આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાચીન આર્યોને ક્યારેય ધાર્મિક સંઘર્ષનો સામનો કરવો પડયો ન હતો, છતાં પણ તેઓ તુલનાત્મક ધર્મ અને તુલનાત્મક તત્ત્વજ્ઞાનના સર્વ પ્રથમ અન્વેષક બન્યા છે. આજથી સેંકડો – વર્ષ પૂર્વેના યુગમાં જ્યારે સાંપ્રદાયિક સંઘર્ષો આપણા દેશમાં થયા, ત્યારે પણ તેમની તુલનાત્મક દૃષ્ટિમાં કશો ફેરફાર થયો નથી. તેમણે જૂના જમાનામાં ઈંદ્ર, મિત્ર, વરુણ અને અન્ય દેવતાઓની પૂજા સંબંધી વિવાદમાં એ બધાની તુલના કરી જોઈ. એટલું જ નહિ, પણ કર્મ અને જ્ઞાન જેવા સૈદ્ધાન્તિક વિચારભેદોની પણ તુલના કરી હતી. તત્કાલીન કર્મ માણસોને વિવિધ વિધિ-વિધાન અને કર્મકાંડ સાથે જોડવા માગતું હતું, જ્યારે બીજો જ્ઞાનનો સિદ્ધાંત મનુષ્યોને શાંતિમય જીવન અને ધ્યાન વગેરે તરફ દોરી રહ્યો હતો. એ બંને વેદના જ વિભાગ હતા. આ જ્ઞાનમાર્ગ તપોવનના એકાંતમાં ચિંતન કરવાની અને કર્મમાર્ગ ભાતભાતની યજ્ઞાદિ ક્રિયામાં જોડવા મથતો હતો.

પરિણામે આ બંને વચ્ચેની તુલના કરતાં એ જમાનામાં આર્યોએ શોધી કાઢયું કે ધર્મ અને તત્ત્વજ્ઞાનનું અધ્યયન ત્રણ પ્રકારે થઈ શકે: (૧) સૈદ્ધાંતિક, (૨) સમુચ્ચય અને (૩) સમવાય. આમાં પહેલી સિદ્ધાંત દૃષ્ટિની વાત કરીએ તો એને અનુસરનારો માણસ પોતાના જ ધર્મ કે સિદ્ધાંતને સાચો માને છે. એને અન્યનો ધર્મ સાચો લાગતો નથી. ઘણી વખત આવો અનન્યાશ્રય એને પોતાના સિદ્ધાંતનું ઊંડાણ તો બતાવે છે પણ ધર્મની સાચી વિશાળતા અને ઉદાત્તતાથી વંચિત રાખી દે છે. સામાન્ય સંજોગોમાં તો તેની આવી સંકુચિતતા અને કચાશ છતી થતી નથી. સમાજના મોટા ભાગના લોકો ધર્મ સંબંધી આવો જ ખ્યાલ ધરાવતા હોય છે, જ્યાં સુધી તેઓ પોતાનો પરંપરિત ધર્મ શીખે છે અને પાળે છે તેઓ પ્રામાણિક અને એકનિષ્ઠ પણ હોય છે; ત્યાં સુધી તો બધું સમુંસૂતર ચાલે છે. પણ પછી, ‘મારો જ ધર્મ મુક્તિનો એકમાત્ર માર્ગ છે, અન્ય ધર્મો અધૂરા અને અસત્ય છે’ – આવો ખ્યાલ ઉપજતાં એક ઝીણી તિરાડ પડવાની એમાં સો ટકા સંભાવના છે. અને પછી ધીરે ધીરે એ તિરાડ પહોળી થતી જાય છે અને છેવટે એમાંથી ભયંકર ધર્મઝનૂન અને આંધળો અહંકાર જન્મે છે.

