થીચ નૅત્‌ હૅન (Thich Nhat Hanh) વિયેતનામી ઝેન ગુરુ, કવિ અને શાંતિ – પ્રચારક છે. તેઓ પચાસ વર્ષો કરતાં વધુ સમયથી સંન્યાસી છે. તેઓ ફ્રાંસના પ્લમ ગામમાં રહી ભણાવે છે, લખે છે અને બગીચાનું કાર્ય કરે છે. તેમણે ૭૫ કરતાં પણ વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાં સુપ્રસિદ્ધ પુસ્તક ‘The Miracle of Mindfulness’નો સમાવેશ થાય છે. – સં.

વીશ વર્ષ પહેલાં, કાગળના લૅમ્પશેઈડ પર મેં ચાર ચાઈનીઝ અક્ષરો લખ્યા : ‘જો તમારે શાંતિ જોઈતી હોય, તો શાંતિ તત્કાળ તમારી સાથે છે.’ થોડાં વર્ષો પછી સિંગાપોરમાં, આ શબ્દો વ્યવહારમાં મૂકવાની મને તક મળી હતી.

૧૯૭૬માં, સિયામના અખાતમાં બોટમાં સપડાયેલા ઘણા લોકોને બચાવવાનું કામ અમે ઘણા લોકો કરી રહ્યા હતા. એ કાર્યને નામ આપવામાં આવ્યું હતું, ‘જ્યારે લોહી વહેવડાવવામાં આવે છે, ત્યારે આપણે બધા સહન કરીએ છીએ.’ એ વખતે ઓછા લોકો બોટમાંના લોકોની હાજરી વિશે જાણતા હતા; થાઈલૅન્ડ, મલયેશિયા અને સિંગાપોરની સરકારો એ લોકોને પોતાના દેશોની જમીન પર ઉત્તરવાની ના પાડતી હતી. રીત એવી હતી કે બોટના લોકોને દરિયામાં પાછા ધકેલી દેવા કે જેથી તેઓ મૃત્યુ પામે અને જમીન પરના લોકોને તેઓની સંભાળ લેવી ન પડે. અમે બે મોટાં વહાણો ભાડે કર્યાં – લિયદલ અને રૉલૅન્ડ – કે જેથી દરિયા પરથી નિરાશ્રિતોને બચાવી શકાય, અને ‘સાઈગૉન ર૦૦’ અને ‘બ્લૅકમાર્ક’ નામનાં બે નાનાં વહાણો પણ ભાડે કર્યા કે જેથી મોટા વહાણો સાથે સંદેશાની આપ લે થઈ શકે અને પાણી, ખોરાક, દવા અને બીજી સામગ્રી પહોંચાડી શકાય. નિરાશ્રિતોને મોટા વહાણોમાં લઈ લેવાની અમારી યોજના હતી અને તેઓને ઑસ્ટ્રેલિયા અને ગ્યુઆમ લઈ જવાના હતા, કે જ્યાં, તેઓના આગમનની સાથે અમે દુનિયાના અખબારોને જાણ કરી શકીએ, અને તેથી દુનિયા તેઓની દુઃખદ પરિસ્થિતિની નોંધ લે; અને તેઓને પાછા હાંકી કાઢવામાં ન આવે. મલયેશિયા, ઈન્ડોનેશિયા અને બીજા દેશોમાં, બોટમાં સપડાયેલા હજારો લોકોને પાછા કાઢવામાં આવ્યા હતા, અને તેમાંના ઘણા લોકો દરિયામાં મૃત્યુ પામ્યા. કોઈને ખબર ન પડે તેવી રીતે અમારે અમારું કામ કરવાનું હતું; કારણ કે દુનિયાની સરકારો નિરાશ્રિતોની દુઃખદ પરિસ્થિતિની નોંધ લેવા નહોતી માગતી, અને અમે જાણતા હતા કે જો અમારી હાજરીની જાણ થશે તો સિંગાપોરમાંથી અમને દેશનિકાલ કરવામાં આવશે.

