શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬મી જાન્યુઆરીએ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર તેમણે આપ્યા હતા. તેનો પહેલો અંશ જૂનના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ કરીએ છીએ.
પ્રશ્ન : સામાન્ય માણસો માટે ચારે તરફ આટલી બધી કથાઓ તો ચાલી રહી છે, છતાં લોકોને હજુ શાંતિ મળતી નથી. તો શાંતિ મેળવવાનો માર્ગ ક્યો?
ઉત્તર : અમે સાધુ-સંતો છીએ. એટલે લોકો આવીને પહેલો જ પ્રશ્ન એ કરે કે બહુ અશાંતિ છે, શાંતિ કેમ મળે? તો કહું છું કે ઉત્તર ઘણો સરળ છે. શાંતિપ્રાપ્તિનો એકમાત્ર ઉપાય આશાતીત થઈ જવું, બધી વાસનાઓ છોડી દેવી, એ જ છે. અશાંતિ વાસનાઓથી જ જન્મે છે, વાસનાઓને છોડવાને બદલે વાસનાઓ પૂરી કરવા માગીએ છીએ! પણ વાસનાઓની પરિતૃપ્તિ તો કદી થવાની જ નથી! એટલે જો શાંતિ મેળવવી હોય, તો વાસનાઓ છોડી જ દેવી પડશે. માણસો એવું ધારે છે કે મને અમુક વસ્તુની પ્રાપ્તિ થાય, તો જ શાંતિ મળશે, ઠીક છે. પણ એ વસ્તુ મળ્યા પછી વળી બીજી વસ્તુ જોઈએ અને એમને એમ તો અસંખ્ય વસ્તુઓ થઈ જાય, એ બધી તે કેમ પૂર્ણ થાય?
વળી, કેટલીક એવી ઇચ્છાઓ હોય છે કે જે એક બીજાની વિરોધી હોય છે Contradictory હોય છે. એક ને માટે એ પૂરી થાય તો બીજી મુશ્કેલીમાં આવી પડે! એનો શો ઉપાય? દાખલા તરીકે કોઈ એક માણસ ઇચ્છે કે વરસાદ વરસે તો કેવું સારું થાય? પાક ઊગે ને ઘણું અનાજ ઉત્પન્ન થાય! તો વળી બીજી બાજુ બીજો બોલે છે, કે અરે, વરસાદ થાય તો તો સર્વનાશ થઈ જાય! મારે તો મુસાફરીએ જવું છે. વરસાદ પડશે તો મુસીબતનો પાર નહિ આવે! ભગવાન બિચારો શું કરે? એકબીજાના દુશ્મન હોય એવા માણસોમાંનો એક માણસ એમ કહે છે કે, ‘ભગવાન, પેલાનો નાશ કરી દો!’ તો તે માંહેનો બીજોય એમ કહે છે કે, ‘ભગવાન પેલા સામેવાળાનો નાશ કરી દો!’ તો ભગવાન શું કરશે? શું એ બંનેના વિનાશ કરી નાખે કે? તો આ પણ મુશ્કેલી છે. એટલે માણસો વાસનાને કારણે જ દુ:ખ પામે છે અને તેથી વાસનાઓમાંથી નિવૃત્તિ લેવી એ જ માત્ર શાન્તિપ્રાપ્તિનો ઉપાય છે. વાસના મૂકી દેવી. વાસનારહિત થઈ રહેવું અને સુખી થવું. વાસનાત્યાગ વિના સુખ નથી.
તમે કદાચ કહેશો કે, ‘મહારાજ, તમે તો સંન્યાસી છો, એટલે તમે એવું કહી શકો, પણ અમે તો સંસારી રહ્યા. અમે ભલા એમ કેવી રીતે કરી શકીએ?’ તો પછી તમને દુ:ખો ભોગવવાની ના કોણ પાડે છે? પણ એટલું યાદ રાખજો કે એ માટે ભગવાનને દોષ દેશો નહિ. કારણ કે તમારો રસ્તો તમે પોતે જ પસંદ કરી લીધો છે. એટલે એ રસ્તે દુ:ખ તો છે જ. ગીતાજી (૯.૩૩)માં કહ્યું છે. ‘અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્’ – ‘દુનિયા અનિત્ય છે અને દુ:ખથી ભરેલી છે, એટલે અહીં આવીને ભગવાનનું ભજન કરો.’
