જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના ચિંતનથી આપણું મન ભરાઈ જશે. ત્યાર પછી બાધાઓ ઘેરી લે છે અને આપણે ઈશ્વર સિવાય સંસારની પ્રત્યેક બીજી વસ્તુઓ વિશે વિચારતા રહીએ છીએ. એવું લાગે કે મન અપવિત્ર છે અને ઈશ્વરનાં દર્શન કરવા માટે ઉદ્યત નથી. અપવિત્રતાઓ વિભિન્ન સંસ્કારોથી સમાહિત થઈ જાય છે જેમને આપણે જન્મોજન્મથી પામીએ છીએ. પાતંજલિના એક યોગસૂત્ર પ્રમાણે મનમાં સંસ્કારોના આ પાંચ મૂળ કારણ છે: અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ, ક્લેશ. 

આપણા મનમાં એકત્રિત થયેલા બધા સંસ્કારોનું પ્રથમ મૂળ કારણ અવિદ્યા કે અજ્ઞાન છે. આ અવિદ્યા હંમેશાં ઈશ્વરપ્રાપ્તિ માટે બાધક બને છે. આપણે પોતાના દિવ્ય સ્વરૂપ પ્રત્યે સચેત ન રહીએ તો પ્રાય: આપણી પોતાની દિવ્ય સત્તાથી આપણે અજાણ રહીએ છીએ. ઈશ્વર આપણી ભીતર અને આપણી ચોતરફ રહેલા છે, પરંતુ આપણને એનો ખ્યાલ આવતો નથી. આ અજ્ઞાનતાથી અસ્મિતા કે અહંભાવનો ઉદય થાય છે. આ અહંભાવને કારણે આપણે પોતાને બીજાથી ભિન્ન માનીએ છીએ.

આપણા બીજા ઘોર શત્રુ છે : રાગ અને દ્વેષ, અર્થાત્‌ આસક્તિ અને ઘૃણા. આપણી ભીતર એમની ઉત્પત્તિ અહંભાવ અર્થાત્‌ અસ્મિતાથી થાય છે. અંતિમ મૂળ કારણ છે અભિનિવેશ, એટલે કે જીવવાની લાલસા, પોતાના બાહ્યજીવન અને બાહ્યચેતના સાથેનો સંબંધ. આપણે પોતાના દિવ્ય સ્વરૂપની અનુભૂતિ કરવા ઇચ્છતા નથી. આપણે પોતાના સાંસારિક અસ્તિત્વથી સંતુષ્ટ રહીએ છીએ. આપણે આધ્યાત્મિક સ્તર પર જીવવા ઇચ્છતા નથી. અત: એમને પંચક્લેશ કહે છે અથવા પાંચ મૂળ કારણ. આ પંચક્લેશ આપણને પોતાના દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં બાધક નીવડે છે. આની વિસ્તૃત વ્યાખ્યા એક બીજા યોગસૂત્રમાં થઈ છે. એમાં કહેવામાં આવ્યું છે કે આપણે અજ્ઞાનતાને કારણે અનિત્યને નિત્ય, અશુચિને શુચિ, દુ:ખને સુખ, અનાત્માને આત્મા માની લઈએ છીએ. આ મિથ્યા ધારણા અવિદ્યા અને અજ્ઞાનને કારણે જન્મે છે. પાતંજલિના રાજયોગના આ મહત્ત્વપૂર્ણ સૂત્રની વ્યાખ્યા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે બધા આમ વિચારીએ છીએ: ‘હું શરીર છું અને પવિત્ર, દૈદીપ્યમાન પરમાનંદ આત્મા નથી.’ આ બધું અજ્ઞાનતાને કારણે છે, આપણે વ્યક્તિ વિશે વિચારીએ છીએ અને તેને શરીરના રૂપે જોઈએ છીએ, આ જ ઘણો મોટો ભ્રમ છે. આ વિશે વિવેક ચૂડામણિના ૩૩૭મા શ્લોકમાં આમ કહ્યું છે:

દેહાદિસંસક્તિમતો ન મુક્તિર્મુક્તસ્ય દેહાદ્યભિમત્યભાવ: ।
સુપ્તસ્ય નો જાગરણં ન જાગ્રત: સ્વપ્નસ્તયોર્ભિન્નગુણાશ્રયત્વાત્‌ ॥

જેને દેહ આદિ અનાત્મ વસ્તુઓમાં આસક્તિ હોય છે તેની મુક્તિ થઈ શકતી નથી; જે મુક્ત થઈ ગયો છે તેને દેહ આદિમાં અભિમાન થઈ શકતું નથી. જેમ સૂતેલા પુરુષને જાગૃતિનો અનુભવ થઈ શકતો નથી અને જાગ્રત પુરુષને સ્વપ્નનો અનુભવ થઈ શકતો નથી. એનું કારણ એ છે કે એ બંને અવસ્થાઓ ભિન્ન ગુણો પર આશ્રિત છે. 