સિયામના અખાતમાંથી અમે લગભગ ૮૦૦ નિરાશ્રિતોને બચાવી શક્યા. નવા વર્ષના પ્રસંગે ‘સાઈગૉન ર૦૦’ નામની નાની બોટમાં બેસીને હું મોટા વહાણોમાં રહેલા નિરાશ્રિતોને મળવા ગયો. વાયરલેસ ટેલિફોનનો ઉપયોગ કરતાં મેં તેઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. તેઓને નમસ્તે કહ્યા પછી, હું કિનારા તરફ પાછો ધસ્યો અને અંધારામાં, એક મોટું મોજું ઉછળ્યું અને મને તરબોળ કરી દીધો. મને એવું લાગતું હતું કે અંધારાની સત્તા મને ચેતવણી આપતી હતી, ‘આ લોકોના નીંબમાં મૃત્યુ લખાયેલું છે. તમે શા માટે દખલ કરો છો?’ ક્યારેક અમે માછીમારોને કહ્યું કે તેઓ રાત્રિ દરમ્યાન આ નિરાશ્રિતોને બચાવી લ્યે, અને અમે ટૅક્સીમાં એ લોકોને ફ્રાન્સની એલચી કચેરીમાં લઇ જઇએ. સવારમાં, ફ્રાન્સના એલચીએ તેઓને જોયા. એ એલચી ભલા માણસ હતા. નિરાશ્રિતોની હાજરીની તેઓને જાણ છે, તેથી નિરાશ્રિતોને ‘ગેરકાયદે નિરાશ્રિત’નો દરજ્જો મળશે એમ જાણીને એલચીએ પોલીસને બોલાવી. જો કે નિરાશ્રિતોને જેલમાં મોકલવામાં આવ્યા હતા છતાં દરિયામાં પાછા ધકેલવા કરતાં તે બાબત ઘણી સારી હતી. પછી ફ્રાન્સ દ્વારા એ લોકોને સ્વીકારી લેવામાં આવે એ માટે અમે કામ કર્યું. પરિસ્થિતિને બદલવા માટે અમે ઘણી વસ્તુઓ કરવા પ્રયત્ન કરતા હતા.

સમયની સાથે અમે ઘણી વસ્તુઓ જોઈ કે જે તમે માની ન શકો. બરાકમાં અને સાઠ માણસોના સમુહને મળ્યા તે લોકોએ પોતાની બોટનો નાશ કર્યો હતો કે જેથી મલયેશિયાની પોલિસ તેઓને દરિયામાં પાછા ન મોકલે, પરંતુ પોલિસ તે લોકોની બોટ રીપેર કરવાનો પ્રયત્ન કરતી હતી કે જેથી તે લોકોને પાછા દરિયામાં ધકેલી શકાય. જ્યારે અમે એ લોકોને જોયા, ત્યારે પુરુષો ખુલ્લી જગ્યા તરફ માત્ર જોઈ રહ્યા હતા, અને સ્ત્રીઓ અને બાળકો રુદન કરતાં હતાં. એક વ્યક્તિએ અમને કહ્યું કે તેઓ બે બોટ સાથે આવ્યા હતા. મલયેશિયાની પોલિસે તેમને પાણી આપ્યું હતું. અને સિંગાપોર જવાનું કહ્યું હતું, કે જ્યાં તે લોકોને આવકારવામાં આવશે, પરંતુ તે સાચું ન હતું – સિંગાપોરના લોકો હંમેશાં બોટોને દરિયામાં પાછી ધકેલી દેતા, બોટમાંના લોકો માટે પરિસ્થિતિ ગમે તેટલી ભયંકર હોય તો પણ.

