બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે;
એનાથી જ એમનું જીવન પાંગરે છે.
– રવીન્દ્રનાથ ટાગોર
પોતાનું સંતાન આ દુનિયામાં કંઈક કરી દેખાડે એવી ઇચ્છા દરેક માબાપના મનમાં થતી હોય છે. માબાપ તરીકે આવી ઇચ્છા હોવાનું સ્વાભાવિક છે. પણ આવી ઇચ્છા સેવવાથી વાત પતી જતી નથી. આ માટે માબાપ તરીકે આપણે પણ કેટલીક વાત શીખવી પડે.
બાળક ચૈતન્યનો ફુવારો છે. એની અંદર જે કંઈ પડ્યું છે તે બહાર લાવવાની એની સતત મથામણ હોય છે. દરેક ડગલે એ આ જગતને સમજવા મથે છે ને એ જગતને પોતાના તરફથી કશુંક આપવાની કોશિશ કરે છે. બાળક પાટીમાં, કાગળમાં કે ભીંત પર લીટાલસ૨કા કરે તે ક્ષણ એનામાં રહેલા ચિત્રકારના પ્રાગટ્યની ક્ષણ છે. એના કંઠનું ગુંજન એનામાં રહેલા ગાયકની બહાર આવવાની ક્ષણ છે અને સૂરજ અને ચાંદો જોઈને, ફૂલ અને નદી જોઈને એના મનમાં જાગતા પ્રતિભાવો એનામાં રહેલા કવિને અવતરવાની ક્ષણ છે. આ ક્ષણો ઓળખવાની હોય છે ને સાચવવાની હોય છે. આ ક્ષણો જો ચૂક્યા તો બાળકના વિકાસને ઘણો ધક્કો પહોંચશે. આ ક્ષણો જો સચવાઈ ગઈ તો બાળક તેના ટચૂકડા હાથથી આકાશને બાથ ભરવાની ગુંજાશ દેખાડશે. દરેકેદરેક માબાપ સાચવી શકે એવી આ ક્ષણો હોય છે. હું ને તમે ચિત્રકાર, સંગીતકાર કે કવિ ન હોઈએ એમ બને. એટલે બાળકોને માર્ગદર્શન કદાચ દરેક માબાપ આપી ન શકે. પણ એને પ્રોત્સાહન તો એકેએક માબાપ આપી જ શકે. મુખ્ય વાત માર્ગદર્શનની નથી, પ્રોત્સાહનની છે. માર્ગદર્શન તો બહારથી મેળવી શકાય, એ કંઈ એટલી અઘરી વાત નથી. પણ દરેક ડગલે બાળકને પ્રોત્સાહિત કરવા માટે સમજ ને સહૃયતાની જરૂર પડે છે. બાળકની વ્યક્તિતાના પ્રાગટ્યની એકેએક ક્ષણે એને શાબાશી આપીએ, એ કશુંક સારું કામ કરે એટલે એની પ્રશંસા કરીએ. બાળક માનવીની ભાષા ઉચ્ચારતું થાય, પોતાના પગ પર ઊભું રહેતું કે ચાલતું થાય, જગતને સમજવા પ્રશ્નો પૂછતું થાય -ચિત્ર, સંગીત, લેખન કે કલાના અન્ય કોઈ પ્રદેશમાં વિહરતું થાય, ત્યારે આપણે ઉમળકાથી આ ક્ષણોને વધાવી લઈએ. માબાપના મુખેથી ઉચ્ચારાતો શાબાશીનો પ્રત્યેક શબ્દ બાળકના રોમેરોમે થનગનાટ પ્રેરે છે, એની આંખોમાં પ્રસન્નતા છલકાવે છે. આવી રીતે ઊછરેલું બાળક યુવાન થશે ત્યારે એના ઘટમાં ઘોડા થનગનશે. એનો આતમ પાંખ વીંઝશે ને અણદીઠેલી ભોમ પર એનું યૌવન મીટ માંડશે. માબાપના બાળક સાથેના સંબંધોના શબ્દકોશમાંથી ‘શાબાશ’ શબ્દ પૂરા ઉમળકાથી ઉચ્ચારવો જોઈએ.
Your Content Goes Here




