શ્રીશ્રીમાનું જીવન સાચે જ એક રહસ્ય છે. સદૈવ સામાન્ય ઘરકામમાં શ્રીમા નિમગ્ન રહેતાં. વાળવું-ઝૂડવું, વાસણ માંજવાં, રાંધવું, મહેમાનોની સરભરા વગેરે કંઈક ને કંઈક તો તેઓ કરતાં જ હોય! એટલે સામાન્ય જોનારને તો તેઓ એક ગ્રામીણ મહિલા જ લાગે! પરંતુ સ્વામી વિવેકાનંદ ને સ્વામી બ્રહ્માનંદ જેવા આધ્યાત્મિક ધુરંધરો પણ એમની ઉપસ્થિતિમાં પાવન ભાવનાઓથી ઊભરાઈ ઊઠતા. તેઓ શ્રીશ્રીમાની મુલાકાત લેતાં પહેલાં વિધિસર પવિત્ર થઈને જ જવાની કાળજી લેતા! શ્રીરામકૃષ્ણદેવના બધા જ સાક્ષાત્ શિષ્યો તેમની આગળ પોતે તેમનાં બાળક હોય એવું અનુભવતા. શ્રીમાનો ‘શબ્દ’ તેમને મન ‘આદેશ’ જ હતો. આ બધું કંઈ તેઓ ‘ગુરુપત્ની’ હતાં એને કારણે ન હતું. શ્રીશ્રીમા તો સ્વપ્રકાશિત હતાં, પરપ્રકાશિત ન હતાં! એ સ્વયં જગદંબા હતાં, ઈશ્વરરૂપિણી હતાં, એમના જીવનનો સાચો મહિમા એ જ હતો કે લોકો સહજ રીતે જ એમના ઉપર આદર દાખવે. માનવીય દર્પણમાં જાણે કે અનંતનું પ્રતિબિંબ ન પડી રહ્યું હોય! શ્રીશ્રીમામાં દિવ્યતાનું જેવું અને જેટલું ઊંચું પ્રકટીકરણ આપણે જોઈએ છીએ તેટલું ધાર્મિક જીવનચરિત્રોમાં જ્વલ્લે જ જડી શકે તેમ છે. અર્થાત્ આપણાં પ્રાચીન પુરાણોમાં જ એવાં નારીજીવનો શોધવાં પડે!
સામાન્ય જનજીવન ભૌતિક સ્તર તરફ ઢળેલાં હોય છે. કારણ કે સાધારણ જનસમૂહનો ઉછેર જ એવા પર્યાવરણમાં થયેલો હોય છે. એવાઓને માટે શ્રીશ્રીમાની નિષ્કલંક શુચિતાયુક્ત આધ્યાત્મિક સ્તર પિછાણવો કઠિન છે. શ્રીશ્રીમાના મુખને ઢાંકતું લજ્જાપટ તો એમના ભીતરી જીવનની ભવ્યતાને ઢાંકતો પડદો હતો. એકવાર સ્વામી શારદાનંદજીએ કહેલું, ‘શ્રીઠાકુરના મહિમાના સંકેતો તો આપણને થોડા ઘણા મળી પણ શકે છે, પણ આ મહિલા (શ્રીશ્રીમા) વિશે તો આપણને કશું જ જાણવા મળી શકે નહિ. એણે માયાનો એવો જાડો પડદો એની આસપાસ વીંટાળી રાખ્યો છે કે કોઈ એની પાર મહત્તાનું એક કિરણ પણ ભાળી ન શકે.’