ધર્માધ્યયનનો બીજો દૃષ્ટિકોણ સમુચ્ચયનો છે. આ સમુચ્ચયના દૃષ્ટિકોણથી કરાતા ધર્માભ્યાસથી પેલો સૈદ્ધાન્તિક દૃષ્ટિથી ઉત્પન્ન થતો સંકુચિતતાનો ભય તો દૂર થાય જ છે. કારણ કે આમાં સૈદ્ધાન્તિક અધ્યયનની સાથે અન્ય ધર્મો પ્રત્યેની સદ્ભાવના પણ સામેલ હોય છે. એટલે આ દૃષ્ટિકોણવાળું ધર્માધ્યયન, અન્ય ધર્મોના આધ્યાત્મિક મૂલ્ય ધરાવતા સિદ્ધાંતોને સ્વીકારવા તૈયાર હોય છે. એટલું જ નહિ પણ માનવજાતના કલ્યાણ માટે બાગમાં ખીલેલાં ફૂલોની માળા પહેરાવવા પણ તત્પર હોય છે. આવો માણસ પેલા સિદ્ધાંતવાદી કરતાં ખૂબ જ ઉદાર અને ઉદાત્ત ચિત્તવાળો હોય છે.

એ સમુચ્ચયવાદીને બે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પહેલી મુશ્કેલી ત્યારે આવે છે કે જ્યારે તે પોતાની આધ્યાત્મિક સાધના માટે કોઈ એક સાધના ચૂંટે છે, એ વખતે તે કાં તો પોતાના ધર્મ-સંપ્રદાયની સાધનાને અથવા તો અન્ય કોઈ સાધના પસંદ કરે છે. જો કે વિશ્વના વિવિધ ધર્મોમાં આધ્યાત્મિક સાધનાની અનેક પદ્ધતિઓ પ્રવર્તમાન છે, છતાં દરેક વ્યક્તિ પોતાના જન્મ, પરંપરાઓ, વાતાવરણ અને સંસ્કારો અનુસાર જ સ્વાભાવિક રીતે સાધનાપદ્ધતિ પસંદ કરે છે કારણ કે એ બધાં દ્વારા જ વ્યક્તિની આધ્યાત્મિક વૃત્તિ બરાબર ખીલી શકે છે અને એનો ઝડપી વિકાસ થઈ શકે છે. એ બધાંને ઉવેખીને વ્યક્તિ કોઈ બીજા જ ધર્મની સાધના પદ્ધતિ અપનાવે, તો આધ્યાત્મિક સ્થગિતતા જ આવી જશે અને કદાચ આધ્યાત્મિક આત્મહત્યા પણ થઈ જશે. આવું ઘણા બધાને થયું જ છે. આવી પસંદગી લગભગ બનાવટી વિશ્વમૈત્રી તરફ દોરી જનારી હોય છે. એમાં બળ નહિ હોય અને ઝંખનાની તીવ્રતા પણ નહિ જ હોય!

આ સમુચ્ચયવાદની પસંદગી કરનારની બીજી મુસીબત એ છે કે તે પોતાનાં મનગમતાં વિવિધ તત્ત્વોને વિવિધ ધર્મોમાંથી પસંદ કરે છે, પછી તેમને ભેગાં કરે છે અને પોતાને અણગમતાં તત્ત્વોને અલગ કરે છે. આમ તે એક નવો જ સંપ્રદાય ઊભો કરવાનો ઇરાદો ધરાવે છે અને આ નવા સંપ્રદાયને પોતાના વ્યક્તિત્વની છાપ મારી દે છે. આવાં મૂલ્યવાન સત્યોનો સંગ્રહ અને વિવિધ ધર્મના ઉપદેશનો સંચય જો કે તુલનાત્મક ધર્મના અધ્યયનમાં આવકારદાયક છે પરંતુ એને સાચી રીતે ‘શાસ્ત્ર’ની કક્ષા આપી શકાય તેમ નથી. કારણ કે દરેક શાસ્ત્ર તો આધ્યાત્મિક સાધનાની કોઈ એક ખાસ પદ્ધતિ અને ખાસ પ્રકારના એક તત્ત્વજ્ઞાનના વિચારોને દર્શાવતું હોય છે અને વળી એ શાસ્ત્ર તો કેટલાક મહાન આચાર્યો, મહાત્માઓ અને પયંગબરોની આધ્યાત્મિક અનુભૂતિઓનું પ્રમાણ ધરાવતું હોય છે. આ અનુભૂતિસંપન્ન મહાપુરુષ જ શાસ્ત્રોની કરોડરજ્જુ હોય છે.

