य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।19।।
‘જે આ આત્માને હણનાર માને છે ને જે એને હણાયેલો માને છે તે બંને જાણતા નથી કે એ નથી તો હણતો કે નથી હણાતો.’
આ ૧૯મા શ્લોકે અમેરિકન ચિંતક રાલ્ફ વાલ્ડો ઇમર્સનનું ધ્યાન ખેંચ્યું હતું. ઉપોદ્ઘાતમાં મેં જણાવ્યા પ્રમાણે, આ શ્લોકને નાના પદ્યરૂપમાં ઇમર્સને પોતાના એક નિબંધમાં મૂકયો છે. ઓગણીસમી સદીમાંના અમેરિકાના ટ્રાન્સેંડેંટલિસ્ટ (સર્વાતીતવાદી) આંદોલન પર એ પુસ્તકની ઘેરી અસર પડી હતી. એટલે, नायं हन्ति न हन्यते, ‘આત્મા હણતો નથી, અન્ય કોઈને હણવાનું કારણ એ બનતો નથી, આત્માનું એ સાચું સ્વરૂપ છે. પછીનો શ્લોક આ વાતનો વિસ્તાર છેઃ
न जायते म्रियते वा कदाचित्
न्नायं भूत्वा भविता वा न भूयः।।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे।।20।।
‘આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી; જન્મ્યા પછી મરી જાય તેવો એ નથી; અજન્મા, નિત્ય અને શાશ્વત એવો આ પુરાણો આત્મા શરીર હણાતાં હણાતો નથી.’
કઠ ઉપનિષદમાંના શ્લોકના જેવો જ આ શ્લોક, લગભગ શબ્દશઃ છે. न जायते, ‘આત્માને જન્મ હોતો નથી.’ સ્વાભાવિક રીતે જ, न म्रियते ‘એને મૃત્યુ નથી.’ कदाचित् न्नायं भूत्वा भविता वा न भूयः ‘જન્મ્યા પછી એ નથી હોતો એમ પણ નથી’; अजो, ‘એ અજન્મા છે’, जन् એટલે, ‘જન્મવું’; અંગ્રેજીમાં જેનેટિક શબ્દ આમાંથી ઉદ્ભવ્યો છે. એટલે अजो, ‘અજન્મા’; नित्यः, ‘સનાતન’; शाश्वतः, ‘શાશ્વત (સદા કાળ ટકતો); पुराणो, ‘એકદમ પ્રાચીન અને છતાં નિત્ય નવીન’, આદિ શંકરાચાર્ય અનુસાર આ શબ્દનો તે અર્થ છે, पुरा अपि नव एवेतति पुराणः, ‘પ્રાચીન અને છતાં નિત્ય નવીન.’ આશરે ૫૦૦૦ વર્ષાેના અસ્તિત્વ પછી, અર્વાચીન કાળમાં ભારતને યુવાની પ્રાપ્ત થઈ છે. એટલે, આત્મામાં જોવા મળતો ગુણ ભારતમાં દેખાય છે. એ હંમેશાં પુરાણો છે, જૂનો છતાં નિત્ય નવીન. न हन्यते हन्यमाने शरीरे, ‘શરીરનો નાશ થાય છે ત્યારે આત્માને અસર થતી નથી.’ આત્મા તદ્દન અસ્પર્શ્ય રહે છે. આત્માને, મનુષ્યના સ્વને કોઈ હણી શકતું નથી. મનુષ્યના અમર સ્વરૂપના આ સત્ય પર ઉપનિષદોએ તથા ગીતાએ વારંવાર ભાર મૂકયો છે. શ્વેતાશ્વતર ઉપનિષદે (૨.૫માં) બધા મનુષ્યોને अमृतस्य पुत्राः ઘોષિત કર્યા છે. આનું થોડુંક પણ ભાન આપણને પ્રચંડ શક્તિ, પ્રચંડ નિર્ભીકતા અને પ્રચંડ કરુણા આપી શકે. સહુમાં એક જ આત્મા છે. એ આપણને સૌના મિત્ર બનાવે છે અને, માનવ માનવ વચ્ચેના સંબંધમાં પ્રેમ-સેવાની ભાવના જાગ્રત કરે છે. બધી નૈતિક ભાવના પાછળ આ એકતાની ભાવના છે. નીતિશાસ્ત્ર હંમેશાં લોકો વચ્ચે એકતાની આ ભાવનાને પોષે છે. તો જ નૈતિક ભાવના કાર્યરત રહી શકે. એટલે, આ નૈતિક ભાવના પાછળ પાયાની એકતાનું સત્ય રહેલું છે. તત્ત્વતઃ આપણે એક છીએ.
