માર્કંડેય આશ્રમ, ઓમકારેશ્વરનાં પૂજનીય અધ્યક્ષશ્રીના આ સંસ્મરણો એમના સહાયક સ્વામી પ્રણવાનંદજીના માધ્યમથી અમને મળ્યા છે. આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. અનુવાદક છે શ્રીમનસુખભાઇ મહેતા – સં
અંજૂની ઉત્તર કાશીમાં ઘણા પ્રાત : સ્મરણીય સાધુઓ હતા. ખરેખર તે ઉત્તર-કાશી છે. ત્યાં સ્વામી વિષ્ણુદેવાનંદજી અને સ્વામી બ્રહ્મપ્રકાશજી હતા. તપોવન મહારાજ એમની રીતે સ્મરણીય હતા. જો તમે એમને પ્રશ્ન પૂછો તો તેઓ તમને બીજે દિવસે આવવાનું કહેતા. અને બીજે દિવસે જો તમે ફરીથી તેમની પાસે જાઓ તો પ્રશ્નનો જવાબ આપતા. જો તમે સ્વામી બ્રહ્મપ્રકાશનંદજીને શાસ્ત્ર વિશે કંઈ પૂછો તો તેઓ આનુષંગિક ભાષ્ય કે ટીકા પોતાની સ્મૃતિ દ્વારા કહે. કૈલાશ આશ્રમમાં ગંગાનંદજી હતા. તેઓ મહાનયોગી, ઉપદેશક અને અસામાન્ય ઉપાસક અને ધ્યાની હતા. કોઈપણ જિજ્ઞાસુએ એમનો સંપર્ક સાધવાનો રહેતો, એમની નજીક બેસે એટલે જિજ્ઞાસુની શંકાઓનું સમાધાન થઈ જતું. એમને પ્રશ્ન પૂછવા અનાવશ્યક બાબત બની જતી. વળી ત્યાં ગંગા કિનારે વિષ્ણુતીર્થજી નામના સંન્યાસી હતા. તેઓ નિર્વસ્ત્ર રહેતા અને દરરોજ ચાર કલાક સુધી ગંગામાં ઊભા રહેતા. તેઓ મહાન તપસ્વી હતા. ઉત્તર કાશીમાં ગંગાનું પાણી ઘણું ઠંડું રહે છે અને એમાં એક પળ માટે પણ ઊભા રહેવું મુશ્કેલ છે. તેઓ ભાગ્યે જ બોલતા અને તે પણ સંસ્કૃતમાં જ.
તપોવનજી કોઈ સાધુને ક્યારેય કંઈ ન આપતા. અરે, પોતાના સેવકનેય નહીં ! ભક્તજનો જે કંઈ મીઠાઈ આપતા તે કાંતો સ્થાનિક પહાડીલોકોને આપી દેતા કે ગંગામાં પધરાવી દેતા. પણ કોઈ સાધુને એ મીઠાઈ આપતા નહીં. જ્યારે બીજી બાજુએ બ્રહ્મપ્રકાશજીને જે કંઈ મળે એમાં ભાગીદાર બનાવવા બીજાને બોલાવતા. એ વખતે હું યુવાન હતો અને તપોવનજીને વારંવાર મળવા જતો. એમના ઉપર્યુક્ત વિચિત્ર વર્તન વિશે કોઈ કારણ બતાવવા મેં પૂછ્યું. તેમણે કહ્યું, ‘હાજી બ્રહ્મચારીજી, ‘જોગી બનના કઠિન હૈ’ – જો હું આજે કોઈને કંઈક આપું તો બીજે દિવસે જ્યારે તે આવે તો કદાચ કંઈ ન આપી શકું. પછી તો એને લીધે અમારાં બન્નેનાં મન ખાટાં થવાનાં. એટલે જ સાધુઓએ આવા સંકલ્પને સેવવો ન જોઈએ. આવો સંકલ્પ પણ એક બંધન છે.’
