‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય છે પરિચર્યા, દાસતા, પૂજા, સમ્માન ઇત્યાદિ. આમ સેવા શબ્દ सेव, अङ्  અને टाप् ના યોગથી બને છે.

સેવા શબ્દ ઘણો જ પવિત્ર છે. સેવા માટે સામ્રગીની નહિ, પરંતુ હૃદયની ઉદારતા જોઈએ. સેવા સર્વ પ્રકારે કલ્યાણકારી છે. સેવાનું ક્ષેત્ર વ્યાપક છે. સેવા વ્યક્તિની, સમાજની, રાષ્ટ્રની અને અંતત: સચરાચર જગતની થઈ શકે છે. સેવા સનાતન ધર્મ અને હિંદુદર્શનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. સેવા બહુઆયામી છે. ભારતીય સમાજમાં સેવા-ભાવના ગહનપણે ઓતપ્રોત થયેલી છે. માનવીની લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉદ્ધારનાં સાધનોમાં સૌથી સરળ, સહજ, સુલભ અને સુગમ સાધન તરીકે સેવા સર્વમાન્ય છે.

સેવાનું તાત્પર્ય છે  (1) સ્વયં કષ્ટ વેઠીને સમસ્ત જીવોને સુખ પહોંચાડવું. (2) સ્વાર્થરહિત, કામનારહિત અને અહંકારરહિત થવું. (3) કર્તવ્યબુદ્ધિથી કર્મોને અકર્મ બનાવવાં. (4) દયાભાવને ક્રિયાન્વિત કરવો અને તેને વ્યવહારિક રૂપ આપવાની દિવ્ય કલા હસ્તગત કરવી. (5) સેવ્યમાં એકરૂપ-એકરસ બનવું.

સેવક, સેવ્ય અને સેવા – આ ત્રિપુટીભેદ મટી જાય તે સેવા તત્ત્વની ઉપલબ્ધિ છે.

વસ્તુત: જે સેવા કરવા માટે ઉદ્દીપકની અપેક્ષા રહે તે સેવા નૈમિત્તિક છે, નૈસર્ગિક નહીં. સેવા સેવ્યથી દૂર રહીને અને સન્મુખ રહીને પણ કરી શકાય છે. શ્રદ્ધાયુક્ત સેવાનું નામ જ ધર્મ છે. ચરાચર પ્રાણીમાત્રમાં ઈશ્વરદર્શન કરતા રહીને તેમની સેવા કરવી જોઈએ.

એમ તો સેવાનાં ઘણાં બધાં સ્વરૂપ છે, પરંતુ મુખ્યત્વે બે પ્રકાર છે, 1. દૈહિક 2.આર્થિક.  દૈહિક એટલે પોતાનાં હાથ-પગ ઇત્યાદિ શારીરિક અંગો દ્વારા સેવા, આર્થિક એટલે વિભિન્ન કારણોસર કરાતી નાણાકીય સેવા. સેવાનો સાર છે નિસ્વાર્થતા અને કર્મ-ફળનો ત્યાગ. નિસ્વાર્થ સેવા ઈશ્વરીય સાધનાનું અંતિમ ફળ છે. નિષ્કામ સેવાનો મૂળ આધાર છે ફળની આકાંક્ષા વિના સર્વ પ્રત્યે સેવાભાવ.

સેવાનું પ્રત્યેક કાર્ય મહાનતાથી પરિપૂર્ણ છે.

દૈનિક જીવનમાં સેવા ઉપાસનાના રૂપમાં કેવી રીતે વ્યવહૃત કરી શકાય? વ્યવસાયકાર સામેના પાત્રને પોતાની સમક્ષ ઈશ્વર જ ઉપસ્થિત છે તેવો ભાવ રાખીને વર્તાવ કરે તો તે કર્મ સેવા બની જાય. વકીલ અસીલને, દુકાનદાર ગ્રાહકને, ડૉક્ટર રોગીને, ન્યાયાધીશ અપરાધીને, નોકર માલિકને, શિક્ષક વિદ્યાર્થીને અન્યોન્ય ભગવદ્ભાવ રાખીને વર્તાવ કરે તો બધા દોષો નાશ પામે અને કર્તવ્ય-કર્મ એ સેવા-ઉપાસના બની જાય.

