વીસ વરસથી મેં સાર્વજનિક કામ જ કર્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પણ મારી પ્રવૃત્તિ સાર્વજનિક સેવાની જ હતી. એમ કહી શકાય કે, સાર્વજનિક સેવા સિવાય મેં નથી બીજું કંઈ કર્યું કે નથી કરવાની ઇચ્છા સેવી. પણ મારા કહેવાનો આશય એ છે કે, સાર્વજનિક સેવા બીજા લોકોએ જે રીતે કરી છે તે રીતે મેં નથી કરી. આજે સવારે એક ભાઈએ મને પૂછ્યું કે, ‘આપ મહાસભામાં નહીં જાઓ શું?’ મેં કહ્યું કે, ‘હું તો મહાસભામાં કદી નથી ગયો.’ મહાસભામાં જવું અને ત્યાં વાદવિવાદો કરવો એ મારી સેવા કરવાની પદ્ધતિ નથી. એનું મહત્ત્વ હું જાણું છું ખરો, પણ એ મારે માટે નથી. હું મહાસભાની પ્રવૃત્તિઓથી અજાણ નથી. વિચાર કરનાર ભાઈઓ તો ઘણા છે. હું તો જેઓ મૂક સેવા કરવા માગે છે તેઓમાંનો છું. છતાં મારી સેવા હું ઇચ્છું તેટલી મૂક નથી થઈ શકી. મારી સેવાનો ઉદ્દેશ ભક્તિભાવ છે. ભક્તિભાવથી જ હું સેવા કરું છું અને વીસ વરસથી પ્રત્યક્ષ સેવા કરી રહ્યો છું. પ્રચાર હજી સુધી કર્યો નથી અને હવે પછી કરવાની સંભાવનાયે નથી..
મેં એક સૂત્ર બનાવી દીધું છે, ‘સેવા વ્યક્તિની, ભક્તિ સમાજની’ વ્યક્તિની ભક્તિમાં આસક્તિ વધે છે, તેથી સમાજની ભક્તિ કરવી. સમાજની સેવા કરવા જઈએ તો કંઈ પણ ન કરી શકીએ. સમાજ તો એક કલ્પનામાત્ર છે. કલ્પનાની આપણે સેવા ન કરી શકીએ. માની સેવા કરનાર દીકરો દુનિયાભરની સેવા કરે છે, એવી મારી માન્યતા છે. સેવા પ્રત્યક્ષ વસ્તુની જ થઈ શકે છે, અપ્રત્યક્ષ વસ્તુની નહીં. સમાજ અપ્રત્યક્ષ, અવ્યક્ત કે નિગુર્ણ વસ્તુ છે. સેવા તો એ છે કે જે પરમાત્મા સુધી પહોંચે. આજકાલ સેવાની કંઈક અનોખી પદ્ધતિ જોવામાં આવે છે. સેવા કરવા માટે આપણે વિશાળ ક્ષેત્ર ઇચ્છીએ છીએ. પણ જો ખરેખરી સેવા કરવી હોય, સેવામય બની જવું હોય, પોતાને સેવામાં હોમી દેવા હોય તો કોઈ ગામડામાં ચાલ્યા જાઓ એક ભાઈએ મને કહ્યું કે, ‘બુદ્ધિશાળી લોકોને આપ કહો છો કે ગામડામાં ચાલ્યા જાઓ. પણ વિશાળ બુદ્ધિના વિસ્તાર માટે એટલું લાંબું પહોળું ક્ષેત્ર ત્યાં ક્યાં છે?’ મેં કહ્યું કે, ‘ઊંચાઈ તો છે, અનંત આકાશ તો છે, તે લાંબી સફર ન કરી શકે પણ ઊંચી સફર તો કરી શકે અને ઊંડાણમાં ઊતરી શકે.’ સંતપુરુષો એટલા ઊંચા ચડતા કે તેનો કંઈ હિસાબ નથી મળતો. કોઈ મોટામાં મોટો વિજ્ઞાનવેત્તા પણ આકાશની ઊંચાઈ જાણી નથી શક્તો. ગામડાંમાં આપણે લાંબી પહોળી નહીં, પણ ઊંચી સફર કરી શકીએ છીએ. ત્યાં ગમે તેટલે ઊંચે ચડવાની તક છે. ઊંચી અને ઊંડી સેવા ત્યાં ખૂબ થઈ શકે છે. આપણી એ એકાગ્ર સેવા પ્રથમ પંક્તિની અને ફળદાયક પણ થશે.
એક ગામડાની જનતાને પણ આપણે સ્વાવલંબી બનાવીએ તો આપણે બહું મોટું કામ કર્યું. ત્યાંના અર્થશાસ્ત્રમાં કંઈ વ્યવસ્થા દાખલ કરી તો ઘણું થયું. મને આશા છે કે, ગામડાંના ભાઈ બહેનો વચ્ચે રહીને તમે એમની સાથે એકરસ થઈ જશો. હા, ત્યાં જઈને એમની સાથે આપણે દરિદ્રનારાયણ બનવું છે, ‘બેવકૂફ નારાયણ’ નહીં. આપણી બુદ્ધિનો એમને માટે ઉપયોગ કરવો છે, નિરહંકાર બનવું છે. આપણે એમ ન માની લઈએ કે એ બધા નર્યા મૂરખ જ છે. ભારતનાં ગામડાંનો અનુભવ બીજા દેશોની પેઠે થોડીક સદીઓનો નહીં, પણ ઓછામાં ઓછાં વીસ હજાર વરસનો છે. ત્યાં જે અનુભવ છે તેનો આપણે લાભ લેવો છે. જ્ઞાનભંડારની પેઠે દ્રવ્યભંડાર પણ ત્યાંથી પેદા કરવો છે, અને પૂરેપૂરી રીતે નિરહંકાર બનીને તેમાં પ્રવેશ કરવો છે.
(‘મધુકર’ નવજીવન પ્રેસ, ૧૯૬૦માંથી સાભાર)
Your Content Goes Here