અહીં એવું કહેવામાં આવ્યું છે કે જે શરીરાદિમાં આસક્ત રહે છે તેને માટે મુક્તિ નથી, મુક્તિ ત્યારે જ સંભવ બને છે કે જ્યારે આપણે આ શરીર સાથે કોઈ તાદાત્મ્ય ન રાખીએ. મુક્ત વ્યક્તિનું શરીર સાથે કોઈ તાદાત્મ્ય હોતું નથી. જીવન્મુક્ત કોણ છે? જે વ્યક્તિ દેહધારી છે છતાં પણ દેહથી અનાસક્ત છે તે. તે ભલે દેહમાં રહેતો હોય એવું જણાય પરંતુ તે પોતાની દિવ્ય પ્રકૃતિ ‘આત્મા’માં જ નિવાસ કરે છે. ‘સુપ્તસ્ય નો જાગરણં’ અર્થાત્‌ સુષુપ્ત વ્યક્તિને જાગ્રત વ્યક્તિ કહી ન શકાય. એવી જ રીતે જાગ્રત વ્યક્તિને સુષુપ્ત વ્યક્તિ ન કહી શકાય; કારણ કે આ બંને અવસ્થાઓ પરસ્પર વિરોધી છે. આ વાતને આ રીતે વધુ સ્પષ્ટ કરી શકાય. જ્યાં સુધી આપણે દેહમાં આસક્ત છીએ કે શરીર મન બંને પ્રત્યે આસક્ત છીએ ત્યાં સુધી આપણે પોતાના મૂળ સ્વરૂપ આત્મામાં રહી ન શકીએ. અત: જે શરીરમાં આસક્તિ રાખે છે તે ‘હું શરીર છું’ એવું વિચારે છે. તે શરીરની વિભિન્ન આવશ્યકતાઓની પૂર્તિ કરવા જરૂર ઇચ્છવાનો તેથી તે મુક્તિ નહિ મેળવી શકે. જે શરીરની આસક્તિ પર વિજય મેળવી લે છે તેને માટે મુક્તિ સંભવ છે.

આપણે પોતાના દિવ્ય સ્વરૂપની અનુભૂતિ કરવા ઇચ્છીએ છીએ. આપણે જીવન્મુક્ત થવા માગીએ છીએ. આપણે આત્મા છીએ એવી અનુભૂતિ આપણે કરવા ઇચ્છીએ છીએ. પરંતુ જો આપણે સાથે ને સાથે શરીર અને મનની અનંત ઇચ્છાઓની પૂર્તિ કરતાં રહીશું તો મુક્તિ સંભવ નથી. વિવેક ચૂડામણિમાં કહેવામાં આવ્યું છે કે સુષુપ્ત વ્યક્તિ જાગ્રત નથી. આ સુષુપ્ત વ્યક્તિ કોણ છે? જે દેહાસક્ત છે અને જે પોતાના દિવ્ય સ્વરૂપ પ્રત્યે સજાગ નથી તે. જે શરીરમન બંનેની ખોટી ઓળખાણને સમૂળી નાશ કરવા સમર્થ છે તેને માટે કોઈ બંધન નથી, તે જીવન્મુક્ત છે. એટલે આ બંને પરિસ્થિતિઓ પરસ્પર વિરોધી છે.

શરીરની અનેક કામનાઓ પણ છે. જો આપણે અજ્ઞાનતાને વશ થઈને એમાં આસક્ત થઈ જઈએ તો આપણે અનંત કષ્ટ ભોગવવાં પડે. જો આપણે એકવાર મનને સ્થૂળ શરીરથી અલગ કરવાનો દુષ્કર પ્રયત્ન કરીએ તો મુક્તિ સંભવ છે. આ વિશે વિવેક ચૂડામણિના ૩૩૪મા શ્લોકમાં આમ કહેવાયું છે:

બાહ્યાનુસંધિ: પરિવર્ધયેત્‌ ફલં, દુર્વાસનામેવ તતસ્તતોઽધિકમ્‌ ।
જ્ઞાત્વા વિવેકૈ: પરિહૃત્ય બાહ્યં, સ્વાત્માનુસંધિં વિદધીત નિત્યમ્‌ ॥

બાહ્ય વિષયોનું ચિંતન પોતાની દુર્વાસનાના રૂપે ફળને જ ઉત્તરોત્તર વધારતું રહે છે એટલે વિવેક પુર:સર આત્મ સ્વરૂપને જાણીને સાધક બાહ્ય વિષયોને ત્યજીને નિત્ય આત્માનુસંધાન કરતો રહે છે.

