સર્વગ્રાહી ચિકિત્સા
(રુડયાર્ડ કિપ્લિંગનો અભિગમ)
ડૉ. જ્યોતિ કોઠારી, (એમ.ડી., ડી.જી.ઓ) સાન્તાક્રુઝ, મુંબઈના સંજીવની નર્સિંગહોમનાં સ્ત્રીરોગનાં કન્સલ્ટિંગ ડૉક્ટર છે. ડૉ. મનુ કોઠારી (ઍમ.ઍસ. ઍમ ઍસ. સી) જી. એસ. શેઠ મેડિકલ કોલેજ અને કે. ઈ. એમ. હોસ્પિટલ, મુંબઈના શરીર રચનાશાસ્ત્ર (ઍનેટોમી)ના પ્રાધ્યાપક છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કોઠારી દંપતી મુંબઈની રામકૃષ્ણ મિશનની શાખાની તબીબી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે.
તબીબી વિજ્ઞાનમાં સર્વગ્રાહી ચિકિત્સા (Holistic Medicine) સમાચારોમાં વારંવાર ચમકતી રહે છે. આપણા સમયના મોટા ભાગના રોગોની સારવાર કરવામાં ઍલૉપથી નિષ્ફળ નીવડી છે, એ કારણે એમાં લોકો વધારે ને વધારે ઊંડો રસ લઈ રહ્યા છે. નાનાં નાનાં યંત્રોની બાબતમાં, સુધરેલી કરામતો, સાહિત્યિક શબ્દોનો આડંબર, કમરતોડ ખર્ચા, લાખો નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવામાં આવતી હોય તેવા કહેવાતા અખતરાઓ – આ બધાંએ ડૉક્ટરોને નથી તો વધુ સમજદાર બનાવ્યા કે નથી તો દર્દીઓને વધારે સારું સ્વાસ્થ્ય પૂરું પાડ્યું.
લબ્ધપ્રતિષ્ઠ રૉકફેલર ફાઉન્ડેશને એક અત્યંત માહિતીપ્રદ દળદાર ગ્રંથ પ્રકટ કર્યો છે. તેનું શીર્ષક છે : Doing Better and Feeling Worse – Health in the United States (સારું છે એમ જાહેરમાં કહેવું અને વધારે ખરાબ અનુભવ કરવો.- સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્વાસ્થ્ય) ‘વધારે સારું કામ ચાલી રહ્યું છે’ એનો અર્થ એ થાય છે કે ૧૯૬૦ના દાયકામાં આ શક્તિશાળી સંયુક્ત રાજ્યો આઠ અબજ ડૉલર દર વરસે આરોગ્ય પાછળ ખર્ચ કરતાં હતાં; તેઓ આજે દ૨૨ોજ એક અબજ કરતાં વધુ ખર્ચ કરે છે. ત્યારે એમ લાગે કે દાક્તરો, ઉપકરણો બનાવનારા અને દવાનું ઉત્પાદન કરનાર લોકો વધારે સારું કામ કરી રહ્યા છે. આ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં જ સુવિખ્યાત ડૉક્ટર, તત્ત્વજ્ઞ, લેખક લેવિસ થૉમસ ખુલ્લં ખુલ્લા લખે છે કે કૅન્સર, હૃદયરોગનો હુમલો, હાયપરટૅન્શન, બેભાનાવસ્થા, મધુમેહ, સંધિવા, પેટનાં ચાંદાં અને વૃદ્ધાવસ્થાના આગમન સામે આજની દવા વધારે સારી સમજણનો દાવો કરી શકે એમ નથી. પછીના પ્રકરણમાં વાલ્ડાવસ્કી એક વ્યાપક વિધાન કરે છે. ૧૦ પૈકી ૯ સમસ્યાઓમાં આજની દવા બિન- અસરકારક અને ઘણી વાર તો નુકસાનકારક છે. આથી દર્દીઓને આરોગ્યની બાબતમાં વધારે ખરાબ સ્થિતિનો અનુભવ થાય છે. તેથી સર્વગ્રાહી ચિકિત્સાશાસ્ત્રે પ્રવેશ કરવો પડ્યો છે. આ સર્વગ્રાહી (Holistic) શબ્દના મૂળ વિષે બેએક શબ્દો કહેવા અસ્થાને નહીં ગણાય. Heal (મટાડવું), Health (સ્વાસ્થ્ય), Holistic (સર્વગ્રાહી)નું મૂળ ગ્રીક શબ્દમાં રહેલું છે. તેના અર્થ છે ‘સકલ’ ‘સમગ્ર’, ‘આખું! આમ Healનો અર્થ થશે માણસને સમગ્ર બનાવવો કે સ્વસ્થ બનાવવો, માણસ માંદગી આવ્યા પૂર્વે જેવો હતો તેવો બનાવવો, પહેલાંના જેવી સ્થિતિમાં મૂકી દેવો.
