ગતાંકથી આગળ…
ત્રીજા અધ્યાયને તથા ગુનાના તેમજ તેને અટકાવવા તે લગતા વિષયને આ અનુરોધથી પૂર્ણ કરે છે :
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ।।43।।
‘આમ, બુદ્ધિથી પરના સત્યને જાણીને અને આત્માને આત્મા વડે સંયમમાં રાખીને, હે મહાબાહુ, પકડી ન શકાય તેવા કામરૂપી શત્રુનો તું નાશ કર.’
અહીં આપણને લશ્કરી ભાષા જોવા મળે છે. શ્રીકૃષ્ણ યોદ્ધા હતા અને અર્જુન પણ યોદ્ધો હતો. एवं, ‘આમ’, बुद्धेः परं बुद्ध्वा ‘બુદ્ધિથી પર છે તે સત્યનો સાક્ષાત્કાર કરીને.’ संस्तभ्यात्मानमात्मना, ‘લઘુકડા આત્મા (સ્વ)ને અનંત આત્મા વડે સંયત કરીને’, जहि शत्रुं, ‘શત્રુ પર વિજય મેળવ.’ કોણ છે એ શત્રુ? कामरूपं दुरासदम्, ‘પકડી ન શકાય તેવો કામના રૂપવાળો’ અને ગુનાખોરીના તથા બધી દુષ્ટતાના વલણવાળો. એને પરાભૂત કરવો મુશ્કેલ છે, એ હેતુ માટે તારે તારી બધી શક્તિઓ કામે લગાડવી પડશે. એને સહેલું ને આસાન ન માની લેતો. નીતિક્ષેત્રે નકામા આંટા મારવાથી કોઈ નીતિમાન બની શકતું નથી. એ માટે આકરો સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ તમને શક્તિ અને બળ આપે છે. આમ, આ છેલ્લું વાકય સર્વ લોકોને માટે, ખાસ કરીને આજના આપણા ભારતના લોકો માટે સંદેશ છે. શત્રુઓના કિલ્લાને ચીંધતા અને ‘જાઓ, એને સર કરો’, એમ આજ્ઞા આપતા સેનાધ્યક્ષના જેવું આ છે. અર્જુનના માધ્યમ દ્વારા શ્રીકૃષ્ણ સૌ લોકોને કહી રહ્યા છે. બધી ગુનાખોરી અને બધી દુષ્ટતા પર હુમલો કરો અને તેમને પરાજિત કરો. ૧૮ દિવસમાં પૂરા થયેલા કુરુક્ષેત્રના યુદ્ધ જેવું આ યુદ્ધ નથી, સમગ્ર માનવજાત માટેનું આ સતત યુદ્ધ છે. એનો હેતુ છે માનવઉત્ક્રાંતિને આધ્યાત્મિક મુક્તિના અને પૂર્ણતાના ઉચ્ચતમ ધ્યેયે લઈ જવાનો. બહારનાં યુદ્ધો લડવાના આ જગતના વલણને પણ એ આંતરયુદ્ધ દૂર કરશે. અમેરિકામાં મેં એક વાર ૧૮૯૪માં પ્રગટ થયેલું એક પુસ્તક વાંચ્યું હતું તેનું શીર્ષક છે; Success Through a Positive Mental Attitude. Positive Mental Attitude (ભાવાત્મક માનસિક અભિગમ) P.M.A., તરીકે પણ ઓળખાય છે અને Negative Mental Attitude, (નકારાત્મક માનસિક અભિગમ) N.M.A. નો તે વિરોધી છે. માનવીમાં એ શ્રદ્ધા અને એ વિશ્વાસ હોય ત્યારે ભીતર શાંતિ અને બહાર પ્રેમ અને સેવા સાથેના ચારિત્ર્યઘડતરની શક્તિ એને પ્રાપ્ત થાય છે.