હવે ધર્માધ્યયનનો ત્રીજો દૃષ્ટિકોણ જુઓ: એ દૃષ્ટિ કોણ સમવાયનો – સંશ્લેષણનો છે, સંવાદિતાનો છે. આ દૃષ્ટિકોણે પેલા સમુચ્ચયવાદને દૂર ફેંકી દીધો અને એની જગ્યા પર પોતે અધિષ્ઠિત થઈ ગયો છે. આ દૃષ્ટિકોણમાં વ્યક્તિની ભાવનાનો ઉદ્રેક અને એની તીવ્રતા સાથે પેલા સમુચ્ચયવાદીની ગહનતા અને ઉદારતાનો સમન્વય સધાય છે, સર્વ ધર્મોની સચ્ચાઈ એ પ્રતિપાદિત કરે છે. ‘જતો મત તતો પથ’ની એ શીખ આપે છે. વિશ્વના સ્વભાવસિદ્ધ વૈવિધ્યને એ સ્વીકારે છે એટલે જ વિવિધ ધર્મો અને વિવિધ સંપ્રદાયો જનસમાજની આજની પરિસ્થિતિમાં હોવા જ જોઈએ તેમ માને છે. આ દેખીતા વૈવિધ્યમાં એકતા જોવાનો એનો હેતુ છે.

આ જમાનાની વાત કરીએ તો જ્યારે આવા સમન્વયની ભારતને અને વિશ્વને જ્યારે આવશ્યકતા પડી તેવે અણીને વખતે એ સંવાદિતાના વૈતાલિક તરીકે ભગવાન શ્રીરામકૃષ્ણ જન્મ્યા હતા. નવીન ભારતમાં પ્રથમ નાગરિક રૂપે રાજા રામમોહન રાયે વિશ્વના એકમાત્ર વૈશ્વિક ચેતનાની પૂજા કરવાની હિમાયત કરી. કેશવચંદ્ર સેને પણ એમાં સૂર પુરાવ્યો. પણ માનવના સ્વાભાવિક રીતે જ રહેલાં રસ – રુચિ – વલણની વિવિધતા ઉપર તેમણે લક્ષ ન આપ્યું. એ સમન્વય કરતાં મિશ્રણ વધારે હતું. સમન્વય અને મિશ્રણનો ભેદ તેઓ પારખી ન શકયા એટલે છેલ્લે મહાન સમન્વયવાદી શ્રીરામકૃષ્ણદેવે એ ક્ષતિ પૂરી કરી. સર્વધર્મસંપ્રદાયોનું અસ્તિત્વ કાયમ રાખી અને સૌનો સ્વીકાર કરીને એમણે સર્વ ધર્મોનો સમન્વય પ્રબોધ્યો. શ્રીરામકૃષ્ણદેવની સાથે સરખામણી કરવી હોય તો કેવળ શ્રીકૃષ્ણની જ થઈ શકે. એ ગીતાકાર ભગવાનની પેઠે જ ભગવાન શ્રીરામકૃષ્ણ પણ સમન્વયવાદના ધ્વજધારી હતા. તેઓ સંવાદિતા અને ધર્મસમાધાનના ઉત્તમોત્તમ અગ્રણી હતા. તેઓ આપણને કૃષ્ણની યાદ તાજી કરી આપે છે. કૃષ્ણે પરસ્પર ઝઘડતા સંપ્રદાયોનું સમાધાન કર્યું હતું અને પોતાના સમયમાં સનાતન ધર્મનો ઉદ્ધાર કર્યો હતો. તેવી જ રીતે ધર્મના જીવતા – જાગતા સ્વરૂપ સમા ભગવાન રામકૃષ્ણે પણ વિશ્વના પરસ્પર ઝઘડતા ધર્મોનું સમાધાન કરી આપ્યું, જાતે પ્રયોગ કરીને એનું નિદર્શન પણ આપ્યું.

શ્રીરામકૃષ્ણના આવ્યા પહેલાં પણ નાનક અને કબીરે ધર્મસંવાદિતાના સૂરો વગાડીને જાણે કે રામકૃષ્ણના આગમનની છડી પોકારી હતી.