મનુસ્મૃતિમાં મનુ જણાવે છે કે લોકજીવનમાં ભલે સ્વયંને કેટલું પણ કષ્ટ વેઠવું કેમ ન પડે, કેટલીય હાનિ કેમ સહન ન કરવી પડે, ભલે પ્રાણત્યાગ સુધ્ધાં થાય પરંતુ નિરંતર બીજાના હિતચિંતનમાં સદા તત્પર રહેવું જોઈએ.

સેવા બે પ્રકારની ગણી શકાય – ભગવાનની સેવા અને મનુષ્યની સેવા. ભગવાનની સેવા કરવી આસાન છે, જ્યારે મનુષ્યની સેવા કરવી કઠિન છે.

જડ પદાર્થો પણ સર્વદા સેવારત છે, જેમ કે વૃક્ષોની છાયા, ફળફૂલની ઔષધિ, જળ સ્ત્રોતોનું પેયજળ, સૂર્યનાં પ્રકાશ અને ઉષ્મા, ચંદ્રની શીતળતા, પવનની પવિત્રતા, પૃથ્વીનું અન્ન ઇત્યાદિ, પશુઓનું દૂધ વગેરે માનવયોનિને પૂરાં પાડીને તથા અગ્નિ સર્વપ્રકારે માનવજાતની વિના મૂલ્યે, મૂક રહીને સેવા કરે છે. આ બધાં કરતાં મનુષ્યમાં તો અધિક બુદ્ધિ, સામર્થ્ય, વિવેક, વગેરે છે તેથી તે અનેક રીતે જગતની સેવા કરીને પોતાનું જીવન સફળ બનાવી શકે છે.

સેવાધર્મ સર્વાધિક કઠિન ગણાયો છે. માન-અપમાન, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોમાં સમચિત્તતા વિના; આળસ-નિદ્રારૂપ તામસ, કામ-ક્રોધ, લોભરૂપ રાજસ તથા સુખાસક્તિ અને જ્ઞાનાસક્તિરૂપ સાત્ત્વિક મનોભાવો પર વિજય મેળવ્યા વિના સેવકધર્મનું પાલન સર્વથા અસંભવ છે.

પ્રાણીમાત્રમાં આત્મીયતાનો વ્યવહાર કરવો તથા તેને પોતાનાથી અભિન્ન સમજવું – સેવાનું આ પ્રથમ સોપાન છે. આત્મીય ભાવના જ વિશ્વની સૌથી મોટી સેવા છે.

જ્યારે વિશ્વની અચેતન વસ્તુઓ ઉપકારક છે તો પછી માનવી જો ઉપકારી ન બને, સેવા-પ્રધાન ન થાય તો તે અચેતન વસ્તુઓના સ્તરથી પણ પતિત ગણાય છે.

નિસ્વાર્થ સેવાનું આચરણ મનુષ્ય-ભાવથી ઉચ્ચ સ્તરે ઉન્નત કરી દે છે. આ સર્વશ્રેષ્ઠ સેવા માટે સેવકે પાત્ર-કુપાત્રનો ખ્યાલ કરવાનો હોતો નથી. સંપૂર્ણ સૃષ્ટિ તેની સેવા પ્રાપ્ત કરવાપાત્ર છે, તે પરિણામ પર ધ્યાન આપ્યા વિના સમભાવથી બધાની સેવા કરે.

સહજ સેવા વાસ્તવિક સેવા છે. એવી સેવામાં આનંદ પ્રવાહિત થાય છે. સેવા દ્વારા જો આત્મતુષ્ટિ થતી ન હોય તો સેવા વ્યર્થ છે. અંતરતમની પ્રસન્નતા જ સેવાનું ફળ છે.

