શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ થયું. આ પ્રસંગે તેમણે જે પ્રેરક પ્રવચન આપ્યું તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.- સં.
અહીં નવનિર્મિત આરોગ્ય મંદિરના આ સુંદર ભવનનું ઉદ્ઘાટન કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું.
આપણા દેશમાં બધા જ પ્રાંતોમાં (કેરલ સિવાય) ગામડાંમાં ચિકિત્સા વ્યવસ્થા અપૂરતી છે. આ સંદર્ભમાં અહીં ગ્રામીણ ક્ષેત્રમાં ચાલી રહેલી ચિકિત્સા સેવા આ નવનિર્મિત ભવન થયા બાદ વધુ વિસ્તરશે એ અત્યંત આવકારદાયક છે.
યાદ રાખવું ઘટે કે આ દાતવ્ય ઔષધાલય માત્ર સમાજસેવાની દૃષ્ટિથી સ્થપાયેલ સાધારણ ઔષધાલય નથી પણ આરોગ્ય મંદિર છે, જ્યાં રોગીનારાયણની પૂજા થાય છે.
સ્વામી વિવેકાનંદજીએ પોતાના એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં લખ્યું હતું, ‘તમને અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું, ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, ‘આચાર્ય દેવો ભવ’. હું તમને નવો મંત્ર આપું છું- ‘દરિદ્રદેવો ભવ’, ‘રોગી દેવો ભવ’, ‘ચાંડાલ દેવો ભવ’. આમ દરિદ્રનારાયણની, રોગીનારાયણની સેવા કરવાની હાકલ સ્વામીજીએ ભારતવાસીઓને કરી હતી. આજે આ સંદેશને ઘેર ઘેર પ્રસરાવવાની તાતી આવશ્યકતા છે.
શ્રીરામકૃષ્ણદેવે આપણા યુગમાં એક મહાન સંદેશ આપ્યો છે. ‘શિવજ્ઞાનથી જીવસેવા’ તેમનો આ સંદેશ વેદાંતના દર્શન પર આધારિત છે. વેદાંતના મત પ્રમાણે સમસ્ત જગતમાં એક જ ચૈતન્ય તત્ત્વ વ્યાપ્ત છે. દરેક જીવમાં એ જ શિવ તત્ત્વ વિરાજમાન છે. આધુનિક વિજ્ઞાને પણ પૂરવાર કર્યું છે કે સમસ્ત જગત મૂળભુત રીતે એક છે. નૉબેલ પુરસ્કાર વિજેતા મહાન વૈજ્ઞાનિક શ્રૉર્ડિંજરે પણ કહ્યું છે : ‘Consciousness is singular of which plural is unknown’ – ચેતના એક જ છે, તેનું એકથી વધુ હોવું આપણાથી અજાણ છે.’
શ્રીરામકૃષ્ણદેવનો આ ‘શિવજ્ઞાનથી જીવસેવા’નો ઉપદેશ ગીતા, ઉપનિષદ, શ્રીમદ્ ભાગવતના સંદેશથી કંઈ જુદો નથી. આપણા યુગમાં તેમણે આ ઉપદેશ વધુ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે.
શ્રીમદ્ ભાગવત્ના ત્રીજા સ્કંધમાં કપિલ મુનિ પોતાની માતા દેવહુતિને આ જ સંદેશ આપતાં કહે છે :
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा ।
तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडंबनम् ॥
अहमुच्चावचैर्द्रव्यैः क्रिययोत्पन्नयानधे ।
नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिनः ॥
(શ્રીમદ્ ભાગવત : ૩/૨૯/૨૧ અને ૨૪)
‘સદા સર્વ જીવોમાં એમના આત્મા તરીકે હું છું; પણ મર્ત્ય માનવી મારા એ રૂપની અવજ્ઞા કરીને મૂર્તિપૂજા કરે છે, એ વિડંબના છે.’