આમ છતાં પણ આપણે આપણા ગજા પ્રમાણે મથામણ કરીને શ્રીશ્રીમાના જીવનની ભવ્યતાને ખોળવાનો યથાશક્ય પ્રયત્ન કરીશું. શ્રીરામકૃષ્ણ મિશનના કાર્યનો વિકાસ કરવા માટે શ્રીશ્રીમાના મહિમામય જીવને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રીશ્રીમાના જીવનમાં શ્રીઠાકુરના બધા જ આદર્શો મૂર્ત, વિકસિત અને સતત વર્ધમાન રહ્યા હતા. તેમનું સમગ્ર જીવન શ્રીઠાકુરના ઉપદેશોના ઉદાહરણ રૂપ હતું. તેમણે જે કંઈ કર્યું-કારવ્યું તે બધું જ ઠાકુરે કહ્યું છે. તેમનું જીવન ઈશ્વરકેન્દ્રી હતું અને તેમનો ઈશ્વરપ્રેમ, માનવપ્રેમ સાથે સર્વદા સંવાદી રહ્યો હતો. ૧૮૮૬માં શ્રીઠાકુરની મહાસમાધિ પછી વિષાદમગ્ન શ્રીમાને જીવન પ્રત્યે જ્યારે અણગમો ઉત્પન્ન થયો ત્યારે લોકોત્તર દિવ્ય અનુભૂતિઓએ આપેલી પ્રતીતિઓએ એમને જે શાતા અર્પી હતી. એને આધારે તેઓ શેષ જીવન જીવ્યાં અને ઠાકુરના જીવનનાં પૂરક બની રહ્યાં! શ્રીઠાકુર જ તેમને પોતાના મહાન ત્યાગ અને ઉદારતાના આદર્શને ચાલુ રાખવા માટે પોતાની પાછળ મૂકતા ગયા હતા. શાંત, તપ:પૂત અને મૂક બલિદાન સમું પોતાનું સમગ્ર વ્યક્તિત્વ શ્રીમાએ સંપૂર્ણ રીતે ઠાકુરમાં જ વિલીન કરી દીધું હતું. ઠાકુરના બધા આદર્શો અને અસ્તિત્વને શ્રીશ્રીમાએ આત્મસાત્ કરી લીધાં હતાં. ક્ષમા, પ્રેમભાવ અને ત્યાગ જેવા ગુણોમાં તો ક્યારેક તેઓ જાણે ઠાકુરનેય ટપી જતાં હોય એવું દેખાય છે! કેટકેટલા જિજ્ઞાસુઓ – ભક્તોને તેમણે આશ્વાસન, માર્ગદર્શન અને પ્રેરણા આપ્યાં છે! ઠાકુર શ્રીશ્રીમાની આ ઊંચાઈને બરાબર જાણતા હતા અને તેથી જ તેમને ભાવિ કાર્ય માટે સજ્જ કર્યાં હતાં. ઠાકુરે કહ્યું: ‘આસપાસનાં લોકો અંધકારમાં કીડાની પેઠે ખદબદે છે. તમારે એની સંભાળ લેવાની છે.’ ફરી પણ પોતાના અંત વખતે એકવાર કહેલું: ‘શું તમારે કશું કરવાનું જ નથી? બધું મારે જ કરવાનું છે?’ ત્યારે શ્રીશ્રીમાએ કહ્યું: ‘હું તો એક સ્ત્રી માત્ર છું! હું શું કરી શકું?’ પણ શ્રીઠાકુરે કહ્યું: ‘ના, ના. તમારે ઘણું બધું કરવાનું છે.’ અને ખરેખર જ શ્રીમાએ ઠાકુરનું કહ્યું બધું જ કરી બતાવ્યું!
ભારતના નવજાગરણના મોભી એવા સ્વામી વિવેકાનંદની ભૂમિકાનો ઈશારો તો શ્રીરામકૃષ્ણે આપી દીધો હતો. સ્વામીજીએ સ્થાપેલા નવ્યસંન્યાસના પાયાને પહેલાં તો કોઈ જ સમજી કે પ્રમાણી શક્યું ન હતું. પણ ૧૮૯૩માં બેલુરના નીલાંબર ઉદ્યાનના ઘરમાં રહેતાં શ્રીશ્રીમાને જ સૌ પહેલાં એવી દિવ્ય અનુભૂતિ થઈ હતી કે જાણે ગંગામાં વિલીન થતું ઠાકુરનું શરીર અને સ્વામી વિવેકાનંદ અસંખ્ય લોકો પર પવિત્ર ગંગાજળનાં શીકરો ઊડાડી રહ્યા છે અને લોકો મુક્ત થઈ રહ્યા છે! આથી શ્રીશ્રીમાએ શ્રીરામકૃષ્ણના આદર્શો ફેલાવવામાં વિવેકાનંદની શી ભૂમિકા છે, તે બરાબર પારખી લીધું. એટલે તેમણે વિવેકાનંદની બધી યોજનાઓને બિનશરતી મંજૂરી આપી દીધી! એમના જ આશીર્વાદ લઈને વિવેકાનંદે વિદેશયાત્રા કરી.
