(ગતાંકથી ચાલુ)
(સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.)
એક વખત પોતાને ઘેર દુર્ગા પૂજા દરમ્યાન ગિરીશને એવી તીવ્ર ઇચ્છા થઈ કે શ્રી શ્રીમાની હાજરી ત્યાં હોય. શ્રી માએ તેની ઇચ્છા પૂરી કરી અને જયરામવાટીથી કલકત્તા આવ્યાં. તેઓ કલકત્તામાં બલરામ બોઝને ત્યાં રહ્યાં. પૂજાના બે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી તેઓ ગિરીશને ઘેર રહ્યાં ત્યાં શ્રી શ્રીમાએ હજારો લોકોના પ્રણામ સ્વીકાર્યા. તેઓ અસ્વસ્થ હતાં અને બે દિવસના પરિશ્રમને કારણે માંદા પડી ગયાં તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે ‘સંધિ પૂજા’ની શુભ ઘડીએ શ્રી શ્રીમા ત્યાં હાજર રહી શકે નહીં. આ સાંભળીને ગિરીશ એટલા ગમગીન બની ગયા કે તેમણે પૂજાના ખંડમાં જવાની ના પાડી. પરંતુ જ્યારે પૂજાની એ શુભક્ષણ આવી ત્યારે એકાએક શ્રી શ્રીમા ત્યાં ઉપસ્થિત થયાં. રાત્રિના સમયે એક સ્ત્રી સેવકની સાથે બલરામ બોઝને ઘેરથી ચાલીને શ્રી શ્રીમા ત્યાં પહોચ્યાં. ગિરીશ આનંદવિભોર બની ગયા. ભાવનાશીલ અવાજે અને હાંફતાં-હાંફતાં ગિરીશ ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિને કહેવા લાગ્યા: હું વિચારતો હતો કે મારી પૂજાનો અર્થ ન હતો, પરંતુ શ્રી શ્રીમા હવે અહીં ઉપસ્થિત છે, તેઓ પોતે બારણું ખખડાવતાં કહે છે “હું અહીં છું.” સ્વયં જીવંત દુર્ગાનો પોતાની માતા તરીકે પૂજા કરવાનો વિશિષ્ટ અધિકાર ગિરીશને પ્રામ થયો હતો.
શ્રીરામકૃષ્ણનાં સ્ત્રી શિષ્યો પણ શ્રી શારદાદેવીને પોતાની સાચી માતા ગણતાં હતાં. એ શિખોમાં ગોપાલ મા પણ હતાં. તેઓ રૂઢિચુસ્ત પણ પવિત્ર વિધવા સ્ત્રી હતાં. તેઓ શ્રીરામકૃષ્ણમાં પોતાના આરાધ્ય દેવ, બાળ કૃષ્ણનું દર્શન કરતાં હતાં. તેમના માટે શ્રી શારદાદેવી પૃથ્વી પર આઘશક્તિનું પ્રગટીકરણ હતાં, અને તેમના ઈષ્ટદેવતા ગોપાલના આધ્યાત્મિક પૂરક હતાં. તેઓ શ્રી શારદાદેવીને કહેતાઃ “જ્યાં સુધી હું તમને બન્નેને અવિચ્છેદ્ય (છૂટાં પાડી ન શકાય એવાં) તરીકે ન જોઉં ત્યાં સુધી મારા મનને સંતોષ થતો નથી.” જ્યારે ગોપાલ માનું મૃત્યુ નજીક હતું ત્યારે શ્રી શારદાદેવી તેમની પાસે આવ્યાં. જ્યારે તેમને શ્રી શ્રીમાની ઉપસ્થિતિ વિશે કહેવામાં આવ્યું ત્યારે ગોપાલ માએ કહ્યું: “ગોપાલ! તમે આવ્યા છો?… આજે તમારે મને તમારા ખોળામાં લેવી જોઈએ.” શ્રી શારદાદેવીએ ગોપાલ માનું માથું પોતાના ખોળામાં મૂક્યું. શ્રી મા પ્રત્યેનો તેમનો પૂજ્યભાવ વ્યક્ત કરવા તેઓ શ્રી શ્રીમાનો ચરણસ્પર્શ કરવા ઇચ્છતાં હતાં. કોઈ એક વ્યક્તિએ શ્રી શ્રીમાની ચરણરજ લઈને તેમના મસ્તક ઉપર મૂકી. ગોપાલ મા માટે શ્રી શારદાદેવી અને ગોપાલકૃષ્ણ એક જ હતા.