આત્મશ્રદ્ધાના વિષય ઉપર સતત આટલો ભાર દેવાયો હોય એવા, ગીતા-ઉપનિષદોના બે જ ગ્રંથો તમને સમગ્ર જગત સાહિત્યમાં સાંપડશે. શક્તિ અને નિર્ભયતા. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદે મદ્રાસમાં ‘ભારતીય જીવનમાં વેદાંત’એ વિષય પર બોલતાં કહ્યું હતું –
‘ઉપનિષદો તો સામર્થ્યની મોટી ખાણ છે; આખા જગતને ચેતનવંતું કરી મૂકે એવી શક્તિ એમાં ભરેલી છે. એમના દ્વારા આખા વિશ્વને સજીવન કરી શકાય, તાકાતવાન બનાવી શકાય, શક્તિમાન બનાવી શકાય અને એ ઉપનિષદો દરેક પ્રજાના, દરેક સંપ્રદાયના, દરેક જાતિના દુર્બળોને, દુ :ખીઓને અને દલિતોને રણશિંગું ફૂંકીને ઘોષણા કરે છે કે તમારા પગ પર ખડા રહો અને મુક્ત થાઓ! ઉપનિષદોનો મૂળમંત્ર છે મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ.’ (સ્વા.વિ. ગ્રંથમાળા ભાગ-૪.૧૬૫)
બીજાઓમાં નિર્ભયતા પ્રેરતી નિર્ભયતા એ છે; ગીતાના ૧૨મા અધ્યાયમાં આ આવશે.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
कर्मयोगो नाम तृतीयोऽध्यायः ।।
કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ.
જ્ઞાનકર્મસંન્યાસયોગ
ગીતાના ત્રીજા અધ્યાયનું અધ્યયન આપણે પૂરું કર્યું. સમાજમાં ગુનાખોરી અને એને કેમ ડામવી એ અગત્યના વિષયની ચર્ચા એના છેલ્લા સાત શ્લોકોમાં હતી. હવે ચોથા અધ્યાયનો આરંભ કરીએ છીએ. પછીના અધ્યાયોમાં હવે એ ચિંતનને સમૃદ્ધ કરવા નવા વિચારો, આધ્યાત્મિક જીવનના નવા પ્રવાહો એ ઉમેરે છે. ચોથા અધ્યાયના આરંભના થોડા શ્લોકોનો અભ્યાસ કરીએ ત્યારે આ સ્પષ્ટ થશે. અધ્યાય આમ શરૂ થાય છે :
श्रीभगवानुवाच –
શ્રીકૃષ્ણે કહ્યું :
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ।।1।।
‘આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો; વિવસ્વાને એ મનુને; (અને) મનુએ એ ઇક્ષ્વાકુને કહ્યો હતો.’
इमं योगं, ‘આ યોગ’; એટલે બીજા અને ત્રીજા અધ્યાયમાં એમણે વિવરણ કરેલું તત્ત્વદર્શન; विवस्वते प्रोक्तवान् अहं अव्ययम्, ‘આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો.’ विवस्वान्मनवे प्राह, ‘વિવસ્વાને એ મનુને શીખવ્યો.’ मनुरिक्ष्वाकवे अब्रवीत्, ઇક્ષ્વાકુનું વ્યક્તિત્વ ઐતિહાસિક ગણી શકાય; એના વંશમાં પછીના કાળમાં રામ જન્મ્યા હતા. विवस्वान्, એટલે સૂર્ય. મનુ અને વિવસ્વાન આપણા પૌરાણિક યુગના છે. એટલે શ્રીકૃષ્ણ કહે છે કે ‘મેં તેમને પુરાણકાળમાં શીખવ્યો હતો!’ અને પછીના શ્લોકમાં ગુરુશિષ્ય પરંપરા અનુસાર એ કેમ ઊતરતો આવ્યો તે કહેવામાં આવ્યું છે :
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ।।2।।
‘આમ પરંપરાથી ઊતરી આવેલો આ યોગ રાજર્ષિઓ જાણતા હતા. હે પરન્તપ, બહુ કાળ વીતતાં, આ યોગ નાશ પામ્યો.’ (ક્રમશ 🙂
Your Content Goes Here





