(ગતાંકથી ચાલુ)

(સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.)

એક યુવાન શિષ્ય કે જેમને શ્રી માએ દીક્ષા આપી હતી તે “યુગી” નામની પછાત જાતિના હતા. તેથી તે શિષ્ય જયરામવાટીના શ્રી શ્રીમાના ઘરમાં મુક્તપણે હરવા-ફરવામાં સંકોચ અનુભવતા હતા અને તે બાબત શ્રી શ્રીમાના ધ્યાન બહાર ગઈ નહીં. એક દિવસ શ્રી શ્રીમાએ તેમને કહ્યું: “તું ‘યુગી’ જાતિના છે તેથી તું સંકેાચ શા માટે અનુભવે છે? તેથી શું થયું, પુત્ર? તું શ્રીરામકૃષ્ણના અનુયાયી છો. તું શ્રીરામકૃષ્ણના કુટુંબના બાળક છે, તેથી તું તારા કુટુંબમાં આવ્યા છે.” “કુટુંબના બાળક” એવા પ્રેમાળ શબ્દોનો શ્રી શ્રીમાએ પ્રયોગ કર્યો. એ બાબત ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી શ્રીમા દરેક જાતિના લોકોને પોતાનો પ્રેમ આપતાં અને પોતાને એ લોકોના પ્રિયજન માનતાં. બીજા એક પ્રસંગે, દુર્ગા-પૂજાના શુભ દિવસે ભક્તો શ્રી શ્રીમાને ચરણે પુષ્પો ધરવા માંડ્યા. એક વ્યક્તિ બધાથી દૂર જુદી ઊભી હતી. શ્રી શ્રીમાને ખ્યાલ આવ્યો કે તે વ્યક્તિ તાજપોરથી આવી હતી અને તે “બાગડી” નામની પછાત જાતિની હતી. શ્રી શ્રીમાએ પ્રેમથી તેને ફૂલો અર્પણ કરવાનું કહ્યું અને તે વ્યક્તિએ ખૂબજ આનંદથી પુષ્પો શ્રી શ્રીમાને ચરણે ધર્યાં. શ્રીરામકૃષ્ણના દેહવિલય પછી શ્રી શ્રીમા કામારપુકુરમાં રહેતાં હતાં. ‘સાગરની મા’ નામની એક નોકર સ્ત્રી શ્રી શ્રીમાના ઘરમાં નાનું મોટું કામ કરતી અને બહારની નાની-મોટી ખરીદી પણ કરતી. બપોરના ભોજનનો થોડો ભાગ શ્રી શ્રીમા ‘સાગરની મા’ માટે જુદો રાખતાં અને જ્યારે તે ઘેર આવતી ત્યારે શ્રી શ્રીમા સ્વયં તે ભોજનનો ભાગ તેને પ્રેમપૂર્વક આપતાં અને કહેતાં: “પહેલાં આ જમી લે અને પછી પાણી પીને તારું કાર્ય શરૂ કર.” જ્યારે શ્રી શ્રીમા કોઆલપારાના જગદંબા આશ્રમમાં રહેતાં હતાં ત્યારે ‘ડોમ’ જાતિની એક ખૂબજ ગરીબ સ્ત્રીએ શ્રી શ્રીમાને સહાય માટે વિનંતી કરી. જે વ્યક્તિ સાથે તે રહેતી હતી તે વ્યક્તિએ તેને ત્યજી દીધી હતી. શ્રી શ્રીમાએ તે વ્યક્તિને બોલાવી અને મીઠો ઠપકો આપ્યો, “તારા માટે તેણે બધું છોડી દીધું છે અને હજુ સુધી તેં પણ તેની બધી સેવાઓનો સ્વીકાર કર્યો છે. જો હવે તું તેનો ત્યાગ કરીશ તો એક મોટું પાપ કર્યું કહેવાશે, અને નર્કમાં પણ તને આશ્રય નહીં મળે.” માતૃશક્તિથી ભરપૂર શબ્દોએ તે વ્યક્તિ પર જબરો પ્રભાવ પાડ્યો અને તેણે ફરીથી તે સ્ત્રીનો સ્વીકાર કર્યો. શ્રી શ્રીમાના સેવક સ્વામી શારદેશાનંદે લખ્યું છે:

