વેદાંત કહે છે કે, ચૈતન્ય જ જગતના બધા પદાર્થાેમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. મુણ્ડક ઉપનિષદ (૨.૨.૧૧)માં આ સત્ય જણાવે છે તે પ્રમાણે ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् છે. ‘આ વિષયો અને પદાર્થાેવાળું પ્રકટ વિશ્વ જ પૂજનીય બ્રહ્મ છે.’ હવે, ભારતમાં આ તવદર્શન યુગો પૂર્વે વિકસેલું હતું અને, અર્વાચીન પાશ્ચાત્ય વિજ્ઞાન ઉપનિષદોના બ્રહ્મની દિશામાં જઈ રહ્યાું છે. પોતાના પુસ્તક ‘તાઓ ઓફ ફિઝિકસ’માં આપણા પ્રોફેસર કાપ્રા કહે છે કે આ ગહન તથ્ય છે. છાન્દોગ્ય ઉપનિષદમાંથી એ પ્રહેલિકા (કોયડા) રૂપ એક અવતરણ આપે છેઃ प्राणो वै ब्रह्म, ‘પ્રાણ બ્રહ્મ છે.’ પ્રાણ એટલે શક્તિ; અહીં એનો અર્થ છે જૈવિક અને ચૈતસિક શક્તિ. પણ એમાં બધી શક્તિઓ સમાવિષ્ટ છે. એટલે, બધી શક્તિ બ્રહ્મ છે. प्राणो वै ब्रह्म, ‘પ્રાણ જ બ્રહ્મ છે’; તો પછી આપણે ભૂલથી એને જગતની આ બધી નીરસ, મર્ત્ય ભૌતિક શક્તિઓ તરીકે ઓળખવાની ભૂલ શા માટે કરીએ છીએ? પછીની પંક્તિ છેઃ कं ब्रह्म, खं ब्रह्म। મોટું કોયડારૂપ કથન ક અને ખ સંસ્કૃતના પહેલા બે વ્યંજનો છે. બ્રહ્મ ક છે, બ્રહ્મ ખ છે. પછી શિષ્ય કહે છે, ‘આ ક – ખ મને સમજાતું નથી. પ્રાણ બ્રહ્મ છે તે સમજી શકું છું. કૃપા કરી તે સમજાવો.’ ગુરુ સંસ્કૃતમાં સમજાવે છેઃ ખ એટલે આકાશ, અનંત જગ્યા. અર્થાત્, બ્રહ્મ અનંત છે, વિશાળ છે; એ બરાબર છે. તો શું એ આજના ભૌતિક વિજ્ઞાનમાં છે તેના જેવું નીરસ ભૌતિક બ્રહ્માંડ છે? ના, એ કં પણ છે. कं बह्म, સંસ્કૃતમાં કં એટલે સુખ, આનંદ. અર્થાત્, એનું શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય છે. એટલે કે, બ્રહ્મ અનંત છે અને છતાંય, વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અને સઘળું આવિષ્કૃત વિશ્વ પણ એ બ્રહ્મ જ છે. प्राणो वै ब्रह्म, कं ब्रह्म, खं ब्रह्म । છાન્દોગ્ય ઉપનિષદના આ વાકયને એ વૈજ્ઞાનિક પૂરી સંમતિથી ટાંકે છે. ને એટલે, પરિવર્તન એ અવિકારી, અનંત સત્યની એક ધડકન માત્ર છે. સમુદ્રનાં પાણી જેવું એ છે; તરંગ એ પાણીનું ધડકન છે. તરંગને સમુદ્રથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ સતત ઊભો થાય છે ને શમી જાય છે. એવી જ રીતે, અર્વાચીન ભૌતિકશાસ્ત્રમાં પણ આ ભાષા પ્રયોજાય છે, પાછળ રહેલા અનંત સત્યનો આ માત્ર તરંગ છે. સમગ્ર વિશ્વ તરંગરૂપ છે. અનંત પશ્ચાદ્ભૂના સત્યનો એ તરંગ માત્ર છે. હવે આ ચાલુ પરિભાષા થઈ ગઈ છે, અર્વાચીન ભૌતિકશાસ્ત્ર અને બ્રહ્માંડવિદ્યા એનું ઉદ્ભવસ્થાન છે પણ, પુરાણ કાળમાં વેદાન્તમાં કે ઉપનિષદોમાં એ ઉપલબ્ધ છે.