શંકરાચાર્ય કહે છે કે બાહ્ય પદાર્થોનું નિરંતર ચિંતન કરવાથી દુષ્પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થાય અને ત્યાર પછી એ દુષ્ટ પ્રવૃત્તિઓ નિમ્નગામી બની જશે. તો હવે શું એનો કોઈ ઉપાય છે? એમાંથી છૂટકારો થાય એવું છે? નિ:સંદેહ એક માર્ગ છે. વિવેકના માધ્યમથી વ્યક્તિએ બાહ્ય પદાર્થોનું ચિંતન છોડવું પડશે. આ નકારાત્મક માર્ગ છે. બાહ્ય પદાર્થોનું ચિંતન છોડી દેવું એ જ પૂરતું નથી. શંકરાચાર્ય એમાં કેટલાક ભાવાત્મક માર્ગ પણ જોડે છે. તેઓ કહે છે કે આપણે બાહ્ય પદાર્થોનું ચિંતન છોડવું પડશે પરંતુ એની સાથે આપણે આત્માના ચિંતન માટે નિરંતર પ્રયાસ કરવો પડશે. એનું કારણ એ છે કે મન શૂન્યમાં રહી શકતું નથી. જો આપણે આવું કરી શકીએ તો દુષ્પ્રવૃત્તિઓથી છુટકારો મેળવી શકાય. અન્યથા માણસ જેટલો બાહ્ય જગત પ્રત્યે આગળ વધશે તેટલો જ તે બહિર્ગામી બનશે. તો પછી શું થશે? અનેક પ્રકારની વાસનાઓ અધિક ને અધિક માત્રામાં વધતી જશે. પરિણામે આપણામાં વધુ માનસિક તાણ ઊભું થશે. આ માનસિક તાણને કારણે આપણા માટે પોતાના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવું સંભવ નહિ બને. શા માટે? કારણ કે મનની ભૌતિક પદાર્થો સાથે નિરંતર સંબંધ રાખવાની પ્રવૃત્તિ થાય છે. તો હવે આપણે શું કરવું જોઈએ? આપણે વિવેકશક્તિ, સત્‌-અસત્‌ના વિચારની તલવાર તથા વૈરાગ્ય દ્વારા સત્ય અને અસત્ય, નિત્ય અને અનિત્યની વચ્ચે નિરંતર ભેદ કરવો પડશે. 

જો આપણે આ જીવનમાં પરમલક્ષ્યની પ્રાપ્તિ કરવા ઇચ્છતા હોઈએ તો વિવેક અને વૈરાગ્યની સહાયથી આપણે પોતાના મનને ભૌતિક પદાર્થોમાંથી હટાવવું જોઈએ અને આપણે પોતાની વાસ્તવિક સત્તાને અનુરૂપ જીવન વ્યતીત કરવાનો સાચો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે એવું કરી શકીએ તો પરમ લક્ષ્યની પ્રાપ્તિ સંભવ છે. અનંત બ્રહ્મનું જ્ઞાન ઘણું કઠિન છે. કારણ કે આપણું મન સીમિત છે છતાં પણ આપણે વારંવાર પ્રયત્ન કરવા જોઈએ. સીમિત મન દ્વારા અનંત બ્રહ્મની ઓળખાણનો પ્રયત્ન જ પોતાના મનને સાંસારિક વસ્તુઓમાંથી દૂર ખેંચવા માટે અંતે સક્ષમ બનાવી દેશે. 

શંકરાચાર્યે વિવેકચૂડામણિના ૩૩૫મા શ્લોકમાં એક ઘણી મહત્ત્વની વાત કરી છે. હું આપનું ધ્યાન એ તરફ દોરવા માગું છું:

બાહ્યે નિરુદ્ધે મનસ: પ્રસન્નતા, મન: પ્રસાદે પરમાત્મદર્શનમ્‌ ।
તસ્મિન્‌ સુદૃષ્ટે ભવબન્ધનાશો બહિર્નિરોધ: પદવી વિમુક્તે: ॥

બાહ્ય પદાર્થોનો નિષેધ કરી દેવાથી મનમાં આનંદ થાય છે અને મનમાં આનંદનો પ્રવેગ વધવાથી પરમાત્માનો સાક્ષત્કાર થાય છે અને તેમનો સમ્યક્‌ સાક્ષાત્કાર થવાથી સંસારનાં બંધનોનો નાશ થાય છે. આ રીતે બાહ્ય વસ્તુઓનો નિષેધ જ મુક્તિનો માર્ગ છે. 

ઉપર્યુક્ત શ્લોકમાં આપણને બાહ્ય જગત પરથી મનને દૂર કરવા કહ્યું છે. જો આપણે ભૌતિક જગત પરથી મનને હટાવવામાં સફળ થઈએ તો શું થાય છે? મન શાંત અને પ્રસન્ન થઈ જાય છે અને શાંત મનમાં પરમાત્માનાં દર્શન થાય છે. પરંતુ શંકરાચાર્ય થોડું વધારે પણ કહે છે. પરમાત્માની એક ઝાંખી જ પૂરતી નથી. આપણને સાચી, સાક્ષાત્‌ અને પૂર્ણ અનુભૂતિ થવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્ણત: પરમાત્મદર્શનમાં લીન થઈ જાય છે ત્યારે જન્મમૃત્યુનું બંધન તૂટી જાય છે અને તે ભવસાગરને પાર કરે છે. અહીં ‘પદવી’ શબ્દનો અર્થ ‘સોપાન’ કે ‘માર્ગ’ છે. ઉદ્દેશ્ય શું છે? મુક્તિ જ ઉદ્દેશ્ય છે. સાધન શું છે? ‘બાહ્ય નિરોદ્ધે’ અર્થાત્‌ બાહ્ય જગતથી વિમુખ થવું. અહીં ફરીથી મનને અનાત્મ વસ્તુઓ પરથી દૂર કરવાની વાત પર ભાર દેવામાં આવ્યો છે. જો આપણે સાધનોનું ધ્યાન રાખીએ અને સફળતાપૂર્વક બાહ્ય જગત સાથેનો સંબંધ તોડી નાખીએ તો શું થાય? આપણને ચોક્કસપણે સત્યનો સાક્ષાત્કાર થાય છે અથવા સત્યની અનુભૂતિ થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે બાહ્ય જગત સાથેનો સંબંધ તોડી નાખવો એ જ મુક્તિપ્રાપ્ત કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે.