“જયરામવાટીમાં શ્રી શ્રીમાને ઘેર માછલાં પકડનાર અને માછલાંનો વેપાર કરનાર બધાં જતાં. જે કોઈ વ્યક્તિ ત્યાં જતી તેની સાથે પુત્ર અથવા પુત્રીનો વહેવાર કરવામાં આવતો. ભક્તો અને શિષ્યોને જે પ્રકારનો પ્રેમ મળતો તે જ પ્રકારનો પ્રેમ એ લોકોને પણ મળતો. તે પ્રેમાળ અને કરુણાસભર દૃષ્ટિ કોઈપણ વ્યક્તિ આ જન્મમાં કે પછીના જન્મમાં ભૂલી ન શકે. જો કોઈપણ વ્યક્તિ થોડા સમય માટે પણ એ ભૂલી જતી તો તે વ્યક્તિના જીવનમાં આપત્તિઓ આવતાં જ તેના મનમાં ફરી વખત એ હેતાળ દૃષ્ટિ ચમકારાની માફક આવી જતી.”

શ્રી શારદાદેવી સમાજના કચડાયેલા અને પછાત વર્ગના માતા હતાં. શ્રી શ્રીમાનો પ્રેમ માત્ર મનુષ્યો પૂરતો જ મર્યાદિત ન હતો; તે પ્રેમ પ્રાણીમાત્રને આવરી લેતો હતો. બિલાડીઓ, પોપટ, ગાયો અને એવાં બધાં પક્ષી પ્રાણીઓના તે માતા છે એવું શ્રી શ્રીમા અનુભવતાં. અર્થાલંકારિક રીતે નહીં, કૃત્રિમ રીતે નહીં, જેટલી સ્વાભાવિક રીતે આપણે શ્વાસ લઈએ છીએ તેટલી જ સ્વાભાવિક રીતે શ્રી શ્રીમા તે અનુભવતાં. એક બિલાડી સાથેનો ખરાબ વર્તાવ પણ શ્રી શ્રીમા સહન કરી શકતાં નહીં. રાધુએ એક બિલાડી પાળી હતી અને કોઈપણ ભય વિના તે બિલાડી શ્રી શ્રીમાના ચરણો પાસે રહેતી. શ્રી શ્રીમા તે બિલાડી માટે દૂધનો એક કપ રાખતાં. તે બિલાડી લોકોની નજર ચૂકવીને રસોડામાં જતી અને વસ્તુઓ ખાઈ જતી. આને કારણે અમુક શિષ્યો ક્યારેક તે બિલાડીને મારતા, પરંતુ તેથી શ્રી મા બહુજ વ્યથિત થતા. શ્રી શ્રીમા કહેતાં, “ચોરીછૂપીથી ખાઈ જવું તે તેનો જન્મજાત સ્વભાવ છે. પુત્ર પ્રેમથી તેને કોણ ખવડાવશે?” એક વખત શ્રી શ્રીમા કલકત્તા જવાની તૈયારી કરતાં હતાં, તેમણે બ્રહ્મચારી જ્ઞાનને કહ્યું: “જો જ્ઞાન, આ બિલાડીને મારતા નહીં; મારો વાસ બિલાડીમાં પણ છે.” ત્યાં શ્રી શ્રીમાના ઘરમાં એક બોલતી મેના હતી. તેનું નામ ગંગારામ હતું. શ્રી શ્રીમા સ્વયં તેને ખવડાવતાં અને પાણી આપતાં અને દરરોજ નાહવા માટે પાણી આપતાં. જ્યારે-જ્યારે શ્રી શ્રીમા તેના પિંજરા પાસે જતાં ત્યારે મેના બોલી ઊઠતી “મા!” “મા!” નિર્જીવ વસ્તુઓને પણ શ્રી શ્રીમા માનપૂર્વક રાખતાં. શ્રી શ્રીમાની દૃષ્ટિએ આ વિશ્વમાં દૈવી યોજના પ્રમાણે દરેક વસ્તુનું મૂલ્ય અને ગૌરવ હોય છે. જયરામવાટીમાં એક સ્ત્રી ચોગાન સાફ કરતી હતી. કામ કર્યા પછી તે સ્ત્રીએ સાવરણી જેમ તેમ એક બાજુ ફેંકી દીધી. શ્રી શ્રીમાએ તે જોયું અને તે સ્ત્રીને સમજાવ્યું કે દરેક કામને પવિત્ર માનવું જોઈએ, અને તે કામ ચતુરાઈ અને કાળજીથી કરવું જોઈએ. શ્રી શ્રીમા સ્વયં શક્તિનો સ્રોત (ઉદ્ગમસ્થાન) હોવાથી, તેઓ દરેક વસ્તુને તે દિવ્ય શક્તિના આવિર્ભાવ તરીકે જોતાં.