સંઘના સર્વસંન્યાસીઓનાં તેઓ શાશ્વત પ્રેરણાસ્રોત હતાં. તેઓ કરુણામૂર્તિ હતાં. તેમના દિવ્ય માતૃત્વનો પ્રવાહ અસંખ્ય દુખિયારાંને શાંતિ અર્પતો. તેમની પાસે જનાર દરેક જણ સ્વસ્થ અને પ્રસન્ન થઈને જ પાછો જતો. તેમના આવા કરુણાસભર અને નિરાડંબરી સ્વભાવ વિશે લખતાં સ્વામી પ્રેમાનંદે સરસ લખ્યું છે: ‘શ્રીશ્રીમાને કોણ સમજી શક્યું છે? તમે સીતા, સાવિત્રી, વિષ્ણુપ્રિયા અને રાધારાણી વિશે તો સાંભળ્યું છે, પણ શ્રીશ્રીમા તો એનાથીય ઊંચેરે આસને બેઠાં છે! એમની દિવ્યશક્તિનો તો જરા જેટલોય અંશ જોઈ શકાતો નથી! કેટલી ઉચ્ચતમ એ શક્તિ છે! કેટકેટલા લોકો તેમના તરફ દોડી જઈ રહ્યા છે, તે શું તમે જોઈ શકતા નથી? જે ઝેર આપણે પચાવી શકતાં નથી તે આપણે શ્રીશ્રીમાને આપીએ છીએ અને તેઓ એવા આપણને સૌને અમૃત અને આશરો આપે છે! એવાં છે અનંતશક્તિમયી શ્રીશ્રીમા! જેને ઠાકુર પણ પૂરા પામી ન શક્યા, ત્યાં આપણું શું ગજું? અનંત ધૈર્ય, અસીમ કરુણા! અને વળી અહંકાર તો લેશ પણ નહિ!’
ખરેખર જ આધ્યાત્મિકતાનો આવો અનિર્વણનીય નિધિ ધરાવતો માનવદેહ દુર્લભ જ છે. અને એ પણ તદ્દન શાંત હોય એ તો એથીયે વધુ દુર્લભ!
શ્રીશ્રીમાને મન રામકૃષ્ણ સદૈવ જીવતા-જાગતા જ હતા. શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વનું સ્વરૂપ એવો સંન્યાસીસંઘ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, તેવી તેમની મનીષા હતી. દુનિયાનાં વિવિધ દુ:ખોમાં તેઓ લોકોને શ્રીરામકૃષ્ણને શરણે જવા કહેતાં.
તેઓ જગતને પરમેશ્વરનું માતૃરૂપ બતાવવા આવ્યાં હતાં. માતૃત્વનો અર્ક એેટલે પ્રેમ, વત્સલતા, નિર્મળતા, નિ:સ્વાર્થતા! એ જ તો એમના જીવનનું મૂળ તત્ત્વ હતું, બધી જ બાબતો પર છાઈ રહેલું તત્ત્વ હતું. નાતજાત કે એવાં બીજા કશા ભેદભાવ વગર સર્વની સહાય કરવા તેઓ સદાય તત્પર રહેતાં. તેઓ માધુર્ય અને કારુણ્યની સાક્ષાત્ મૂર્તિ હતાં. એમનાં સીધા-સાદાં વચનો સાંભળનારના હૃદયમાં શાંતિ અને સંતોષ બક્ષતાં. તેઓ ભારપૂર્વક કહેતાં: ‘સંઘ કંઈ ઈંટ ચૂનાનું ચણતરમાત્ર નથી, પણ પ્રેમ, સહાનુભૂતિ અને ભાવનાનું ભવન છે.’ એમનું આ વિધાન એમના માતૃત્વનો નક્કર પુરાવો છે અને એના ઉપર જ મિશન સ્થપાયું છે.