યોગવાશિષ્ઠમાં એક મહત્ત્વપૂર્ણ શ્લોક છે. એ શ્લોક આ પ્રશ્ન પર પ્રકાશ ફેંકે છે. એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આપણે શુદ્ધિકરણનો અભ્યાસ ન કરીએ ત્યાં સુધી સત્યના સાક્ષાત્કારના પ્રયાસમાં સફળતાની આશા રાખી ન શકાય. યોગવાશિષ્ઠ સારમાં આપણને એક અનુચ્છેદ ‘શુદ્ધિ નિરૂપણ પ્રકરણ’ અથવા ‘શુદ્ધિ પદ્ધતિ’ની વાત આવે છે અને એમાં એક મહત્ત્વનો શ્લોક આ છે :

ક્વ માંસ રૂધિરાદીનિ, ક્વ ત્વમ્‌ ચૈતન્ય વિગ્રહ:।
વિજાનન્નપિ દેહેઽસ્મિન્‌, આત્મધિમ્‌ ન જહાસિ કિમ્‌॥

ક્યાં આ માંસ અને રક્તપૂર્ણ દેહ અને ક્યાં ચૈતન્યમૂર્તિ ‘તમે’? આ જાણવા છતાં તું કેમ ત્યજતો નથી દેહાભિમાનને?

હું એક શરીર છું, અને શરીર સિવાય બીજું કંઈ નથી, આપણે આ વિચારથી બધી બાજુએથી બરાબર બંધાયેલા છીએ. આપણે આ બંધનની વિરુદ્ધ પ્રવૃત્તિના વિકાસનો પ્રયાસ કરવો જોઈએ. આપણે જ્ઞાનરૂપી તલવારથી શરીરના આ સંબંધને કાપી નાખીને અલગ કરી દેવો જોઈએ. ‘હું શુદ્ધ ચૈતન્ય છું, હું ચૈતન્યમૂર્તિ છું’ એ વિશે આપણે નિરંતર વિચારવું જોઈએ. જેની સાથે આપણે વર્તમાનમાં ‘હું શરીર છું અને શરીર સિવાય બીજું કંઈ નથી’ની સાથે જોડાયેલા છીએ; આપણે વારંવાર આ વિચારની વિરુદ્ધ ચિંતન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે મુક્તિના આકાંક્ષી હોઈએ તો આપણે આ બંધનને જ્ઞાન રૂપી તલવારથી કાપવું પડશે અને ‘હું ન તો શરીર છું, ન મન કે ઈંદ્રિય અવયવ. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું શુદ્ધ ચૈતન્ય છું’ આ સાપેક્ષ વિચારનો વિકાસ કરવો પડશે. જો આપણે એમ કરી શકીએ તો આ વિચારમાં કે આદર્શમાં દૃઢ બની શકીએ અને આવું બને તો નિ:સંદેહ આપણે પ્રસન્ન થઈશું અને આનંદ તેમજ પરમાનંદથી પરિપૂર્ણ બનીશું.

આપણને કહેવામાં આવે છે કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ. સ્વરૂપત: આપણે આનંદથી પરિપૂર્ણ છીએ. પરંતુ મૂર્ખતાવશ આપણે પોતાના દિવ્ય સ્વરૂપને – આપણે પૂર્ણ આનંદમય છીએ એ કેમ ભૂલી જઈએ છીએ? આપણે ચૈતન્યમૂર્તિ છીએ પરંતુ આપણે પોતાની જાતને એટલી નીચે કેમ ઉતારી દઈએ છીએ અને એની સાથે આપણે શરીર છીએ કે મન છીએ એવું કેમ વિચારવા લાગીએ છીએ? શરીરનાં તત્ત્વોને જાણો. શરીર ગંદા પદાર્થોથી નિર્માયેલું છે અને મૂર્ખતાને કારણે આપણે પોતાના આ ગંદા પદાર્થો સાથે તાદાત્મ્ય સાધી લઈએ છીએ. આ નશ્વરદેહ એક દિવસ અગ્નિમાં હોમાઈ જશે અને પછી એની રાખ થઈ જશે. પરંતુ જ્યાં સુધી આપણા સત્ય સ્વરૂપની વાત છે ત્યાં સુધી આપણે ચૈતન્યમૂર્તિ છીએ. વળી મૂર્ખતાવશ આપણે પોતાની જાતને પાશવિક સ્તર સુધી નીચે ઉતારી દઈએ છીએ અને આપણું મન હાડમાંસમાં જ રહે છે.