વૈવિધ્યને કાયમ રાખ્યા છતાં એમાં એકતા જોવાની આ સંવાદિતા તો આર્ય પ્રજાની નસે નસમાં હતી અને છે. શ્રીરામકૃષ્ણ એનું જ એક સમષ્ટિ – સઘન – સ્વરૂપ છે. સંવાદિતામાં પરિણમતું આવું સંશ્લેષણ ખાલી શોધક વૃત્તિથી ન જ આવી શકે. અનુભવ સિવાય આવું ઐકયદર્શન શકય જ નથી. વિશ્વમાં પ્રાચીન ભારતીય પ્રજાને બીજા કોઈપણ દેશની પ્રજા કરતાં શ્રેષ્ઠ પુરવાર કરનાર જો કાંઈ પણ બાબત હોય તો તે તેની આવી બુદ્ધિ, આવું મનોવલણ, આવી ઉષ્માભરી લાગણી, આત્મજ્ઞાનની આવી સહજ પરખ વગેરે ઈશ્વરે આપેલા ઉપહારો જ છે! ભારતને મળેલી આ દિવ્ય ભેટ જ એને વૈયક્તિક ખાસિયતોને ખસેડીને સર્વનું સામાન્યીકરણ કરવાનું સામર્થ્ય આપે છે. એ જ એને ભેદની ભીંતોને ભાંગીને ખુલ્લા આકાશના સૂર્યપ્રકાશમાં મૂકી શકી છે. આ ભેટ ન હોત તો કોણ જાણે શું નું શું થઈ જાત?

તત્ત્વજ્ઞાન અને ધર્મના આગળ બતાવેલા ત્રણ દૃષ્ટિકોણો (સૈદ્ધાન્તિક, સમુચ્ચય અને સમવાય) તો ભારતમાં ખૂબ પ્રાચીન કાળથી જાણીતા હતા. ઋગ્વેદનો એક ઉપાસક પોતાને માટે એક દેવતાની પસંદગી કરે છે અને એ રીતે ઈંદ્ર, મિત્ર, વરુણ વગેરે પસંદ કરાયા છે. આમ કોઈ એક તો કોઈ બીજાને પ્રાર્થે છે અને પ્રાર્થના કરતી વખતે તેને જ સૌથી શ્રેષ્ઠ કહે છે. આ ઉપાસના પદ્ધતિને મેક્સમૂલરે ‘કેથેનોથેઈઝમ’ તરીકે ઓળખાવી છે. આ દેવની પૂજા કર્યા પછી એ જ રીતે બીજા દેવની પૂજા કરવાની પ્રાર્થના પદ્ધતિ ‘હેડોનિઝમ’ તરીકે ઓળખાય છે તે વખતે બ્રહ્મ અથવા વિશ્વના પરાત્પર તત્ત્વ બ્રહ્મની પૂજા પણ પ્રચલિત હતી. કોઈ દેવમાં એવા બ્રહ્મની અભિવ્યક્તિ થઈ છે એમ માની એ દેવની પૂજા થતી. આવી પૂજા-ઉપાસના પ્રાચીન ભારતીય જનોમાં સર્વસાધારણ હતી અને આજ પણ છૂટથી એ પ્રચલિત છે. એમાં એમની એવી વિભાવના હોય છે કે દરેકે દરેક દેવ અથવા તો પોતાના ઈષ્ટદેવ કે આદર્શમાં પરબ્રહ્મની જ અભિવ્યક્તિ થાય છે.

એ તો જાણીતી વાત છે કે વેદકાલીન માનવ વૈદિક કર્મકાંડથી ઉપાસના કરતો અથવા તો માનસિક રીતે – જ્ઞાનકાંડની રીતે દેવની ઉપાસના કરતો: સમય જતાં લોકો બંનેની સેળભેળ કરીને દેવોપાસના કરવા લાગ્યા. એટલે પછી જ્ઞાનકર્મસમુચ્ચયનો યુગ આવ્યો. પછી વળી જ્ઞાનભક્તિના સમુચ્ચયનો યુગ આવ્યો. અને એ રીતે ઉપાસનાનાં સ્વરૂપો બદલાતાં ચાલ્યાં. મનુષ્યનાં રસ, રુચિ, વલણ, આવશ્યકતા, આધ્યાત્મિક જરૂરત – વગેરેને લીધે આમ થયું. પણ ઉપાસના તો કોઈને કોઈ રૂપે ચાલુ જ રહી. દેવ – સત્ તો ચાલુ જ રહ્યું!

