(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)
(જૂન, ૨૦૧૮ના અંકથી આગળ)
૧૨-૦૬-૧૯૬૦
પ્રેમેશ મહારાજ – જ્ઞાન થવાથી વ્યક્તિ સંસાર-જગતને બ્રહ્મમય જુએ છે. ત્યાં સુંદર અને ખરાબ આ પ્રશ્ન નથી. વિષ્ઠા અને ચંદન એક સમાન લાગશે. એટલે જ તો સંસારનું કોઈ જ્ઞાન જ નથી રહેતું. જો આ ભાવ રહે, તો ત્યાં સારું-માઠું, સુખ-દુઃખ બધું રહેવાનું; જેની પાસે દૃષ્ટિ છે, વિવેક છે તેને આ સંસાર દુઃખમય લાગે છે. આ સંસાર જેટલા પ્રમાણમાં દુઃખમય અનુભવીશું, તેટલા પ્રમાણમાં તેને છોડવાની ઇચ્છા પણ રહેવાની. અને પછી કોઈ ચિરસ્થાયી આનંદનો અને મનનો ઝુકાવ રહેશે, આકર્ષણ રહેશે.
સાચી વાત છે મનને તલ્લીન બનાવી દેવું. શુદ્ધચિત્ત, ઈશ્વરની કૃપા અને ભોગોની સમાપ્તિ આ બધું એક જ છે. નિષ્કામ કર્મ કરતાં કરતાં ચિત્ત શુદ્ધ અને પવિત્ર બને છે તેમજ સત્ય પ્રતિભાસિત થાય છે. ત્યારે એવું લાગે છે કે આ ઈશ્વરની કૃપાથી થયું. પરંતુ જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ રહે છે, ત્યાં સુધી માનસમૂર્તિ—મનમાં મૂર્તિનો આશ્રય લઈને ઉપાસના કરવી જોઈએ.
જો મન ઉન્નત છે, તો જપથી ધ્યાન સારું. જપ કરી રહ્યા હો અને મન બીજી બાજુ અહીંતહીં ઘૂમી રહ્યું છે! ધ્યાન કરતી વખતે મનની ગતિ સમજાય છે.
આ સંસાર રજોગુણનું સ્થાન છે. અહીં રહેવાથી જ ધીમે ધીમે ભોગની વસ્તુઓ એકઠી થતી રહેશે અને મન ક્યારે ભોગ તરફ ઝૂકી જાય, એને સમજી નહીં શકો.
પ્રશ્ન – શરીરના નાશ સાથે આ ચૈતન્યનો વિનાશ થતો નથી, એ હું કેવી રીતે સમજું?
મહારાજ – એક વસ્તુને ગરમ કરીને એને ઠંડી કરો. તેની ગરમી ક્યાં ચાલી ગઈ? તેની ગરમી વિરાટ તાપ, ગરમીની સાથે મળી ગઈ.
પ્રશ્ન – શરીરની બધી ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરે છે. હું દ્રષ્ટા છું, હું એ જ ચૈતન્ય વસ્તુમાં છું. શું ‘યથાકાશસ્થિતો’ના જેવું?
મહારાજ – હું ચૈતન્ય વસ્તુમાં છું, એવું નથી. હું જ ચૈતન્ય વસ્તુ છું. એ શેના જેવું છે, એ હું તને સમજાવી ન શકું. એને તારે પોતે જ સમજવું પડે છે. તમને એક વાત કરું છું, ‘નામયશ જ શ્રેષ્ઠ મનની અંતિમ કમજોરી છે. Fame is the last infirmity of noble mind.’ હું શું જાણું બાબુ, તમને લોકોને આવું થાય છે કે નહીં, મને તો થાય જ છે. કોઈની પ્રશંસા સાંભળતાં જ છાતી ફુલાઈ જાય છે અને નિંદા સાંભળતાં જ સંકોચાઈ જાય છે.
૧૪-૦૬-૧૯૬૦
કોઈ એક ભક્ત આસામથી મહારાજજી માટે એક ચટાઈ લાવ્યો. એક વ્યક્તિએ કહ્યું, ‘મહારાજજીને ચટાઈનું મહત્ત્વ બહુ જણાશે નહીં, કારણ કે ત્યાં જ એમનો જન્મ થયો છે.’
મહારાજજીએ સાંભળીને હસતાં હસતાં કહ્યું – ગૃહસ્થોની આ જ એક વાત છે, જન્મભૂમિની. એ લોકો જન્મભૂમિના સંસ્કારોને છોડવા ઇચ્છતા નથી.
અહીં (સારગાછિમાં) કેટલાક લોકોએ અતિથિનિવાસ બનાવવા માટે ૨,૦૦૦ રૂપિયા દીધા હતા. પાયાનું ખોદકામ થયું. મેં આવીને પરાણે બુદ્ધિપૂર્વક રૂપિયા પાછા અપાવી દીધા.
