(નવેમ્બરથી આગળ…)
સરાસરી નાગરિક પોતાની કાર્ય પરિસ્થિતિનો બરાબર ઉપયોગ કરે તો એ આધ્યાત્મિક બને. પોતાના અઢાર અધ્યાયમાં ગીતા આ પ્રકારના જીવનની વાત માંડે છે. આપણે યોગસંદેશને આરંભને સોપાને છીએ. અહીંથી આરંભાતી યોગની વિભાવના પણ વિસ્તરતી જાય છે; જેમ ગંગોત્રીથી નીકળતી ગંગાને બીજી નદીઓનાં પાણી મળતાં મોટીને મોટી થતી જઈ, અલ્લાહાબાદ પાસે આવતાં, પવિત્રતાની અને કૃષિસમૃદ્ધિની મહાનદી બને છે તેમ, ગીતા પણ વિકસે છે. આગળ આવતા અધ્યાયોમાં જીવનના નવા આદર્શાે, નવાં પરિમાણો, નવાં મૂલ્યો ઉમેરાય છે. વિશેષે કરીને, ભક્તિનો મોટો પ્રવાહ પાછળથી આવે છે. ચિત્રમાં ભક્તિના આગમન સાથે કર્મ સંપૂર્ણ પરિવર્તન પામે છે. આ વિકાસ પછીથી આવશે. અહીં આપણે આરંભને પગથિયે છીએ. એટલા માટે આપણા ચિંતનને અને અભિગમને નવો ઘાટ આપવામાં આ વ્યાખ્યાએ અગત્યનો ભાગ ભજવવાનો છે.યોગબુદ્ધિ, બુદ્ધિયોગ, – બંને પ્રયોજાયેલા છે – યોગમાં દૃઢ થયેલી બુદ્ધિ અથવા, બુદ્ધિને પ્રેરતો યોગ; આ બુદ્ધિનો વિનિયોગ આપણે કર્મને અને માનવસંબંધોને માટે કરવાનો છે, આ બુદ્ધિ આપણા આધ્યાત્મિક પરિમાણની પ્રાપ્તિ આપણને કરાવે છે.
પોતાના ચાર વરસોના પશ્ચિમના દેશોના સફળ કાર્ય પછી સ્વામી વિવેકાનંદ ભારત પાછા આવ્યા તે પછી પોતાનું માનવ ઘડતરનું, રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સ્વામી વિવેકાનંદે આરંભ્યું અને રામકૃષ્ણ – વિવેકાનંદ આંદોલનનો તેમણે આરંભ કર્યો. ગીતામાં योगः कर्मसु कौशलम् શબ્દપ્રયોગ છે તેમ, તેમણે એવો એક ટૂંકો મુદ્રાલેખ આપ્યો : आत्मनो मोक्षार्थं जगद्धिताय च, ‘પોતાની જાતના મોક્ષ માટે અને જગતના હિતને માટે.’ જગતહિત માટેના કાર્યને તમારી આધ્યાત્મિક મુક્તિના કાર્ય સાથે જોડૉ. આ મુદ્રાલેખના પૂર્વાર્ધ ઉપર ભાર ન દેવાય તો આપણો ઉપયોગ યંત્રની માફક થવાનો અને યંત્ર ઘરડું ખખ થાય ત્યારે એ ભંગારમાં જાય. આપણી દશા તેના જેવી થશે. એમ ન થવું જોઈએ. आत्मनो मोक्षार्थम्, તમારે મુક્ત અને મુક્તતર બનવાનું છે. તમારા કાર્યની પરિસ્થિતિને તમારી ભીતરની દિશા તરફ ના વાળો ત્યાં સુધી આ બની શકે નહીં. ઉત્પાદક માનવી જ નહીં; યંત્ર પણ ઉત્પાદક એકમ છે. તમે ને હું કરીએ છીએ એથી કયાંય વધારે કાર્ય કેટલાંક યંત્રો કરી શકે છે. તમે કામ કરતા બંધ પડો ત્યારે પણ તમારી અંદર કેટલુંક મૂલ્ય છે, એ સ્વાભાવિક મૂલ્ય છે. રાષ્ટ્રને, જગતના લોકોને માનવવિકાસની ઉચ્ચતમ કક્ષાએ લઈ જાઓ. આ બાહ્ય કાર્ય છે. એની સાથે સાથે आत्मनो मोक्षार्थम्, આધ્યાત્મિક મુક્તિ પાળો. તમારી પોતાની આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરો. ગીતાની યોગની આ વ્યાખ્યામાંથી અને રામકૃષ્ણ – વિવેકાનંદ આંદોલનના સ્વામીજીના મુદ્રાલેખમાંથી આ સંદેશ સાંપડે છે. પુરાણી ગીતામાંથી નવા ગુરુઓ દ્વારા આજના યુગમાં સૌના કલ્યાણ માટે કેવો અદ્ભુત નવીન સંદેશ સાંપડે છે!
આખીયે ગીતાનું વિષયવસ્તુ યોગ છે. પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘ગીતા રહસ્ય’માં લોકમાન્ય ટિળકે જણાવ્યું છે કે ગીતામાં યોગ અને એની સાથે જોડાયેલા શબ્દો એંશી કરતાં વધારે વાર આવે છે. અને અંતભાગમાં સંજય પણ ધૃતરાષ્ટ્રને કહે છે કે ‘વ્યાસની કૃપાથી યોગેશ્વર કૃષ્ણે કરેલું યોગનું નિરૂપણ સાંભળવાની મને તક સાંપડી છે.’ તેમજ દરેક અધ્યાયને અંતે એ ફરી ફરી કહેવાયું છે કે श्रीमद् भगवद् गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे, ‘યોગશાસ્ત્રમાં બ્રહ્મવિદ્યામાંથી શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપી ઉપનિષદ આ ભગવદ્ ગીતામાં લેવાયેલું છે!