જ્યારે બે બોટો મલયેશિયા તરફ જવા નીકળી, ત્યારે એક બોટ ડૂબી ગઈ. એ બોટ પરના સાઠ માણસોએ બીજી બોટ પરની દરેક વ્યક્તિનું મૃત્યુ જોયું હતું. અને તે પણ પોતાની નજરની સામે. અને તે લોકોને સહાય કરવા માટે બીજી બોટના લોકો કંઈ પણ કરી શક્યા નહિ. તેથી તે લોકોએ મલયેશિયાના કિનારા તરફ પાછા જવાનું નક્કી કર્યું, અને આ વખતે તે લોકો જેવા કિનારા પાસે પહોંચ્યા કે તરત જ પોતાની બોટનો નાશ કર્યો અને તે બોટ ને ડુબાડી દીધી. તેઓ ઈચ્છતા ન હતા કે ફરી તેઓને દરિયામાં ધકેલી દેવામાં આવે. અમે તરત જ નજીકના શહેરમાં ગયા અને રાયટર AFP અને અખબારોના બીજા લોકોને આવવા કહ્યું કે જેથી નિરાશ્રિતોના ફોટા લઈ શકાય. આને કારણે પોલિસે એ લોકોને દરિયામાં પાછા ધકેલ્યા નહિ, અને નિરાશ્રિતોને જેલમાં લાવ્યા અને પછી નિરાશ્રિતોના કૅમ્પમા મોકલ્યા.

એ પ્રકારનું કાર્ય કરતાં અમે જે દુઃખ જોયું તે એટલું ઊંડું હતું કે જો અમારી પાસે આધ્યાત્મિક બળ ન હોત તો અમે તે કાર્ય ચાલુ રાખી શક્યા ન હોત. એ દિવસો દરમિયાન, અમે બેસીને અને ચાલતાં ધ્યાનનો અભ્યાસ કરતા અને ખૂબ જ એકાગ્રતા સાથે ચૂપચાપ અમારું ભોજન લેતા. અમે જાણતા હતા કે એ પ્રકારના શિસ્ત વિના, અમે અમારા કાર્યમાં નિષ્ફળ જઈશું. અમારી સાવચેતી પર ઘણા લોકોની જિંદગીનો આધાર હતો.

દરિયામાં નાની બોટોમાંથી અમે લગભગ ૮૦ માણસોને બચાવી લીધા હતા. સિંગાપોરની સરકારે અમને શોધી કાઢ્યા. ‘રૉલૅન્ડ’ અને ‘લિપદલ’ નામનાં વહાણોને ઑસ્ટ્રેલિયા મોકલવાના કાર્યમાં અમે લગભગ સફળ થઈ ગયા હતા, પરંતુ અખબારોને ખબર પડી જવાથી, ઘણા પત્રકારોએ અમને શોધી કાઢવા અને અમારી યોજના વિશે આખી વાર્તા પ્રસિદ્ધ કરી. અખબારો ક્યારેક બાલિશ હોય છે; તેઓને માત્ર વાર્તા લખવી છે, માણસોના જીવન જોખમમાં હોય તો પણ.

અમે ખુલ્લા પડી ગયા હતા તેને કારણે સિંગાપોરની સરકારે સવારે બે વાગ્યે અમારો ફ્લૅટ ઘેરી લેવાની પોલિસને સૂચના આપી. બે પોલિસના માણસો આગળના બારણે અને બે પાછળના બારણે અને બે પોલિસના માણસો મને પકડવા માટે અંદર આવ્યા; પોલિસે મારા પ્રવાસ કરવાના દસ્તાવેજો લઈ લીધા અને ચોવીસ કલાકમાં દેશ છોડી જવાની સૂચના આપી. હું જાણતો હતો કે બે મોટી બોટના માણસો કિનારે પહોંચવાની મદદ માટે મારી રાહ જોતા હતા. પોલિસે કહ્યું, ‘આવતી કાલે ઍરપોર્ટ પર તમારા પ્રવાસ દસ્તાવેજો તમને પરત કરીશું.’ તે પોલિસના માણસો મનુષ્ય જેવા ન હતા. બોટના માણસોનું દુઃખ અથવા અમે તેઓને સહાય કરવા કેવો પ્રયત્ન કરી રહ્યા હતા તે તેઓ સમજી શકતા ન હતા.