એટલે, उभयोरपि दृष्टोऽन्तः त्वनयोः तत्त्वदशिर्भिः, એમ શ્રીકૃષ્ણ કહે છે. આ અન્ત, નિર્ણય પર કોણ આવ્યું છે? तत्त्वदशिर्भिः જેમણે તવનો સાક્ષાત્કાર કર્યાે છે તેઓ. तत्त्वं શબ્દ પણ સંસ્કૃતમાં ખૂબ શાસ્ત્રીય ચોકસાઈવાળો શબ્દ છે. तस्य भावः तत्त्वम्, ‘કોઈ પદાર્થનું સ્વરૂપ, પ્રકૃતિ, તવ કહેવાય છે.’ દેખાય છે તે નહીં. જેમ કે, ‘પૃથ્વી સપાટ છે.’ એ મત છે, તવ નથી. પૃથ્વી સપાટ છે એમ આપણી ઈન્દ્રિયો કહે છે. પણ તવ શું છે? એ ગોળ છે, દડા જેવી. એ તવ છે. શાસ્ત્રીય નિરીક્ષણ કરીને જે વસ્તુઓના તવને જાણે છે તે આ તારણે આવ્યા છેઃ એ સત્ નિત્ય હોય છે. ને જે અસત્ છે, જેનું અસ્તિત્વ નથી તે સત્ય નથી. અસત્માં જે કંઈ સત્ય રહેલું હોય છે તે સત્માંથી જ આવે છે. તો ઋષિમુનિઓએ આ સત્યનું અન્વેષણ કર્યું છે. તે આ તારણ પર આવ્યા છે. ચિંતનવ્યાપાર કેવી રીતે પુનરાવર્તન પામે છે તે, અર્વાચીન ભૌતિકશાસ્ત્રમાં બનતું આપણને જોવા મળે છે. આઈન્સ્ટાઈનની ભાષામાં, ‘આજના ભૌતિકશાસ્ત્રમાં,’ આ એમના જ શબ્દો છે, ‘બે સત્યો છે. એક પદાર્થ (ભૂત), બીજું ક્ષેત્ર. બંને સત્ય હોઈ શકે નહીં કારણ, માત્ર ક્ષેત્ર જ સત્ય છે. પદાર્થ તેનું ઘનીભૂત સ્વરૂપ છે.’ આની ભાષા જુઓ. વેદાંતે જે ભાષા યુગો પહેલાં પ્રયોજી હતી તેનો વૈજ્ઞાનિકોએ આજે સહારો લેવો પડે છે; કારણ, પેલા સંતો અભિપ્રાયની નહીં, સત્યની ખોજમાં લાગેલા હતા. તત્ત્વ આ છે; જે દેખાય છે, ખુશ કરે છે તે નહીં; એ તો માન્યતાઓ છે, રૂઢ માન્યતાઓ છે. આ ભલે પુષ્કળ હોય, તત્ત્વ એમનાથી ભિન્ન છે. આ શબ્દ મહાન છે અને, એનો અર્થ સમજીને એને રોજિંદા જીવનમાં ઉતારવાનો યત્ન આપણા લોકો કરે એમ હું ઇચ્છું છું.
કોઈપણ વસ્તુનું તવ શું છે? માની લો કે હું એક મત ધરાવું છું. હું કોઈ પણ મતને ધારણ કરું તો એ સત્ય પર આધારિત હોવો ઘટે. એ મત સાચો હોવો જોઈએ. તો જ એ તવ બની શકે. નહીં તો એ મત જ કહેવાય. અંગ્રેજી ઓપિનિયન શબ્દને સંસ્કૃતમાં मतम् કહે છે. तद् अस्माकं मतम् ‘એ અમારો મત છે,’ અથવા, ‘એ અમારો ધર્મ છે.’ એ સત્ય નથી – મેં એની અન્વેષણા નથી કરી. પરંતુ, અન્વેષણાને પરિણામે તમને એ સાચો લાગે તો જ એ મત સાચો મત બની શકે. એ પડકાર ઝીલી શકે. એટલે, સામાન્ય રીતે સંસારમાંના આપણા ધર્માે બહુવચનમાં હોય છે. એ સઘળા મતો છે. મને જે ગમે છે, મને જે આકર્ષે છે, મારી આવશ્યકતાઓને જે અનુરૂપ છે એ મત કહેવાય છે. હું વૈષ્ણવ, શૈવ, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી થવાનું પસંદ કરું છું; આ સઘળા મતો છે. આ એનું એક લક્ષણ છે. બીજું લક્ષણ છેઃ તમે શાસ્ત્રીય અન્વેષણા કરો તો આ મત શું છે? મતોની અનેકતા પાછળ શું છે? એ સર્વની પાછળ સત્ય છે? એ ખોજ તમને ધર્મના તવ તરફ લઈ જશે. એ તવ હાથ લાગ્યું પછી, ધર્માે વચ્ચે સંઘર્ષ રહેશે નહીં. શાસ્ત્રીય સત્યો વચ્ચે ઘર્ષણ હોતું નથી; હઠાગ્રહો વચ્ચે જ સંઘર્ષ હોય છે. એક જ સત્યનાં આ ભિન્ન ભિન્ન રૂપો છે એ આપણે જાણીએ છીએ. પછી સંઘર્ષ નહીં રહે. કેવળ સંવાદિતા અને શાંતિ સ્થપાશે. ને અરસપરસ માટે આદરઃ તમારા મતનો હું આદર કરું છું ને તમે પણ, મારા મતને માન આપો છો. તમે કંઈ ખોરાક લો છો, હું એનો આદર કરું છું. હું કંઈ ખોરાક લઉં છું, તમે પણ એનો આદર કરો છો. ‘મારો ખોરાક જ સાચો છે ને તમારો ઝેર છે,’ એમ ન કહો, ધર્મને નામે, એને તવ સમજીને, આપણે એ જ કર્યું છે. તવ તદૃન ભિન્ન છે. તમને ગમે તે તમે ખાઓ – એ મત છે. પણ આરોગ્ય માટે આવશ્યક કµલરીઓ અને પોષણ તમે લો તે તવ છે.
આમ, ધર્મમાં તેમજ ખાવાની બાબતમાં મત અને તવ વચ્ચેનો તફાવત જોવા મળે છે. એની ગવેષણા કરો ત્યારે જ, તમને આ સત્ય લાધે. આપણા દેશમાં આજે અનેક લોકો પ્રશ્ન કરે છેઃ ‘આટલા બધા ધર્માે શા માટે?’ એ બધા વિશેનું સત્ય શું છે? ‘બધા ધર્માે કહે છે, ‘હું સત્ય છું,’ હા, તું સત્ય છો પણ તને સત્યનો સર્વાધિકાર મળી જતો નથી. ‘અમે સાચા છીએ,’ એમ બીજા પણ કહે છે. આવા પ્રશ્નો ઊઠે ત્યારે, નિષ્પક્ષપાત, પરલક્ષી અન્વેષણાની જરૂર રહે છે અને આપણા પ્રાચીન તેમજ અર્વાચીન સંતોએ તેમજ કરી, મતને તવની કક્ષાએ એ લઈ ગયા છે. તવ એક જ છે. તવનું બહુવચન હોઈ શકે નહીં, મત ઘણા હોઈ શકે. આમ એક તવ અને મતો એક જ તવની વિભિન્ન અભિવ્યક્તિઓ છે. ધર્માેની વિભિન્નતા પાછળ અદ્ભુત એકતાની શોધ આપણા ભારતીય સંતોએ આ રીતે કરી અને, ભારતભૂમિ ઉપર ધર્મને નામે ઓછામાં ઓછી અસહિષ્ણુતા સાથે એમણે સંવાદિતા અને શાંતિ સ્થાપ્યાં. આની અભિવ્યક્તિ પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ (૧.૧૬૪.૪૬)માં સાંપડે છેઃ एकं सत् विप्राः बहुधा वदन्ति, ‘સત્ય એક જ છે, સંતો એને જુદે જુદે નામે ઓળખે છે’; અને સદીઓ પછી, શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છેઃ वदन्ति तत् तत्त्वविदः तत्त्वं यत् ज्ञानमद्वयं, ब्रह्मेति परमात्मेति भगवानिति, शब्द्यते પેલો તવનો વિચાર અહીં પુનઃ આવે છે. એ કહે છેઃ वदन्ति तत् तत्त्वविदः ‘તવને જાણનારા આમ કહે છેઃ શું કહે છે તેઓ? तत्त्वं यत् ज्ञानमद्वयं ‘તવ એક જ છે, એ વિશુદ્ધ, અદ્વિતીય ચૈતન્ય છે’; એને ઉપનિષદો બ્રહ્મ કહે છે, એ વિશુદ્ધ, અદ્વિતીય ચૈતન્ય છે. એ તવ છે. પરંતુ, ‘જુદા જુદા લોકો જુદી જુદી ભાષામાં ને શૈલીમાં એને વ્યક્ત કરે છે.’ એ સર્વ શું છે? ब्रह्मेति परमात्मेति भगवानिनि शब्द्यते- શબ્દ અથવા ધ્વનિ અથવા ભાષા એ એક તવને ભિન્ન ભિન્ન રૂપે વ્યક્ત કરે છે. ‘કોઈ બ્રહ્મ કહે છે, કોઈ એને પરમાત્મા કહે છે તો કોઈ એને સર્વ પર પ્રીતિ કરનાર ભગવાન કહે છે.’