આપણે ચૈતન્યમૂર્તિ છીએ અને મૂર્ખતાને કારણ એ વિશે બધું ભૂલી જઈએ છીએ. તેમજ જેની સાથે આપણી કોઈ આસક્તિ ન હોવી જોઈએ એમાં લીન થઈ જાય છે. આ બંને વચ્ચે કેટલું અંતર છે! આ હાડમાંસના દેહ અને શુદ્ધ ચૈતન્યરૂપ આપણા આત્માની વચ્ચે કેટલું મોટું અંતર છે! આપણે શુદ્ધ ચૈતન્ય છીએ આટલું જાણી લો. આપણે ન તો શરીર છીએ કે ન માંસનો લોચો. શું આ આપણી મોટી કરુણાંતિકા નથી? હે મન, થોડું એના પર ચિંતન તો કર. બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આપણે ચૈતન્યમૂર્તિ છીએ એવો અનુભવ કરવા માટે આપણે શું કરવું પડે? આપણે આપણી જાતને દેહથી પૃથક્‌ કરીને આપણે ચૈતન્યમૂર્તિ છીએ એ વિચારવું પડે. આપણે આ સત્ય પર નિરંતર ચિંતન કરવું પડે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આ વિચારનો અભ્યાસ કરતા રહેવું પડે. જો આપણે પોતાની જાતને કોઈ પણ રીતે પોતાના દેહથી અલગ કરી કે માની શકીએ તથા પોતાના ચૈતન્યમાં સ્થિર થઈને ‘આપણે ચૈતન્યમૂર્તિ છીએ દેહ નહિ’ એવું વિચારીએ શું થાય? આપણે બ્રહ્મ છીએ અને ચૈતન્યમૂર્તિ બનીએ છીએ એવી અનુભૂતિ આપણને થાય છે. આપણે એ જ છીએ. એટલે બીજી બધી વસ્તુઓ, આ દેહ- શરીરમન બંને, બાહ્ય જગતની ચિંતા તથા બધી ઇચ્છાઓ એક તણખલા જેવી તુચ્છ લાગશે. 

શરીર સાથેના તાદાત્મ્યને સમૂળું નષ્ટ કરવામાં વારંવાર આવા પ્રશ્નો ઊભા થાય છે. ‘બાહ્ય જગત પરથી મનને દૂર કરવાની વાત પર આટલો ભાર કેમ મૂકાયો છે? સંસારમાં શું ખોટું-ખરાબ છે? શું આપણે સંસારની આ વસ્તુઓનું સુખ લઈ નથી શકતા અને સાધના નથી કરી શકતા? સંસારમાંથી મનને હટાવવા નિષેધાત્મક પરામર્શ શા માટે?’ એનું કારણ એ છે કે અહીં જેમનામાં વાસ્તવિક રીતે આધ્યાત્મિક ઝંખના છે અને આ જીવનમાં ઈશ્વરની અનુભૂતિ કરવા ઇચ્છે છે એવા જિજ્ઞાસુઓ વિશે આપણે ચિંતિત છીએ. જેમને આધ્યાત્મિક બાબતોમાં કોઈ રુચિ નથી એવા લાખો કરોડો સાંસારિક વ્યક્તિઓ સાથે આપણો સંબંધ નથી. વાસ્તવિક સાચા જિજ્ઞાસુઓ સરળતાથી એ વાત સમજી લેશે કે બાહ્ય જગત પરથી મનને હટાવવું એ એક નિષેધાત્મક પરામર્શ કે સૂચન નથી. જો કે સાંસારિક દૃષ્ટિકોણથી જોતાં એવું લાગે ખરું. કેવળ બાહ્ય જગતના દૃશ્યમાન પદાર્થો પરથી મનને હટાવી લેવું એ પૂરતું નથી. એની સાથે આપણે પોતાના દિવ્ય સ્વરૂપ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અર્થાત્‌ વિષયોના સંસારમાંથી નિષેધાત્મક રૂપે મનને હટાવીને પોતાના દિવ્ય સ્વરૂપ પ્રત્યે સાપેક્ષ ચિંતન કરવું પડશે. આમ છતાં પણ આપણને બાહ્ય જગત પરથી મનને હટાવવાનું કહેવામાં આવે છે અને તેની સાથે પોતાના દિવ્ય સ્વરૂપ પર ચિંતન મનન કરવાનું વારંવાર કહેવાય છે. પોતાના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવાથી જ આપણે પરમાત્માની અનુભતિ કરી શકીએ છીએ.