અમારા સાધુઓમાંથી મોટા ભાગના એ નથી જાણતા કે એ લોકો સંઘના સાધુ છે. એ બધા મિશન મિશન કરતાં કરતાં કર્મ કરે છે. તેઓ મિશનના સાધુ નથી, એ વાતને તેઓ જાણતા નથી. મઠના સાધુ બહાર જઈને થોડું સેવાકાર્ય કરીને પછી મઠમાં ચાલ્યા આવતા. પરંતુ આજકાલ મિશન મઠને ગળી ગયું છે, પોતાનામાં ભેળવી દીધું છે. પહેલી વાર સ્વામી વિવેકાનંદજીએ બલરામ બાબુના ઘરે મિશનની સભા કરી હતી. મઠની કાર્યવાહક સમિતિનું નામ ટ્રસ્ટીમંડળ છે. મિશન માટે સંચાલન સમિતિ છે. દર ત્રણ વર્ષે એક વાર સાધારણ સભા થાય છે અને માત્ર એક વાર સંમેલન, Convention થયું છે. ૧૯૨૬માં બધા ભક્તો સાથે તે સભા થઈ હતી. તમારે લોકોએ તો કાર્ય કરવાનું રહેશે. પરંતુ કાર્ય વિશે કહું છું—વધારે કાર્ય કરવાથી સાધુતાનું રક્ષણ થઈ શકતું નથી. માસ્ટર મહાશયે તો થોડા પ્રબંધક લખ્યા હતા. એમણે પાંચ ખંડમાં કથામૃત – શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રકાશિત થતાં પહેલાં પોતાના આ બધા પ્રબંધોને એક નાની એવી પુસ્તિકાના રૂપે પ્રકાશિત કર્યા. એવું લાગે છે કે એમણે એવું વિચાર્યું હતું કે તેઓ હવે વધારે દિવસ સુધી જીવશે નહીં. તેઓ મિશનની વિરુદ્ધમાં હતા. તેઓ કહ્યા કરતા, ‘શ્રીઠાકુરે કહ્યું છે – પહેલાં કાલીદર્શન ત્યાર પછી દાનધ્યાન, પહેલાં ઈશ્વરદર્શન ત્યાર પછી પરોપકાર, બીજાની સેવા.’ કાશીમાં શ્રીમા શારદાદેવી છે. એમણે સેવાશ્રમને ૧૦ રૂપિયા આપીને કહ્યું હતું, ‘હું જોઉં છું કે સ્વયં ઠાકુર (અહીં) વિરાજમાન છે.’ મહારાજે (સ્વામી બ્રહ્માનંદજીએ) તો માસ્ટર મહાશયને બોલાવ્યા. માસ્ટર મહાશયે હાથ જોડીને કહ્યું, ‘જો શ્રીમાએ કહ્યું છે, તો માનવું પડશે.’
જો ઈશ્વર જ વાસ્તવિક લક્ષ્ય રહે, તો કર્મ કુલી એટલે કે મજૂરનું કાર્ય બની જાય છે. આપણો કર્મક્ષય એમની (ઈશ્વરની) તરફ આગળ વધવા માટે છે. કર્મમાં જ તો સાચી પરીક્ષા છે. કર્મ ન કરવાથી તો બધા પરમહંસ છે. કર્મમાં કામ અને ક્રોધને વશમાં રાખવા બહુ કઠિન છે. કર્મમાં બધાની સર્વ પ્રકારની ઢોંગબાજી પ્રગટ થઈ જાય છે. એટલે તો સ્વામીજી કર્મની વ્યવસ્થા કરી ગયા છે. સ્વામીજીએ પણ જે કર્મની વાત કહી છે, તેનું લક્ષ્ય ‘આત્મનો મોક્ષાર્થમ્’, આત્મકલ્યાણ છે. એમણે પોતાના શિષ્યને (શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય) સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું, ‘હું નિવૃત્તિમૂલક કર્મ, નિષ્કામ કર્મની વાત કહી રહ્યો છું.’
પ્રશ્ન – જો આપણે નિવૃત્તિમૂલક જ કાર્ય કરીએ, તો પછી શા માટે આપણા લોકોમાં આટલા પ્રકારના ભેદ છે અને શા માટે કેટલાક સંઘ છોડીને ચાલ્યા જાય છે?
મહારાજ – કર્મનો સ્વભાવ જ એવો છે. કર્મમાં કેટલા પ્રકારના લોકોની આવશ્યકતા પડે છે.