તેમની નિર્મળ, નિષ્કલંક, સહજપ્રકૃતિ હંમેશાં ચારે તરફ પવિત્રતા અને ગાંભીર્ય પાથરતી રહેતી. તેમની પાસેથી લોકો વિનય, નમ્રતા, પવિત્રતા, ઈશ્વરભક્તિ, નિરાડંબરતા, મૂક તિતિક્ષા અને નિ:સ્વાર્થ સેવાના પાઠો શીખતા. શ્રીશ્રીમા ખરેખર આ બધા ગુણોની જીવંત મૂર્તિ હતાં. લોકો તેમને સમજ્યા, તેના કરતાં તેઓ અનેકાનેકગણાં મહાન હતાં. તેમની જીવનઘટનાઓ તો આપણને તેમના મહિમાનો માત્ર સંકેત જ આપી જાય છે અને આપણા શબ્દો પણ તેમના મહિમાના એકાદ અંશને જ ઉઘાડવા માટે સમર્થ છે. એમના ઉદાત્ત ઉપદેશો એમના જીવનમાં પ્રગટેલા છે, અને તેમનું જીવન એક કાવ્ય જ છે.
શ્રીરામકૃષ્ણનો સંન્યાસીસંઘ, પોતાનામાં પૂર્વપશ્ચિમની શક્તિ અને શ્રદ્ધાનો સમન્વય કરીને વિશ્વભરની અનોખી પ્રશંસા પામ્યો છે. સંઘની શરુઆતના ગાળામાં એને બહાર અને ભીતરનાં અનેક પરિબળો સાથે લડવું પડ્યું હતું. સ્વામી વિવેકાનંદને લાગ્યું કે વેદાંતના ઉચ્ચતમ જ્ઞાનનો લોકસેવામાં વિનિયોગ કરવો જોઈએ. એટલે એમણે ધર્મની તાત્ત્વિક ચર્ચાઓને માનવીની વ્યવહારુ નૈતિકતા તરફ ભારપૂર્વક વાળી દીધી. વળી તેઓ વૈયક્તિક મુક્તિને બદલે સમસ્ત પ્રાણીજગતની મુક્તિને પ્રાધાન્ય આપવા ઇચ્છતા હતા. કારણ કે તેઓ વેદાંતનું ઉચ્ચજ્ઞાન માનવ જીવનથી વેગળું અને બૌદ્ધિક જ હોય તેમ માનતા ન હતા. પણ એમના સાથીઓને સામાજિક જીવન અને આધ્યાત્મિકતા વચ્ચેના વિવેકાનંદના આ સુમેળ વિશે શંકા ઊપજી. એમણે વિવેકાનંદની આ ધારણાને અનુમતિ ન આપી. સાથી સંન્યાસીઓને મતે આ નવો સિદ્ધાંત પરંપરાના સંન્યાસ ધર્મથી વિરુદ્ધ હતો. તેમને એ પશ્ચિમની નીપજ સમી ધારણા લાગી. રૂઢિવાદીઓ નવા વિચારને એકદમ ગ્રહી શકતા નથી. સ્વામીજીની આ નવી વાતનો છેવટે સંઘમાં સ્વીકાર થયા પછી પણ ઘણાં વરસે ઘણા રામકૃષ્ણ ભક્તો સમાજસેવાને રામકૃષ્ણના ઉપદેશોથી અલગ જ માનતા. વારાણસી સેવાશ્રમના સેવકો દ્વારા થતી હૃદયપૂર્વકની નિષ્કામ, નિ:સ્વાર્થ સેવાને બધા સમજી શકતા નહીં. એક ભક્ત સેવકને તો હુમલાનો ભોગ પણ બનવું પડ્યું. આ વાત જાણીને નવ્ય વેદાંતીઓ તો ગભરાઈ ઊઠ્યા. સદ્ભાગ્યે તેમણે આ વાત શ્રીશ્રીમા પાસે રજૂ કરી. એ વખતે શ્રીશ્રીમા ત્યાં જ હતાં અને પછી જુઓ તો ખરા! તેઓશ્રીએ એકદમ જલદી સ્પષ્ટપણે આર્ષવાણીમાં જવાબ આપી દીધો કે ‘નરેને શરૂ કરેલું દરેક કાર્ય શ્રીઠાકુરના ઉપદેશોને સંપૂર્ણ બંધબેસતું છે.’ એ પછી તેમણે સેવાશ્રમ સંચાલિત હોસ્પિટલની મુલાકાત પણ લીધી અને આ નિ:સ્વાર્થ સેવાની અનુમતિના પ્રતીક રૂપે દસ રૂપિયાની નોટ પણ આપી! આ નોટ હજી સચવાઈ છે! કારણ કે એ માત્ર ભેટ નહિ, અભિનવ સિદ્ધાંતની સ્વીકારપત્રિકા છે. એણે તત્કાલીન કાર્યકરોમાં ઉત્સાહ રેડ્યો. રામકૃષ્ણના વાસ્તવિક ઉપદેશની સચ્ચાઈ ઉપર પરમેશ્વરી શારદાએ મહોર મારી દીધી.