આથી ‘સર્વગ્રાહી સ્વાસ્થ્ય’ એમ જે વારંવાર શબ્દપ્રયોગ કરવામાં આવે છે, તે દ્વિરુક્તિ બની રહે છે. ‘સમગ્ર’ શબ્દનો જરાક અર્થ વિસ્તાર કરીને અર્થ ઘટાવીએ તો તેનો અર્થ થશે આજનાં ઔષધશાસ્ત્રોની બધી મર્યાદાઓનો સ્વીકાર કરવાની તત્પરતા અને રોગીને નીરોગી બનાવવા માટે બીજી બધી ચિકિત્સા પદ્ધતિઓની સહાયતા લેવી તે.
રુડયાર્ડ કિપલિંગે વિશ્વાસપાત્ર શિક્ષકોનો નિર્દેશ કર્યો છે – શું, શા માટે, કોણ, ક્યારે, ક્યાં અને કેવી રીતે. સંક્ષેપ અને સ્પષ્ટતા ખાતર આપણે એને કિપલિંગનો અભિગમ કહીશું.
શું?
સર્વગ્રાહિતાનો અભિગમ એ સમન્વયનો અને પૂર્ણતાનો અભિગમ છે. તે દર્દીનાં બુદ્ધિ અથવા આત્મા, મન અને શરીરની ચિકિત્સા કરવા મથે છે. તે ચિકિત્સક-જગત અને દર્દી-જગત સમક્ષ ઘોષણા કરે છે કે જો તેની સાથે સમસંવેદન (આત્મીયતા) અને સહાનુભૂતિ હોય તો તે ચિકિત્સાપદ્ધતિ સારી છે.
સર્વગ્રાહિતાનો આગ્રહ સેવતી વ્યક્તિ પોતાના મનમાં કેટલાંક અકાટય સત્યો ધરાવતી હોય છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ કહેતા કે ડૉક્ટર (કે વકીલ) ને મુક્તિ મળવાની તકો બહુ ઓછી હોય છે, કારણ કે તેનું કમભાગ્ય એ છે કે તેમને મળતા ધનનો આધાર બીજાના દુઃખ પર હોય છે. કુરાન કહે છે કે ડૉક્ટરે મરવા પડેલા કે મરેલા રોગી પ્રત્યે એવી સમજ અને નમ્રતાપૂર્વકનો અભિગમ અપનાવવો જોઈએ કે જો કુદરતનું ગણિત કામ ન કરતું હોત તો, તે જેની સારવાર કરવા માગે છે તેની સાથે તેને સ્થાન બદલવું પડ્યું હોત. સર્વગ્રાહિતાનો આગ્રહી ચિકિત્સક ખરેખર દર્દીને નહીં પણ પોતાના જ બાંધવને વિપત્તિમાં આવી પડેલા જુએ છે. દર્દીરૂપી અરીસામાં ડૉક્ટર પોતાની જાતને જ જોતો (કે જોતી) હોય છે. (તત્ત્વમસિ – તે તું છે.)
