…દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘अस्ति’ ‘अस्ति’ (‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘नास्ति’ ‘नास्ति’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી આખા દેશનો વિનાશ થઈ રહ્યો છે! ‘सोऽहम्’ ‘सोऽहम्’ ‘सोऽहम्’ ‘હું તે જ છું,’ ‘હું તે જ છું,’ ‘હું શિવ છું,’ શી ઉપાધિ! દરેક આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તો પછી નિષેધાત્મક વિચારો કરીને તમારે તમારી જાતને કૂતરાં-બિલાડાં જેવી બનાવવી છે? નિષેધવાદ કોણ શીખવે છે? તમે કોને નિર્બળ અને શક્તિહીન કહો છો? ‘सोऽहम्’ ‘सोऽहम्’ (‘હું શિવ છું’, ‘હું શિવ છું.’) જ્યારે લોકોને હું નિષેધાત્મક વિચાર કરતા જોઉં છું ત્યારે મારા મસ્તક પર વજ્રઘાત થયો હોય એવું લાગે છે. પોતાનું મૂલ્ય ઓછું આંકવાની આ વૃત્તિ એ રોગનું જ બીજું નામ છે. તમે તેને નમ્રતા ગણો છો? એ છૂપું મિથ્યાભિમાન જ છે! न लिंग धर्मकारणं, समता सर्वभूतेषु एतन्मुक्तस्य लक्षणम् – બાહ્ય ચિહ્નો ધર્મને લાવતાં નથી; બધાં પ્રાણીઓ પ્રત્યે સમભાવ એ જ મુક્તનું લક્ષણ છે. अस्ति, अस्ति, सोऽहम्, सोऽहम्, चिदानन्द रुपः शिवोऽहम्, शिवोऽहम् ‘‘હું તે જ છું , ‘જ્ઞાન અને આનંદરૂપ હું શિવ છું!’’ निर्गच्छति जगज्जालात् पिञ्जरादिव केशरीः ‘‘સિંહ પાંજરામાંથી છૂટે તેમ આ જગતનાં બંધનોમાંથી નીકળી જાય છે. नायमात्मा बलहीनेन लभ्यः, – ‘‘નિર્બળને આ આત્મા પ્રાપ્ત થતો નથી.’’ … ધસી પડતા બરફના પહાડની પેઠે જગત પર તૂટી પડો! તમારા વજનથી પૃથ્વીને બે ભાગમાં ચિરાઈ જવા દો! હર! હર! મહાદેવ! उद्धरेदात्मनात्मानम्, ‘‘માણસે પોતાની શક્તિથી જ પોતાના આત્માને ઉગારવો જોઈએ.’’… પરહિત માટે આ જીવ સમર્પિત થવાનો દિવસ કદી ઊગશે ખરો? દુનિયા કંઈ બાળકના ખેલ નથી. જેઓ પોતાનાં લોહી રેડીને બીજા માટે રાજ માર્ગ બનાવે તેઓ જ ખરા મહાન પુરુષો છે. પોતાના શરીરનું બલિદાન આપીને એક માણસ પુલ બાંધે છે અને તેની મદદથી બીજા હજારો લોકો નદી ઓળંગે છે. શાશ્વત કાળથી આમ બનતું આવ્યું છે. एवमस्तु, एवमस्तु, शिवोऽहम्, शिवोऽहम् – ‘‘એમ જ થજો; એમ જ થજો; હું શિવ છું. હું શિવ છું!’’
…ઉદ્દેશ વિના ભટક્યા કરવું એ નહિ ચાલે. તમે જ્યાં જાઓ ત્યાં કાયમી ઉપદેશકેન્દ્ર શરૂ કરજો; તો જ લોકો સુધરશે. હું એક પુસ્તક લખી રહ્યો છું. જેવું તે પૂરું થશે કે તુરત હું સ્વદેશ પાછો ફરીશ!. . . . હંમેશાં યાદ રાખજો કે શ્રીરામકૃષ્ણ જગતના કલ્યાણ માટે આવેલા, કીર્તિ કે નામનાને માટે નહિ. ‘‘તેઓ જે વાત શીખવવા અવતરેલા તેનો જ પ્રચાર કરો. તેમનું નામ ફેલાવવાની ચિંતા ન કરો; તે પોતાની મેળે જ પ્રસરશે.’’ તમે કોઈને પણ તમારા ગુરુદેવમાં માનવાનો આગ્રહ કરો તે જ ક્ષણે તમે એક સંપ્રદાય ઊભો કરો છો. તુરત બધું જમીનદોસ્ત થશે. માટે ખ્યાલ રાખજો! દરેકની સાથે પ્રેમથી બોલો; મિજાજ ગુમાવ્યાથી કામ બગડે છે. લોકો ગમે તે કહે, તમે તમારા સિદ્ધાંતને વળગી રહો; તો ખાતરી રાખજો કે જગત તમારા પગમાં પડવાનું છે. લોકો કહે છે: ‘‘અમુક વ્યક્તિમાં વિશ્વાસ રાખો.’’ પણ હું કહું છું: ‘‘પહેલાં તમારામાં વિશ્વાસ રાખો;’’ એ જ સાચો રસ્તો છે. તમારામાં શ્રદ્ધા રાખો. સઘળી શક્તિ તમારામાં જ રહેલી છે; તેના પ્રત્યે સભાન બનો અને તેને બહાર લાવો. કહો કે ‘‘હું બધું કરી શકીશ.’’ ‘‘જો તમે દૃઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો પણ અસ્વીકાર કરો તો તે ઝેર પણ બિનઅસરકારક થઈ જાય.’’ ખ્યાલ રાખજો; ‘ના’ કહેવાની જ નથી. નિષેધાત્મક વિચાર જ નહિ! હા, હા’ જ કહો (‘सोऽहम् सोऽहम्’) ‘હું તે છું’ ‘હું તે છું.’
किन्नाम रोदषि सखे त्वयि सर्वशक्तिः
आमन्त्रयस्व भगवन् भगदं स्वरुपम्।
त्रैलोक्यमेतदखिलं तव पादमूले
आत्मैव हि प्रभवते न जडः कदाचित्॥
‘‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં જ બધી શક્તિ છે. ઓ શક્તિશાળી (આત્મા)! તારા સર્વશક્તિમાન સ્વભાવને આહ્વાન આપ એટલે આ આખું જગત તારા ચરણમાં આવશે. આ આત્મા જ પ્રબળ છે, નહિં કે જડ વસ્તુ.’’
— સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