ભારતીય ચિન્તનના ઇતિહાસનાં ઉજ્જવલતમ અને અભિનવ પાસાંઓ પૈકીનું એક ઋગ્વેદકાળનું જાણીતું એવું આ વિધાન છે કે ધુ઼પ ઢળ્ ;ન્ નરૂે ઢર્દૃધ – ‘એક જ સત્યને ઋષિઓ અનેકરૂપે વર્ણવે છે.’ એક જ સત્યને ઋષિઓ અગ્નિ, યમ, માતરિશ્વા વગેરે કહે છે.’ યાજ્ઞવલ્કય અને દીર્ઘતમસ્ જેવા ઋષિઓનો આવો સમન્વયમૂલક ઉપદેશ છે. એમણે વિવિધ દેવોની ઉપાસનાઓ અને વિચાર વૈવિધ્યને સમન્વયની દૃષ્ટિથી જોયા છે.

આવા સંવાદિતાના સુપ્રસિદ્ધ ઉપદેશક વૈદિકોત્તર કાળમાં કૃષ્ણ થયા. ભગવદ્ ગીતાના ગાયક ભગવાન શ્રીકૃષ્ણ એવે વખતે પ્રકટ થયા કે જ્યારે ભારતીય સમાજમાં કર્મ અને જ્ઞાનના સંદર્ભે તેમજ ભક્તિ અને યોગના સંદર્ભે ભારે સંઘર્ષ ફેલાઈ રહ્યો હતો. એ વખતે આધ્યાત્મિક સાધનાના આ ચાર માર્ગો પ્રધાનતયા પ્રચલિત હતા. વળી વિવિધ જાતિઓનાં કર્તવ્યો, ફરજો સંબંધે પણ સમાજમાં વિખવાદ ચાલી રહ્યો હતો. ઉચ્ચ – નીચના ભેદો પણ ઉપસી રહ્યા હતા એટલે શ્રીકૃષ્ણની સામે તે સમયે ધાર્મિક, તત્ત્વજ્ઞાનસંબંધી અને સામાજિક સમસ્યાઓ ખડી હતી. ભગવદ્‌ગીતામાં તેમણે આપેલા ઉપદેશો અતિ ભવ્ય અને વિસ્તૃત રીતે આધ્યાત્મિક વિચારોનો સમન્વય સાધે છે અને તેમનું જાણીતું જીવન સમગ્ર ધર્મજીવનના અને સમગ્ર ધાર્મિક સાહિત્યના સર્વે સીમાડાઓને આંબી જાય છે. તેમણે સર્વધર્મનો અને સર્વે સંપ્રદાયોનો સંબંધ સાધ્યો છે. તત્ત્વજ્ઞાનની બધી વિરોધી પદ્ધતિઓનું સમાધાન કરી બતાવ્યું, વર્ણાશ્રમનાં કર્તવ્યો સુયોગ્ય રીતે ગોઠવી આપ્યાં. એમણે પોતાનું આધ્યાત્મિક ચિન્તન દૂર-સુદૂર સુધી ફેલાવ્યું. એમણે વૈદિક જ્ઞાનનિધિની સૌને લહાણી કરી. એમણે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર વગેરે સૌને બ્રાહ્મણના અધિકાર આપ્યા, એમણે સામાજિક વિષમતાઓને દૂર કરી દીધી!

શ્રીકૃષ્ણ પછી સેંકડો વર્ષો બાદ ફરીથી વિષમતાઓએ માથું ઊંચકયું. સાંપ્રદાયિકતા વધી, સંવાદિતા વિસરાઈ ગઈ. શૈવાગમ, શાક્તાગમ વગેરે અવૈદિક આગમોની વિચારધારાઓ ચારે તરફ ફેલાઈ ગઈ. ષડ્દર્શનોએ ‘સત્’ પદાર્થના પોતાને મનગમતા ભાતભાતના અર્થો કરવાનું કામ કર્યું અને પરસ્પર ઝઘડા થવા લાગ્યા. આગમોમાં પણ કલેશ અને કલહો વધી પડયા. ઈષ્ટદેવતાઓ પણ જાણે પરસ્પર શ્રેષ્ઠતાની લડાઈમાં ઊતર્યા હોય એવું જણાવા લાગ્યું. વેદાંતની ત્રણ શાખાઓ – અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત તો પરસ્પર ઝઘડતી જ હતી જ પણ એમાંયે અવાન્તર કલહો શરૂ થઈ ચૂક્યા હતા.