પરિવર્તન પામતા દેહમનના આ સંકુલની પાછળ, કશુંક સનાતન, કશુંક અનંત માનવીમાં વસેલું છે. મનુષ્ય સંબંધી, ઉપનિષદોના ઋષિઓનો એ પાયાનો બોધ છે. આપણે એ જાણતા નથી પણ, જાણવા ન જાણવાથી એ સત્યમાં કશો ફરક પડતો નથી. કારણ, એ સત્ય શોધાયું અને પુનઃ શોધાયું હતું અને, આપણી મુક્તિ માટે આપણે જાતે તેની પુનઃ શોધ કરીએ તે માટે તેને આપણી સમક્ષ રાખવામાં આવ્યું હતું. આપણી મુક્તિ માટે સ્વર્ગમાંથી કોઈ આવે તેની આપણને જરૂર નથી. આપણી મુક્તિ આપણી સાથે જ જોડાયેલી છે, આપણું સનાતન સ્વરૂપ નિત્ય મુક્ત આત્માનું છે. વેદાન્ત સાહિત્યમાં આની ઉપર સદા ભાર દેવાયો છે. એટલે, બીજા અધ્યાયના પહેલા ભાગમાં અર્જુન દ્વારા શ્રીકૃષ્ણ આપણને સૌને કહે છે जायते म्रियते वा कदाचित् ‘આ આત્માને જન્મ નથી, મૃત્યુ નથી’, એ અમર છે, દેહ પડે છે ત્યારે, એ સદા રહે છે. આ ખંડ પરની ટીકામાં શંકરાચાર્ય કહે છે, ‘મનુષ્ય આત્માનો નાશ કરવાની સત્તા ઈશ્વરને પણ નથીઃ એટલે, પશુઓમાં, જીવજંતુઓમાં, સર્વત્ર, સૌના અંતરતમમાં, આ આત્મા છે. પશુઓ આ સત્યનો સાક્ષાત્કાર કરી શકતાં નથી એટલો તફાવત છે. એ સત્યના સાક્ષાત્કારની શક્તિ કેવળ મનુષ્ય પાસે જ છે. મનુષ્યની એ સર્વાેચ્ચ વિશિષ્ટતા છે. પોતાની આસપાસની સૃષ્ટિનું અને, પોતાના અમર આત્માનું સત્ય માનવી સમજી શકે એ પરિપાટીએ ઉત્ક્રાંતિ પહોંચી છે; કારણ, માનવકક્ષાએ ઉત્ક્રાંતિ વ્યાપારની સમગ્ર યાત્રા આ શોધ ભણીની છે – ઉત્ક્રાંતિનો સમગ્ર વ્યાપાર પૂર્ણતાને પામે છે જ્યારે તે પોતાના સ્વરૂપને અમર અને અનંત આત્મા તરીકે ઓળખે છે.
ડેલ્ફીના મહાન ભવિષ્યકથન દ્વારા મળતો પ્રાચીન ગ્રીસનો પણ એ જ સંદેશ છેઃ ‘માનવી, જાતને ઓળખ.’ તમે તારાઓ વિશે જાણો, પૃથ્વી વિશે, ફલાણા ને ઢીંકણા વિશે જાણો; એ બધું સારું છે. પણ તમારી જાત વિશે જાણવું તે ઉત્તમ જ્ઞાન છે. તમે અમર, નિત્ય શુદ્ધ, અજન્મા છો એ તમારા સત્ય સ્વરૂપ વિશે જાણો ત્યારે તમારા જીવનમાં કેવડો મોટો ફરક પડે છે! અને બીજા લોકો સાથે તમારો વ્યવહાર કેવો બદલાઈ જાય છે! બધી ગુનાખોરી, બધી નીચતા, પંગુતા માનવજીવનમાંથી અદૃશ્ય થઈ જાય છે.