શા માટે?
હૅમર સ્મિથમાં આવેલી અનુસ્નાતક તબીબી સ્કૂલના વિજ્ઞાન વિષયના પ્રાધ્યાપક ડૉ. જે. એચ. બર્ને ૧૯૪૦ના દાયકામાં એક પુસ્તક લખેલું -An Introduction to Pharmacology (ભેષજ ગુણ – વિજ્ઞાનપરિચય). તેની પ્રસ્તાવનામાં બર્ને નિર્દેશ કર્યો છે કે ઍલૉપથીનાં આધુનિકતા, ધન અને બળની સામે ટક્કર લઈને પણ ઍલૉપથી સિવાયની ચિકિત્સા પદ્ધતિઓ ટકી રહી છે, એટલું જ નહીં, અદમ્ય રીતે વ્યાપક અને સમૃદ્ધ બની રહી છે, તે ઍલૉપથી સિવાયની પદ્ધતિઓનાં સહજ હકારાત્મક પાસાઓનો અને ઍલૉપથીની ના ન પાડી શકાય તેવી મર્યાદાઓનો બોલતો પુરાવો છે.
શ્રીરામકૃષ્ણે પોતાની બેનમૂન શૈલીમાં કહ્યું જ છે ને કે ભૂખ્યો માણસ એનો ખોરાક કઈ રીતે બનાવવામાં આવ્યો છે તેની લમણાઝીકમાં નહીં ઊતરે. તે જ રીતે દર્દની આફતમાં સપડાયેલો દર્દી તેને કઈ પદ્ધતિથી સ્વસ્થ બનાવવામાં આવે છે, તેની માથાકૂટમાં નહીં ઊતરે. દર્દીની સારવાર કરતા ડૉક્ટરે દર્દીને રાહતની ભાવના – સ્વાસ્થ્યની પુનઃસ્થાપના રાખવી જોઈએ. કઈ ચિકિત્સા પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યો હતો તેના પિષ્ટપેષણ કર્યા વિના સ્વાસ્થ્યના પુનરાગમનરૂપી ઋણ ચૂકવવાનું હોય છે.
ઍલૉપથી ચિકિત્સાપદ્ધતિને આધુનિક ચિકિત્સાશાસ્ત્ર પણ કહેવામાં આવે છે, પણ લોકોનો અનુભવ એવો છે કે તે ખર્ચાળ વ્યાયામ બની ગયેલ છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં વ્યક્તિગત રીતે દેવાળિયા થવું પડે છે, તેનાં કારણોમાં પાંચમું અને સૌથી મોટું કારણ મૅડિકલ બિલો હોય છે. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં પણ બરાબર એ જ સ્થિતિ છે અને ભારતમાં પણ એ ઝડપથી ફેલાઈ રહી છે. ઍલૉપથીના મોંઘાં સાધનોને કાંઈક વધારે સાદી વસ્તુથી હળવાં બનાવ્યા સિવાય આપણો આરો ઓવારો નથી. અમેરિકામાં ત્રીસ ટકાથી વધારે લોકો દવાખાનામાં દાખલ થતા હોય છે. તેમની માંદગી ડૉક્ટરે બક્ષેલી હોય છે. સર્વગ્રાહિતાના આગ્રહી માણસના મનમાં હંમેશાં હિપોકેટસની પેલી પ્રાર્થના રહેતી હોય છે. શારીરિક, માનસિક અને સંવેદનાત્મક તથા આર્થિક રીતે કોઈને નુકસાન ન કરો. આપણાં મોટાં શહેરોમાં મોટે ભાગે એવું બનતું હોય છે કે પંચતારક દવાખાનામાં સારવાર લીધા પછી દર્દીનું મરણ થાય છે અને તેમાં પરિવારનું ભાગ્ય જ દટાઈ જતું હોય છે.
કોણ?