મેં એક સાધુના હાથમાં વીંટી જોઈ. હું તો વૃદ્ધ સાધુ હતો, તેને કર્તવ્ય શું છે એ સમજાવવું છે, એમ વિચારીને તેને થોડું ઘણું સમજાવ્યું. પણ મેં જોયું કે એ સાધુ સમજ્યા નથી. ત્યારે હું ચુપ થઈ ગયો.
એક વ્યક્તિ આવીને સાત વર્ષ રહ્યો. મને જમવાનું આપતો. ગીતાનો દશમો અધ્યાય બરાબર વાંચ્યો હતો. મેં પરીક્ષા લીધી, તે બધું સારી રીતે સમજતો હતો. પરંતુ શું થાય! બાળપણથી જ કોઈ ખરાબ સંસ્કાર હતા. અંતે જોયું કે તેનો રોગ મટતો નથી. તેણે કહ્યું કે ઘરે માને કંઈક થયું છે, તેની વ્યવસ્થા કરવી પડશે. ઘરમાં આટલા બધા લોકો હતા, એને આટલી ચિંતા કેમ હતી! બીજાં પણ ઘણાં લક્ષણ જોવા મળ્યાં. ત્યારે મેં એને સમજાવીને ઘરે જવા કહ્યું.
પરંતુ જુઓ, મેં તમને જે આટલી બધી વાતો કહી છે, તેમાંથી તમે લોકો એના એક વાળ બરાબર પણ સુધારો ન કરી શકો તેમજ એ લોકોની નિંદા કરવી પણ સારી નથી.
વ્યક્તિ જે કંઈ કાર્ય કરે છે, તે લાચાર બનીને જ કરે છે, તે પ્રકૃતિને અધીન છે. એટલે તમે તમારી જાતને સંભાળો. પોતાની ભીતર જુઓ કે આ બધું પ્રસ્ફુટિત થયું છે કે નહીં. આ જગતમાંથી ભાગ્યા વિના અને ભાગીને મનની ભીતર પ્રવેશ ન કરવાથી મનને શાંતિ મળતી નથી. આ સંસારમાં એમ જ પડી રહેશે. તમારે તેની સમસ્યાનું સમાધાન કરવાનું નથી. સંન્યાસી એ બાજુએથી વધારે સાવધાન રહેશે. પોતાના સિદ્ધાંત વિશે ઘણા દૃઢ રહેશે. ડર શું છે? સિદ્ધાંત સાથે મેળ ન થવાથી બહાર માધુકરી-ભિક્ષા મેળવીને ખાવું. આ પ્રકારની મનમાં દૃઢ શક્તિ જોઈએ.
પ્રશ્ન – મહારાજજી, શું આપના મનની અવસ્થા પહેલેથી જ ઉચ્ચ સ્તર પર રહેતી હતી?
પ્રેમશમહારાજ – અરે, નહીં નહીં! હું બાળપણમાં શાંત હતો એટલે બધા લોકો મને સાધુબાબા કહેતા. પરંતુ ઘરમાં મને ભગવાન ગોવિંદજીની સેવા કરવાનો સુઅવસર મળ્યો હતો. પાંદડાંની આંખો બનાવીને, એમાં ચંદનથી આંખોની કીકી બનાવ્યા કરતો. સવારે અગિયાર વાગ્યા સુધી આ બધાં કાર્યોમાં સમય વિતાવતો. મારા ભાઈએ જીવનમાં મને એક વાર જ યોગ્ય સમયે સંધ્યા કરવાનું કહ્યું હતું.
સાધુઓના પૂર્વાશ્રમ વિશે કેટલું સાવધાન રહેવું પડે છે! હું મારાં ભાભીજી પર ઘણાં શ્રદ્ધા-વિશ્વાસ રાખતો. તેઓ મઠમાં આવ્યાં હતાં. તેઓ મને પહેલાં ‘આપ’ કહીને વાત કરતાં. ત્યાર પછી એમણે અચાનક ‘તમે’ કહીને આશીર્વાદની મુદ્રામાં મારા માથા પર હાથ રાખ્યો. જો કે તેઓ વૃદ્ધ હતાં, પરંતુ બીજા લોકો શું વિચારશે, એમ વિચારીને હું સંકોચમાં પડી ગયો. એક વાર મઠમાં એક બ્રહ્મચારીને બે મહિલાઓ સાથે વાતચીત કરતાં જોઈ ગયો. એમાંથી એક યુવતી યુવાન હતી. લોકો આલોચના કરવા લાગ્યા. પછી ખબર પડી કે એ બન્ને સ્ત્રીઓ તેનાં મા અને બહેન હતાં. એટલે સાધુઓએ આવી રીતે રહેવું પડે કે જેથી લોકો એમના વિશે શંકા ન કરી શકે.
(ક્રમશ:)
Your Content Goes Here