આવી પરિસ્થિતિમાં અમે શું કરી શક્યા હોઈએ? અમારે સભાનતાથી ઊંડો શ્વાસ લેવાનો હતો. નહિતર, અમે ભય પામીએ અથવા પોલિસ સાથે ઝઘડો કરીએ, અથવા પોલિસની જડતા માટે અમારો ગુસ્સો વ્યક્ત કરીએ. બે બોટ પરના ૮૦૦ માણસોને ચોવીસ કલાકમાં અમારે ખોરાક અને પાણી વિના છોડી દેવાના હતા તે ખ્યાલ આવતાં અમે ઊંઘી શક્યા નહિ.

રાત્રીના એ સમયે કોઈ ફોનનો જવાબ ન આપે. ફ્રાન્સની એલચી કચેરી પણ બંધ હતી. બાકીની રાત્રી સુધી ફ્લૅટની અંદર અમે બધાએ ચાલતાં ધ્યાનનો અભ્યાસ કર્યો. કોઈ પણ આફત આવે તે પહેલાં જો તમે સભાનપણે શ્વાસનો અભ્યાસ કરો તો તમે તેના માટે તૈયાર હશો.

૮૦૦ માણસો સહીસલામતીથી ઑસ્ટ્રેલિયા અથવા ગુઆમ પહોંચી જાય, એ માટે અમારે, રસ્તો શોધી કાઢવાનો હતો. ‘સાઈગૉન ૨૦૦’ અને ‘બ્લૅકમાર્ક’ વહાણોને બંદર છોડવાની મનાઈ હતી. તેથી ‘લિપદલ’ અને ‘રૉલૅન્ડ’ બોટો પરના નિરાશ્રિતો માટે ખોરાક અને પાણી લઈ જઈ ન શકે. ‘રૉલૅન્ડ’ બોટ પાસે ઑસ્ટ્રેલિયા પહોંચવા માટે પૂરતું બળતણ હતું, પરંતુ અમારે તે લોકોને ખોરાક પહોંચાડવાનો હતો. ત્યાર પછી તેનું એન્જિન ખરાબ થઈ ગયું. તે દિવસે પવન જોરદાર હતો, અને દરિયો તોફાની હતો, અને અમે તે લોકોની સલામતી વિશે ચિંતિત હતા. પરંતુ મલયેશિયાની સરકાર વહાણને મલયેશિયાના દરિયામાં પ્રવેશવાની છૂટ ન આપે. અમારો બચાવ અભિયાન ચાલુ રાખવાના હેતુથી, મેં પડોશી દેશમાં દાખલ થવાની પરવાનગી મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ થાઈલૅન્ડ, મલયેશિયા અને ઈન્ડોનેશિયાની સરકારોએ મને પ્રવેશ વિઝા આપવાની તૈયારી ન બતાવી. જો કે હું જમીન પર હતો, છતાં હું પણ દરિયામાં ઘસડાનો હતો, અને વહાણો પરના ૮૦૦ નિરાશ્રિતોના જીવન સાથે હું ઐક્ય અનુભવતો હતો. ચોવીસ કલાકમાં ઉકેલ શોધી શકાય તેના કરતાં વધારે સમસ્યાઓ હતી.

‘જો તમારે શાંતિ જોઈતી હોય, તો શાંતિ તત્કાળ તમારી સાથે છે.’ એ ધ્યાનનો અભ્યાસ કરવાનું મેં નક્કી કર્યું, અને મારી જાતને તદ્દન શાંત જોઈને હું આશ્ચર્ય પામ્યો હતો, ભય રહિત અને ચિંતા રહિત. હું બેપરવા ન હતો. આ ખરેખર મનની શાંત અવસ્થા હતી, અને એ અવસ્થામાં, અને આ મુશ્કેલ પરિસ્થિતિને કાબૂમાં લેવા હું શક્તિમાન હતો. મને વિચાર આવ્યો કે મારે ફ્રાન્સની એલચી કચેરીને મારા વતી દરમ્યાનગીરી કરવા કહેવું જોઈએ, કે જેથી મારા વીઝાની મુદત થોડા વધારે દિવસો લંબાવી શકાય, જેથી ભિન્ન ભિન્ન બાબતોને હું એક સૂત્રમાં ગોઠવી શકું અને બપોરે પાંચ મિનિટ પહેલાં, કે જ્યારે પરદેશી વસાહતી વિભાગ અઠવાડિયાના અંતમાં બંધ થવાની તૈયારીમાં હતો અને મારે દેશ છોડવો પડત, ત્યારે વીઝાની મુદતનો વધારો મંજૂર કરવામાં આવ્યો.

જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, બેસીને કરેલા ધ્યાનની એ ક્ષણો હું કદી ભૂલીશ નહિ. તે રાત્રિ અને તે સવારમાં લીધેલા શ્વાસોચ્છવાસ અને તે સાવચેતીભર્યા પગલાં પણ હું ભૂલીશ નહિ. જ્યારે મેં સમસ્યાનો સીધો સામનો કર્યો ત્યારે સફળતા મળી. મેં પ્રતિજ્ઞા કરી કે જો તે ક્ષણે મને શાંતિ ન મળે, તો મને ક્યારેય શાંતિ પ્રાપ્ત નહિ થાય. જો સંકટની વચ્ચે હું શાંત ન રહી શકું, તો સરળતાભર્યા સમયમાં જે શાંતિનો હું અનુભવ કરી શકું તેનો મારા માટે કોઈ અર્થ નહીં હોય, ‘જો તમારે શાંતિ જોઈતી હોય, તો શાંતિ તત્કાળ તમારી સાથે છે.’ એ પ્રકારના ધ્યાનનો અભ્યાસ કરતાં, હું એક પછી એક એમ ઘણી સમસ્યાઓ ઉકેલી શક્યો.

યુનોના નિરાશ્રિતો માટેના હાઈ કમિશ્રરને અમારે નિરાશ્રિતો સોંપી દેવાના હતા. અને એ અધિકારીએ એ નિરાશ્રિતોને મહિનાઓ અને વર્ષો સુધી મલયેશિયામાં છાવણીઓમાં રાખ્યા. તે ખૂબ જ દુઃખદ બાબત હતી. છતાં પ્રાર્થના અને ધ્યાન દ્વારા અમે અમારા કાર્યનું સંચાલન કર્યું હતું, કારણ કે અમને ખ્યાલ હતો કે દરેક બાબતનો અમારી સાવચેતી પર આધાર હતો. દરેક રાત્રીએ છેક મોડે સુધી અમે બેસીને ધ્યાન કર્યું હતું; ત્યાર પછી હાર્ટ સુત્ર (Heart Sutra) નો પાઠ કરતાં જાણે કે અમે કોઈ એક મઠમાં હોઈએ તેવી રીતે.

અમારા કાર્યને કારણે દુનિયાએ એ નિરાશ્રિતોના દુ:ખના અવાજની નોંધ લીધી. ૧૯૭૭માં અમેરિકાની સરકારે વિયેતનામના નિરાશ્રિતોનો દર વર્ષનો ક્વોટા વધારીને ૭૦૦૦ કર્યો, પછી ૧૫,૦૦૦ અને ત્યાર પછી ૧૦૦,૦૦૦ કર્યો. ઑસ્ટ્રેલિયા અને બીજા દેશોએ પણ તેમ જ કર્યું. જો પૂર્ણ સભાનતાથી આપણે સર્વ શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ, અને આપણા હૃદયને ક્રોધથી મુક્ત રાખીએ તો આપણે પરિણામોની ચિંતા ન રાખવી.

ભાષાંતર : શ્રી સી. એમ. દવે

(‘વેદાંત કેસરી’ સપ્ટેમ્બર ’૯૭ માં પ્રકાશિત ‘Love in Action & Writings on Nonviolent Social Changes’ પુસ્તકના અંશો)

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.