આમ કરવાથી તમે દુ:ખનો પાર પામી શકશો. પણ આપણે એવું તો કંઈ કરતા જ નથી! આપણે તો દુ:ખમય સંસારમાં જ આનંદ મેળવવા મથીએ છીએ! એમ તે ક્યાંથી બને ભલા? એ તો સંભવ જ નથી.
તમે કહેશો કે તો પછી શું બધાએ જ સંન્યાસી થઈ જવું? ના એવું કાંઈ નથી. માત્ર સંન્યાસી થઈ જવાથી દુ:ખ દૂર થઈ જાય એવું કાંઈ નથી. મૂળ વાત તો એ છે કે મનમાં વાસના હોય તો પછી એ સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય તો પણ એણે દુ:ખ તો ભોગવવું જ પડે છે. એટલે ફક્ત સંસારીને જ દુ:ખ છે, એવું નથી. મનમાં જેને વાસના ભરેલી હોય, એને જ દુ:ખ હોય છે. વાસનાત્યાગ એ જ દુ:ખ નિવૃત્તિ છે. પણ એ કેવી રીતે થાય? ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો વાસના ખસી જાય છે. દાખલા તરીકે જ્યાં સુધી સંતાન ન થયું હોય, ત્યાં સુધી સ્ત્રીઓ પોતાના શરીરને શણગારવામાં અને દુનિયાદારીના ભોગો ભોગવવામાં વધારે મન પરોવે છે. પુરુષોય એવા હોય છે ખરા, પણ આ તો એક દ્રષ્ટાંત માત્ર છે. પણ પછી જેવી સંતાન-પ્રાપ્તિ થાય કે પછી એ બધું જ મનમાંથી નીકળી જાય છે અને તેમનું મન કેવળ સંતાન તરફ જ દોડે છે. પછી કોઈપણ દુ:ખ એમને માટે એવું નથી રહેતું કે જેને સંતાન માટે તેઓ સહન ન કરી શકે. કારણ કે એમને સંતાન તરફ પ્રેમ છે, લાગણી છે. એનાથી એમનામાં દુઃખ સહન કરવાની શક્તિ આવે છે. આનંદથી એ બધું સહન કરે છે. આવી જ રીતે ભગવાનની પ્રાપ્તિ માટે એવું આકર્ષણ જેમને થાય છે, તેઓ કોઈ પણ દુ:ખથી ડરતા નથી. શરીર પ્રત્યે બધા લોકોનું જે સ્વાભાવિક આકર્ષણ હોય છે, એના કરતાંય વધારે આકર્ષણ, પ્રબળ આકર્ષણ જ્યારે ભગવાન પ્રત્યે થાય, ત્યારે સંસારની કઈ એવી વસ્તુ છે કે એમને ભગવાનથી દૂર રાખી શકે?
ભાગવતમાં એક દાખલો છે : બધી ગોપીઓ જ્યારે ઘરકામમાં રોકાયેલી હતી ત્યારે ભગવાને વેણુવાદન કર્યું. વાંસળી વગાડી, એ સાંભળીને ગોપીઓ તો પોતાનાં ઘરનાં બધા જ કામકાજ છોડીને ભગવાનને મળવા આતુર બનીને ચાલી નીકળી. પણ એક ગોપીને એનાં ઘરનાંએ બારણાં બંધ કરીને પૂરી રાખી, જવા ન દીધી. ત્યારે એ ગોપીએ વિચાર્યું કે ભગવાનને મળવામાં મારે શી નડતર છે? આ શરીરની જ ને? બસ! એ તો શરીરને ય પડતું મેલીને પહોંચી ગઈ! ભાગવતની આ કથા બતાવે છે કે માણસમાં સ્વાભાવિક રીતે રહેલાં શરીરપ્રેમને પણ આવો ઉત્કટ ભગવત્પ્રેમ તુચ્છ બનાવી દે છે. કહેવાનું એટલું જ કે ભગવાન પ્રત્યે પ્રેમ વધે એવો પ્રયત્ન કરો, સંતોનો સંગ કરો, સદ્ગ્રંથોનું વાચન-મનન કરો, આ બધું કરશો તો તમારો ભગવત્પ્રેમ જરૂર વધશે, તમે સૌના પ્રીતિપાત્ર પણ થશો અને અંતે એવું ય થશે કે કોઈપણ અડચણ તમને એ રસ્તેથી અટકાવી શકશે નહિ, તમે બધું તુચ્છ ગણીને બ્રહ્મમાં પહોંચી શકશો.
Your Content Goes Here