શ્રીરામકૃષ્ણનાં બીજાં સ્ત્રી શિષ્યા ગૌરી મા હતાં, પરંતુ શ્રી શારદાદેવી તેમને ગૌરદાસી કહેતાં. ગૌરદાસી કહેતાં કે શ્રી શારદાદેવી વિશ્વના ચેતનમય દિવ્ય માના છે, સ્વયં દેવી લક્ષ્મી છે; બ્રહ્મની શક્તિ છે. તેમણે સ્ત્રીઓ અને યુવતીઓ માટે શારદેશ્વરી આક્રામની સ્થાપના કરી. એ આશ્રામનું નામ શ્રીશ્રી શારદાદેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શ્રીશ્રી માની સાચી મહાનતા વિશે લોકજાગૃતિ કેળવવામાં તેમનો ફાળો મોટો હતો. ગોલાપ મા ત્રીસ વર્ષ સુધી શ્રી શ્રીમાનાં ખૂબજ નજીકનાં સ્ત્રીસેવક હતાં. શ્રી શ્રીમા જ્યારે કલકત્તા રહેતાં ત્યારે ગોલાપમાં શ્રી શ્રીમાના ધરની વ્યવસ્થા સંભાળતાં, તેમને ખાતરી હતી કે શ્રી શ્રીમા મહા-માયા છે અને લોકોની મુક્તિ માટે તેમણે જન્મ લીધો છે.
શ્રી શ્રીમાનાં બીજાં સ્ત્રી શિષ્યા યોગીનમા હતાં. શ્રીરામકૃષ્ણે યોગીનમાને દર્શન કરાવ્યું હતું કે શ્રી શ્રીમા સંપૂર્ણ રીતે પવિત્ર છે અને વિશ્વનાં અનિષ્ટોથી પર છે. જેવી રીતે જયા અને વિજયા દિવ્ય માતા દુર્ગા સાથે છે તેવી જ રીતે ગોલાપ મા અને યોગીન મા શ્રી શારદાદેવી સાથે હતાં.
શ્રી શ્રીમા શારદાદેવી સમગ્ર રામકૃષ્ણ મિશનનાં માતા છે. શ્રીરામકૃષ્ણના જીવન દરમિયાન તેઓ દક્ષિણેશ્વરમાં હતાં ત્યારથી શ્રી શ્રીમાએ એ ફરજ બજાવવાનું શરૂ કર્યું હતું. શ્રીરામકૃષ્ણ શિસ્તપાલનના ખૂબજ આગ્રહી હતા અને શ્રી શ્રીમાને એવી સૂચના આપી હતી કે રાખાલ, બાબુરામ, લાટુ અને બીજા યુવાન શિષ્યોને રાત્રે જમવામાં માત્ર બે કે ત્રણ રોટલીઓ આપવી, પરંતુ એક માતા પોતાનાં બાળકોના ખોરાક ઉપર એવા અંકુશો કેવી રીતે મૂકી શકે? તેથી શ્રી શ્રીમાએ પોતાના બાળકોને જમવામાં જોઈએ તેટલી રોટલીઓ આપી. જ્યારે શ્રીરામકૃષ્ણે એવો વાંધો ઉઠાવ્યો કે વધુ જમવાને કારણે શિષ્યો મધ્યરાત્રિએ ધ્યાન બરાબર નહીં કરી શકે, ત્યારે શ્રી શ્રીમાએ ઉત્તર આપ્યો: “જ્યારે શિષ્યોએ માત્ર બે જ રોટલી વધુ લીધી છે ત્યારે તમે આટલી ચિંતા શા માટે કરો છો? તેઓના ભવિષ્યના હિતની સંભાળ હું લઈશ.” એ સાંભળીને શ્રીરામકૃષ્ણ ખુશ થયા હતા કારણ કે એ શબ્દોમાં એ ખાતરી સમાયેલી હતી કે રામકૃષ્ણ મઠની ભવિષ્યની જવાબદારી કુશળ હાર્યોમાં હતી. શ્રી શારદાદેવીને રામકૃષ્ણ મિશનના માતા