રાજાથી માંડીને રંક સુધી અને રાજકુમારથી માંડીને ભિખારી સુધીના બધા જ સર્વગ્રાહી ચિકિત્સાની સારવાર માટે લાયક છે. એક સમય એવો આવશે કે સરકાર અને આગળ ચાલીને સમાજ પણ એવી વિચારસરણી કેળવવા માંડશે કે દર્દીની સારવાર માટે તાલીમ પામેલો માણસ જ જોઈએ એવો આગ્રહ ન રાખવો. તેમનામાં એવી વિચારસરણી દૃઢ બની જશે કે જે માણસ દર્દીનું દરદ દૂર કરી દે, તે જ સાચો સારવાર કરનારો છે. પછી તે ભલેને ઍક્યુપ્રેસરથી થાય, ઍક્યુપંક્ચરથી થાય, ભલેને મંત્રથી થાય કે હાથના માત્ર સ્પર્શથી થાય.
ક્યારે?
ઍલૉપથીની વિશિષ્ટ ક્ષમતા એ છે કે તે રોગના સ્થાન સુધી ઊંડે ઊંડે પહોંચી જાય છે પછી તે મગજનું ગૂમડું હોય, આંખનો મોતિયો હોય કે કાણાં પડી ગયેલું ઍપૅન્ડિકસ હોય. આથી તબીબી ક્ષેત્રની કોઈ ઉત્કટ કટોકટીમાં જ્યારે શારીરિક કટોકટી ઊભી થાય છે ત્યારે ઍલોપથી પર જ પસંદગી ઉતારવી પડે છે. એ જ રીતે શરીરની યાંત્રિક સમસ્યાઓ સારણગાંઠ, ગંઠાઈ ગયેલ આંતરડાં કે મૂત્રમાર્ગના રોગો, અસ્થિભંગ વગેરેમાં ઍલોપથી પર વિશ્વાસ રાખી શકાય છે.
ઉપર કહ્યા તે તો દર્દીઓની દુનિયાનો દશમો ભાગ છે. બાકીના જે નવ ભાગો છે, તેમાં તો અન્ય પદ્ધતિઓને સા૨વા૨ કરવાની તક આપવી જ જોઈએ.
ક્યારે? ક્યાં? કેવી રીતે?
ડૅવિડ વર્નરે એક બહુ સારો ગ્રંથ લખ્યો છે : ‘વ્હેર ધેર ઈઝ નો ડૉક્ટર’. ‘જ્યાં ડૉક્ટર ન હોય ત્યાં’. કમભાગ્યે આ ગ્રંથની ખૂબ ઉપેક્ષા કરવામાં આવી છે. સાદી ભાષામાં અને ચિત્રો આપીને વર્નર એવો સંદેશો આપણા મગજમાં ઠોકી ઠોકીને બેસાડે છે કે મોટા ભાગની માંદગીઓની સારવાર કરવાનું કામ સરળ છે. ક્યારે, ક્યાં અને કેવી રીતે, તે કાંઈ બહુ મહત્ત્વની વાત નથી. બીજા ઘણા બધા દેશોની માફક ભારત પણ ગરીબમાં ગરીબ માણસોનો દેશ છે. તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે સર્વગ્રાહિતાનો ઉપાસક ડૉક્ટર સ્વામી વિવેકાનંદનો આ સંદેશો પોતાની નજર સમક્ષ રાખતો હોય છે : ‘નિર્બળ, અશક્ત બની ગયેલા, ગેરલાભ થયો હોય તેવા અને રોગીઓ આપણા દેવો છે. આપણે તેમની સેવા આપણા આત્મા, હૃદય, મન અને શરીરથી કરવી જોઈએ.’
શ્રીરામકૃષ્ણ, મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ આપણને તેમાં સહાયરૂપ થાઓ અને તેમના આશીર્વાદ આપણા ઉપર ઊતરો.
અનુવાદ : શ્રી ચંદુભાઈ ઠકરાલ
Your Content Goes Here





