શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૨૨/૧/૯૭ના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમણે ૭/૭/૧૯૧૫ના રોજ લખેલ પત્રના અંશો પ્રસ્તુત છે. – સં.
આપ શાંતિ મેળવવાના ઉપાય શું – તે જણાવવા માટે લખી રહ્યા છો. આપ તો જાણો જ છો કે પૂરેપૂરી શાંતિ તે જ મેળવે છે, જે
છોડીને કામના સર્વે ફરે જે નર નિઃસ્પૃહ,
અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ! ભારત!
(ગીતા, ૨/૭૧)
તથા –
સદા ભરાતા અચલ-પ્રતિષ્ઠ,
સમુદ્ર નીરમાં બધાં પ્રવેશે
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
તે શાંતિ પામે; નહીં કામકામી
(ગીતા, ૨/૭૦)
છતાંય ભલે ને પૂર્ણ શાંતિ ન મળે, પણ થોડી ઘણી શાંતિ આપને અવશ્ય મળી ચૂકી છે. શ્રી પ્રભુકૃપાથી આપ જેમ જેમ ઇશ્વરને હૃદયમાં લઇ આવશો, જેમ જેમ ‘હું’ અને ‘મારું’ના ભાવમાંથી વધુને વધુ મુક્ત થશો, ‘અહંતા’, ‘મમતા’ના ભાવ દૂર કરી શકશો, તેમ તેમ શાંતિના અધિકારી થશો; બીજો કોઇ ઉપાય નથી. ઇશ્વર જ બધાં કર્મનો કિરતાર છે, આપણે તો ઇશ્વરના હાથમાં યંત્ર – કઠપૂતળી જ છીએ. જેમ જેમ આ ભાવ ઇશ્વરકૃપા દ્વારા વધુને વધુ દૃઢ થશે, તેમ તેમ ‘હું’ અને ‘મારું’નો બોધ દૂર થશે. હૃદયમાં શાંતિના ઉદયથી અંતરાત્મા શીતલ થશે. ગીતામાં શ્રીભગવાન કહે છે :
‘મારામાં જ મનને પરોવજે, નિષ્ઠાપૂર્વક બુદ્ધિની મારામાં જ પ્રતિષ્ઠા કર : તો તું મારામાં જ વસીશ, તેમાં શંકાને સ્થાન નથી.’ કેટલું સરસ! કેટલું સુખમય! કેટલું મધુર!!
પછી આપ પ્રશ્ન કરો છો કે સંસારી વ્યક્તિને સમાધિ થાય કે કેમ? સમાધિ થાય જ; નહિતર શ્રીભગવાનના આ શબ્દો કેવી રીતે આપણે સાચા માનીશું?
‘જો કોઇ મોટામાં મોટો દુરાચારી હોય, પરંતુ એક ચિત્તથી મારી અનન્ય ભક્તિ કરે, તો તેને સમ્યક્-દૃઢ નિશ્ચયવાળો સાધુ જાણજો. સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો તથા પાપીઓ પણ જો મારો આશ્રય લે તો તે પણ પરમ ગતિ પામે છે.’
શું પરમ ગતિ સિવાય સમાધિ મળી શકે? યોગના સોપાનોનો અભ્યાસ કર્યા વિના પણ સમાધિ થાય છે. પાતંજલ યોગસૂત્રમાં (સાધનપાદ ૪૫)માં ‘ઇશ્વરને સમસ્ત સમર્પણ કરવાથી સમાધિલાભ થાય છે’ આ જ વાત કહેવામાં આવી છે. પછી ‘અથવા ઇશ્વર-ભક્તિથી પણ સમાધિ થાય છે.’ સૂત્રમાં આ હકીકતની સ્પષ્ટ ઝાંખી થાય છે. ભાષ્યકાર વ્યાસદેવ તે જ સૂત્રની વ્યાખ્યામાં કહે છે :
‘ઇશ્વર પ્રણિધાન એટલે કે ભક્તિથી ઇશ્વર પ્રસન્ન થઇને ઇચ્છા-માત્રથી તેમના ઉપર કૃપા કરે છે. ઇશ્વરની ઇચ્છામાત્રથી યોગીને સમાધિલાભ તથા તેનું ફળ શીઘ્ર આવી મળે છે.’ એટલે કે, યોગના સોપાનના અભ્યાસ કર્યા વગર પણ સમાધિ લાભ થઇ શકે છે – આ બાબતમાં આ જ વિશેષ સાબિતી છે. આ પ્રસંગે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં કોઇ ગોપીના ત્રિગુણમય દેહ-ત્યાગ દ્વારા ઇશ્વર-પ્રીતિનું વરદાન મળવાની વાત યાદ કરીએ
‘કામ, ક્રોધ, ભય, સ્નેહ, ઐકય અથવા સૌહાર્દ : કોઈ પણ એક ઉપાયથી શ્રીહરિ સાથે ભાવ સંબંધ અને ભક્તિને યોજવાથી તે શ્રીભગવાન સાથે તન્મય થઇ જાય છે.’ (ભાગવત, ૧૦/૨૯/૧૫)
‘શ્રી ભગવાન સાથે તન્મયતાની પ્રાપ્તિ’ – એ શું સમાધિલાભથી કોઇ જુદી વસ્તુ છે? કહેવાનું તાત્પર્ય આ જ છે કે માત્ર ભાવ તથા ઉપાય જુદા જુદા છે. પરંતુ વસ્તુલાભ તથા પરિણામ તો એક જ છે.
‘જ્ઞાનયોગીને જે પદની ઉપલબ્ધિ થાય, કર્મયોગીને પણ તે જ પદ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ જ્ઞાનયોગ અને કર્મયોગને એક જ જુએ છે, તે જ બરાબર જુએ છે.’
બારમાં અધ્યાયમાં પણ ભગવાન સગુણ – નિર્ગુણ, સાકાર-નિરાકાર ઇશ્વરની ઉપાસનાના સર્વોચ્ચ સિદ્ધાંતની ઝાંખી કરાવીને પછી સચોટ શબ્દોમાં કહે છે કે સગુણ-સાકાર ઇશ્વરની ઉપાસના જ સહજ-સરળ તેમ જ સુખકર છે; વળી, ઇશ્વર જાતે જ તેના ભક્તોનો ઉદ્ધાર કરે છે. એટલે મને સમજાતું નથી કે આપણે આવા દયાળુ પ્રભુને છોડીને બીજા કોઈના શરણમાં શા માટે જવું?
ભાષાંતર : સ્વામી જ્ઞાનેશાનંદ
Your Content Goes Here