આવી વિષમ પરિસ્થિતિમાં પણ પેલો સમન્વય, શાંતિ અને સંવાદનો પેલો જુગ જૂનો સ્વર અંત:સલિલા સરસ્વતીની પેઠે ભારતમાં સંભાળતો જ રહ્યો. એ કદીય મર્યો નથી. એ વખતે પણ તાંત્રિક વિવિધ ઈષ્ટદેવતાઓ એક જ પરમતત્ત્વ બ્રહ્મની વિવિધ અભિવ્યક્તિઓ છે એમ મનાતું આવ્યું છે. ષટ્દર્શનોના તત્ત્વજ્ઞાનની પણ વિવિધ દૃષ્ટિકોણથી દેખાતા એક જ સત્ તત્ત્વના અભ્યાસ તરીકે ગણના થતી આવી છે. વેદાંતના ત્રણેય સંપ્રદાયોને પણ ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે’ના માપદંડથી જ માપવામાં આવ્યા કર્યા છે. આ સંવાદિતાનું સંગીત ભલે કોઈવાર ભૂગર્ભમાં ચાલ્યું ગયું હોય, સ્થૂળ નજરે દેખાતું – સંભળાતું ન હોય છતાં પ્રાચીન સમયથી આજ સુધી અમર – શાશ્વત જ રહ્યું છે. ભારતવર્ષના લોહીમાં આ સંગીત વણાઈ ગયું છે. એક જ સત્ તત્ત્વના દૃષ્ટિકોણની વિવિધતાને લીધે અનેક સ્વરૂપો થાય છે. વિવિધ માનવીય સ્તરોની વિવિધ આધ્યાત્મિક ઉપલબ્ધિઓનું જ એ પરિણામ છે.

એક વાર શ્રીરામચંદ્રે હનુમાનને પૂછયું કે ‘હનુમાન, તમે મને કઈ રીતે જુઓ છો?’ હનુમાને ઉત્તર આપ્યો: ‘દેહબુદ્ધિથી હું તમને માલિક તરીકે જોઉં છું, જીવબુદ્ધિથી હું તમારો અંશ છું એમ માનું છું પણ બ્રહ્મબુદ્ધિથી તો તમે અને હું એક જ છીએ એમ જોઉં છું.’ આવો જ સંવાદિતાનો સંદેશો શિવમહિમ્ન સ્તોત્રનો પેલો શ્લોક પણ આપે છે કે ‘વેદો, સાંખ્ય, યોગ, પાશુપત વૈષ્ણવ બધા જ એક યા બીજી રીતે એક જ પરમતત્ત્વને પામે છે! આ કે તે સારું છે’ – એ તો માણસના રસ રુચિ પર આધાર રાખે છે. જાણ્યે – અજાણ્યે, વાંકેચૂંકે રસ્તેથી પણ નદીઓ સાગરને જ મળે છે, તેવી જ રીતે આ જગત પણ જાણ્યે – અજાણ્યે, અથડાઈ, કુટાઈને પણ છેવટે એ સત્ તરફ જ આગળ ધસી રહ્યું છે. આ એક જ તત્ત્વ-હરિને શૈવો શિવ, વેદાંતીઓ બ્રહ્મ, બૌદ્ધો બુદ્ધ, નૈયાયિકો સર્જનહાર, જૈનો તીર્થંકર અને કર્મવાદીઓ કર્મસિદ્ધાંત તરીકે વર્ણવે છે. મધુસૂદન સરસ્વતી લખે છે કે ‘સાચી વાત તો એ છે કે જે બધા મુનિઓએ પોતપોતાના સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા છે, તે બધા એક અદ્વિતીય પરમતત્ત્વનું જ પ્રતિપાદન કરે છે.’ (પ્રસ્થાન ભેદ). મધુસૂદનને આવા ભેદો માનવીય સ્તરભેદને અનુલક્ષીને કરાયા છે એમ લાગે છે.

હિન્દુ ધર્મનો આ જ શાશ્વત સંદેશ છે. ઇતિહાસે નોંધેલા ધર્મોમાં એટલા જ માટે એ એક અનન્ય સ્થાન ધરાવે છે. કારણ કે એમાં સર્વધર્મોની સચ્ચાઈનો સ્વીકાર છે. દરેક ધર્મ સત્યની કોઈક ને કોઈ બાજુ બતાવે જ છે પણ આ કંઈ ખાલી કહેવાની જ વાત નથી, અનુભવ કરવાની વાત છે; એ જીવી જાણવાની વાત છે.

