૃત્યુને ન જોયું.
તેઓ મૃત્યુ વિશે શું કહે છે એ જરા કાન દઈને સાંભળો, ‘જ્યારે આપણે બધાને એક સમાન સમજી લઈએ ત્યારે આપણા માટે શારીરિક કે ભૌતિક મૃત્યુ હોઈ જ ન શકે. આ બધા દેહ મારા જ છે, એટલે દેહ પણ શાશ્વત છે; કારણ કે પ્રાણી, સૂર્ય, ચંદ્ર અને સમગ્ર વિશ્વમાં હું વ્યાપ્ત છું, તો પછી હું કેવી રીતે મૃત્યુ પામી શકું? દરેક માનસ વિચારોમાં હું સમાયેલો છું, તો મને કેવી રીતે મૃત્યુ આવી શકે? આત્મા કદી જન્મતો નથી અને મરતો પણ નથી; જ્યારે આવી સમજણ સાંપડે ત્યારે આપણા બધા જ સંશયો ટળી જાય છે. ‘હું છું, હું જાણું છું અને હું ચાહું છું’ આ સત્ય સામે ક્યારેય શંકા ન કરી શકાય. જે કંઈ પણ ભોગ્ય છે તે બધું મેં ભોગવી લીધું છે, તેથી મને હવે કોઈ પણ પ્રકારની ભૂખ નથી. જો આપણા માથાનો એક વાળ ખરી જાય, તો આપણે મરી જઈએ, એવું કદી બનતું નથી. એવી જ રીતે દેહ પણ મૃત્યુ પામે, તે બીજું કંઈ નથી પણ એક વાળ ખરવા જેવી ઘટના માત્ર છે.’
૧૯૯૩માં શિકાગોની પાલ્મર હાઉસ હોટેલમાં વિશ્વધર્મ-પરિષદમાં પ્રત્યેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના મર્મજ્ઞો, મૂળ અમેરિકાવાસીથી માંડીને અદ્વૈત વેદાંતમાં માનનારાઓ; ધર્મમાં નારીત્વથી માંડીને મૃત્યુ સુધીની વાતો લઈને અસંખ્ય પ્રતિનિધિઓ એકઠા થવાના છે. આવો, આ જગતને ધિક્કાર અને ધર્માંધતા; વહેમ અને કટ્ટરતાથી મુક્ત બનાવવા આપણે સૌ સાથે મળીએ. સાથે ને સાથે એક એવા વિશ્વનું સર્જન કરીએ કે જ્યાં માત્ર ને માત્ર સત્યને જ પ્રાધાન્ય હોય. ઘાસના મેદાનમાં ઊગતાં પુષ્પોની જેમ સદીઓ સુધી તે સત્ય પણ વિકસતું રહેશે.
જેમ નરેન્દ્રે આપણી સમક્ષ જે મુકત સત્ય રજૂ કર્યું તે તમે હંમેશાંને માટે યાદ રાખજો, ‘મહાન સંતો સિદ્ધાંતોના પદાર્થપાઠ છે. પરંતુ શિષ્યો સંતોને જ સિદ્ધાંત બનાવી દે છે અને પછી તે વ્યક્તિમાં રહેલા સિદ્ધાંતને ભૂલી જાય છે.’ એ જ કારણે સ્વામી વિવેકાનંદે પોતે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો કે જેથી દુનિયાનો પ્રત્યેક માનવ પોતાની જાતે ‘સ્વ-સ્થનો સિદ્ધાંત’ સમજી શકે, ઓળખી શકે. અને હવે એવું થજો.
Your Content Goes Here