શાસ્ત્રોમાં સેવાનો અપાર મહિમા ગવાયો છે અને સેવાધર્મને અંત:કરણની પવિત્રતાનું શ્રેષ્ઠ અને સુગમ સાધન ગણવામાં આવ્યું છે. સાચો સેવાભાવી જ્યાં રહે છે તે ભૂમિ તીર્થસ્વરૂપ બની જાય છે. સેવા દયામૂલક પણ હોય છે, શ્રદ્ધામૂલક પણ. બન્ને જાતની સેવાનો અધિકાર સર્વને છે. એમાં પાત્રાપાત્રનો વિચાર નથી.

જીવમાત્રની થોડીક પણ સાચી સેવા કરવાનો અવસર મળે તો એ સેવા કરનાર વ્યક્તિનું સૌભાગ્ય છે.

સેવાનું સૌથી મોટું બાધક તત્ત્વ છે – અહંકાર. સાચા સેવકે તેનાથી બચવું જોઈએ. સેવાધર્મની ઉપેક્ષાના કારણે જ હાલ સમગ્ર વિશ્વ અસુખ અને અશાંતિની અગ્નિમાં બળી રહ્યું છે. નિ:સ્વાર્થ સેવા સર્વોત્કૃષ્ટ ઉપાસના છે. સેવા મહાન સાધના છે. નિષ્કામ કર્મ દ્વારા કરાતી સેવા ક્રિયાત્મક સેવા છે. પ્રાણીમાત્રના હિતની આકાંક્ષા એ ભાવાત્મક સેવા છે. સેવા મુક્તિનું સાધન છે.

મહાવીર હનુમાન અને સ્વામી વિવેકાનંદ સેવાધર્મના ઉત્કૃષ્ટ ઉદાહરણ અને પરમ આદર્શ છે.

સાચા સેવકોની સેવા ગુપ્ત રહે છે. સેવા જ તેમનો સ્વભાવ હોય છે. સેવક ત્યાગી હોવો જોઈએ. નિરભિમાનિતા સેવકનું પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ છે ત્યાગ. સેવા નિર્દોષ છે. સેવા વાસનારહિત ચિત્તમાં પ્રકાશિત પરમાત્માની અદ્‌ભુત પ્રસાદી છે.

‘હું સેવક છું’, ‘હું સેવા કરું છું’- એવી ભાવનાથી સેવાનું ગૌરવ નષ્ટ થઈ જાય છે.

પરદુ:ખથી દુ:ખી થવાનો ભાવ જે માણસના અંત:કરણમાં હશે તે જ સેવાકાર્યમાં પ્રવૃત્ત થશે. પરદુ:ખે દુ:ખી થવામાં અંત:કરણમાં દયાનો ભાવ મુખ્ય છે. સેવા માટે ભોગવૃત્તિ અને સંગ્રહવૃત્તિનો ત્યાગ પરમ આવશ્યક છે. સાચા સેવકમાં અહંતા અને મમતા પણ રહેતાં નથી. સેવામાં પ્રેમભાવ મુખ્ય છે. સેવા સુખ આપીને દુ:ખ લેવાનો પાઠ ભણાવે છે. પારકું દુ:ખ પોતાનું થતાં, મહાન શાંતિ મળે છે. સૃષ્ટિમાં એકબીજાની પરસ્પર સેવા કરવાથી જ સૃષ્ટિનું સમ્યક્ સંચાલન થાય છે. સેવા સકામ તથા નિષ્કામ બંને રૂપોમાં કલ્યાણપ્રદ છે; પરંતુ નિષ્કામ સેવા ત્વરિત ફળદાયી છે. લૌકિક તથા પારલૌકિક બન્ને દૃષ્ટિએ સેવા સર્વાધિક ચમત્કારી તથા સદ્ય ફળપ્રદાયિની સાધના છે. સેવક સેવા કરવામાં પોતાનું સૌભાગ્ય માને છે.

Total Views: 497

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.