તરીકે સ્વીકારનાર શ્રીરામકૃષ્ણ પોતે પ્રથમ હતા. “સંઘ-જનની” શબ્દ સ્વામી વિવેકાનંદે શોધી કાઢ્યો અને પ્રચલિત કર્યો. સ્વામીજીએ કહ્યું: “શ્રી શ્રીમા આપણા આ મઠના રક્ષક છે; ખરેખર, શ્રી શ્રીમા આપણા મઠનાં માતા છે.” હકીકતમાં શ્રી શ્રીમાની ઉત્સુક પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે રામકૃષ્ણ મઠની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી શ્રીમાનો અમાપ પ્રેમ મઠમાં વ્યાપ્ત છે અને બધા સભ્યોને એક તાંતણે બાંધે છે. મઠની શરૂઆતથી જ તેની મહાનતા અને ભવિષ્યની શક્યતાઓ વિશે શ્રી શ્રીમાને પૂર્ણ શ્રદ્ધા હતી. મઠ સ્થાપનાર વિભૂતિઓ શ્રી શ્રીમાના શબ્દોને આદેશ માનીને અમલ કરતા હતા. સ્વામી વિવેકાનંદથી માંડીને છેક નાનામાં નાના સંન્યાસી સુધી દરેક વ્યક્તિ શ્રી શ્રીમાની સૂચનાઓનો અમલ કરવા માટે હંમેશાં આતુર રહેતી. કલકત્તામાં પ્લેગ-રાહત કાર્યના સંચાલનમાં પૈસાની તંગી જણાવા માંડી. સ્વામી વિવેકાનંદે બેલુર મઠ વેચવાનું વિચાર્યું; પરંતુ જ્યારે શ્રી શ્રીમાએ સંમતિ ન આપી, ત્યારે સ્વામીજીએ એ વિચાર પડતો મૂક્યો. શ્રી શ્રીમાની સંમતિથી અને તેમના નામે સ્વામીજીએ બેલુર મઠમાં પહેલી વખત મા દુર્ગાની પૂજા કરી. જો કે એ પૂજામાં રિવાજ પ્રમાણે સ્વામીજી પશુબલિ આપવાનું વિચારતા હતા, પરંતુ શ્રી શ્રીમાની સંમતિ ન હોવાથી એ વિચાર પણ પડતો મૂક્યો.
રામકૃષ્ણ મઠનાં ભિન્ન-ભિન્ન કેન્દ્રોની રોજે-રોજની પ્રવૃત્તિઓમાં શ્રી શ્રીમા સક્રિય રસ લેતાં હતાં. કોઆલપાડા આશ્રમના વડા આશ્રમવાસીઓ સાથેના વ્યવહારમાં હુકમ કરવાની વૃત્તિવાળા અને સ્વાર્થપરાયણ હતા, તેથી શ્રી શ્રીમાએ તેમને ઠપકો આપ્યો હતો. દરેક વ્યક્તિ સાથે સ્નેહભર્યો વ્યવહાર રાખવાની શ્રી શ્રીમાએ તેમને સલાહ આપી હતી. પ્રેમ આશ્રમવાસીઓને એક તાંતણે બાંધનાર પરિબળ છે અને તેથી શ્રી શ્રીમા તેના મહત્ત્વ પર ભાર મૂકતા. જ્યારે ત્રણ શિષ્યોએ શ્રી શ્રીમા પાસેથી સંન્યાસ દીક્ષા લીધી ત્યારે શ્રી શ્રીમાએ શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરી: “હે રામકૃષ્ણ, તેઓના સંન્યાસ વ્રતની રક્ષા કરજો, તેઓ ગમે તે સ્થળે હોય – ડુંગરાળ પ્રદેશમાં, પર્વતોની ટોચ ઉપર, જંગલોમાં અથવા વેરાન પ્રદેશમાં – તેઓને ખોરાક પૂરો પાડજો.”