ઓમ આશ્રમના અવધૂતજી મહારાજને કોઈ મળવા આવે તો અજાતવાદ, તેજોબિંદુ, મહોપનિષદ જેવા ઉપનિષદના મંત્રો અને સિદ્ધાંતોનું ઉચ્ચારણ કરવા માંડે અને તેની સાર્થ સમજણ પણ આપે. તમે કદાચ થાકી જાઓ અને ત્યાંથી છટકો તો પણ તેઓ આ શ્રુતિનું ઉચ્ચારણ બંધ ન કરે ! એક વખત મેં મજાકમાં પૂછ્યુંુ ‘મહારાજ, આ બ્રહ્મ મચ્છરરૂપે કેવી રીતે ઉદ્ભવ્યો ?’ તેમણે તરત જ જવાબ આપ્યો, ‘તો પછી ભાઈ આ દુનિયાને આપણે શા માટે નજરે નિહાળીએ છીએ ?’ (અવધૂતજી માયાના સિદ્ધાંતને માનતા નહીં) મેં વાત ચાલુ રાખી. પછી તેમણે કહ્યું, ‘અરે, એ તો બ્રહ્મનું તેજ છે – લાપ્લાપાહત હૈ – એ તો એનો એક તેજકણ છે !’
અમારા મહારાજ (સ્વામી વિષ્ણુદેવાનંદજી) પૈસાને સ્પર્શ ન કરતા. પણ કોઈ આશ્રમ માટે પૈસા આપે તો ના પણ ન પાડતા. એક સ્વામી કે સાધુ નિકટના છે અને બીજા બહારના સંઘના છે, એવું તેમને ક્યારેય ન લાગ્યું – એમને મન પોતાનું કે પરાયું કોઈ ન હતું. તેઓ ઘણા ઉદાર હતા. જો કોઈ એમની પાસે આવીને આર્થિક સહાયની વિનંતી કરતા તો આશ્રમમાં જે કંઈ હોય એમાંથી એમને આપી દેતા. બીજા સાધુઓ એનો વિરોધ કરતા અને કહેતા કે આવા લોકોને અહીં આવવાની ટેવ પડી ગઈ છે અને સાધુઓને હેરાન કરે છે. પણ વિષ્ણુદેવાનંદજી આવી ટીકાને કાને ન ધરતા. એક વખત એક વિદ્યાર્થી (બ્રહ્મચારી) આશ્રમમાં રહેવા આવ્યો. લોકો જે થોડું ઘણું આપતા તે પૈસા લેવાની એને ટેવ પડી ગઈ. એક દિવસ એ પૈસા લઈ આશ્રમ છોડીને ચાલ્યો ગયો. આનાથી આશ્રમના અંતેવાસીઓ ખૂબ નારાજ થયા, પણ કોઈનામાં એમને કંઈ કહેવાની હિંમત ન હતી. પછી એવું બન્યું કે એ બ્રહ્મચારી ચારેક મહિના પછી પાછો આશ્રમમાં આવ્યો અને રહેવા લાગ્યો. આ વખતે બિહારીલાલજી કે જે આશ્રમમાં સેવા કરતા હતા, તેમણે હિંમત કરીને મહારાજને કહ્યું, ‘મહારાજ, તમે વ્યવહારુ બાબતો પર ધ્યાન દેતા નથી. આ બ્રહ્મચારી આશ્રમના પૈસા લઈને ચાલ્યો ગયો હતો અને હવે વળી પાછો અહીં આશ્રમમાં રહે છે.’ આ સાંભળીને વિષ્ણુદેવાનંદજીએ કહ્યું, ‘જુઓ બિહારીલાલ, જો તમારો દીકરો તમારા ખિસ્સામાંથી સો રૂપિયા સેરવી જાય તો તમે શું કરો ? તમે એને ઘરમાંથી બહાર કાઢી મૂકી શકો ખરા ? તમે એને પોલીસના હાથમાં સોંપી શકો ? એનું ખાવાપીવાનું બંધ કરી દો ?’ આ સાંભળીને બિહારીલાલ ચૂપ. મહારાજે કહ્યું, ‘તમે જે રીતે વર્તન કરો છો એવી જ રીતે તમે મને મારા વર્તન માટે ઠપકો આપ્યો ! ભેદ માત્ર એટલો જ છે કે તમારી નજરે તમને તમારો માત્ર એક જ પુત્ર છે, પણ મારે મન દરેકેદરેક મારો પુત્ર છે !’ પછી એમણે કહ્યું,‘જુઓ બિહારીલાલ, જો આકાશ કોઈના પર ગુસ્સે થાય તો તે વ્યક્તિને ક્યાં ફેંકી દે ?’
(ક્રમશ 🙂
Your Content Goes Here