એટલે, પ્રત્યેક માનવપ્રાણી માટે, આ વિષય પરત્વે થોડું લક્ષ બિલકુલ આવશ્યક છે. માનવીને પાછળના વાડામાં ફેંકી દઈને, જાતને પૂરી વીસરી જઈ, માત્ર ભૌતિક વિજ્ઞાનના અધ્યયન પાછળ પડીને, બહિર્જગતના બસો વર્ષના અધ્યયન પછી, સદ્ભાગ્યે, અર્વાચીન સભ્યતા મનુષ્યમાં વસતા આત્માના ગહનતમ રહસ્ય ભણી ધીમે ધીમે વળી રહી છે. મારું સાચું સ્વરૂપ શું છે? હું જોઉં છું, સાંભળું છું, સમજી શકું છું; આ જગતને પણ સમજી શકું છું તો, આ શક્તિ ધરાવતા ‘હું’ નું સ્વરૂપ શું છે? આ અગત્યની બાબત છે. એટલે, અધ્યયનના આ નવા ક્ષેત્રની અગત્ય ચીંધવા માટે વિખ્યાત વૈજ્ઞાનિકોએ વિવિધ સૂચનો કર્યાં છે. મનુષ્ય-ચાલો આપણે એનું અધ્યયન ઊંડાણથી કરીએ. આ અધ્યયનની ઉપેક્ષામાંથી જ જગતનાં આજનાં સઘળાં દુઃખો, માનવ ચિત્તની સર્વ અવળચંડાઈઓ ઉદ્ભવે છે. હું શા માટે ક્ષુદ્ર છું? હું શા માટે ગુનો કરું છું? આ સવાલનો જવાબ છેઃ મારા સાચા સ્વરૂપને હું જાણતો નથી. હું કેવળ આ દેહ છું, ઇન્દ્રિયબદ્ધ વ્યક્તિ છું, આ નાનકડો એ હું છું ને આ જનીન તંત્ર સાથે બદ્ધ છું એમ વિચારું છું. હું મારાં સાચાં પરિમાણો જાણતો નથી.
એટલે, આ શ્લોકો વેદાંતના બીજરૂપી વસ્તુની વાત કરે છે. પહેલાં આપણે બહિર્જગતનો અભ્યાસ કરીએ છીએ; પછી, એ જગતનો અભ્યાસ કરનાર મનુષ્યનો આપણે અભ્યાસ કરીએ છીએ; માનવી દ્રષ્ટા છે; અર્વાચીન વિજ્ઞાનમાં એ શબ્દ અદ્ભુત છે; આ જગતનો અનુભવ કરનાર દૃષ્ટાનું સાચું સ્વરૂપ અને સ્થાન શું છે? અવલોકન જ્યાં આણવિક ઘટનામાં પરિવર્તન લાવે છે તે આણવિક પરિમાણોમાં ભૌતિકશાસ્ત્રમાં દ્રષ્ટા ઉપર આપણો શોધપ્રકાશ ફેંકવા હવે આપણને ફરજ પડે છે. માનસશાસ્ત્રમાં નામ પણ બદલાઈ રહ્યું છે. એક મનોવૈજ્ઞાનિકે એને ‘અસ્તિત્વનું માનસશાસ્ત્ર’ કહ્યું છે. આજે વર્તનવાદી માનસશાસ્ત્ર છે, ફ્રોઈડનું ગહન માનસશાસ્ત્ર છે – મનોવિશ્લેષણ છે, આ સર્વ છે. પરંતુ અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રહામ મેસ્લોએ પોતાના પુસ્તકમાં – માનસશાસ્ત્રને ‘અસ્તિત્વનું માનસશાસ્ત્ર’ કહ્યું છે. બધું જ્ઞાન જેનામાંથી આવે છે તે, મનુષ્યનો આત્મા શું છે? આપણે એને ઉવેખવો જોઈએ નહીં. તમારે ગહનતમ જીવન જીવવું હોય તો, આ અનંત આત્માનો સ્પર્શ નવેસરથી મેળવવો જ જોઈએ. પાશ્ચાત્ય માનસશાસ્ત્રમાં નવું પરિમાણ આ દર્શાવે છે. એટલે આ શ્લોકો આપણને સૌને માટે ગહન બોધના વાહક છે. એનો પૂરો મર્મ આપણે ભલે આજે ન સમજી શકીએ, પણ આ સત્યનો અલ્પાંશ પણ આપણને ખૂબ અગત્યનો થશે. વધારે પૂર્ણતા, વધારે શાંતિ, એ અધ્યયન આપશે. આ શ્લોકોની આ અગત્ય છે. એટલે પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છેઃ
देवाविनाशिनं नित्यं य एनमजमव्ययम्।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम्।।21।।
‘આને તું અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યયી જાણ; હે પાર્થ, આમ જાણનાર કદી કોઈની હત્યા કેવી રીતે કરાવી શકે કે કરી શકે?’
સૌનામાં વ્યાપ્ત એવા આ આત્માને જે અવિનાશી, અવિકારી, અજન્મા અને અવ્યયી જાણે છે; આ વ્યક્ત જગતમાં આ વર્ણન આત્મા સિવાય અન્ય કોઈને લાગુ પડતું નથી. આત્મા સિવાય જગતમાં બધું નાશવંત, વિકારી વ. છે. સત્યના પ્રત્યક્ પરિમાણ એવા આત્મામાં અવિકારિત્વ, અનાશિત્વ વ. લક્ષણો જોવા મળે છે. વેદાંત સત્યનાં બે પરિમાણોને જાણે છેઃ એક પરાક્ અને બીજું પ્રત્યક્. વેદાંતના મહાન ઋષિઓએ આ શાસ્ત્રીય શબ્દો ઘડ્યા છે તે ખૂબ ચોકસાઈભર્યા અને આંતરરાષ્ટ્રીય ઉપયોગના છે એ લક્ષમાં રાખજો. પરાક્ એટલે જે સામે છે, જે ઈન્દ્રિયોથી પરખાય છે તે. અંગ્રેજીનાં આપણે તેને ઓબ્જેકટ, ‘વસ્તુ’, કહીએ છીએ. જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શીને અનુભવી શકીએ છીએ તે વસ્તુ છે. પરાક્ એટલે આંગળી વડે ચીંધેલી વસ્તુ, બહારની વસ્તુ. પછી એક નવું પરિમાણ આવે છે, તમારી આંગળી તમારી ભણી જ વળે છે. એ પ્રત્યક્ કહેવાય છે, ભીતર. બહારની પ્રકૃતિના પરાક્ પરિમાણનો અભ્યાસ કર્યા પછી, આપણી અંદર કશું રહસ્યમય છે તેવી શંકા આપણામાં જાગે છે. એ રહસ્ય શું છે? એટલે તમારી આંગળી તમારી તરફ વળે છે. આમ એક પરાક્ તત્ત્વ અને બીજું પ્રત્યક્ તત્ત્વ કહેવાય છે – અર્થાત્, બહારનું સત્ય અને અંદરનું સત્ય. સત્યમાં પોતાનામાં આવો કોઈ ભેદ નથી. પોતાના માટે આ ભેદ આપણે કરીએ છીએ. શરીરને માપદંડ તરીકે રાખીને, ‘પેલું પણે બહાર છે.’ ને, ‘આ અંદર છે,’ એમ આપણે કહીએ છીએ. એ જ રીતે, પ્રકૃતિ નામે ઓળખાતા સત્યનાં પરાક્ અને પ્રત્યક્ બે પરિમાણો છે. અને, પાશ્ચાત્ય ભૌતિક વિદ્યા પ્રકૃતિના ફક્ત પરાક્ સ્વરૂપને પિછાણે છે ત્યારે, વેદાંત, પોતાની એકત્વ દૃષ્ટિ વડે, પ્રકૃતિનાં પરાક્ અને પ્રત્યેક્ બેઉ પરિમાણોને પિછાણે છે; પ્રકૃતિનો એ સર્વગ્રાહી અર્થ છે. વેદાંત કહે છે કે પ્રકૃતિનાં બે પરિમાણો છે, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. અપરા એટલે સાધારણ, પરાક્ પરિમાણ; પરા પ્રકૃતિ એટલે ઉચ્ચતર, પ્રત્યક્ પરિમાણ. આમ વેદાંત પ્રકૃતિનાં પરાક્ અને પ્રત્યક્ એ બે પરિમાણો પિછાણે છે પણ, પ્રકૃતિ બે નથી. બે પરિમાણોવાળી એક જ પ્રકૃતિ છે. પાશ્ચાત્ય વિજ્ઞાનમાં આપણે પરાક્ પરિમાણનો અભ્યાસ કરીએ છીએ તેમાં, રાજયનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને, પરાક્ પરિમાણ સાથે સંકળાયેલાં બીજાં શાસ્ત્રોનો સમાવેશ થાય છે. પણ એ વ્યવહારમાં, તમે સાચું સુખ અને કલ્યાણ ચાહતાં હો તો, પ્રત્યક્ પરિમાણના સ્પર્શની આવશ્યકતા રહે છે. તમે જેટલા વધારે આધ્યાત્મિક તેટલા, તમારી આસપાસની દુનિયા સાથે કામ પાડવામાં તમે વધારે સમર્થ, તમારી ચોમેર તમે પ્રેમ અને શાંતિ પ્રસારવામાં વધારે સમર્થ. આ બે મહાન શબ્દો છેઃ પ્રકૃતિનાં પરાક્ અને પ્રત્યક્ પરિમાણો. શ્રીકૃષ્ણ આ પ્રત્યક્ પરિમાણની વાત કહે છે. કોઈ ઈન્દ્રિય આ સત્ય પ્રકટ કરી શકે નહીં. એમની પહોંચની બહાર છે એ. ઈન્દ્રિયોને વશ એવું મન પણ આ સત્ય પ્રકટ કરી શકે નહીં. એ સત્યને આપણે કેવી રીતે પામી શકીએ? સમગ્ર ગીતાનો એ બોધ છે.
ઘરમાં, કચેરીમાં કે કારખાનામાં કામ કરીને અને, બધા માનવ માનવ વચ્ચેના સંબંધોમાં આ ગહન સત્યનો આપણે ધીમે ધીમે સાક્ષાત્કાર કરી શકીએ. જીવન એ રીતે જીવવાનું છે. જીવનની સંપૂર્ણ ફિલસૂફીમાં પ્રકૃતિનાં પરાક્ અને પ્રત્યક્ પરિમાણો સમાવિષ્ટ છે. આપણે બાહ્ય જગત સાથે કામ પાર પાડીશુંઃ પરંતુ, એ દ્વારા, આપણા સાચા સ્વરૂપનો આપણે સાક્ષાત્કાર કરીશું. આ અધ્યાયના ૩૮મા શ્લોક પછીથી શ્રીકૃષ્ણના નિજી યોગદાન રૂપે એ જ્ઞાન પ્રાપ્ત થશે. અહીં જ્ઞાનમાર્ગના પ્રારંભિક ખ્યાલો જ આપવામાં આવ્યા છે; એ આત્મસાક્ષાત્કારનો માર્ગ છે. અર્જુનનું કર્મ આ જ્ઞાન પર આધારિત રહે એમ શ્રીકૃષ્ણ ઇચ્છતા હતા. પરંતુ, આ જ્ઞાનને આધારે આપણું વલણ છે ‘અકર્મણ્યતા’નું. આ તથ્ય આપણે સમજવું જોઈએ. આપણે શા માટે આમતેમ ફાંફાં મારવાં જોઈએ? આપણને એવી સમજ પડે છે. એટલે, આ જ્ઞાનને આધારે શ્રીકૃષ્ણ અર્જુનને લડતો ન કરી શકયા. આ જ્ઞાન તમને ત્યાગી જેવા બનાવે છે. એથી તો નેતિ, નેતિ, ‘આ નહીં, આ નહીં’, ‘આ સંસાર માયા છે. મારે એની સાથે કશી લેવાદેવા નથી, મારે આત્માનું અમર, અનંત પરિમાણ પ્રાપ્ત કરવું જોઈએ’ જેવી બાબતો વડે જ્ઞાનમાર્ગે આપણા દેશના લોકો પર અસર કરી. થોડા સમય પછી શ્રીકૃષ્ણ એ સમજી ગયા. પોતે કર્મ કરવું જોઈએ, જીવનના પડકારો ઝીલવા જોઈએ એ વાતની ખાતરી આ ફિલસૂફીથી અર્જુનને થઈ નહીં. શાંત ખૂણે જઈ પોતાના સાચા સ્વરૂપને ઓળખવું એ વધારે સારું. પરંતુ કર્મપ્રવત્ત નરનારીઓ પર આધારિત પોતાના વધારે સર્વગ્રાહી અધ્યાત્મને શ્રીકૃષ્ણ શબ્દબદ્ધ કરે તેની પૂર્વે, આ રજૂ કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણના તત્ત્વદર્શન પ્રમાણે અધ્યાત્મમાં બે પરિમાણો, કર્મનું અધ્યાત્મ અને ધ્યાનનું અધ્યાત્મ – આ બેઉને સર્વગ્રાહી અધ્યાત્મરૂપે સંયોજિત કરવામાં આવેલ છે. આ અધ્યાયના મધ્ય ભાગથી એ સંદેશનો આરંભ થશે. પણ તે પહેલાં શ્રીકૃષ્ણ આ જ્ઞાનમાર્ગ સમજાવે છે; એને એ પછીના શ્લોકોમાં સાંખ્યમાર્ગ કહે છે.
પાછલાં હજાર વરસોથી આપણે જોઈએ છીએ કે, ભારતમાં, લોકો આ જ્ઞાનમાર્ગને બરાબર સમજી શકયા નથી અને, એનાં નકારાત્મક પાસાંઓ ઉપર જ ભાર દેવામાં આવ્યો છે. આ ગહન તત્ત્વજ્ઞાન પચાવવાની શક્તિને અભાવે, એથી આપણા લોકો સ્વકેન્દ્રી, શાંત, બાહ્યજગતથી નીરસ બની ગયા અને એક પ્રકારની કઠોરતા જન્મી. અને ઘણું કરીને લોકો સાવ શુષ્ક બની ગયા. યોગ કે બુદ્ધિયોગ કહેવાતો આ અધ્યાયનો બીજો ભાગ આપણે કદી સમજ્યા જ નહીં. પણ આજે હવે વ્યવહારુ વેદાંતના ગીતાના સંદેશની સ્વસ્થ સમજ ઊગવા લાગી છે. ગીતાના સર્વગ્રાહી તત્ત્વદર્શનની રજૂઆત એ સ્વામી વિવેકાનંદનું મોટું યોગદાન છે. હું સંસારી છું એમ કોઈએ કહેવાની જરૂર નથી. તમે કામ કરતા હો કે, સંસાર સાથે બીજી રીતે કામ પાડતા હો, તમે કદાપિ સંસારી નથી, તમે સંસારમાં છો પણ સંસારી નથી; તમારી આધ્યાત્મિક પ્રકૃતિનો તમને થોડોક ખ્યાલ છે અને, રોજબરોજ તમે એને દૃઢતર કરતા જાઓ છો. આમ એ સમગ્રપણે બધે જ અધ્યાત્મ છે. એથી તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘આધ્યાત્મિક ન હોય તે નર કે નારીને હું હિન્દુ કહેતો નથી.’ આપણી આધ્યાત્મિકતા વ્યાપક છે. આધ્યાત્મિક બનવા માટે કોઈએ ઉત્તર કાશી કે હ્યષીકેશ જવાની જરૂર નથી; જરાય જરૂર નથી. તમારા ઘરમાં અને તમારા કામને સ્થાને તમે આધ્યાત્મિક છો. એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. ‘દરેક આત્મામાં દૈવી શક્તિ છે’, એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે તે દરેક વ્યક્તિએ આ જાણવાની અને, જાણ્યા પછી, યથાશક્તિ એ રીતે જીવવાની જરૂર છે. શ્રીકૃષ્ણ આ બીજા અધ્યાયના મધ્ય ભાગમાં (૪૦મા શ્લોકમાં) એકે એકને કહેવાના છેઃ स्वल्पं अपि अस्य धर्मस्य त्रायते महतो भयात्, ‘થોડોક પણ આ ધર્મ મહાન ભયમાંથી ઉગારશે.’
Your Content Goes Here