ગીતામાં બધો ઝોક મનુષ્યના કાર્ય પર અને એ કાર્ય પોતાના અને જગતના હિત માટે સધાય તેની પર જ છે. થોડા શ્લોકો પછી અર્જુન જ આ સવાલ કરવાનો છે કે આ સ્થિરતાનું, આ શક્તિનું સ્વરૂપ શું છે, અને આ બીજા અધ્યાયને પૂરો કરતા કેટલાક શ્લોકોમાં શ્રીકૃષ્ણ એને ઉત્તર આપશે. ને હવે આપણે પછીનો, ૫૧મો શ્લોક લઈએ :
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्।।51।।
‘આ સમત્વબુદ્ધિને પ્રાપ્ત થયેલા શાણા (જ્ઞાની) મનુષ્યો પોતાનાં કર્મોનાં ફળનો ત્યાગ કરી, જન્મનાં બંધનોથી મુક્ત થઈ, અનિષ્ટોથી પર એવા સ્થાનને પામે છે.’
कर्मजं फलं ‘કર્મથી પ્રાપ્ત થતાં બધાં ફળ’; આવાં ફળને સંભાળવાની રીત યોગબુદ્ધિવાળાં માનવીઓ જાણે છે. એ લોકો કદી એ ફળ પોતાને માટે લેતાં નથી. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा, ‘સૌના હિત માટે એ લોકો ફળનો ત્યાગ કરે છે.’ मनीषिणः, ‘શાણા (જ્ઞાની) લોકો.’ जन्मबन्धविनिर्मुक्ताः, ‘જન્મ અને મૃત્યુનાં બંધનોમાંથી એ લોકો છૂટી જાય છે.’ पदं गच्छन्ति अनामयम्, અનિષ્ટોથી પર એવા સ્થાનને તેઓ પામે છે.’ ક્યારે? અહીં, આ જીવનમાં જ. સમગ્ર વેદાંતમાં અને ગીતામાં આની ઉપર જ મોટો ઝોક છે – સ્વર્ગમાં, મૃત્યુ પછીના સ્વર્ગમાં નહીં પણ તમે ફળને અહીં જ લણશો અને આ સત્ય છે એ જાણશો. આ હાંસલ કરી શકાય છે, લોકોએ એ હાંસલ કર્યું છે. હું પણ એને હાંસલ કરી શકું છું. એટલે મારી જિંદગીને અને મારા કાર્યને હું એવો ઘાટ આપું છું કે એ આશીર્વાદ મારા જીવનમાં ઊતરે – વીસમી સદીની જીવશાસ્ત્રીય ઉત્ક્રાંતિના મુખ્ય વિષય તરીકે જેનો ઉલ્લેખ મેં અગાઉ કર્યો હતો તે, ગુણવૃદ્ધિ. આપણા જીવનમાં અને કાર્યોમાં આપણે આ હાંસલ કરવાનું છે. શ્રીકૃષ્ણ અહીં એ ફિલસૂફીનું મંડન કરે છે.
દરેક સ્થળે શંકરાચાર્ય કહે છે, इहैव, इहैव, ‘અહીં જ, અહીંયાં જ.’ સામાન્ય રીતે ધર્મ આપણને ભાવિ જીવન માટેનું વચન આપે છે. ગીતા કે ઉપનિષદો એવું તત્ત્વજ્ઞાન શિખવાડતાં નથી. બધું ‘અહીં ને હમણાં જ’ છે. માનવીનું એ અનંત સ્વરૂપ; એનો સાક્ષાત્કાર તમે કરો છો ત્યારે તે અહીં જ કરો છો. મનુષ્યજીવનમાં આમ આ સંસારમાં જ પૂર્ણતા પ્રગટ થાય છે. બુદ્ધે બોધગયામાં બોધિ પ્રાપ્ત કરી એમ કહેવાય છે. આમ વેદાંતમાં અને બૌદ્ધ ધર્મમાં આધ્યાત્મિક સાક્ષાત્કારની વિભાવના અનન્ય છે. તમે ‘એ’ અહીં અને હમણાં જ મેળવો છો.
શ્રીકૃષ્ણ અને બુદ્ધની બાબતમાં કથા છે કે સ્વર્ગના દેવો બ્રહ્મા અને ઈન્દ્ર પણ આ બે વિભૂતિઓ પાસે આશીર્વાદ માટે આવ્યા હતા. આ સત્યનો સાક્ષાત્કાર જે કરે છે તે, આપણા કે બીજાના, બધા દેવો કરતાં ચડિયાતા છે. માનવતંત્રની મહત્તા એ છે કે સત્યનો સાક્ષાત્કાર કરવાની એની આ જૈવિક શક્તિની સાથે, તેનામાં દિવ્યતત્ત્વ વસે છે. પૃથ્વી પરની આ આધ્યાત્મિક અનુભૂતિની સાથે કયા સ્વર્ગની તુલના થઈ શકે?
(ક્રમશ 🙂
Your Content Goes Here