સ્વામીજી બીજી વિદેશયાત્રા પછી ૧૯૦૨ની જાન્યુઆરીએ માયાવતી ગયા. ત્યાં હિમાલયમાં ઊંચે તેમણે આશ્રમ સ્થાપ્યો. ત્યાં કોઈ પણ પૂજાવિધિના ત્યાગનો સિદ્ધાંત રખાયો. પૂર્વપશ્ચિમના બધા ઠાકુર ભક્તોએ ત્યાં કેવળ અદ્વૈતની ઉપાસના જ કરવાની રહેતી. તો પણ સ્વામીજીએ ત્યાં આશ્ચર્ય સાથે એક નાનકડા મંદિરમાં ઠાકુરની છબિ પૂજાતી ભાળી! અદ્વૈત આશ્રમના નિયમ વિરુદ્ધ પુષ્પો-ધૂપ આદિ ભાળ્યાં! તેમણે આશ્રમના કાર્યકરોને આ નિયમભંગ માટે ખૂબ ઠપકો આપ્યો. સ્વામીજીનું મનોગત જાણીને કાર્યકરોએ તરત જ પૂજાવિધિ બંધ તો કરી દીધી! પણ એમના એક શિષ્યે આ વાત જયરામવાટીમાં રહેતાં શ્રીમાને લખી મોકલી. શ્રીમાએ તરત જ વળતો જવાબ આપ્યો: ‘શ્રીરામકૃષ્ણ સ્વયં અદ્વૈત હતા. તેમનો ઉપદેશ પણ અદ્વૈતનો હતો. તમારે શા માટે અદ્વૈતને ન અનુસરવું જોઈએ!’
શ્રીમાએ મિશનનાં સેવાકાર્યોને આશીર્વાદ આપ્યા એટલું જ નહિ પણ એની ઝીણી ઝીણી વિગતોમાંય ઊંડો રસ લીધો હતો. જ્યારે કોઈ કાર્યકર રાહતકાર્ય પછી તેમની મુલાકાત લેતો ત્યારે તેઓ અવશ્ય જ દુ:ખીઓની હાલાકી વિશે અને મિશને કરેલી મદદ વિશે વિગતપૂર્વક બધું જાણતાં. સામાન્ય સંન્યાસીને તેઓ આવું કોઈક માનવસેવાનું કાર્ય કરતા રહેવાની સલાહ આપતાં. કારણ કે તેમને માટે ચોવીસે કલાક ધ્યાનમગ્ન રહેવું અસંભવ છે. તેઓ કહેતા: ‘આટલા માટે તો મારા નરેને આવાં કાર્યો શરૂ કર્યાં છે! આપણો સંઘ આવી જ રીતે ચાલશે. જેમને એ અનુકૂળ ન લાગે, તેઓ સંઘ છોડી જાય.’
આપણને શ્રીમામાં એવાં બે તત્ત્વો જોવા મળે છે કે જેણે રામકૃષ્ણ ભાવધારાને એ વસ્તુની ભેટ ધરી. એક છે ધર્મ અને બીજી વસ્તુ છે તત્ત્વજ્ઞાન. એમાંનું ધર્મતત્ત્વ તો શ્રીરામકૃષ્ણના જીવન અને વ્યક્તિત્વ પર કેન્દ્રિત થયેલ છે અને રામકૃષ્ણની પૂજાવિધિ દ્વારા અભિવ્યક્ત થાય છે. અને તત્ત્વજ્ઞાનનું પાસું રામકૃષ્ણના ઉપદેશોમાંથી જન્મ્યું છે. આમ ધર્મ (વિધિવિધાન) અને તત્ત્વજ્ઞાન – બંને પરસ્પર પૂરક છે. ધર્મ-આચાર વગરનું તત્ત્વજ્ઞાન વાંઝિયું છે અને તત્ત્વજ્ઞાન વગરનો આચાર આડંબર છે. એ ઝનૂન જન્માવે છે. તત્ત્વજ્ઞાન આધ્યાત્મિક જીવનને બુદ્ધિગમ્ય બનાવે છે. શ્રીશ્રીમા ધર્માચરણના નિયમોને માનતાં. તેઓ હંમેશાં શ્રીરામકૃષ્ણની છબિ પોતાની પાસે રાખતાં અને સુખદુ:ખની બધી પરિસ્થિતિઓમાં સર્વસ્વ શ્રીરામકૃષ્ણને સમર્પિત કરી દેતાં. એ છબિ એમને મન જીવંત ઠાકુર જ હતી. એ જ એમના ભગવાન, એ જ એમના ગુરુ, એ જ એમનું સગુણ-નિર્ગુણ બધું જ!