જ્યારે સ્વામી વિવેકાનંદે મઠના સામૂહિક જીવનમાં કાર્ય અને સામાજિક સેવાને એક અગત્યના ભાગ તરીકે દાખલ કર્યાં ત્યારે શ્રી શ્રીમાએ તેનું સંપૂર્ણ સમર્થન કર્યું. એક વખત એક સંન્યાસીએ એ મુદ્દો ઉઠાવ્યો કે હૉસ્પિટલો ચલાવવી, હિસાબો રાખવા વગેરે કાર્યો સંન્યાસ ધર્મની વિરૂદ્ધ હતાં; શ્રી શ્રીમાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: “જો તમે કંઈ કાર્ય નહિ કરો તો તમે તમારી જાતને રાત દિવસ કઈ રીતે વ્યસ્ત રાખશો? શું ચોવીસ કલાક ધ્યાન કરવું શક્ય છે? શ્રીરામકૃષ્ણના આદેશ મુજબ બધું ચાલશે. અત્યારે ચાલે છે તેવી જ રીતે મઠ ચાલશે. જે લોકોને આ ગમતું ન હોય તેઓ મઠ છોડી શકે છે. જ્યારે એક કેન્દ્રના વડાએ ફરિયાદ કરી કે મિશન દ્વારા ચાલતા ચેરીટેબલ દવાખાનાનો લાભ શ્રીમંત લોકો પણ લેતા હતા, ત્યારે શ્રી માએ તેમને સલાહ આપી કે કોઈપણ અંકુશો વિના બધા માટે દવાખાનું ખુલ્લું રાખવું જોઈએ.
શ્રીરામકૃષ્ણના શિષ્યોનું હિત શ્રી શ્રીમા સતત પોતાના મનમાં રાખતાં હતાં તે બાબત એક બીજા પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે. એક વખત જયરામવાટીમાં દુર્ગાપૂજા દરમિયાન બધા લોકો શ્રી શ્રીમાને ચરણે પુષ્પો અર્પણ કરીને જતા રહ્યા હતા; શ્રી શ્રીમાએ એક બ્રહ્મચારીને કહ્યું: “વધુ પુષ્પો લાવો અને રાખાલ, તારક, શારદા, ખોકા, યોગીન અને ગોપાલ વતી એ પુષ્પો અર્પણ કરો. જાણ્યા-અજાણ્યા બધા ભક્તોના નામે પુષ્પો અર્પણ કરો. એક વખત એવું બન્યું કે એક સંન્યાસીને મઠ છોડીને જવું પડે એમ હતું. શ્રી શ્રીમાએ તેને આશ્વાસન સાથે ખાતરી આપી: “શું કોઈ એક મા પોતાના બાળકને ભૂલી શકે? ચોક્કસ જાણજો; હું હંમેશાં તમારી સાથે છું. ભય રાખશો નહિ.” શ્રી શ્રીમા બધા શિષ્યો સમક્ષ સંન્યાસના આદર્શને સર્વોચ્ચ સ્થાન આપતા હતા. એક દિવસ એક સંન્યાસી વિશે શ્રી શ્રીમાએ કહ્યું, “તે માંદા છે તેથી તેમણે ગૃહસ્થ સાથે શા માટે રહેવું જોઈએ? ઘણા આશ્રમો અને મઠો છે. એક સંન્યાસી ત્યાગનું પ્રતીક છે.” શ્રી શ્રીમા તેમના બધા નિર્ણયોમાં મઠના સર્વાંગી હિતને નજર સમક્ષ રાખતાં. કામારપુકુર અને જયરામવાટીમાં આવેલી સંપત્તિની તબદીલી બેલુર મઠને નામે કરવામાં આવી તે વ્યવસ્થા શ્રી શ્રીમાએ પોતે કરી હતી.