આ રીતે મત વિરુદ્ધ તત્ત્વની અન્વેષણાએ આ દેશનું ખૂબ ભલું કર્યું છે. અન્ય કોઈ દેશમાં એવો પ્રયત્ન સુદ્ધાં કરવામાં આવ્યો નથી, એક વાર પણ નહીં. કેવળ રાજકીય સગવડતાને બાદ કરતાં, કદી એનો પ્રયત્ન કરાયો જ નથી. અને આજે, આ ભિન્ન આવિષ્કારો વચ્ચે સંવાદિતા શોધવા માટે, એ અન્વેષણના શ્રીગણેશ કરવા પડે છે. ફિલસૂફી બાબત છે તેવું જ ધર્મ બાબત છે. આપણે મતનો બહુવચનમાં અને તવનો એકવચનમાં વિચાર કરવાનો છે અને, બહુવચને એકવચનને નમવું જ જોઈએ.
પછીના શ્લોકમાં ગીતા કહે છેઃ
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ।।17।।
‘જે વિશ્વવ્યાપી છે તેને તું અવિનાશી જાણ; એ અક્ષર સત્યનો વિનાશ કોઈ કરી શકે નહીં.’
વિશુદ્ધ, અદ્વૈત ચૈતન્ય સ્વરૂપનું આ અનંત સત્ય અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. વસ્તુઓ જન્મે છે ને નાશ પામે છે પરંતુ જેમાંથી આ બ્રહ્માંડ પ્રકટ થાય છે તેનો કદી નાશ થઈ શકતો નથી. विनाशं अव्ययस्य अस्य न कश्चित् कर्तुं अर्हति, ‘બ્રહ્માંડ પાછળ રહેલા, એ અવિનાશી તત્ત્વનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી.’ अविनाशि तु तद्विद्धि, ‘એને તું અવિનાશી જાણ’; આ દેહમાં પણ એ છે, આત્મા રૂપે. ‘ત્યાં’ છે તે જ ‘અહીં’ છે. પણ એનો સાક્ષાત્કાર માત્ર માનવદેહમાં જ કરી શકાય છે; મનુષ્યપ્રાણીની એ સર્વાેત્કૃષ્ટ વિશેષતા છે. પશુદેહમાં પણ એ છે પરંતુ આ સત્યને ગ્રહણ કરવામાં એ દેહ કામ આવતો નથી. એટલે
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ।।18।।
‘જે અવિનાશી અને નિર્ણય ન કરી શકાય તેવું અપ્રમેય છે, તે સનાતન સ્વરૂપના આ વિવિધ દેહો નાશવંત છે એમ કહેવાય છે, માટે હે અર્જુન, તું યુદ્ધ કર.’
‘માટે યુદ્ધ કર, तस्मात् युद्धस्व. શા માટે? આ શરીરો अन्तवन्तः છે એ માટે. ‘એમને અન્ત છે;’ અન્ત એટલે મૃત્યુ. શરીરો મૃત્યુપાત્ર છે; સર્વકાળને માટે એમને રાખી શકાતાં નથી. કોનાં શરીરો છે આ नित्यस्योक्ताः शरीरिणः, ‘જે શરીરી નિત્ય છે તેનાં’; સનાતન આત્માનાં આ નાશવંત શરીરો છે. તું આ સત્ય સમજી લે કે अनाशिनो अप्रमेयस्य, આ બધાં શરીરોમાં વસી રહેલો આત્મા अनाशि, ‘જેનો નાશ નથી તેવો છે,’ अप्रमेय, ‘માપી ન શકાય તેવો’ છે, મન અને વાણીથી બાંધી ન શકાય તેવો છે. अप्रमेय તેને કહે છે. સમસ્ત જગતને મન અને વાણીની મર્યાદામાં આણી શકાય છે, આત્માને નથી આણી શકાતો કારણ કે એ સનાતન કર્તા છે, એ નિત્ય વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. કઠ ઉપનિષદ (૧.૨.૯માં) જણાવે છે તે પ્રમાણે नैषा तर्केण मतिरापनेया- ‘તર્ક વડે આ આત્મા ગ્રહણ કરી શકાતો નથી.’
Your Content Goes Here