એ ખરું છે કે શ્રી શ્રીમાએ આ માતૃત્વનો આસ્વાદ પ્રાપ્ત કર્યો હતો. શ્રીરામકૃષ્ણ સાથે શ્રી શ્રીમા દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં ત્યારે યુવાન શિષ્યો જેવા કે લાટુ, રાખાલ, બાબુરામ, પૂર્ણ, અને બીજાઓની સંભાળ લઈને શ્રી શ્રીમાએ એ માતૃત્વ દાખવ્યું હતું. પરંતુ તેથી શ્રી શ્રીમાને પૂરો સંતોષ થયો ન હતો. કામારપુકુરમાં શ્રી શ્રીમા એકલાં રહેતાં હતાં ત્યારે એ વિચાર શ્રી શ્રીમાના મનમાં આવતો, “મારે કોઈ પુત્ર નથી, અને બીજું કશું પણ નથી; ભવિષ્યની કોને ખબર છે?” એક દિવસ શ્રીરામકૃષ્ણે શ્રી શ્રીમાને દર્શન દીધું અને કહ્યું: “તમે શા માટે ચિંતા કરો છો? તમારે એક પુત્ર જોઈએ છીએ. પરંતુ તમારા માટે મેં આ પુત્રરત્નો આપ્યાં છે. વખત જતાં ઘણા લોકો તમને માતા કહીને બોલાવશે.” આ પહેલાં એક પ્રસંગે, શ્રી શ્રીમાના માતા શ્યામાસુંદરી, શોક વ્યક્ત કરવા માંડ્યાં કે તેમની પુત્રીને કોઈ પણ ‘મા’ના મધુર શબ્દથી બોલાવશે નહીં એ સાંભળીને શ્રી રામકૃષ્ણે કહ્યું: “સાસુજી, એ બાબત વિશે તમારે નિરાશ થવાની જરૂર નથી. એવો વખત આવશે જ્યારે ઘણાં બાળકો તેમને ‘મા’ કહીને બોલાવશે અને તેઓ સહન નહીં કરી શકે, તમે આ સત્ય જોઈ શકશો.” શ્રીરામકૃષ્ણના ભવિષ્યકથન કરતા શબ્દો બિલકુલ સાચા પડ્યા. સ્ત્રીઓ અને પુરુષો, યુવાનો અને વૃદ્ધો, શ્રીમંતો અને ગરીબો, સાધુઓ અને સામાન્ય માણસો, સંતો અને શયતાનો, હજારોની સંખ્યામાં શ્રી શ્રીમાની પાસે આવવાં લાગ્યાં. સાંસારિક યાતનાઓથી વ્યથિત થયેલા લોકો માટે શ્રી શ્રીમા ચંદ્રના શીતલ પ્રકાશ સમાન હતાં. તેઓનાં દુ:ખો શ્રી શ્રીમાનાં દુ:ખો બની ગયાં. દુ:ખોથી સતત વ્યથિત માનવજાતનો આનંદ જ્યાં જ્યાં શ્રી શ્રીમા ગયાં ત્યાં-ત્યાં શ્રી શ્રીમાની સાથે રહ્યો. શ્રી શ્રીમાની પાસે રહેલા લોકોનાં દુ:ખો હળવાં કરવાના બધા પ્રયત્નો શ્રી શ્રીમાએ કર્યા. શ્રી શ્રીમાએ દરેક વ્યક્તિને પોતાના ખોળામાં સ્થાન આપ્યું અને તેઓને બદલે દુ:ખો વેઠ્યાં. આટલો ગહન અને વિસ્તૃત માનવીય પ્રેમ આ વિશ્વે કદી જોયો નથી. તે પ્રેમ કોઈપણ ભેદભાવ કે બંધનો સ્વીકારતો ન હતો. તે પ્રેમ વિશુદ્ધ હતો, બિનશરતી હતો અને હંમેશાં મુક્ત હતો. તે પ્રેમ કશાની અપેક્ષા રાખતો નહોતો, પરંતુ સર્વને માટે મુક્તપણે ઉપલબ્ધ હતો.