અદ્વૈતની સાધના અને પ્રસાર માટે સ્વામી વિવેકાનંદે હિમાલયમાં માયાવતી ખાતે એક આશ્રમની સ્થાપના કરી. સ્વામીજીએ એવો નિયમ બનાવ્યો કે કોઈપણ પ્રકારની બાહ્ય પૂજા ત્યાં કરવામાં નહીં આવે. જ્યારે શ્રી શ્રીમાના એક શિષ્યે પત્ર લખીને એ નિયમ વિશે શ્રી શ્રીમાનો અભિપ્રાય માગ્યો ત્યારે શ્રીશ્રી માએ પ્રત્યુત્તર આપ્યો: “આપણા ગુરુ (શ્રીરામકૃષ્ણ) સંપૂર્ણ રીતે અદ્વૈતી છે, તમે બધા તેમના શિષ્યો છો, તમે પણ અદ્વૈતના અનુયાયી છો, હું ભારપૂર્વક કહી શકું છું કે તમે બધા ચોક્કસપણે અદ્વૈતના સમર્થકો છો. શ્રીરામકૃષ્ણે શરીર છોડ્યા પછી શ્રી માએ ચોત્રીસ વર્ષ સુધી સંઘને વિધાયક માર્ગદર્શન આપ્યું.
શ્રી શ્રીમાને પોતાના શિષ્યો માટે જ નહિ પરંતુ સામાન્ય લોકો માટે પણ સરખો જ પ્રેમ હતો. જે શિષ્યોએ શ્રી શ્રીમા પાસેથી દીક્ષા નહોતી લીધી તેઓને પણ શ્રી શ્રીમાનો પ્રેમ મળતો. શ્રી શ્રીમા પોતાનાં બાળકોની વ્યક્તિગત પસંદગી અને આવશ્યકતાઓ ધ્યાનમાં રાખતાં. ભોજન બનાવતી વખતે શ્રી શ્રીમા કાળજી રાખતાં કે દરેક શિષ્યને તેની મનપસંદ વાનગી જમવા મળે. દરેક વ્યક્તિ એવું અનુભવતી કે શ્રી શ્રીમા તેને સૌથી વધુ પ્રેમ આપે છે. જે શિષ્યોને શ્રી શ્રીમાએ દીક્ષા આપી હતી તેમને માટે તેઓ આ પ્રમાણે પ્રાર્થના કરતાં: “હે પ્રભુ, તેઓની આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરો; તેઓને મુક્તિ આપો; આ જીવનમાં અને આ જીવન પછી તેઓના હિતની સંભાળ લો, આ વિશ્વ દુ:ખ અને યાતનાઓથી ભરેલું છે. એવી કૃપા કરજો કે તેઓને ફરી આ વિશ્વમાં આવવું ન પડે. હે પ્રભુ, ભિન્ન-ભિન્ન સ્થળે મારે ઘણાં બાળકો છે. કૃપા કરીને એવા બાળકોની સંભાળ લેજો કે જેઓને હું યાદ નથી કરી શકતી. એ બાળકો માટે જે શુભ હોય તે બધું કરજો.”
માતા હોવાથી તેઓ ત્યારેજ ભોજન લઈ શકતાં કે જ્યારે તેમના બધાં બાળકોએ ભોજન લઈ લીધું હોય. એક વખત શ્રી શ્રીમાના જન્મ દિવસ પર સેવકોએ તેમને સૌથી પહેલાં ભોજન લઈ લેવા સમજાવ્યાં, પરંતુ શ્રી શ્રીમા એક કોળિયાથી વધારે લઈ શક્યા નહીં. શ્રી શ્રીમાએ કહ્યું: “મારાં બાળકો જમે નહીં ત્યાં સુધી ખોરાક મારા ગળે ઉતરી શકે નહીં.” શ્રી શ્રીમા જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ પાળતા નહીં અને બધાંને દીક્ષા આપતાં. બ્રાહ્મણો, વણકરો, શિકારીઓ, રેલ્વે મજૂરો, ભ્રષ્ટ સ્ત્રીઓ, ખ્રિસ્તીઓ, પારસીઓ – આધ્યાત્મિકતાનાં બારણાં શ્રી શ્રીમા બધાં લોકો માટે ખુલ્લાં રાખતાં.
(ક્રમશ:)
ભાષાંતર: શ્રી સી. એમ. દવે
Your Content Goes Here