હવે બીજો પ્રશ્ન પણ ઊભો કરી શકાય છે: ‘શું પરમસત્ય પરમાત્માને સાધના દ્વારા પ્રાપ્ત કરી શકાય કે કેમ?’ કોઈ પણ પ્રકારની સાધના એક સીમિત ક્રિયા છે અને પરમાત્મા અનંત છે. વળી, આપણા જેવા સીમિત મર્ત્યમાનવના પ્રયાસ દ્વારા અનંત પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? એનો ઉત્તર એ છે કે મુક્તિનું સીધું કારણ મનને હટાવવાનું નથી. એનાથી અનેક પરિણામોને ગતિ મળે છે. આ ગતિ અંતે તો સત્યના શોધકને મુક્તિ તરફ આગળ દોરી જાય છે. ચાલો, આ સોપાનો વિશે એક પછી એક વાત કરીએ. 

મન સાંસારિક વિષયો પ્રત્યે પ્રવેગથી ભાગે છે પરંતુ એ મનને એમાંથી પાછળ હટાવવાનું છે. એકવાર જો એ મનને રોકી લેવાય તો તે શાંત અને પવિત્ર બને છે. મનને જ્યારે આપણે બાહ્ય જગતથી પાછું વાળી લઈએ એટલે એ મન ઈંદ્રિયવિષયોની પાછળ નહિ દોડે. જ્યારે મન બાહ્ય જગતથી પૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે આપણે પરમલક્ષ્યની પ્રાપ્તિ કરી શકીએ.

વળી એક પ્રશ્ન ઊભો થાય છે : ‘એક સાધારણ વ્યક્તિ અને જ્ઞાની વ્યક્તિ વચ્ચે અંતર શું છે?’ એક સાધુ, બ્રહ્મજ્ઞાનીને પણ ભૌતિક જગતમાં રહેવું પડે છે. શું આપણે વાસ્તવમાં મનને હટાવી શકીએ છીએ? અહીં તહીં સર્વત્ર આપણે વિષયોના જગતમાં રહીએ છીએ, એનાથી ઘેરાયેલા છીએ અને એમાં જ વસીએ છીએ. કોઈ પ્રાણી માટે ભૌતિક સંસારના અસ્તિત્વનો અંત નથી તો પછી બાહ્ય જગત પરથી હટવાનો અર્થ શું હોઈ શકે છે? અંતર કે અર્થ એ છે કે જ્ઞાની પુરુષ ભૌતિક જગતમાં રહી શકે છે, હરીફરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ હોઈ શકે છે; પરંતુ એનો દૃષ્ટિકોણ ભિન્ન હોય છે. એમની પાસે આત્મદૃષ્ટિ, બ્રહ્મદૃષ્ટિ એટલે કે પ્રત્યેક વસ્તુમાં ‘આત્માની દૃષ્ટિ’ હોય છે. સંસારની અનેક વ્યક્તિઓ કે પદાર્થોની વચ્ચે રહેવા છતાં પણ આવી વ્યક્તિ બ્રહ્મમાં સ્થિત રહે છે. એ પ્રત્યેક વસ્તુમાં બ્રહ્મને જુએ છે, એ ભલે ભૌતિક સંસારમાં રહે, એ સંસાર એના મન પર અનેક પ્રભાવ પણ પાડી શકે પરંતુ સાચો બ્રહ્મજ્ઞાની પોતાની સત્‌-અસત્‌ની વિવેક તલવારની મદદથી ઈંદ્રિય પ્રલોભનોનો નિષેધ કરી શકે છે. તે તેની ગહનતામાં જાય છે અને જાણે છે કે આ બધું પ્રતીતિ છે અને એક માત્ર બ્રહ્મ જ સત્ય છે. જ્ઞાની અને સાધારણ વ્યક્તિ વચ્ચે આ જ અંતર છે. અજ્ઞાની વ્યક્તિ જ્યારે વિષયજગતમાં જાય છે ત્યારે તેનાથી તેનામાં સાંસારિક લાલસાઓ કે ભૂખ જાગે છે. એનું કારણ એ છે કે વિષયોનો સંસાર તેને લલચાવનારો સાબિત થાય છે, અને આ સ્વાભાવિક છે. અજ્ઞાની હોવાને કારણે તે નશ્વર સંસારના પદાર્થોને વધુ મહત્ત્વ આપે છે. આનાથી ઊલટું બ્રહ્મજ્ઞાની સાંસારિક વસ્તુઓને જરાય મહત્ત્વ આપતો નથી. બ્રહ્મદૃષ્ટિ હોવાને લીધે આ બધી વસ્તુઓ તેનું ધ્યાન ખેંચતી નથી અને તે પણ એ બધી વસ્તુઓ માટે વિચલિત થતો નથી. વિવિધતા હોવા છતાં પણ તે એકતામાં લીન રહે છે. તે સદૈવ પરિસ્થિતિઓનો સ્વામી રહે છે. વિષયો એને આકર્ષિત તો કરી શકે છે પરંતુ અનુભૂતિને કારણે તે બાહ્ય જગતની પ્રલોભનકારી વસ્તુઓનો ભોગ કે શિકાર બનતો નથી. આ અજ્ઞાની અને બ્રહ્મજ્ઞાની વચ્ચેનું અંતર છે.

