(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.)

(એપ્રિલથી આગળ)

શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને બધી વસ્તુઓ પૂરી પાડતા. તેઓ શ્રીમાની પણ એ જ રીતે સેવા કરતા. તેઓનું સમગ્ર કુટુંબ શ્રીમાને સર્વોચ્ચ દેવી તરીકે પૂજતું હતું અને તે કુટુંબને શ્રીમાના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. બલરામ બોઝ શ્રીમાનો સહનશીલતાના મહાન સદ્ગુણના મૂર્તિમંત સ્વરૂપ તરીકે ઉલ્લેખ કરતા. સ્વામી વિવેકાનંદ અક્ષયકુમાર સેનને હુલામણા નામ, શાંખચુનીથી બોલાવતા હતા. શ્રી સેને પોતાના પ્રખ્યાત મહાકાવ્ય, “શ્રીરામકૃષ્ણ પૂંથી”માં શ્રીમાની ભવ્યતા આ રીતે વર્ણવી છે:

હે વૈશ્વિક માતા, તમારો જય હો, જય હો,

ગુણ ધર્મયુક્ત અને ગુણધર્મ વિનાના શાશ્વત

બ્રહ્મ તમે છો.

અપ્રતિમ છો તમે; નિરાકાર.

પુરુષ તમે છો, પ્રકૃતિ તમે છો;

સર્જનનું સર્વોચ્ચ ઉદ્ગમસ્થાન તમે છો,

ચોવીસ પ્રકારો તમે છો, સ્થૂળ અને સૂક્ષ્મ.

વિશ્વનું સર્જન અને પાલન

તમારી ઇચ્છાથી થાય છે.

અને તેનો નાશ થાય છે જ્યારે તમે તેને

તમારા ખોળામાં સમાવી દો છો,

સર્જન કરેલી બધી વસ્તુઓ તમારી

રમત-પેટીમાંના

રમકડાં છે.

તમે ‘લીલા’ પ્રિય છો, તમે હંમેશા ‘લીલા’ કરો છો,

તમે હંમેશા ‘લીલા’ કરો છો.

એક બીજા ભક્ત મનોમોહન મિત્રાને દેવી લક્ષ્મી તરીકે શ્રીમાનું દર્શન થયું હતું. બંગાળીના પ્રખ્યાત લેખક, દેવેન્દ્ર મઝુમદારે કલકત્તામાં એન્ટલી ખાતે પ્રાર્થના-ખંડ રાખ્યો હતો કે જે ‘શ્રીરામકૃષ્ણ અર્ચનાલય’ તરીકે જાણીતો હતો. દેવેન્દ્રના આમંત્રણનો સ્વીકાર કરીને શ્રીમાએ એ સ્થળની મુલાકાતો લીધી હતી. શ્રીમાને અર્પિત એવા નીચેના ગીતમાં દેવેન્દ્રની ભક્તિ વ્યક્ત થાય છે:

હું તમારો ચંચળ બાળક છું;

તમારા ખોળામાં લઈને, હે માતા

મને સાંત્વન આપો.

હે માતા તમારા સિવાય હું કોને શરણે જાઉં?

દયા વિના પિતાએ મને છોડી દીધો છે.

હું અહીં-તહીં ભટકું છું,

જાણીને, તમે મારી સાથે વાતો નથી કરતા,

મેં આ કદી નથી સાંભળ્યું –

કે માતા કુપુત્રના મૃત્યુનો શોક નથી કરતી.

હરમોહન મિત્રા સ્વામી વિવેકાનંદના સહાધ્યાયી હતા અને માની સેવા માટે છૂટથી પૈસા ખર્ચતા હતા. શ્રીમા જે પ્રકારની બંગડીઓ પહેરતા હતા તે લાંબા સમયના ઉપયોગથી પહેરવા યોગ્ય ન હતી. શ્રી હરમોહને શ્રીમા માટે નવી બંગડીઓ બનાવડાવી. બીજા ભક્ત મણીન્દ્ર કૃષ્ણ ગુપ્ત કવિ ઈશ્વરચંદ્રના પુત્ર હતા અને તેઓને શ્રીમાનો વિશેષ પ્રેમ મળ્યો હતો.

શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્તોમાં પ્રખ્યાત નાટક લખનાર શ્રી ગિરીશચંદ્ર ઘોષ હતા. તેમનો શ્રીમા સાથે વિશિષ્ટ સંબંધ હતો. તેમણે કહ્યું, “શું શરૂઆતના દિવસોમાં આપણે પોતે શ્રીમાને ઓળખી શક્યા? નિરંજને આપણી આંખો ખોલી.” ત્યાર પછી ગિરીશ શ્રીમાને વિશ્વની દિવ્ય માતા તરીકે ગણતા હતા. એક વખત ગિરીશ પોતાની યુવાનીમાં એક્લા ગંભીર માંદગી ભોગવી રહ્યા હતા ત્યારે તેમને શ્રીમાનું અદ્‌ભુત દર્શન થયું હતું. ગિરીશના અણઘડ પ્રશ્નના જવાબમાં – “તમે કેવા પ્રકારનાં માતા છો?” – એક પણ ક્ષણ અચકાયા વિના, શ્રીમાએ ઉત્તર આપ્યો: “હું તમારી સાચી માતા છું – તમારા ગુરુની પત્ની હોવાને કારણે નહીં, કોઈ ધારી લીધેલા સંબંધને કારણે નહીં, કોઈ અર્થહીન વાત કરવાની રીતે પણ નહીં, પરંતુ ખરેખર તમારી માતા.”

આ ઉત્તર માત્ર ગિરીશ માટે ન હતો પરંતુ તેમના બધા બાળકોને સંબોધીને કહેવાયો હતો. જ્યારે તેમનો એક માત્ર પુત્ર બાલ્યાવસ્થામાં મૃત્યુ પામ્યો ત્યારે ગિરીશ ખૂબજ શોગ્રસ્ત હતા અને તેમના વ્યથિત હૃદયને શાંતિ મળે એ માટે સ્વાર્થી નિરંજનાનંદ તેમને જયરામવાટી લઈ ગયા. ત્યાં શ્રીમાએ તેમની ખૂબ સંભાળ લીધી અને શ્રીમાના શુદ્ધ પ્રેમને કારણે તે મહાન કવિનું શ્રીમાને શરણે ગયેલા એવા એક બાળકમાં રૂપાંતર થયું. જયરામવાટીમાં, ગિરીશને શ્રીમાની સાચી મહાનતા અને દિવ્યતાનો અમુક અંશે ખ્યાલ આવ્યો. શ્રીમાના સગાભાઈ કાલીપ્રસાદે માની દિવ્ય પ્રકૃતિ સમજવાની અશક્તિ વ્યક્ત કરી, ત્યારે ગિરીશ બોલી ઊઠ્યા: “તમે માત્ર એક નાના ગામના બ્રાહ્મણના પુત્ર છો… તમને સમગ્ર જીવન પર્યંત એમ વિચારતા રાખે કે તેઓ માત્ર તમારાં બહેન છે, એ શું તે સમસ્ત માયાના મહાન ઉદ્ગમસ્થાન માટે અશક્ય છે? જાવ, અને જો તમારે આ જીવનમાં અને આ જીવન પછી પણ મુક્તિ જોઈતી હોય તો તુરત શ્રીમાના શરણે જાવ.”

કલકત્તામાં એક બીજા પ્રસંગે ગિરીશે ભક્તોના સમૂહ આગળ શ્રીમાની ઉપસ્થિતિમાં જાહેર કર્યું… “તેઓ વિશ્વની માતા છે – મહામાયા, મહાશક્તિ, પ્રાણીઓની મુક્તિ માટે પૃથ્વી પર આવેલાં અને એ જ સમયે સાચા માતૃત્વનો આદર્શ પૂરો પાડનાર.”

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી સી. એમ. દવે

(‘પ્રબુદ્ધ ભારત’, મે, જૂન, જુલાઈ ૧૯૯૧માંથી સાભાર)

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.