‘બધા જીવોના ગૌરવને હણીને મૂર્તિમાંના મને નાની મોટી અર્ચના સાથે જે પૂજે છે. તેનાથી હું જરીય તુષ્ટ નથી.’
અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને સામાન્ય જનતાના શોષણની પ્રથા દ્વારા સદીઓથી આપણે એ કર્યું છે. કપિલના શબ્દો જુઓ- ‘નૈવ તુષ્યે’ ‘હું જરાય તુષ્ટ નથી.’ આગળ તેઓ કહે છે : ‘अर्चितो अर्चायाम् भूतग्रामावमानिनः ’ એટલે કે ભલે તમે મને મોટાં મસ મંદિરો અને વિવિધ ઉપહારો સાથે પૂજો, પણ જો તમે ભૂતગ્રામને, બહુજનને અપમાનો તો તમારી પૂજા હું સ્વીકારતો નથી.તે પછી કપિલ મુનિ સુંદર વાત રજૂ કરે છે –
अथ माम् सर्वभूतेषु भूतात्मानम् कृतालयम् ।
अर्हयेत् दानमानाभ्याम् मैत्र्या अभिन्नेन चक्षुषा ॥
(શ્રીમદ્ ભાગવત : ૩/૨૯/૨૭)
‘તો સર્વ જીવોના આત્માના મંદિરમાં રહેતા મને તું દાનથી અને માનથી ભેટ ધરીને અને સન્માન દર્શાવીને અને તે દ્વારા બધાં પ્રાણીઓનાં દુઃખોને દૂર કરીને અને તેમનું ગૌરવ તથા તેમનું સ્વાભિમાન જાળવીને પૂજન કરજે અને આ બધું મૈત્રીભાવથી અને અભેદ દૃષ્ટિથી કરજે.’
શ્રીરામકૃષ્ણદેવે આપણા આ યુગમાં ‘શિવજ્ઞાનથી જીવસેવા’નો મહાન આદર્શ આપ્યો છે. આ જ ઉપદેશને કાર્યમાં પરિણત કરવા સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. આજે દેશ-વિદેશમાં આ સંસ્થાનાં ૧૩૪ શાખા કેન્દ્રો દ્વારા કેટકેટલાંય સેવા કાર્યો ચાલી રહ્યાં છે, ઔષધાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, રાહત કાર્યો, ગ્રામીણ વિકાસનાં કાર્યો વગેરે. આવી જ રીતે સંન્યાસિનીઓ માટે શારદામઠની સ્થાપના થઈ છે, તેનાં પણ ઘણાં શાખા કેન્દ્રો છે, તેની સેવા પ્રવૃત્તિઓ પણ વધુને વધુ પ્રસરતી જાય છે. જેમ જેમ આ સેવા કાર્યોનો પ્રસાર થશે, ‘શિવજ્ઞાનથી જીવસેવા’નો આદર્શ આપણા જીવનમાં આવશે, તેમ તેમ આપણે વિકાસ સાધી શકીશું. હું એમ માનું છું કે ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના આદર્શ દ્વારા ભારતનો વિકાસ થશે; તેનું ભવિષ્ય ઉજ્જવળ છે, આગામી ૫૦ વર્ષોની અંદર એક નવું જ ભારત – સ્વામી વિવેકાનંદજીના સ્વપ્નનું ભારત – જોવા મળશે.
સ્વામી વિવેકાનંદજીએ અદ્ભુત મંત્ર આપ્યો છે! ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ (પોતાની મુક્તિ માટે અને જગતના કલ્યાણ માટે) આપણે જો જગતની સેવા કરીશું ‘શિવજ્ઞાનથી જીવસેવા’ કરીશું, તો જેની સેવા થઈ રહી છે. તેનું તો દુઃખ દૂર થશે જ, પણ સાથે સાથે સેવા કરવાવાળાને પોતાને પણ સુખ-શાંતિ મળશે, શાશ્વત શાંતિનો – મુક્તિનો માર્ગ મોકળો થશે.
Your Content Goes Here