ધર્મને આ જીવી જાણવાની વાતમાં શ્રીરામકૃષ્ણ અત્યન્ત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં તેમણે પોતાની અનન્યતા હાંસલ કરી છે. તેમણે સફળ રીતે ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં બધાં સ્વરૂપો તાદૃશ રીતે જીવી બતાવ્યાં એટલું જ નહિ પણ ખ્ર્રિસ્તી અને ઈસ્લામને પણ જીવી બતાવ્યા. એમની ધર્મસાધના અને અનુભૂતિઓ એટલી બધી વિશાળ હતી કે એ પહેલાં ક્યારેય કોઈએ કદાચ કરી નથી. આવી જીવતી જાગતી ધર્મમૂર્તિ ભારતમાં કે અન્ય કોઈ દેશમાં થઈ હોય એવું જાણમાં નથી. એમની સગુણ કાલીપૂજા એમની નિર્ગુણ – નિર્વિકલ્પસિદ્ધિની આડે આવી શકી નથી.

ભારતમાં તેઓ અણીને ટાણે જન્મ્યા અને સમુચિત દેશકાળમાં જ એમણે ઉપદેશ આપ્યો. હિન્દુ પરંપરામાં ઉછેર થયા સિવાય કોઈ એવો ઉપદેશ આપી શકે નહિ. અને શ્રીરામકૃષ્ણ ભારતીય સંસ્કૃતિનું જ સંતાન હતા! તેઓ બંગાળમાં સને ૧૮૩૬માં જન્મ્યા, ત્યારે એવો સમય હતો કે તેમના જીવનકાળ દરમિયાન જ સૌ પ્રથમ વાર આખું વિશ્વ સાહિત્યિક રીતે એક તાંતણે બંધાઈ રહ્યું હતું. આજે હજુ પણ આપણે વિશ્વ ઇતિહાસના સંક્રાંતિકાળમાં જ જીવી રહ્યા છીએ છતાં આપણને એટલું તો ચોખ્ખું સમજાઈ ગયું છે કે પશ્ચિમમાં શરૂ થયેલ આ પ્રક્રિયાનો અંત, (માનવવંશનો જો આપઘાત ન થવાનો હોય તો -) ભારતમાં થવાનો છે. આજે તો પશ્ચિમની પ્રૌદ્યોગિકીથી ભૌતિક સ્તરે વિશ્વૈક્ય સર્જાયું છે ખરું, પરંતુ પશ્ચિમનું એ કૌશલ પોતાના વિનાશને આરે ઊભું છે. એટલું જ નહિ, એણે દુનિયાના બધા લોકોને ઘાતક હથિયારોથી સુસજ્જ કરી દીધા છે અને એવા લોકોના હાથમાં એ વિનાશક હથિયારો આવી પડયાં છે કે જેઓ પ્રેમ કરવાનું શીખ્યા જ નથી! આ રીતે આજે માનવ ઇતિહાસની અત્યંત ભયાનક ઘડી આવી પડી 

છે! આજે માનવજાતિ માટે બચવાનો એકમાત્ર માર્ગ બાકી રહ્યો છે અને તે છે ભારતનો સમન્વય – સંવાદિતા – નો માર્ગ!

સમ્ર્રાટ અશોક અને મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત અને રામકૃષ્ણનો ધાર્મિક સંવાદિતાનો પ્રમાણભૂત માર્ગ જ વિશ્વને ઉગારી શકે તેમ છે. સમગ્ર વસુધાને એક કુટુંબ તરીકે માનીને એનો વિકાસ કરવાનું શકય બને તે માટે એવા સિદ્ધાંત અને સંવાદિતાનું વલણ કેળવવાની ખૂબ જરૂર છે: એ માટેની તાલાવેલી આપણે જગાડવી જ પડશે. એ સિવાય તો ઉગરવાનો કોઈ જ આરો-ઓવારો નથી.

આ અણુયુગમાં માનવવંશને આ ભારતીય માર્ગ અનુસરવાની જ વિશ્વને જરૂર છે. આ અશોક – ગાંધી – રામકૃષ્ણના માર્ગ કરતાં, બચવા માટે અન્ય કોઈ વધુ બળૂકો માર્ગ નથી. એનું કારણ એ છે કે એ માર્ગ આધ્યાત્મિકતાના સચ્ચાઈભર્યા દર્શનમાંથી જ પ્રસ્ફુરિત થયો છે.

સંદર્ભ ગ્રંથ:

Shree Ramakrishna and his Unique massage – Swami Ghanananda.

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.