એક અન્ય મહત્ત્વપૂર્ણ વિષય છે જેને મન-વચન અને કર્મમાં સંપૂર્ણ પવિત્રતાના અભ્યાસની આવશ્યકતા રહે છે. જ્યાં સુધી આપણે ઈશ્વરનું નિરંતર ચિંતન નહિ કરતા રહીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક પ્રગતિ કે તેનો વિકાસ સંભવ નથી. આવું કોણ કરી શકે છે? ચાલો, આપણે ઈશ્વર વિશે વિચારવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઈએ છીએ તથા આપણામાંથી મોટા ભાગના પોતાના અનુભવથી આ વાતને પ્રમાણિત પણ કરશે કે જ્યારે પણ આપણે પોતાના ધ્યાનખંડ કે મંદિરમાં જઈએ છીએ તથા ધ્યાન માટે બેસીએ છીએ ત્યારે અસંખ્ય અવાંછિત વિચારો આપણા મન પર છવાઈ જાય છે. આપણે આ પ્રાર્થના સાથે ઈશ્વરનું ધ્યાન કરવાનું છે: ‘હે ઈશ્વર, આ જ સમય છે કે જ્યારે હું તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું.’ જ્યારે આપણે ભગવાન વિશે વિચારીએ છીએ ત્યારે થોડી જ પળો કે મિનિટો માટે એમના વિચાર આપણા મનમાં આવશે. પરંતુ ત્યાર પછી બધા અવાંછિત વિચારો આપણા મનમાં આવવા લાગશે. આ વિચારો આપણી અપવિત્રતાનું ચિહ્‌ન છે. જો મન શુદ્ધ હોય તો આપણે નિરંતર ઈશ્વરનું સ્મરણ કરતાં રહીશું. આમ મનની શુદ્ધિ અત્યંત આવશ્યક છે. આ જ કારણે પ્રભુ ઈશુએ ‘પર્વત ઉપદેશ’ (સરમન્ટ ઓન ધ માઉન્ટ)માં કહ્યું છે: ‘ધન્ય છે એ લોકો કે જેમનાં મન શુદ્ધ છે, કારણ કે તેઓ પરમેશ્વરનાં દર્શન કરશે.’ એટલે કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક વિકાસ માટે પવિત્રતા અનિવાર્ય છે. પરંતુ વિભિન્ન વિષય વાસનાઓને લીધે આપણે આ પવિત્રતાને પ્રાપ્ત કરી શકતા નથી. જો આપણે ઈશ્વર સાથે નિરંતર સંબંધ જોડવા ઇચ્છતા હોઈએ તો ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાં શ્રીરામકૃષ્ણે આમ કહ્યું છે: ‘જો ટેલિગ્રાફનો તાર તૂટી જાય તો જ્યાં સુધી એ તારને જોડી દેવામાં ન આવે ત્યાં સુધી તારનો સંદેશ પહોંચી શકતો નથી.’ આપણે ભલે ગમે તેટલાં તપ અને સાધના કરતાં રહીએ પરંતુ જો આપણું મન વાસનાઓથી પૂર્ણ હોય તો આપણી બધી સાધના અને બધાં ભજન નિષ્ફળ રહેવાનાં. ધારો કે પાણીથી ભરેલો એક ઘડો છે, જો એ ઘડામાં કાણું હોય તો ભલે ગમે તેટલું પાણી એમાં કેમ ન નાખીએ ઘડો ભરાશે નહિ. કારણ કે એનું પાણી સરતું-વહેતું રહેશે. આ રીતે આપણે ગમે તેટલાં જપસાધના ભલે કરીએ પણ મન શરીર એ બંને સાથે તાદાત્મ્ય તેમજ વિભિન્ન આસક્તિઓમાંથી ઉત્પન્ન થતી વાસનાઓને કારણે આપણાં સાધનાભજન વ્યર્થ જવાના. જ્યાં સુધી આપણે બધાં છિદ્રો બૂરી દેવાનો પ્રયાસ નહિ કરીએ તેમજ એમને વૈરાગ્યની ભાવનાથી બંધ નહિ કરીએ ત્યાં સુધી એ ઘડાને ભરી નહિ શકીએ. શ્રીરામકૃષ્ણે કહ્યું છે: જો આપણે શરાબીની જેમ રાત આખી હોડી ચલાવતાં રહીએ અને આપણી હોડી કિનારે બાંધી પડી હોય તો એ હોડી ચલાવતાં રહેવા છતાં પણ આગળ જશે નહિ. એવી રીતે આપણે ભલે ગમે તેટલાં જપતપ કરીએ પરંતુ જ્યાં સુધી આપણે પોતાની આસક્તિઓનો સમૂળ નાશ કરવાનો પ્રયાસ નહિ કરીએ ત્યાં સુધી પ્રગતિ શક્ય નથી.

છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે હૃદયની ગ્રંથિઓ ખૂલી જાય છે ત્યારે વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. જો આપણે ઈશ્વરનું નિરંતર સ્મરણ કરીએ ત્યારે જ ઈશ્વરની અનુભૂતિ સંભવ બને. એનું એક પારિભાષિક નામ છે ‘ધ્રુવાસ્મૃતિ:’ જ્યાં સુધી આપણે શુદ્ધ ભોજન ન કરીએ ત્યાં સુધી એ સંભવ નથી. શુદ્ધ ભોજન કરવાથી વિચાર પવિત્ર બને છે અને પવિત્ર વિચારોને કારણે ઈશ્વરનું નિરંતર સ્મરણ રહે છે. ઈશ્વરના નિરંતર સ્મરણથી આપણાં બંધન કપાઈ જાય છે અને આપણે મુક્ત થઈએ છીએ. આ વિશે જ્યાં સુધી ભોજન શબ્દને સંબંધ છે ત્યાં સુધી એની બે વ્યાખ્યા કરી શકાય. રામાનુજે શાસ્ત્રાનુસાર એક વ્યાખ્યા આપી છે. એમના મત પ્રમાણે ભોજનનો વાસ્તવિક અર્થ – નિયમાનુસાર સાત્ત્વિક ભોજન કરવું – એવો છે. પરંતુ શંકરાચાર્યે ‘ભોજન’નો નૈતિક તેમજ મનોવૈજ્ઞાનિક અર્થ બતાવ્યો છે. કોઈ પણ વસ્તુ જેને આપણે પાંચ ઈંદ્રિયો દ્વારા એટલે કે રૂપ, રસ, શબ્દ, ગંધ અને સ્પર્શ દ્વારા ગ્રહણ કરીએ છીએ તે જ ભોજન છે. પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે આપણે પાંચ ઈંન્દ્રિયો, સ્મરણશક્તિ તેમજ કલ્પનાના માધ્યમથી અનેક વિચાર ગ્રહણ કરીએ છીએ. ઈંદ્રિયોના માધ્યમથી આપણે જે કંઈ ગ્રહણ કરીએ છીએ તે શુદ્ધ હોવું જોઈએ. કેવળ ભક્ષિત ભોજન જ પૂરતું નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે સુવરનું માંસ ખાધા પછી પણ વ્યક્તિનું મન આત્મા કે ઈશ્વરમાં લીન રહે તો તે ધન્ય છે અને વિશુદ્ધ શાકાહારી ભોજન કરનારી વ્યક્તિનું મન જો કામ-કાંચનમાં આસક્ત રહે તો તેને ધિક્કાર છે. ચાલો આપણે આહાર વિશે છાંદોગ્ય ઉપનિષદમાં આપેલા આ ઉદાહરણને જોઈએ:

આહાર શુદ્ધૌ સત્ત્વ શુદ્ધિ: સત્ત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ:।
સ્મૃતિ લમ્ભે સર્વ ગ્રંથીનાં વિપ્રમોક્ષ: ॥

શુદ્ધ આહારથી મન શુદ્ધ થાય છે, મનની શુદ્ધિથી પરમાત્માનું નિરંતર ચિંતન થાય છે, તેમજ પરમાત્માના નિરંતર ચિંતનથી મનુષ્ય બધાં બંધનોમાંથી છૂટીને મુક્ત બને છે. ચહેરાનું પ્રતિબિંબ સ્વચ્છ દર્પણમાં જ સ્પષ્ટ આવી શકે છે. એટલે પવિત્રતા સત્ત્વશુદ્ધિ પર જ સંસારના બધા સંતો અને મહાત્માઓએ વારંવાર ભાર દીધો છે. આપણે પંચેન્દ્રિયોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. બધી ઈંદ્રિયોને યોગ્ય રીતે નિર્દેશિત કરવી જોઈએ. આપણે કોઈ પણ ઈંદ્રિયથી કોઈ પણ પ્રકારની અશુદ્ધ પ્રવૃત્તિને પ્રવેશવા દેવી ન જોઈએ. આપણી ભીતર પહેલેથી જ અનેક અશુદ્ધ પ્રવૃત્તિઓ હોય છે, એનો વિનાશ કરવો જોઈએ અને સત્‌ પ્રવૃત્તિઓ દ્વારા એનો વિરોધ કરવો જોઈએ. આપણે સદૈવ બાહ્ય જગત સાથે કેવળ સારી પ્રવૃત્તિઓ જ ગ્રહણ કરવી જોઈએ. એક પ્રશ્ન પૂછી શકાય: ‘મારા સંસ્કાર બરાબર નથી, તેમજ મારું મન એવું છે કે જે કેવળ અશુદ્ધ પ્રવૃત્તિઓને જ ગ્રહણ કરે છે, હું ગમે તેટલો પ્રયાસ કરું કે ન કરું પણ અશુદ્ધ પ્રવૃત્તિઓથી બચી શકતો નથી.’ આનું સમાધાન સ્વામી વિવેકાનંદ આ રીતે કરે છે : ‘શું ગંદકીથી ગંદકી સાફ કરીશું, શું પાપથી પાપનો નાશ કરી શકાય છે? શું દુર્બળતાથી દુર્બળતાનો ઉપચાર કરી શકાય છે?’

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.