આ એક નવી અસાધારણ ઘટના છે. વૈષ્ણવ સંપ્રદાયના અમુક વિદ્વાનોના મત પ્રમાણે, શ્રીકૃષ્ણ માત્ર અવતાર નથી પરંતુ સ્વયં ઈશ્વર છે, બધા અવતારોના ઉદ્ગમસ્થાન. શ્રીરામકૃષ્ણને દિવ્ય માતા કાલીના મૂર્તિમંત સ્વરૂપ ગણી શકાય. એ બાબતમાં દિવ્ય માતા કાલી અને મા શારદાદેવીને એક ગી શકાય. જો આ મંતવ્યને સ્વીકારવામાં આવે તો મા શારદાદેવી વર્તમાન યુગના અવતારના ઉદ્ગમસ્થાન બને છે. કદાચ આને કારણે આપણે શ્રીરામકૃષ્ણમાં વિનમ્રતા અને મધુરતા જોઈએ છીએ. તેથી જ આપણે શ્રીરામકૃષ્ણમાં દુષ્ટ લોકોને શિક્ષા કરવાના વલણનો અભાવ જોઈએ છીએ અને શાંતિભર્યા માર્ગો દ્વારા ધર્મની સ્થાપના કરવાનો પ્રયત્ન જોઈએ છીએ. માતૃશક્તિનો આ નવો અવતાર લોકોની ચેતનાનું રૂપાંતર કરીને તેઓને મુક્ત કરે છે. લોકોની અનિષ્ટ વૃત્તિઓને ઈશ્વરાભિમુખ બનાવીને દુષ્ટ લોકોનો વિનાશ કરવાની આવશ્યકતાને ટાળે છે.

તેથી આ નવો ઉપદેશ છે, નવો સંદેશ છે, અર્વાચીન યુગ માટે નવી આશા છે: આ વખતે વિશ્વની દિવ્ય માતાએ બે સ્વરૂપો ધારણ કર્યો છે – શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદાદેવી. માનવજાતના વિકાસ માટેનો આ પ્રયત્ન છે; મનુષ્યોને સત્યના માર્ગે દોરીને અંતિમ સત્ય અને અંતિમ સિદ્ધિ સુધી લઈ જવાનો પ્રયત્ન છે. અગાધ અને અમાપ માતૃત્વ, અખૂટ માતૃશક્તિ, અમાપ કરુણા ધરાવનાર દિવ્ય માતાએ આ વખતે શ્રી શારદાદેવીનું મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. આ જ બાબત શ્રી શારદાદેવીને સર્વની માતા બનાવે છે. સર્વના પ્રભુ, શ્રીરામકૃષ્ણ રાણી રાસમણીના ઘરની અગાશીએ ચડી જતા અને પોતાના ભાવી શિષ્યોને મોટેથી બોલાવતા. આ સર્વની માતાએ “દેવી – સુક્ત” દ્વારા આ ખાતરી આપી છે:

“હું સમગ્ર વિશ્વની રાણી છું, હું સંપત્તિ આપનાર છું, હું સર્વોચ્ચ શક્તિ છું અને તેથી બધી વસ્તુઓ મને અર્પણ થાય છે. દેવતાઓ અને સંતો ભિન્નભિન્ન રીતે મારી પૂજા કરે છે. અસંખ્ય સ્વરૂપોમાં હું મારી જાતને પ્રગટ કરું છું અને બધા મનુષ્યોમાં આત્માઓના આત્મા તરીકે બિરાજું છું.”

દિવ્ય માતૃત્વનું આ ગૂઢ અને અનુભવાતીત સર્વોચ્ચ સત્ય શ્રી શારદાદેવીએ પોતાના જીવનનાં નાનાં કાર્યો દ્વારા પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો અને તે કાર્ય પણ કદી પણ જોવા ન મળતી સ્વાભાવિક વિનમ્રતાથી. શ્રી શ્રીમાના હૃદયનો વિશુદ્ધ પ્રેમ ધોધની માફક વહી રહ્યો છે અને શ્રી શ્રીમાની દિવ્ય અભયવાણી – અભયવચન,

“હંમેશાં યાદ રાખ,

મારા પુત્ર,

કે તારે એક માતા છે.”

આ અભયવચન વિશ્વના દૂરદૂરના પ્રદેશમાં ગુંજવા માંડ્યું છે.

દિવ્ય માતાનો જય હો!

ભાષાંતર: શ્રી સી. એમ. દવે

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.