શ્રીમામાં પરંપરા અને પ્રગતિશીલતાનો સમન્વય હતો. એ ઠાકુરના ઉપદેશોના પ્રકાશમાં દીપતો હતો. જો કે તેઓ ખોરાક વગેરેમાં પારસ્પરિક જીવનમાં પક્ષપાતી હતાં જ. છતાં તેમણે કોઈની લાગણી દુભવી નથી. કુમારી મેક્લાઉડ અને શ્રીમતી ઓલેબુલ અને ભગિની નિવેદિતા સાથે ખૂબ છૂટથી હળતાં ભળતાં અને એ રીતે તેમણે હિંદુ સમાજને દોરવણી આપી કે તે વિદેશીઓને પણ પોતાનામાં સમાવી લે. આ બાબતમાં સ્વામી વિવેકાનંદે સ્વામી રામકૃષ્ણાનંદને લખ્યું: ‘શ્રીમા અહીં છે, બીજે દિવસે એ યુરોપ અને અમેરિકાની મહિલાઓ તેમને મળવા ગઈ. અને પછી તમે શું ધારો છો? શ્રીમા તેમની સાથે જમ્યાં પણ ખરાં! શું આ ભવ્ય નથી?’ ભગિની નિવેદિતાએ લખ્યું: ‘આ ઘટનાએ અમારો મહિમા વધાર્યો છે, આનાથી મારું ભાવિ કાર્ય જેટલું શક્ય બન્યું છે, તેટલું અન્ય કશાથી ન થાત!’ નિવેદિતાને શ્રીમાએ એક અલગ ઓરડો પણ આપ્યો. સન ૧૮૯૮ના નવેમ્બરે નિવેદિતાની શાળાના ઉદ્ઘાટન સમારંભમાં શ્રીમાએ સ્વયં ઉપસ્થિત રહી આશીર્વાદો આપ્યા કે ‘જગદંબાના આશીર્વાદો તમારી શાળા પર ઊતરો! અહીં શિક્ષણ પામેલી કન્યાઓ સમાજનો આદર્શ બની રહો.’ નિવેદિતા માટે તો આ આશીર્વાદ અમૂલ્ય ભેટ હતી. આનાથી વધારે સારાં શકુન એણે કલ્પ્યાં જ ન હતાં. શ્રીમા આમ વિદેશી ભક્તોને માતૃત્વભાવે આવકારતાં. સાચે જ, આ રામકૃષ્ણના આદર્શોનાં શ્રેષ્ઠ વારસાદાર એવાં શ્રીમા તેમની ઠંડી છતાં પ્રગતિશીલ તાકાતથી અસંખ્ય ગૃહસ્થોમાં આધ્યાત્મિક પૂર્ણતાનું વિતરણ કરવામાં એક સત્ત્વશીલ નિમિત્ત બની રહ્યાં! સ્વામી વિવેકાનંદે શ્રીઠાકુરનો ઉપદેશ દૂરસુદૂરના દેશોમાં ફેલાવ્યો છે, તો શ્રીમાએ ઘરઆંગણે શાંત રીતે હજારો લોકોના હૈયાના ઊંડાણમાં એને રોપ્યો છે. અથવા તો વિવેકાનંદે એ ઉપદેશોનો ઊર્ધ્વગામી વિકાસ કર્યો, તો શ્રીમાએ એનો ક્ષિતિજગામી વિકાસ કર્યો.
Your Content Goes Here




