વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે નિકૃષ્ટ વૈદ્ય. દરદીએ દવા લીધી કે નહિ એની પરવા એ નથી રતો. જે વૈદ્ય દરદીને દવા લેવા સારુ કેટલુંય કરી સમજાવે, જે મીઠા શબ્દોમાં કહે કે ‘ભાઈ, દવા ન લઈએ તો દરદ મટે કેમ કરીને! તમે તો ડાહ્યા છો ને, ખાઓ તો. લો, હું પોતે તૈયાર કરી આપું છું, ખાઈ જાઓ!’ એ મધ્યમ પ્રકારનો વૈદ્ય. અને જે વૈદ્ય દરદી કોઈ રીતે દવા ખાતો નથી એ જાઈને છાતી પર ચડી બેસીને પરાણે દવા ગળે ઉતારી દે એ ઉત્તમ વૈદ્ય. વૈદ્યની પેઠે આચાર્યો પણ ત્રણ પ્રકારના : ધર્મોપદેશ આપ્યા પછી શિષ્યોની જે કશી ખબર રાખે નહિ તે આચાર્ય નિકૃષ્ટ. જે શિષ્યોના કલ્યાણ સારુ તેમને બરાબર સમજાવે, કે જેથી તેઓ ઉપદેશને મનમાં ધારણ કરી શકે, કેટલોય આગ્રહકરે, પ્રેમ દર્શાવે એ મધ્યમ પ્રકારના આચાર્ય. અને શિષ્યો જયારે કોઈ રીતે સાંભળતા નથી એમ જોઈને કોઈ આચાર્ય બળ પણ વાપરે તેને કહેવાય ઉત્તમ આચાર્ય.’

આચાર્યનું કામ બહુ કઠણ. ઈશ્વરના સાક્ષાત્‌ આદેશ વિના લોકોને ઉપદેશ આપી શકાય નહિ. જો આદેશ મળ્યા વગર ઉપદેશ આપો તો માણસો સાંભળે નહિ, એ ઉપદેશમાં જરાય શક્તિ ન હોય. પ્રથમ સાધના કરવી જોઈએ.

સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણો છે. સત્ત્વગુણી માણસ પોતાની ભક્તિ ખાનગીમાં કરે છે… થોડો ભાત અને શાક જેવા સાદા ખોરાકથી એ શરીરને ટકાવી રાખે છે. એના ખોરાકમાં કે પોશાકમાં મોજશોખને સ્થાન નથી. એના ઘરમાં રાચરચીલાના ઠાઠમાઠ નથી. અને ખુશામત કરીને એ કદી આગળ વધવા ચાહતો નથી.

સત્ત્વગુણ ઈશ્વર તરફ લઈ જાય છે.

‘એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો કહે છે કે ‘હવે આને જીવતો શું કામ રાખવો? એને મારી નાંખો.’ એમ કહી તેને કાપી નાંખવા ગયો. ત્યાં બીજો લૂંટારો બોલ્યો કે ‘ઠાર મારી નાંખવાની કાંઈ જરૂર નથી. એને મુશ્કેટાટ બાંધીને અહીં જ મૂકી જઈએ. એટલે એ પોલીસમાં ખબર આપી શકશે નહિ.’ એમ કહીને એને સજજડ બાંધી મૂકીને લૂંટારાઓ ચાલ્યા ગયા.

‘થોડી વાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો. આવીને કહ્યું કે ‘અરે ભાઈ, તમને બહુ જ દુ:ખ થાય છે, ખરું ને? ચાલો હું તમારું બંધન છોડી નાંખું છું.’ એમ કહીને દોરડાં છોડી નાંખ્યાં. અને પછી એ માણસની સાથે રહીને તેને જંગલમાંથી રસ્તો દેખાડતો દેખાડતો ચાલવા લાગ્યો અને મોટા રસ્તા પર લાવીને તેને મૂકી દીધો. અને કહ્યું કે ‘આ રસ્તે રસ્તે તમે ચાલ્યા જાઓ, એટલે તમે અનાયાસે તમારે ઘેર પહોંચી જશો.’ પેલા માણસે કહ્યું, ‘ભાઈ, આપ પણ મારે ઘેર પધારો, આપે મારા પર કેટલો ઉપકાર કર્યો! આપ અમારે ઘેર આવશો તો અમને કેટલો આનંદ થશે.’ લૂંટારો કહે, ‘ના જી, મારાથી ત્યાં અવાય નહિ; પોલીસ પકડે.’ એમ કહીને એ લુંટારો રસ્તો બતાવીને ચાલ્યો ગયો.

‘પહેલો લૂંટારો તમોગુણ, કે જેણે કહ્યું કે ‘આને રાખવો શું કામ, મારી નાંખો!’ તમોગુણથી વિનાશ થાય. બીજો લૂંટારો રજોગુણ. રજોગુણથી માણસ સંસારમાં બદ્ધ થાય, અનેક કામકાજમાં ગૂંચાય. રજોગુણ ઈશ્વરને ભુલાવી દે. માત્ર સત્ત્વગુણ જ ઈશ્વરનો માર્ગ દેખાડી દે. દયા, ધર્મ, ભક્તિ વગેરે બધાં સત્ત્વગુણથી થાય. સત્ત્વગુણ જાણે કે સીડીનું છેલ્લું પગથિયું, ત્યાર પછી જ અગાસી. માણસનું સ્વધામ છે પરબ્રહ્મ. ત્રિગુણાતીત થયા વિના બ્રહ્મજ્ઞાન થાય નહિ.

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.