સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી રહે વન સામટાં
ત્યારે અગોચર કોઈ ખૂણે
લીલવરણાં, ડોલતાં હસતાં, કુંણાં
તરણાંતણું ગાણું મુખે મારે હજો.
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપૂર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે
નોબતો સંહારની આવી ગડે
ને ધૂળભેગા કાટમાળો પીંખતી
ઉપહાસની ડમરી કદી ઊંચી ચડે
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો’ સ્વરે
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખ્ય મારે હજો!
સૌન્દર્યનું ગાણું મુખ્ય મારે હજો.

એક દા જેને પ્રભુ!
અંકે પ્રથમ આણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતાં
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના સુવાસિત દાનનું ગાણું મુખે મારે હજો!
આવતાં જેવું હતું
જાતાં ય એવું રાખજો!
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો!
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

-મકરંદ દવે

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.